તમે ક્યારેય તમારા વિશે ગૂગલ પર અથવા તો જેમિનાઇ, ચેટજીપીટી કે બીજા કોઇ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર સર્ચ કર્યું છે? કર્યું જ હશે. મોટાભાગના લોકોએ સર્ચ એન્જિનમાં પોતાનું નામ લખીને પોતાના વિશે સર્ચ કર્યું હોય છે. આપણા વિશે નેટ જગતમાં કંઇ છે કે નહીં એ જાણવાની ઇચ્છા દરેકને હોય છે. પોતાના વિશેના સર્ચને મનોવિજ્ઞાનની ભાષામાં ઇગો સર્ફિંગ અથવા તો વેનિટી સર્ચિંગ કહેવામાં આવે છે. માણસ એક સ્થળે ચેક કરીને પછી બીજા પ્લેટફોર્મ પર પણ ચેક કરે છે. બંનેની સરખામણી પણ કરે છે કે, બેમાંથી કયા પ્લેટફોર્મ પર મારા વિશે વધુ અથવા સારી વિગતો છે. સેલિબ્રિટીઓ પોતાની પોપ્યુલારિટી પર વિશેષ ધ્યાન આપતી હોય છે. એ ઇન્ટરનેટ પર જાણીજોઇને એવી વિગતો મુકાવતી હોય છે કે કોઇ સર્ચ કરે તો પોતાના વિશે તમામ માહિતી મળે. એઆઇ નહોતું એ પહેલાં ગૂગલ અને બીજા સર્ચ એન્જિન પર કોઇ સર્ચ કરે તો સૌથી પહેલાં પોતાના વિશેની વિગતો આવે એના માટેની ગોઠવણો પણ કરવામાં આવતી હતી. આજના સમયમાં દરેક માણસ કંઇ નહીં તો છેલ્લે સોશિયલ મીડિયાનો ઉપયોગ તો કરતો જ હોય છે. તમે તમારા વિશે સર્ચ આપો એટલે તમારા ફોટા સાથેની સોશિયલ મીડિયાની વિગતો તો દેખાવાની જ છે. તમે જો જોબ કરતા હોવ તો એની નોંધ પણ કંપનીની પ્રોફાઇલમાં હોવાની છે. મતલબ સર્ચ કર્યા પછી તમારું નામ સ્ક્રીન પર ઝળકવાનું જ છે. પોતાનું નામ સ્ક્રીન પર જોઇને દરેક વ્યક્તિને મજા આવતી હોય છે. માણસ અંતે તો સ્વકેન્દ્રી હોય છે. આપણો સ્વભાવ આપણી આસપાસ જ ફરતો હોય છે. કોણ આપણા વિશે શું વાત કરે છે? કોણ આપણી પાછળ શું બોલે છે? એ જાણવામાં આપણને રસ હોય જ છે. આપણા વિશે હકારાત્મક વાત સ્ક્રીન પર વાંચીને આપણા શરીરમાં હેપી હોર્મોન્સ ડોપામાઇનનો સ્રાવ થાય છે. એ આપણને ખુશી આપે છે. આપણા નજીકના લોકો આપણા બર્થડે અથવા તો બીજા કોઇ પ્રસંગે આપણા વિશે પોસ્ટ મૂકતા હોય છે. આપણે કોઇ સફળતા મેળવી હોય તો લોકો ફોટા મૂકીને અભિનંદન આપે છે. આવું બધું સરવાળે આપણને આનંદ આપતું હોય છે. કોઇ ભલે એવી વાતો કરે કે, સોશિયલ મીડિયા પર કોઇ આપણા વિશે લખે કે ન લખે, શું ફેર પડે છે? સાચી વાત એ છે કે, બધાને ફેર પડતો હોય છે. બધાને જોઇતું હોય છે કે, કોઇ એનાં વખાણ કરે, એના વિશે સારું બોલે. આ જ પ્રકૃતિ માણસને પોતાના વિશે સર્ચ કરવા સુધી લઇ જાય છે.
