આપણા પાચનતંત્રમાં દાંતનું વિશેષ મહત્ત્વ છે. વ્યક્તિગત સુંદરતામાં પણ તેનું આગવું, અલગ સ્થાન છે, પરંતુ આ દાંતની જો વિશેષ સારસંભાળ કે કાળજી ન લેવામાં આવે તો તેનાથી મોટાભાગના દંતરોગો અને તેના કારણે બીજા શારીરિક રોગો ઉત્પન્ન થતા જોવા મળે છે.
દાંતના રોગો થવા માટેની મુખ્ય પ્રક્રિયા જોઈએ તો, આપણે લીધેલા આહારના અંશો-ટુકડાઓ દાંતની વચ્ચે, અંદર કે પેઢા-મસૂડામાં રહી જાય તો થોડા સમયમાં તે અંશો સડવા લાગે છે. સમયાંતરે પેઢામાં પાક-પરુ ઉત્પન્ન થાય છે. પાક-પરુ થવાથી પેઢાંમાં સોજો આવીને તે ફૂલી જાય છે અને રંગે અધિક લાલ થઇ જાય છે. આ પાક-પરુથી અને આહારના સડેલા અંશોની સતત ખરાબીથી દાંતનું ઉપરનું મજબૂત પડ(ઈનેમલ) ધીરે ધીરે ખવાઈ જઈ, ત્યાં પીળી પોપડી-પડ(પ્લાક અને ટાર્ટર) જામે છે આ પરુ અને પડ ધીમે ધીમે દાંતને ઢીલા કરી નાખે છે. તે અકાળે હલવા, પડવા અથવા સડવા લાગે છે.
આહારમાં ખાંડ તથા મધુર પદાર્થોના અધિક સેવનથી જ આહારના અંશો જલદીથી વિદગ્ધ-ખાટા થવા લાગે છે અને આ વિદગ્ધ અંશો જ દાંતના મોટાભાગના રોગો જેવા કે દાંતમાં પરુ, દાંતના પડ ઘસાઈ જવા, દાંતમાં સડો થવો, પેઢાંઓ ફૂલી જવાં, દાંત પીળા પડી જવા વગેરે જેવા રોગોને ઉત્પન્ન કરે છે.
આવાં કારણોથી પેઢાંમાં સોજો ઉત્પન્ન થાય તો થોડું વાગવાથી, બ્રશિંગ કે દાંતણ કરવાથી અને આંગળી વડે ઘસવાથી પણ પેઢામાંથી રક્તસ્રાવ થાય છે. પછી પેઢાંમાં ધીમે ધીમે સોજો, લાલાશ થાય છે અને પેઢાં પોતાની પકડ ગુમાવી દેતાં દાંતથી થોડા અલગ-જુદા પડી ગયેલાં લાગે છે. આ પ્રારંભિક અવસ્થામાં જો બેદરકારી રાખવામાં આવે તો તેમાં પાક-પરુ થતાં મોઢામાં લાળનો સ્રાવ વધી જાય છે અને મુખવૈરસ્ય (સ્વાદ ન આવવો), મુખદૌર્ગન્ધ્ય (દુર્ગંધ આવવી), ગળામાં સોજો, શિર:શૂળ અને જઠરનો સોજો ઉત્પન્ન થાય છે. આ અવસ્થા જો લાંબો સમય ચાલે તો આમવાતિક શૂળ, પેટના રોગો, સાંધાનો વા, રક્તવિકારો અને ખરજવા જેવા ત્વચાના રોગો થવાની સંભાવના પણ રહે છે.
ઉપચાર
આયુર્વેદમાં દાંતના અનેક રોગો ગણાવાયા છે. એ દરેકનું અહીં નિરૂપણ શક્ય નથી, પરંતુ દંતરોગોના સામાન્ય ઉપચારક્રમનું અહીં નિરૂપણ કરીશ.
(1) ખાંડ અને મેંદાની તમામ ચીજો બંધ કરવી.
(2) પાન, સોપારી, તમાકુ, પાન-મસાલા, ગુટખા, સિગારેટ વગેરે વ્યસનો છોડી દેવાં.
(3) અતિ ઠંડાં પીણાંઓ (કોલ્ડ્રિંક્સ) કે અતિ ગરમ ચીજોનો ઉપયોગ કરવો નહીં.
(4) કંઈ ખાધા પછી તરત જ ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં મીઠું અથવા ત્રિફળા ચૂર્ણ નાંખી કોગળા કરી મોઢું સાફ કરી લેવું.
(5) દશનસંસ્કાર ચૂર્ણથી રાત્રે દાંત સાફ કરી સૂવું.
(6) લાક્ષાદિ તેલ અથવા ઈરિમેદાદિ તેલ હળવા હાથે આંગળી વડે પાંચથી દસ મિનિટ સવારે અને રાત્રે દાંતનાં પેઢાંને ઘસવું-મસાજ કરવો.
(7) અઠવાડિયામાં બે વાર હળવો જુલાબ લેવો.
(8) ત્રિફળા ગૂગળની બે-બે ગોળી દિવસમાં ત્રણ વાર સવારે, બપોરે અને રાત્રે લેવી.
(9) આરોગ્યવર્ધિની એક-એક ટેબ્લેટ જમ્યા પછી લેવી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો