મુંબઈ ભારતનું આર્થિક પાટનગર અને સપનાનું શહેર. અહીં કલાકારો, ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકો પોતપોતાનાં સપનાં સાકાર કરવા આવે છે. આ શહેરની ગગનચુંબી ઇમારતો, ચમકતી રાતો સૌ કોઈને આકર્ષે છે.

પરંતુ ક્યારેક આ ચમક પાછળ એક અંધારી દુનિયા છુપાયેલી હોય છે, જે એવી ભયાનક ઘટનાઓને જન્મ આપે છે, જે આખા દેશને હચમચાવી દે છે અને મુંબઈના વાસ્તવિક ચહેરાને ઉજાગર કરે છે. આવી જ એક ઘટના પ્રખ્યાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ હેમા ઉપાધ્યાય અને તેમના વકીલ હરેશ ભંભાણી સાથે ઘટી.

હેમા ઉપાધ્યાય, જેઓ પોતાની ઇન્સ્ટોલેશન આર્ટ અને ફોટોગ્રાફી માટે જાણીતાં હતાં, તેઓ આધુનિક ભારતીય કલાના ખૂબ જ જાણીતાં કલાકાર હતાં. તેમની કલાકૃતિઓ ઘણીવાર શહેરીકરણ, સ્થળાંતર અને ઓળખના મુદ્દાઓ પર કેન્દ્રિત હતી. તેમની હત્યાએ આર્ટિસ્ટ કોમ્યુનિટીને આઘાત આપ્યો હતો. આ એક એવી કહાણી છે, જ્યાં કલાની દુનિયાની સુંદરતાની પાછળ પૈસાની લાલચ, કૌટુંબિક વિવાદો અને એક ભયાનક ગુનાનો ગૂંચવાડો રચાયો હતો.

11 ડિસેમ્બર, 2015. શુક્રવારની સાંજ. મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલા એક શાંત એપાર્ટમેન્ટમાં, 43 વર્ષીય મોડર્ન આર્ટિસ્ટ હેમા ઉપાધ્યાય સામાન્ય રીતે પોતાનું કામ પૂરું કરીને રાત્રિ ભોજન માટે બહાર જવાની તૈયારી કરી રહ્યાં હતાં. દિવસભરની કલાત્મક પ્રવૃત્તિઓ પછી, તેમણે પોતાના ઘરના નોકર લલિત મંડલને લગભગ સાંજે 6:30 વાગ્યે ફોન કરીને જાણ કરી કે તેઓ આજે બહાર જમવાના છે અને મોડા આવશે. આ એક સામાન્ય વાતચીત હતી, જે કોઈ આવનારી ભયાનક ઘટનાનો સહેજ પણ સંકેત આપતી નહોતી. લલિતને ક્યાં ખબર હતી કે આ હેમા સાથેની તેની છેલ્લી વાતચીત હશે!

જ્યારે બીજી તરફ તે જ સમયે મુંબઈના માટુંગા વિસ્તારમાં 65 વર્ષીય વકીલ હરેશ ભંભાણી પણ પોતાના ઘરેથી નીકળી રહ્યા હતા. તેમણે પોતાના પરિવારને જણાવ્યું કે તેઓ અંધેરીમાં એક ક્લાયન્ટને મળવા જઈ રહ્યા છે. હરેશ ભંભાણી કે જે હેમાના છૂટાછેડાના કેસમાં હેમાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા અને તેમની કાનૂની લડાઈમાં એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ હતા. તેઓ જાણતા નહોતા કે આ તેમની છેલ્લી ક્લાયન્ટ

મુલાકાત હશે.