સેલ્ફ સર્ચ વિશે નિષ્ણાતોનું કહેવું છે કે, પોતાના વિશે સર્ચ કરવું એ કોઇ સામાન્ય ક્રિયા નથી. તેની પાછળ ઊંડું મનોવિજ્ઞાન, ડિજિટલ આઇડેન્ટિટીની ચિંતા, સામાજિક સ્વીકૃતિની ભાવના અને કુતૂહલવૃત્તિ કામ કરે છે. આજના સમયમાં માણસની બે ઓળખ છે. એક તો ભૌતિક એટલે કે માણસ જે છે એ અને બીજી છે ડિજિટલ ઓળખ. દરેક માણસ ડિજિટલ વર્લ્ડમાં પોતાનો પ્રભાવ ઇચ્છે છે. માણસ ફોલો પણ એને જ કરે છે જેના ફોલોઅર્સ વધારે હોય છે. કોઇ પણ હોય માણસ પહેલાં એ જુએ છે કે, એના ફોલોઅર્સ કોણ છે? કેટલાક તો એ પણ ચેક કરે છે કે, એના જે ફોલોઅર્સ છે એ કેવા માણસો છે. એના આધારે માણસ સામેવાળી વ્યક્તિની લાયકાત નક્કી કરે છે. ડિજિટલ પ્રેઝન્સ વધારવા માટે લોકો રૂપિયા પણ ખર્ચવા લાગ્યા છે. માણસને એ વાતની પણ ફિકર છે કે, કોઇ મારા વિશે સર્ચ કરે તો તેને સારી વિગતો મળે. એના કારણે એ પોતાની ડિજિટલ ફૂટપ્રિન્ટ તૈયાર કરે છે. આવું કરીને માણસને સામાજિક સ્વીકૃતિ અને માન્યતા જોઇતી હોય છે. કેટલાક લોકો એ ભયના કારણે પણ પોતાના વિશે સર્ચ કરે છે કે, કોઇએ મારા વિશે ખોટી વિગતો તો ફેલાવી નથીને? મારા નામે કોઇ વિવાદ તો ચડેલો નથીને? જો એવું હોય તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી એ હટાવવા માટે પણ લોકો ધમપછાડા કરે છે.
પર્સનલ ઉપરાંત પ્રોફેશનલ પર્પઝ માટે પણ સેલ્ફ સર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકો બિઝનેસ કરે છે એ પોતાની કંપનીનાં નામ, કામ અને ઇમેજ વિશે સર્ચ કરતા રહે છે. હવે તો કંપનીઓ કોઇ માણસને જોબ આપતા પહેલાં પણ તેના વિશેની ઓનલાઇન વિગતો જાણી લે છે. સોશિયલ મીડિયા પર એ વ્યક્તિ કેવા ફોટા મૂકે છે અને શું લખે છે તેના પરથી નક્કી કરવામાં આવે છે કે, તેને નોકરીએ રાખવો કે નહીં. જેને નોકરી જોઇએ છે એ પણ કોઇ કંપનીમાં એપ્લાય કરતા પહેલાં એ જોઇ લે છે કે, એ કંપનીમાં જવા જેવું છે કે નહીં?
સેલ્ફ સર્ચ અંગેના એક રિસર્ચમાં એ રસપ્રદ વાત પણ બહાર આવી છે કે, લોકોને પોતાના નામેરી કેટલા છે અને એ લોકો શું કરે છે એ જાણવામાં પણ રસ હોય છે. આપણું નામ અને અટક હોય એ જ નામ અને અટક ધરાવનારી બીજી વ્યક્તિ હોય તો આપણને એનામાં રસ પડવાનો જ છે.
કેટલાક લોકો પોતાના નામેરીનો સંપર્ક પણ કરે છે. બીજી એક વાત એ પણ છે કે, નાર્સિસ્ટ લોકો વારંવાર ડિજિટલ વર્લ્ડમાં પોતાનું નામ મૂકીને ચેક કરતા રહે છે કે, આપણા વિશે શું ચાલે છે. એવા લોકો એવું પણ ઇચ્છે છે કે, કાર્યક્રમ હોય ત્યારે લોકો તેની સાથે સેલ્ફી લેવા કે ફોટા પડાવવા આવે અને એ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરે. કેટલીક સેલિબ્રિટીઓ તો બિન્ધાસ્ત પોતાના ફેન લોકોને કહે છે કે, મારી સાથેની સેલ્ફી મૂકજો અને મને ટેગ પણ કરજો.
તમે જો પોતાનું નામ ગૂગલ કે એઆઇ પર ચેક કર્યું હોય તો માનજો કે તમે એકલા જ એવા નથી. મોટાભાગના લોકોએ એવું કર્યું હોય છે. પ્યૂ રિસર્ચ સેન્ટરે ડિજિટલ આઇડેન્ટિટી વિશે મોટા પાયે એક સરવે કર્યો હતો. તેમાં એવું જાણવા મળ્યું હતું કે, 80 ટકાથી વધુ ઇન્ટરનેટ યૂઝર્સે ક્યારેક ને ક્યારેક પોતાનું નામ સર્ચ કર્યું જ હોય છે. અગાઉના સમયમાં આ પ્રમાણ ઓછું હતું, પણ જેમ જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો ગયો એમ એમ લોકોમાં પોતાના વિશે સર્ચ કરવાની વૃત્તિ વધતી ગઇ હતી. જર્નલ ઓફ સાયબર સાઇકોલોજીના એક અભ્યાસમાં એવું જણાવાયું છે કે, માણસની સાયબર ઘેલછા સતત વધતી રહી છે. લોકો ફેક પ્રોફાઇલના આધારે પણ પોતાની રિચ વધારવાના પ્રયાસો કરે છે. જે લોકો ઓલરેડી પોપ્યુલર છે એ પણ પોતાના વિશેની વિગતો શેર કરતા રહે છે. બાકી એલન મસ્ક જેવા દુનિયાના સૌથી ઘનાઢ્ય વ્યક્તિ કે અમિતાભ બચ્ચન જેવા લોકોને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાની શું જરૂર છે? કેટલીક સેલિબ્રિટીઝ એવું પણ માને છે કે જો આપણે નેટ વર્લ્ડમાં નહીં રહીએ તો લોકો આપણને ભૂલી જશે. આપણે ખોવાઇ જઈશું.
સેલ્ફ સર્ચિંગનો એક કિસ્સો તો ખૂબ જ રસપ્રદ છે. અમેરિકાના એક ભાઇના નામનો જ એક ગેંગસ્ટર હતો. તેણે પોતાના નામનું સર્ચ કર્યું તો એની અને પેલા ગેંગસ્ટરની વિગતોની ભેળસેળ થઇ ગઇ હતા. પોતાની વિગતો જુદી કરવા માટે અને એ ગેંગસ્ટર હું નથી અને મારે તેની સાથે કંઇ લેવાદેવા નથી એ સાબિત કરવા માટે તેણે અદાલતનો આશરો લીધો હતો. બધું ઓકે થયું નહીં ત્યાં સુધી એ લડતો રહ્યો. તેણે કહ્યું કે, આખરે આ મારી ઇમેજનો સવાલ છે.
સેલ્ફ સર્ચનો સૌથી મોટો ફાયદો એ છે કે, કોઇ આપણા નામનું ફેક આઇડી બનાવીને કંઇ કરતા હોય તો આપણને ખબર પડી જાય છે. પોતાના નામે કોઇ ખોટી માહિતી કે વિગતો હોય તો જે તે પ્લેટફોર્મને રિક્વેસ્ટ કરીને હટાવી શકાય છે. સેલ્ફ સર્ચ સામે સાઇકોલોજિસ્ટો લોકોને સાવધાન પણ કરે છે કે, ક્યારેક તમે પોતાના વિશે સર્ચ કરો તેમાં કંઇ વાંધો નથી, પણ જો સતત એવું કરતા હોવ તો બંધ કરી દેજો. પોતાની બહુ મોટી ઓળખ નથી એવું વિચારીને ડિપ્રેશનનો ભોગ પણ બનવાનું જોખમ છે. જસ્ટ ફોર ફન સેલ્ફ સર્ચ કરો, બાકી એમાં બહુ પડવા જેવું નથી.
પેશ-એ-ખિદમત
કોઈ દર્દ હૈ જો અભી દવા નહીં હો સકા,
વો બિછડ ગયા હૈ મગર જુદા નહીં હો સકા,
તેરે બાદ ફિર મેરી મૌસમૌં સે બની નહીં,
તેરે બાદ મૈં કભી ફિર હરા નહીં હો સકા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો