ઋતુચક્ર મુજબ આપણે ત્યાં ત્રણ સીઝન છે: શિયાળો, ઉનાળો અને ચોમાસુ. એમાં આપણે ચોથી સીઝન ઉમેરી દીધી છે. એ છે મેરેજ સીઝન. આ મેરેજ સીઝન કુદરતના નિયમ મુજબ નહીં પણ `પંચાંગ પંડિતો' દ્વારા કાઢવામાં મુહૂર્ત મુજબ વર્ષમાં ગમે ત્યારે પ્રગટ થતી હોય છે. આમ તો ગાળો બોલવી એ સારું કામ નથી, પણ મેરેજ સીઝનને આપણે હોંશે હોંશે `લગનગાળો' કહીએ છીએ અને આ `ગાળો' આપણે મસ્તીથી એન્જોય પણ કરીએ છીએ. આપણે ત્યાં લગ્ન એ માત્ર રસમ નથી, એ એક પ્રસંગ છે.એટલે જ આપણે લગ્નને માણીએ છીએ અને એમાં મહાલીએ પણ છીએ.
લગ્ન નામની ઘટનાનું આપણી જિંદગીમાં ખૂબ મહત્ત્વ છે અને એટલે લગ્નપ્રસંગ પર અનેક ફિલ્મો, સીરિયલો, નાટકો, ગીતો, જોક્સ બનતા રહ્યાં છે અને બનતા રહેશે. લગ્ન નામના પ્રસંગે એવી એવી `ભેદી અને ગેબી' ઘટનાઓ ઘટતી હોય છે જે ખૂબ જ જોરદાર અને યાદગાર હોય છે. આવી જ કેટલીક મોજ પડી જાય એવી ઘટનાઓ આજે `વાગોળવી' છે.
મારા એક મિત્રનાં લગ્ન મોટી હોટલમાં રાખવામાં આવ્યાં હતાં. વરરાજાને તૈયાર થવા જે રૂમ આપ્યો હતો ત્યાં વરરાજા સાથે અમે મિત્રો તૈયાર થતા હતા. મારો વરરાજો મિત્ર શેરવાની, સાફો પહેરી તૈયાર થયો હતો. મોજડી પહેરતા પહેલાં એ પગ ધોવા બાથરૂમમાં ગયો. ફાઇવસ્ટાર હોટલના બાથરૂમ એવા હાઇ-ફાઈ નળ અને કૉક લગાડેલા હતા કે મારો મિત્ર કન્ફ્યૂઝ થઈ ગયો. એણે પગ ધોવા માટે નળ ચાલુ કરવા બે-ત્રણ કૉક ધુમાવ્યા. એને લીધે નળ તો ચાલુ ન થયો પણ ઉપર, નીચે, ડાબે જમણેથી જોરદાર રીતે શાવર ચાલુ થઈ ગયા. અમારો વરરાજો `ભીનો ભસ્સ' થઈ ગયો. શેરવાની-સાફો સજ્જ દુલ્હો પલાળેલા કૂકડા જેવો થઈ ગયો અને રાડારાડી કરતો, અહીં લખાય નહીં એવા શબ્દો બોલતો બાથરૂમમાંથી બહાર આવ્યો. પછી અમે ફટાફટ ભાડાના લુગડા મંગાવ્યા અને એનાં લગન કરાવ્યાં.
