અલબત્ત, દાદાનો વારસો ન મળે તો પૌત્ર-પૌત્રીઓ ભૂખે મરે એ જરૂરી નથી, પરંતુ સોફિયાનું ગણિત સાદું હતું: આપણા હકના પૈસાના જોરે અન્ય લોકો તાગડધિન્ના કરે એવું થોડું ચાલે?
ટોલ્સ્ટોય અને સોફિયા વચ્ચે ઝઘડા તો લાંબા સમયથી ચાલી રહ્યા હતા, પરંતુ 1910ની 27 ઓક્ટોબરની રાતે મોટો વિખવાદ થયો ત્યારબાદ ટોલ્સ્ટોય ઘર છોડી ગયા.
આ ઘટનાનું એક વર્ઝન એવું છે કે 27 ઓક્ટોબરની રાતે ટોલ્સ્ટોયે જોયું કે પત્ની એમના કાગળિયાં ફેંદી રહી હતી (વસિયતનામામાં ફેરફારો કરાયા છે કે નહીં, કેવા ફેરફારો કરાયા છે એ ચકાસી રહી હતી) ત્યારે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. પછી બંને પોતપોતાના રૂમમાં સૂવા જતાં રહ્યાં. ઘટનાનું બીજું વર્ઝન એવું છે કે રાતે ત્રણ વાગ્યે ટોલ્સ્ટોયે દરવાજાની તિરાડમાંથી જોયું કે પત્ની સોફિયા એમના (ટોલ્સ્ટોયના) ડ્રોઅરમાંનાં કાગળિયાં તપાસી રહ્યાં હતાં. પછી સોફિયાને કશું કહેવાને બદલે ટોલ્સ્ટોય પોતાના કમરામાં બેચેનીપૂર્વક આંટા મારતા રહ્યા. એમના ચાલવાનો અવાજ સાંભળીને અને કમરામાં પ્રકાશ જોઈને સોફિયા ટોલ્સ્ટોયના કમરામાં આવ્યાં. ટોલ્સ્ટોયે કાગળ ફેંદવા વિશે કશું જ ન કહ્યું. એમણે કેવળ એટલું કહ્યું કે, `મારે જે દવા લેવાની હતી એ મેં લઈ લીધી. હવે તું સૂઈ જા.'
એકમેકની દરકાર કરનારાં કોઈ પણ વૃદ્ધ પતિ-પત્ની વચ્ચે સાંભળવા મળી શકે એવો આ એક અત્યંત સ્વાભાવિક સંવાદ હતો. પરસ્પર વાતચીત કરવાની એમની વચ્ચેની આ છેલ્લી ઘટના હતી.
સવારે સોફિયા ઊઠ્યાં ત્યારે ટોલ્સ્ટોય ઘરમાં નહોતા. ઘરમાં એક ચિઠ્ઠી એ મૂકતા ગયા હતા, જેમાંના કેટલાક અંશ આ પ્રમાણે હતાઃ `મારા જવાથી તમને દુઃખ થશે. એ બદલ મને ખેદ છે, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ઘરમાં મારી સ્થિતિ અસહ્ય બની રહી છે. બીજું બધું તો ઠીક, હું જે પ્રકારનું વૈભવી જીવન જીવી રહ્યો છું એ હવે હું જીવી શકું નહીં. મારી ઉંમરના વૃદ્ધો સામાન્ય રીતે જે કરે એ હું કરી રહ્યો છું. સંસાર છોડીને જીવનના છેલ્લા દિવસો શાંત અને એકાંત સ્થળે ગાળવા જઈ રહ્યો છું. મને શોધશો નહીં. જીવનની આપાધાપીથી મારે નિવૃત્ત થઈ જવું જોઈએ. અવિરત મહેમાનો, અવિરત મુલાકાતો, અવિરત સિનેમેટોગ્રાફ ઓપરેટરો. આ બધું મારા જીવનમાં ઝેર ઘોળી રહ્યું છે. સાંસારિક ધમાલમાંથી મારે બહાર નીકળીને રિકવર થવું છે. આ પૃથ્વી પર 82 વર્ષ ગુજારી ચૂકેલાં મારાં મન-શરીર માટે આ (રિકવરી) જરૂરી છે.'
ચિઠ્ઠીમાં એમણે પત્નીનો સ્પષ્ટ-સીધો વાંક નહોતો કાઢ્યો.
ટોલ્સ્ટોય જતા રહ્યા એના આઘાતમાં સોફિયાએ પોતાની જાગીર પરના તળાવમાં ડૂબી મરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમને ઉગારી લેવામાં આવ્યા.
પત્નીને રાતે ત્રણ વાગ્યે સૂવાનું કહ્યા બાદ ટોલ્સ્ટોયે ઘર છોડવાનું નક્કી કરી લીધું. એમણે પોતાના ડોક્ટર મેકોટેવસ્કીને જગાડીને સાથે આવવા કહ્યું. ઓછામાં ઓછો સામાન લઈને લગભગ પાંચેક વાગ્યે ટોલ્સ્ટોય અને ડોક્ટર ઘર છોડીને નીકળ્યા. એ વખતે બહુ ઠંડી હતી અને વરસાદ પણ વરસી રહ્યો હતો. ઉતાવળે નીકળવામાં ટોલ્સ્ટોય પોતાની ટોપી લેવાનું ભૂલી ગયેલા. ટોલ્સ્ટોયે મજૂરોનો ખરબચડો વેશ ધારણ કરેલો. એમણે ટ્રેનના ત્રીજા વર્ગમાં મુસાફરી કરી.
ટોલ્સ્ટોયના ગૃહત્યાગની જાણ મીડિયાને તરત થઈ. પ્રેસવાળાઓ ટોલ્સ્ટોયનો પીછો કરવામાં લાગી ગયા. લગભગ બે દિવસની ટ્રેનયાત્રા બાદ ટોલ્સ્ટોય શેમોર્ડિનો કોન્વેન્ટ ખાતે એમની પ્યારી બહેન મારિયાને મળવા ગયા. મારિયા ત્યાં સાધ્વી તરીકે રહેતી હતી. ટોલ્સ્ટોય ત્યાં વધુ ન રોકાયા. એક દિવસના રોકાણ બાદ એ બહેનની વિદાય લઈને ફરી ટ્રેન પકડીને આગળ વધ્યા. (કદાચ પીછો કરી રહેલા પત્રકારોથી પિંડ છોડાવવા એ ભાગ્યા.) કહેવાય છે કે એમનો વિચાર તો દૂર કોકેસસ પ્રદેશ સુધી જવાનો હતો અને
ત્યાં કોઈ શાંત સ્થળે એ વિરામ કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ ટ્રેનની એ બીજી વારની, ફરી ત્રીજા વર્ગની યાત્રા દરમિયાન ટોલ્સ્ટોયને ખૂબ તાવ ચડ્યો અને ઠંડી ચડી. ડોક્ટર મેકોટેવસ્કી સાથે જ હતા. એમણે તાત્કાલિક ટ્રેન છોડવાનું નક્કી કર્યું અને એસ્ટાપોવો નામના એક અંતરિયાળ સ્ટેશને તેઓ ઊતરી ગયા.
ત્યાં સુધીમાં ટોલ્સ્ટોયને ઘર છોડ્યાને પાંચ દિવસ વીતી ચૂક્યા હતા. એસ્ટાપોવોના સ્ટેશન માસ્તર ઇવાન ઓઝોલિને સ્ટેશનની સાવ નજીકના ચાર કમરાના ઘરમાં ટોલ્સ્ટોયના રહેવા માટેની ગોઠવણ કરી આપી. પછીના પાંચ દિવસ દરમિયાન નવેમ્બરની બીજીથી છઠ્ઠી તારીખ દરમિયાન ટોલ્સ્ટોયનાં કેટલાંક સંતાનો તથા સોફિયા એસ્ટાપોવો પહોંચ્યાં. સોફિયા ચાર્ટર્ડ ટ્રેન કરીને પહોંચ્યા હોવાનું કહેવાય છે.
સોફિયાને પતિની ભાળ મળી એ પહેલાં ટોલ્સ્ટોયના નિકટના મિત્ર અને આર્થિક સલાહકાર એવા વ્લાદિમીરે તથા ટોલ્સ્ટોયની નાની દીકરી એલેક્ઝાન્ડ્રાએ એસ્ટાપોવો પહોંચીને ટોલ્સ્ટોય પર કબજો જમાવી લીધો. ઘરમાં ઘૂસવા માગતા પત્રકારોને છેટા રાખવા ઉપરાંત એ બંનેએ મિત્ર તથા પુત્રીએ ટોલ્સ્ટોયનાં પત્ની સોફિયાને પણ ઘરમાં પ્રવેશ ન આપ્યો. એમણે એવું કારણ આપ્યું કે તમને (સોફિયાને) જોઈને એ અકળાશે અને એમની તબિયત પર માઠી અસર પડશે.
સાચું તો એ જ હતું કે લગ્નજીવનનાં 48 વર્ષ દરમિયાન ટોલ્સ્ટોયની સૌથી વધુ સંભાળ સોફિયાએ લીધી હતી અને માંદગીમાં ચાકરી કરવા બાબતે સોફિયા સૌથી લાયક વ્યક્તિ હતાં, પરંતુ એલેક્ઝાન્ડ્રા અને વ્લાદિમીરે સોફિયાને ટોલ્સ્ટોય પાસે ન જવાં દીધાં તે ન જ જવાં દીધાં.
સોફિયાએ સ્ટેશન નજીક ટ્રેનના એક ખાલી ડબ્બામાં ઉતારો મેળવ્યો. સોફિયા આખો દિવસ એ ડબ્બામાં બેસીને કે બહાર ફરતાં ફરતાં પતિને જ્યાં રાખવામાં આવેલા એ ઘરને જોતાં રહ્યાં.
સમગ્રપણે ત્યાંનો માહોલ અંધાધૂંધીનો હતો. રશિયાના સૌથી મહાન સાહિત્યકારની માંદગીના સમાચાર ફેલાયા બાદ દૂરદૂરથી પત્રકારો અને ચાહકો મોટી સંખ્યામાં એસ્ટાપોવો ખાતે પહોંચ્યા હતા. એ સૌ ટોલ્સ્ટોયને મળવા-જોવા માગતા હતા, પરંતુ કોઈને ઘરમાં પ્રવેશ નહોતો આપવામાં આવી રહ્યો.
ટોલ્સ્ટોયની હાલત વધુ ને વધુ કથળી રહી હતી. ફેફસાંમાં પાણી-કફ ભરાયાં હતાં. ઓસ્ટાપોવો ખાતેના રોકાણના પાંચમા દિવસે ટોલ્સ્ટોય બેહોશીમાં સરી પડ્યા. સૌને લાગ્યું કે અંતિમ સમય આવી પહોંચ્યો છે. એ વખતે સોફિયાને ટોલ્સ્ટોય પાસે જવા દેવામાં આવ્યા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો