આપને જ્યારે ઊઠતા, બેસતા કે કંઈ પણ કામ કરતા અચાનક જ છાતીમાં ડાબી બાજુમાં દુખાવો થાય અને બેચેની જણાય, શ્વાસોશ્વાસ વધી જાય કે મુશ્કેલીથી શ્વાસ લેવાય, થોડા શ્રમથી કે સીડી ચડવાથી ધબકારા વધી જાય અને આ દુખાવો કંઈક અંશે અંદરથી કંઈક ખૂંચતું હોય, કપાતું-ચિરાતું હોય, વિદ્યુત કરંટની જેમ ધીમા જર્ક લાગતા હોય અને આ દુખાવો છાતીમાંથી છેક ડાબી બાજુના ખભાથી લઈને આખા હાથમાં થતો હોય અને થોડી થોડી વારમાં બંધ થઈ જતો હોય, તો હૃદયરોગનો પ્રારંભ થયો છે એમ કહી શકાય.
મોટાભાગે હૃદયનું દર્દ પ્રારંભે આ રીતે ઉત્પન્ન થઈને તરત શમી જતું હોય છે અને પછી જ્યારે કોઈ તકલીફ ન હોય ત્યારે તે તરફ બેધ્યાન બનીને હૃદયરોગની આ લાલ ઝંડીની અવગણના કરીએ છીએ ત્યારે સમજો કે હૃદયરોગનો હુમલો થવાનું નિમંત્રણ આપીએ છીએ. હૃદયરોગ થવામાં આજકાલ માનસિક ચિંતા અગત્યનો ભાગ ભજવે છે. માનસિક ચિંતાની સૌપ્રથમ અસર પાચનતંત્ર પર થાય છે. પાચનશક્તિ બગડવાથી શરીરના પોષણમાં બાધા ઉત્પન્ન થાય છે અને વાયુ(ગેસ)નું પ્રમાણ વધે છે. આ પ્રકોપ પામેલા વાયુનો પ્રભાવ હૃદય પર તરત જ પડે છે.
કફ વધારનાર, અતિ પૌષ્ટિક અને ચીકણાં આહારદ્રવ્યોના સતત કે વધુ પડતા સેવનથી તેના તૈલી અંશો રક્તમાં પણ વધી જાય છે અને રક્તવાહિનીઓમાં જામી જઈને તેને સાંકડી બનાવે છે, જેથી હૃદયની રક્તપોષક નળીઓમાં અવરોધ થાય છે. હૃદયને રક્ત પહોંચાડતી રક્તવાહિનીઓ અંદરથી સાંકડી બને ત્યારે તેમાં અવરોધ ઉત્પન્ન થાય છે. આ અવરોધને લીધે હૃદયને પોતાના કાર્યમાં પોષણભાવ થાય છે.
આવા હાર્ટએટેકથી બચવા માટે તેના ઉપરોક્ત પ્રારંભિક લક્ષણોની ઉપેક્ષા ન કરતાં સતર્ક બનીને ઉપચાર કરાવવો જોઈએ. જે લોકો ઉષ્ણ, તીક્ષ્ણ ગુણધર્મોવાળા ગળ્યા, તીખા, તળેલા, ખારા આહારનું અધિક સેવન કરે છે, તેમને કફજન્ય હૃદયરોગ થવાની શક્યતા રહે છે. જે લોકો અધિક પરિશ્રમ (શારીરિક કે માનસિક) કરે છે તથા જે લોકો મળમૂત્રાદિ શરીરના 13 પ્રકારના સ્વાભાવિક વેગોને રોકે છે તથા જેઓ રૂક્ષ અને લઘુ આહારદ્રવ્યોનું સતત કે વધારે સેવન કરે છે તથા કડવા, તૂરા અને તીખા આહારનું વધારે સેવન કરે છે, તેમને વાતજન્ય હૃદયરોગ થવાની શક્યતા વધી જાય છે.
હૃદયરોગ ઉત્પન્ન થવામાં અતિ વજન, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ટેન્શન, આઘાત, ઉજાગરા, ધૂમ્રપાન, મદ્યપાન વગેરે પણ સહાયક કારણો છે. એટલે આવાં કારણો દૂર કરીને હૃદયરોગનો સામાન્ય ઉપચાર આ પ્રમાણે કરી શકાય.
અર્જુનારિષ્ટ : ચારથી છ ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવો.
હૃદય ચિંતામણિ રસ : એક એક ટેબ્લેટ સવારે અને રાત્રે લેવી.
દશમૂલારિષ્ટ : ચારથી છ ચમચી બપોરે અને રાત્રે જમ્યા પછી લેવો.
હેમ ગર્ભરસ : એક ટેબ્લેટ રોજ રાત્રે જમ્યા પછી લેવી.
આરોગ્યવર્ધિની : એક એક ટેબ્લેટ સવારે અને રાત્રે લેવી.
આહારમાં ઘી, તેલ, માખણ, તળેલું, સૂકો મેવો, કોપરું, માવાની મીઠાઈઓ, વધારે પડતી ખાંડવાળી ચીજો, ઠંડાં પીણાં વગેરે લેવાં નહીં.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો