આપણે ત્યાં બારે મહિના ઉપયોગમાં આવતું `આદું' એ સૌનું પરિચિત ઔષધ છે. આનો મુરબ્બો, અથાણું, ચટણી, રાયતું, દાળ, ચા, મસાલા ઇત્યાદિમાં અનેક પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે.
આદું એ એક ઉત્તમ આયુર્વેદિક ઔષધ છે. પક્વ આદુંને સૂકવવાથી સૂંઠ બને છે અને આદું કરતાં આ સૂંઠ વધારે તીક્ષ્ણ હોય છે. ગુજરાતમાં ધોળકા અને શામળાજીનું આદું પ્રખ્યાત છે. આદું બે પ્રકારનાં હોય છે. એક રેસાવાળું અને બીજું રેસા વગરનું. ઉત્તમ આદું રેસા વગરનું અને પ્રમાણમાં મોટી ગાંઠવાળું ગણાય છે.
આયુર્વેદના ગ્રંથોમાં સૂંઠ અને આદુંની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી છે. આદું કરતાં સૂંઠના ગુણધર્મો થોડા ભિન્ન હોય છે. છતાં પણ આદું અને સૂંઠના બાકીના ગુણધર્મો એકસરખા હોવાથી એકની જગ્યાએ બીજું વાપરી શકાય. આદું વિશે એક જગ્યાએ આયુર્વેદના ગ્રંથમાં આ પ્રમાણે લખાયું છે.
વાત પિત્ત કફમાનાં શરીર વનચારીણાં ।
એક એવં નિહંત્યત્રં લવણાર્દ્રક કેસરી ॥
એટલે કે વાયુ, પિત્ત અને કફરૂપી હાથી જો શરીર રૂપી વનમાં સ્વચ્છંદતાથી ઘૂમતો હોય તો તેને નિયંત્રિત રાખવા માટે એક જ પરાક્રમી લવણયુક્ત આદુંરૂપે સિંહ પર્યાપ્ત છે.
જમતી વખતે મીઠા સાથે રુચિ પ્રમાણે આદું ખાવું એ અત્યંત સ્વાસ્થ્યવર્ધક પરિપાટી છે. ભોજનમાં અરુચિ, મંદાગ્નિ, મોઢામાં સ્વાદ ન રહેવો, આહારનું યોગ્ય રીતે પાચન ન થવું અને અનેક પ્રકારના વાયુના રોગો માત્ર આદું અને મીઠાના પ્રયોગથી મટાડી શકાય છે.
લવણ મિશ્રિત આદું જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, રુચિ ઉત્પન્ન કરનાર, સ્વાદિષ્ટ, મળને સરકાવનાર અને વાયુ, કફ તથા સોજાનો નાશ કરે છે. જીભને સ્વાદ બતાવનાર તથા આફરો, ગેસ, સંધિવા, માથાનો દુખાવો, કમરદર્દ, શરદી, જુકામ વગેરેમાં હિતકારી છે. આદુંથી આંખની જ્યોતિ વધે છે અને પાચનતંત્ર સુધરે છે. આદું શીત પ્રકૃતિવાળાઓ માટે હિતકારી અને ઉષ્ણ પ્રકૃતિવાળાઓ માટે હાનિકારક છે.
ઉપયોગો
જો તમારા કુટુંબમાં કોઈ પણ સભ્યને ખાંસી, શરદી કે સળેખમની તકલીફ હોય તો આદુંનો રસ એક ચમચી, નાગરવેલના પાનનો રસ એક ચમચી અને મધ એક ચમચી મિશ્ર કરીને દિવસમાં ત્રણ વખત આપવો. બાળકોને અડધી ચમચીની માત્રા રાખવી.
આહારમાં આદુંનો નિત્ય પ્રયોગ અથવા પા ચમચી ખુરાસાની અજમાના ચૂર્ણ સાથે એક ચમચી આદુંનો રસ દિવસમાં ત્રણ વખત લેવાથી પેટના તમામ પ્રકારના કૃમિઓનો નાશ થાય છે.
હાડકાંના સાંધાઓમાં વાયુનો દુખાવો હોય અથવા રૂમેટીઝમ કે આમ વાત હોય તો 100 ગ્રામ આદુંના રસમાં એક જ કળીના લસણની ત્રણ કળી કકડાવીને લાલ બને ત્યારે ઉતારી 10 ગ્રામ ગોળ સાથે ચાવીને ખાઈ જવું. દિવસમાં ત્રણ વખત. સાંધાનો વા અવશ્ય મટી જશે.
કમળો મટી ગયા પછી એક ચમચી ત્રીફળા ચૂર્ણ, બે ચમચી આદુંના રસ સાથે દિવસમાં બે વખત લેવાથી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.