હેમા અને હરેશ અંધેરીમાં હેમાના સ્ટુડિયોમાં મળ્યાં. ત્યાં તેમની વચ્ચે હેમાના છૂટાછેડાના કેસ અને અન્ય કાનૂની બાબતો અંગે કેટલીક મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થઈ. લગભગ રાત્રે 8 વાગ્યે તેઓ કાંદિવલી જવા રવાના થયાં. તેમને ત્યાં વિદ્યાધર રાજભર ઉર્ફે ગોટુને મળવાનું હતું. વિદ્યાધર હેમાના આર્ટ ફેબ્રિકેશનનું કામ સંભાળતો હતો અને તેના વેરહાઉસમાં હેમાની કેટલીક કલાકૃતિઓ પણ રાખવામાં આવી હતી. તેણે હેમાને જણાવ્યું હતું કે તેની પાસે ચિંતન ઉપાધ્યાય (હેમાના પૂર્વ પતિ) વિરુદ્ધ કેટલાક વીડિયો પુરાવા છે. વિદ્યાધરે દાવો કર્યો હતો કે આ પુરાવા હેમાના છૂટાછેડાના કેસમાં તેને મજબૂત સ્થિતિમાં મૂકી શકે છે. આ `મહત્ત્વપૂર્ણ' પુરાવા જોવા માટે જ હેમા અને હરેશ કાંદિવલી જઈ રહ્યાં હતાં. એક એવી મુલાકાત જે તેમની નિયતિ બની ગઈ.

12 ડિસેમ્બર, 2015. શનિવારની સવાર. મુંબઈ શહેરમાં સામાન્ય દિવસની શરૂઆત થઈ રહી હતી, પરંતુ કાંદિવલીના દલિયા એસ્ટેટ નજીક એક ભયાનક દૃશ્ય રાહ જોઈ રહ્યું હતું. એક સ્થાનિક કચરો વીણનાર વ્યક્તિની નજર એક ગટરમાં પડેલાં બે મોટાં કાર્ડબોર્ડ બોક્સ પર પડી. આ બોક્સ સામાન્ય નહોતાં. તેમાંથી એક અજીબ અને તીવ્ર દુર્ગંધ આવી રહી હતી, જેણે તરત જ કચરો વીણનારને શંકા ઉપજાવી. તેણે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી.

પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી. બોક્સનું કદ અને તેમાંથી આવતી દુર્ગંધે અધિકારીઓને અશુભ સંકેત આપ્યો. બોક્સ ખોલવામાં આવતા જ સૌ કોઈ ચોંકી ઊઠ્યાં. અંદર પ્લાસ્ટિકમાં ચુસ્તપણે વીંટળાયેલા અને ડક્ટ ટેપથી બાંધેલા બે મૃતદેહ હતા - એક પુરુષનો અને એક સ્ત્રીનો. મૃતદેહોને એવી રીતે પેક કરવામાં આવ્યા હતા કે તેમને ઓળખવા અત્યંત મુશ્કેલ હતા. આ દૃશ્ય એટલું ભયાનક હતું કે તે અનુભવી પોલીસકર્મીઓને પણ હચમચાવી ગયું.

પોલીસે તરત જ આસપાસનાં પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલા લોકોની યાદી તપાસવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં મુંબઈ પોલીસને જાણ થઈ કે પ્રખ્યાત કલાકાર હેમા ઉપાધ્યાય અને તેમના વકીલ હરેશ ભંભાણી ગુમ થયા છે. હેમાના પરિવારે તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે હરેશ ભંભાણીના પરિવારે પણ તેમના ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે મૃતદેહોની ઓળખ માટે હેમાના પરિવાર અને ભંભાણીના પરિવારનો સંપર્ક કર્યો. મૃતદેહોની ઓળખ થતાં જ આ કેસની ગંભીરતા અને વ્યાપકતા વધી ગઈ. આ એક સામાન્ય હત્યાનો કેસ નહોતો, પરંતુ કલાજગત અને કાયદાના ક્ષેત્રના બે જાણીતા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ક્રૂર હત્યા હતી, જેણે આખા શહેર અને દેશમાં ખળભળાટ મચાવી દીધો.

મૃતદેહોની ઓળખ થતાં જ, મુંબઈ પોલીસે આ કેસને અત્યંત ગંભીરતાથી લીધો અને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી. ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું. ક્રાઈમ સીન નિષ્ણાતોએ બોક્સ, પ્લાસ્ટિક, ડક્ટ ટેપ અને અન્ય કોઈ પણ નાની વસ્તુઓ સહિત દરેક સંભવિત પુરાવા એકત્રિત કર્યા. દરેક વસ્તુ ગુનાના રહસ્યને ઉકેલવા માટે મહત્ત્વપૂર્ણ કડી બની શકે તેમ હતી. શરૂઆતમાં પોલીસને કોઈ સ્પષ્ટ કડી મળી નહોતી, કારણ કે ગુનેગારોએ પુરાવા નષ્ટ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તપાસકર્તાઓએ હેમા અને ભંભાણીના છેલ્લા ફોન કોલ્સ અને તેમની હિલચાલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કોલ ડિટેલ રેકોર્ડ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ વિશ્લેષણમાંથી એક મહત્ત્વપૂર્ણ નામ બહાર આવ્યું : વિદ્યાધર રાજભર. તપાસમાં સામે આવ્યું કે હેમા અને ભંભાણી છેલ્લે કાંદિવલીમાં વિદ્યાધર રાજભરના વેરહાઉસ તરફ ગયા હતા.

વિદ્યાધર પોલીસના રડાર પર આવ્યો, પણ પોલીસ તેને પકડી શકી નહીં, કારણ કે તે ફરાર થઈ ચૂક્યો હતો.

આથી પોલીસ દ્વારા વિદ્યાધરના વેરહાઉસમાં દરોડો પાડવામાં આવ્યો અને ત્યાંથી કેટલાક શંકાસ્પદ પુરાવા મળ્યા, જે દર્શાવતા હતા કે હત્યાઓ કદાચ ત્યાં જ થઈ હતી. વેરહાઉસમાંથી ક્લોરોફોર્મ જેવું રસાયણ અને અન્ય સાધનો મળી આવ્યાં, જે ગુનામાં ઉપયોગમાં લેવાયાં હોવાની શંકા હતી.

પોલીસને જાણવા મળ્યું કે વિદ્યાધર અને હેમા વચ્ચે કેટલાક આર્થિક વ્યવહારો હતા. હેમાએ વિદ્યાધરને બે લાખ રૂપિયા આપવાના બાકી હતા. જોકે, પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે વિદ્યાધર પોતે ભારે દેવામાં ડૂબેલો હતો અને તેણે હેમા, ચિંતન અને અન્ય લોકો પાસેથી મોટી રકમની લોન લીધી હતી. આર્થિક વિવાદ એ હત્યાનો એક સંભવિત હેતુ બની શકે તેમ હતો, પરંતુ પોલીસને શંકા હતી કે હત્યા માટે આનાથી પણ મોટો કોઈ હેતુ હોઈ શકે છે.

તપાસ આગળ વધી રહી હતી અને ધીમે ધીમે ગુનાની જટિલ કડીઓ એકબીજા સાથે જોડાવા લાગી. પોલીસે વિદ્યાધરના સહયોગીઓ આઝાદ રાજભર, પ્રદીપ રાજભર અને શિવકુમાર રાજભર ઉર્ફે સાધુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ ત્રણેય વિદ્યાધરના વેરહાઉસમાં કામ કરતા હતા અને ગુનામાં તેમની સંડોવણી સ્પષ્ટ થતી હતી. શિવકુમાર રાજભરને ઉત્તર પ્રદેશમાંથી પકડવામાં આવ્યો, જ્યારે વિજયકુમાર (ટેમ્પો ડ્રાઈવર), પ્રદીપ અને આઝાદને મુંબઈમાંથી પકડવામાં આવ્યા. મુખ્ય આરોપી વિદ્યાધર રાજભર જોકે હજુ પણ ફરાર હતો, જે પોલીસ માટે એક મોટો પડકાર હતો. (ક્રમશઃ)