પ્રાચીન ભારતમાં કર્મ આધારિત ચાર વર્ણ હતા, પરંતુ જેમ જેમ મનુષ્યએ પ્રગતિ કરી તેમ તેમ વર્ણો, વર્ગોમાં વિભાજિત થતા ગયા અને જેને ગાઈવગાડીને પોંખવામાં આવે છે તે પશ્ચિમી દેશોએ જ માનવ માનવ વચ્ચે ભેદભાવની ભૂંડી આધારશિલા રાખી હતી. ભારતમાં જ નહિ જ્યાં જ્યાં અંગ્રેજોએ શાસન કર્યું છે ત્યાં ત્યાં મેલી મથરાવટીને કારણે અંગ્રેજોએ જ વર્ગભેદ-વર્ણભેદની નીતિ અપનાવી હતી. એટલે સુધી કે અમેરિકાની ઓળખ એટલે ગુલામોનો વેપારી દેશ તરીકે પ્રસ્થાપિત થઇ ગઈ હતી, લગભગ બે સદી સુધી ગુલામી પ્રથા હતી, જેમાં શ્વેત અમેરિકનો અશ્વેત અમેરિકનોને ગુલામ તરીકે રાખતા હતા.
ખૈર, હવે આ પરિસ્થિતિ રહી નથી અને આખું વિશ્વ આવા અધ્યાયો ભૂલી ચૂક્યું છે. પહેલી મે ગુજરાત દિવસ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ (મજૂર દિવસ) અથવા મે દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજે એ વર્ગ જે આખા વિશ્વનો આધાર છે તે મજૂરવર્ગ એકાએક ગાયબ થઇ જાય, તો અસર એ થાય કે કૃષિ, પરિવહન, સ્વચ્છતા અને ઉત્પાદન ક્ષેત્રનું, વૈશ્વિક અર્થતંત્રનું તાત્કાલિક વિનાશક પતન થાય. ખાદ્ય ઉત્પાદન બંધ થઈ જાય, પુરવઠા શૃંખલા તૂટી જાય અને આવશ્યક માળખાગત સુવિધાઓ નિષ્ફળ જાય. ખોરાક, ઊર્જા અને માલસામાનની વ્યાપક અછત સર્જાય, જેના કારણે વ્યવસાયો બંધ થાય. કામદારો વિના, પરિવહન પ્રણાલીઓ, પાવર ગ્રીડ અને સ્વચ્છતા સેવા જેવાં કામ કરવાનું બંધ થાય. દરેકેદરેક સેવાઓમાં કટોકટી સર્જાય. ટૂંકા અને લાંબા ગાળે અતિ ફુગાવો, હતાશા, જરૂરિયાતોની અછત કિંમતોમાં ભારે વધારો કરે.
કેટલાક એવી દલીલ કરે કે અદ્યતન ઓટોમેશન મજૂરોની ખાલી જગ્યા ભરી શકે છે, તો તેનું તાત્કાલિક પરિણામ એક બિનટકાઉ, અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં પરિણમશે જેમાં માનવ સમાજનું સંપૂર્ણ પુનર્ગઠન જરૂરી બનશે. મજૂરવર્ગ(અકુશળ/મેન્યુઅલ કામદારો)નું અચાનક અદૃશ્ય થવાથી તાત્કાલિક, વિનાશક પ્રણાલીગત પતન થશે, જેમાં સ્વચ્છતા, બાંધકામ અને પુરવઠા શૃંખલા જેવી આવશ્યક સેવાઓ બંધ થઈ જશે. મૂડીધારકો માટે એક વિકલ્પ છે કે સ્વ-ડ્રાઇવિંગ, રોબોટિક અથવા AI-સંચાલિત ઉત્પાદન જેવા ઝડપી ઓટોમેશન તરફ વળી શકાય, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે લેબર-મજૂર તો જોઈશે જ. વળી, આ સુવિધા ખૂબ જ મર્યાદિત લોકો મેળવી શકે, દરેકનું ગજું નહિ. સૌથી મોટું પરિવર્તન તો વર્ગોમાં આવી શકે, મધ્યમ વર્ગને મજૂરની ભૂમિકા ભજવવાની ફરજ પાડવામાં આવી શકે છે.
એક બાબત નોંધનીય છે તે, શ્રમવર્ગ એ કામદાર વર્ગ નથી. કામદાર વર્ગ અને મજૂર વર્ગ શબ્દો ઘણીવાર એકબીજાના પર્યાય રૂપે વાપરવામાં આવે છે, પરંતુ સલામતી અને આર્થિક સ્થિતિ બાબતે બંને વચ્ચે ભેદ છે. `કામદાર વર્ગ' સામાન્ય રીતે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ વેતન માટે પોતાનો શ્રમ વેચે છે, જ્યારે `શ્રમવર્ગ' અથવા મજૂરો ખાસ કરીને મેન્યુઅલ, કલાક દીઠ અથવા અનૌપચારિક કામદારોનો ઉલ્લેખ કરે છે. કામદાર વર્ગમાં એવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમને સીધા ઉત્પાદનનાં સાધનો પકડવાં નથી પડતાં, તેઓ વેતન પર આધાર રાખે છે, જે ઔદ્યોગિક કામદારોથી લઈને સેવા કર્મચારીઓ સુધીની વિશાળ શ્રેણીનાં કામોને આવરી લે છે.
જ્યારે કામદાર વર્ગના વ્યક્તિઓ વધુ વેતન મેળવી શકે છે, ત્યારે મજૂરવર્ગ ઘણીવાર ગરીબીરેખાની નજીક સંઘર્ષ કરે છે. કેટલાક સૂચવે છે કે `કામદાર વર્ગ' એક જૂનો શબ્દ છે, જે નિર્દેશિત કરે છે કે પગાર માટે કામ કરતી લગભગ દરેક વ્યક્તિ એક જ વર્ગનો ભાગ છે. માર્ક્સવાદી સિદ્ધાંત ભાર મૂકે છે કે બંને આખરે એક જ જૂથનો ભાગ છે. મજૂર વર્ગ/મજૂરો વારંવાર મેન્યુઅલ, `બ્લૂ-કોલર' કામદારો અથવા અનૌપચારિક ક્ષેત્રમાં સ્થિર રોજગાર વિનાના લોકો માટે વપરાય છે, જે અનિશ્ચિતતા અથવા અસ્થિરતાનો સામનો કરે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો