નવી પેઢીને અવકાશનું ખાસ મહત્ત્વ છે. ના, એ ધરતીને વીંટળાયેલા અવકાશની વાત નથી, પરંતુ જીવનમાં એકલતાને માણવાના અવકાશની વાત છે. ખાસ કરીને ચીનમાં હાલમાં ઓન્લી વિમેન ભેગી મળીને વાતોનાં વડાં કરે અને બિન્ધાસ્ત રહે. એ માટે એક રાતના 4 યુરો ચૂકવે. એ સ્થળ એટલે હર સ્પેસ.
ચીનનું જીવન સાવ જુદું છે. એમ પણ રાજકીય રીતે સામ્યવાદી શાસન હોવાને કારણે અનેક કડક નિયમો હેઠળ જીવવાનું હોય છે. જોકે, એ આપણને સમજાય એવું નથી. આપણે ત્યાં લોકતંત્ર હોવાને કારણે આપણે ઘણી આઝાદી ભોગવીએ છીએ, પરંતુ એ આઝાદીની મજા ચીનમાં લોકો માણી શકતા નથી. જોકે, મહિલાઓની સામાજિક હાલત તો આપણે ત્યાંની મહિલા જેવી જ કહી શકાય. નોકરી કરો, પરિવારને સંભાળો અને ઘરમાં વૃદ્ધ તથા બાળકો હોય તો તેમની સંભાળ રાખવી. એ સ્થિતિમાં મહિલાઓ ક્યારેક અકળામણનો અનુભવ કરે છે, પરંતુ જાય તો ક્યાં જાય? એમાં વળી પુરુષોનો દુર્વ્યવહાર પણ સહન કરવાનો આવે તો તો નરકનો જ અનુભવ થાય એવું ઘણા માને છે. એ જ સ્થિતિમાંથી પસાર થયેલી ચેન યાની કેટલાય પ્રકારના દુર્વ્યવહારને સહન કરતી રહી હતી. એક સમય એવો આવ્યો કે તે કોઈ પણ કામ સામાન્ય રીતે કરી જ શકતી નહીં. આ વસમા અનુભવે તેને મહિલાઓ માટે એક સુરક્ષિત માહોલ આપે એવું સ્થળ બનાવવા માટે પ્રેરિત કરી અને એમાંથી જેજિયાંગ પ્રાંતના હાંગજો શહેરના સીમાડે કેકેજ ઈમેજિનેટિવ સ્પેસ નામની ઈમારત ઊભી થઈ ગઈ.
જોકે, શરૂઆતમાં આ કોન્સેપ્ટ મહિલાઓને ગળે ઊતરતો ન હતો. અહીં મહિલાઓ જ ભેગી થાય, સુખ- દુઃખની વાત કરે, કેટલીક મહિલાઓ તો સાવ અંગત કહી શકાય એવી વાતો કરીને પણ હળવી થાય, ચા-કોફી પીએ અને રમત રમે ! પરિવારને સાચવવા માટે કોઈ જ કામ કરવાનું નહીં. બસ રિલેક્સ! આ હર સ્પેસ તરીકે ઓળખાતા સ્થળમાં પહેલાં વર્ષે ફક્ત એક રાત્રી રોકાવાના 4 યુરો આપવાના રહે. હર સ્પેસમાં મહિલાઓ રજા ગાળવા માટે રોકાવા માંડી. સાવ અલાયદું પરિવારથી દૂર ઘર ખરું, પણ માહોલ મહિલાઓને કારણે એક પરિવાર જેવો જ હોય. પોતાના ઘરમાં જ રહેતા હોય એવા અહેસાસ વચ્ચે આનંદની અનુભૂતિ કરવા માટે મહિલાઓ ત્યાં પહોંચી જાય. સામાન્ય જિંદગીમાં ભજવવી પડતી અલગ અલગ ભૂમિકા ભજવવાની ન હોવાથી મહિલાઓમાં અંદરની અનેક શક્તિઓ ખીલી ઊઠે છે. ઉપરાંત કુદરત સાથે રહેવાનો આનંદ પણ માણવા મળે.
ને ફક્ત મહિલાઓ સાથે મળીને રહી શકે એવી એ ડોર્મેટરી નથી. એ કારણે જ હર સ્પેસમાં જૂના ફર્નિચરથી અનોખું વાતાવરણ ઊભું કરાય છે. દીવાલને કેલિગ્રાફી અને કવિતા સાવ અલગ જ ઓપ આપે. રજામાં મહિલાઓ અહીં આવીને પ્રફુલ્લિત થઈ જાય અને પછી બાકીના દિવસોમાં એ પાછી પરિવાર અને નોકરીના માહોલમાં કામ કરવા સજ્જ થઈ જાય. ખાસ તો નોકરી અને પરિવારને સાચવવાની જવાબદારી ઉઠાવવામાં મહિલાઓ પણ તણાવમાં રહેતી હોય છે. જ્યારે હર સ્પેસમાં તો વર્ષે 475 યુરોની ફી ચૂકવીને મસ્તમૌલા થઈને રહેવાનું અને તાણમુક્ત થઈ જવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે જ હર સ્પેસ ચીની મહિલાઓને આકર્ષી રહ્યા છે.
મહિલાઓ માટે આ હોલિડે હોમ જેવી હર સ્પેસ તરોતાજા થવા માટેનું ઉત્તમ સ્થળ બની રહ્યું છે. વાંચવું હોય, લખવું હોય કે કુદરતમાં ફરવું હોય તો એ તમામ પ્રવૃત્તિઓ કરી શકાય અને એવી પ્રવૃત્તિવાળી બીજી મહિલાઓ સાથે એ શેર કરી શકાય એમ હોય ત્યારે તમારી કળા પણ ખીલી ઊઠે. જીવનમાં વધતો તણાવ દૂર કરવા માટે ચીનમાં આ અનોખી પરંપરા શરૂ થઈ રહી છે. હાંગજોમાં જ નહીં હવે તો રાજધાની બૈજિંગ સહિત અનેક મોટાં શહેરોમાં હર સ્પેસ શરૂ થઈ છે. એમ લાગે છે ભવિષ્યમાં આ બિનપરંપરાગત જીવનશૈલી એકલી મહિલાઓ માટે એક વિકલ્પ બની રહેશે.
ચીની મહિલાઓનું આ મૈં ઔર મેરી તન્હાઈની પરંપરા આપણે ત્યાં પણ શરૂ થાય એવા સંજોગો ઊજળા છે. એક પણ રજા પાડ્યા વિના સતત ઘર સંભાળતી ભારતીય મહિલાઓને પણ રિલેક્સ થઈ શકાય એવા સ્થળની અપેક્ષા તો હશે જ ને.