હેમિસ એ લદાખના લેહ જિલ્લામાં આવેલું એક નાનું છતાં ખૂબ જ સુંદર ગામ છે, જે તેના ભવ્ય મઠ અને વિશાળ નેશનલ પાર્ક માટે જાણીતું છે. આ એક એવી જગ્યા છે જે આધ્યાત્મિક શાંતિ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને મંત્રમુગ્ધ કરનારી પ્રાકૃતિક સુંદરતાનું મિશ્રણ પૂરું પાડે છે. ખાસ કરીને પ્રકૃતિપ્રેમીઓ અને સાહસિકો માટે તે ખૂબ જ આકર્ષક છે.
હેમિસમાં ફરવાલાયક સ્થળો
હેમિસ મઠ (હેમિસ ગોમ્પા): હેમિસ મઠ એ લદાખનો સૌથી પ્રખ્યાત અને સૌથી મોટો મઠ છે. તેને ભારતના સૌથી ધનિક મઠોમાંનો એક માનવામાં આવે છે. તેની સ્થાપના 11મી સદી પહેલાંની હોવાનું મનાય છે, પરંતુ તેને 1672માં લદાખી રાજા સેંગ્ગે નામગ્યાલ દ્વારા ફરીથી સ્થાપિત કરવામાં આવ્યો હતો. તેમણે તેને સોનેરી મૂર્તિઓ, કીમતી પથ્થરો જડેલા સ્તૂપો અને થાંગકાઓ(તિબેટિયન બૌદ્ધ ચિત્રો)થી શણગાર્યો હતો. આ મઠ પ્રભાવશાળી તિબેટિયન શૈલીનું સ્થાપત્ય દર્શાવે છે. અહીં તમને શાક્યમુનિ બુદ્ધની એક મોટી સોનેરી મૂર્તિ, ચાંદીના ચોર્ટેન, પ્રાચીન ભીંતચિત્રો અને કલાકૃતિઓનો સમૃદ્ધ સંગ્રહ જોવા મળશે.
હેમિસ ઉત્સવ (હેમિસ ત્સે-ચુ) : આ હેમિસનું મુખ્ય આકર્ષણ છે, જે દર વર્ષે બે દિવસ ઉજવાય છે. આ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં (તિબેટિયન કેલેન્ડરના પાંચમા મહિનાના 10મા દિવસે) યોજાય છે. તે ગુરુ પદ્મસંભવ(ગુરુ રિનપોચે)ના સન્માનમાં ઉજવાય છે, જેમને બુદ્ધના પુનર્જન્મ તરીકે પૂજવામાં આવે છે. આ ઉત્સવ લદાખી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વિશેની અનોખી સમજ આપે છે.
હેમિસ નેશનલ પાર્ક :
હેમિસ નેશનલ પાર્ક એ વિશ્વભરના દુર્લભ હિમ દીપડાનું ઘર હોવા માટે જાણીતો છે. તે દક્ષિણ એશિયાનો સૌથી મોટો નેશનલ પાર્ક છે અને ભારતના સૌથી મોટા સળંગ સંરક્ષિત પ્રદેશોમાંનો એક છે. અહીં માત્ર હિમ દીપડા જ નહીં, એ સિવાય હિમાલયના બીજા વન્યજીવોનું ઘર પણ છે, જેમાં તિબેટિયન વરુ, યુરેશિયન બ્રાઉન રીંછ, ભરાલ (બ્લૂ શીપ), શાપુ (લદાખી ઉરિયાલ), હિમાલયન મારમોટ અને ગોલ્ડન ઇગલ, લામરગીઅર ગીધ અને હિમાલયન ગ્રિફન ગીધ જેવી વિવિધ પક્ષીઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ પાર્કમાં આલ્પાઇન વનસ્પતિ, શંકુદ્રુમ જંગલો અને ઝાડીઓ જોવા મળે છે.
ટ્રેકિંગ : હેમિસ નેશનલ પાર્ક માર્ખાવેલી ટ્રેક અને સ્પિટુકથી સ્ટોક થઈને ગાન્ડા લા પાસ સુધીના ટ્રેક સહિત અનેક ટ્રેકિંગ રૂટ પ્રદાન કરે છે. આ ટ્રેક સફેદ પર્વતો, શાંત ખીણો અને પ્રાચીન ગામોના મંત્રમુગ્ધ કરનારા લેન્ડસ્કેપ્સમાંથી પસાર થાય છે.
પર્વતારોહણ : સ્ટોક કંગરી (6,153 મીટર) અને કાંગ યાત્સે (6,496 મીટર) જેવાં શિખરો પર્વતારોહકોને આકર્ષે છે.
બર્ડ વૉચિંગ : પાર્કની અંદરની રુમ્બકવેલી પક્ષી નિરીક્ષણ માટે સારી છે, જેમાં ઘણી તિબેટિયન પ્રજાતિઓ જોવા મળે છે.
હેમિસની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જૂનથી મધ્ય-ઓક્ટોબર સુધીનો છે. આ મહિનાઓ દરમિયાન હવામાન પ્રમાણમાં સુખદ હોય છે, જે સ્થળોની મુલાકાત અને ટ્રેકિંગ માટે આરામદાયક બનાવે છે.