ઘણીવાર એક જ દિવસે ઢગલાબંધ લગનો ગોઠવાયેલાં હોય છે અને લગ્ન કરાવનારા ગોરમહારાજો એકથી વધારે પાર્ટીઓના બુકિંગ લઈ લેતા હોય છે. પછી ટાઇમસર પહોંચી ન શકે એટલે ક્યારેક મુહૂર્ત સાચવવા યજમાનને જાણ કરી એમના આસિસ્ટન્ટને મોકલી આપતા હોય છે. આવા જ પ્રકારના સંજોગોમાં એક જગ્યાએ ગોરમહારાજે પોતાના આસિસ્ટન્ટને દોડાવ્યો હતો, પણ ઘાઈ ઘાઈમાં આસિસ્ટન્ટ ગોરમહારાજ એડ્રેસમાં ગોથે ચડ્યો અને કોઈ બીજા જ યજમાનના ઘરે લગન કરાવવા પહોંચી ગયો અને ફટાફટ વિધિ કરાવવા માંડ્યો હતો. પછી અડધી વિધિએ ખબર પડેલી કે આસિસ્ટન્ટ ગોરમહારાજ તો ભળતી પાર્ટીના ઘરે મંગળાષ્ટક ગાઈ રહ્યા છે, પણ યજમાને `સ્પોર્ટ્સમેન સ્પિરિટ' દેખાડી હસતાં હસતાં એને યથાયોગ્ય દક્ષિણા આપી વિદાય કર્યા.
એક વખત અમારે જ્યાં જાન લઈને જવાનું હતું તે ખૂબ મોટી સોસાયટી હતી. જેમાં એકસરખા દેખાતા અઢળક બંગલાઓ હતા. બધી ગલીઓ પણ સરખી દેખાતી હતી. એ દિવસે સોસાયટીમાં એકસાથે ત્રણ લગ્નો હતાં. એ વખતે મોબાઈલનો જમાનો નહોતો એટલે અમે સોસાયટીના નામે બેન્ડવાજાં સાથે જાન લઈ પહોંચી ગયા. ત્યાં અમે ગલીમાં ગોથે ચડ્યા અને એકદમ સરખા દેખાતા કોઈ બીજા જ બંગલાની બહાર, કોઈ બીજાના માંડવે જઈ નાચવા માંડ્યા અને ફટાકડા ફોડવા માંડ્યા. થોડીવાર તો ધમાચકડી ચાલી, પણ પછી બંને વેવાઈ પક્ષોને ખ્યાલ આવ્યો કે, `દયા, કુછ તો ગરબડ હૈ'. ભૂલ સમજાતાં બધા ભોંઠા પડ્યા અને હસતા હસતા છૂટા પડ્યા અને અમે સાચી ગલીમાં, સાચા માંડવે પહોંચ્યા.
એક લગ્નમાં ગોરમહારાજ એકદમ `ફાસમફાસ' અને ગરબડિયા ઉચ્ચારો સાથે મંત્રો બોલતા હતા એ સાંભળી વરપક્ષના એક વડીલ ખિજાયા અને તાડૂક્યા `ગોરમહારાજ, સરખી રીતે મંત્રો બોલો. તમે ખોટી રીતે મંત્રોચ્ચાર કરી રહ્યા છો.' આ સાંભળી ગોરમહારાજે પેલા વડીલને ચોપડાવી, `તમને સારું આવડતું હોય તો તમે મંત્રો બોલો.' લગ્નમંડપમાં સોપો પડી ગયો. લગ્નની વિધિ અટકી ગઈ, પણ બધાના આશ્ચર્ય વચ્ચે પેલા વડીલે ગોરમહારાજની ચેલેન્જ સ્વીકારી લીધી અને શુદ્ધ, સ્પષ્ટ ઉચ્ચારો સાથે મંત્રો બોલવા માંડ્યા. આ સાંભળી બધા `છક્ક' થઈ ગયા. થોડીવારમાં ગોરમહારાજે પણ વડીલના જ્ઞાનને વધાવી લીધું પછી બંનેએ સરસ રીતે લગ્નની વિધિ પૂર્ણ કરી. બધું પત્યા પછી લોકોને ખબર પડી કે પેલા વડીલ સંસ્કૃત પાઠશાળાના નિવૃત્ત પ્રિન્સિપાલ હતા.
બોલો, તમને લગ્નના આવા અવનવા પ્રસંગો યાદ છે?