ભારતીય ટેલિવિઝનમાં ‘ટોક-શો’ની શરૂઆત કરનારા એક્ટર-પ્રોડ્યુસર શેખર સુમને, 14 વર્ષના વનવાસ પછી, નાના પડદે નવા ટોક-શો સાથે પુનઃ આગમન કર્યું છે. થોડાંક વ્યવસાયિક અને થોડાંક નિજી કારણોસર શેખર અભિયનમાંથી, ખાસ કરીને તેમના અતિ લોકપ્રિય શો ‘મૂવર્સ એન્ડ શેકર્સ’માંથી ગાયબ થઇ ગયા હતા.

63 વર્ષના શેખરનું જીવન તેમની સફળતા, નિષ્ફળતા, પ્રતિક્રિયાઓ અને તેમણે સામનો કરેલા પડકારોનો એક સંગ્રહ છે. તેમણે કારકિર્દીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પણ તેમણે હંમેશાં સંઘર્ષ કર્યો અને જાતને આગળ કરી. આજે પણ તેઓ તેમની બહુમુખી પ્રતિભાથી લોકોને પ્રેરિત અને પ્રભાવિત કરતા રહે છે. તેની જ આ સાબિતી છે કે ટ્રેજેડીઓ વચ્ચે પણ તેમણે 14 વર્ષના વનવાસ પછી ધમાકેદાર વાપસી કરી છે.

મુંબઈ હમેશાંથી સપનાંનું શહેર કહેવાય છે, પણ આ શહેરમાં સપનાં સાકાર કરવાની કિંમત ઓછી નથી હોતી. અહીં કોઈ વર્ષો સુધી ભટક્યા કરે છે, કોઈ દરવાજાઓ ખખડાવીને થાકી જાય છે, અને કોઈ એવા પણ હોય છે, જેની જિંદગી અચાનક કોઈ ફિલ્મના દ્રશ્યની જેમ બદલાઈ જાય છે. શેખરની કહાની પણ કંઇક એવી જ છે. એ ખિસ્સામાં માત્ર બસો રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો, અને થોડાક જ દિવસમાં હિન્દી સિનેમાની બહુચર્ચિત ફિલ્મનો નાયક બની ગયો હતો; એ ફિલ્મ હતી ‘ઉત્સવ’ (1984).

તે સમયે શેખરની ઉંમર માંડ એકવીસ વર્ષની હતી. તે પટનાનો છોકરો હતો. તેના પિતા ફણી ભૂષણ પ્રસાદ જાણીતા બિહાર આરોગ્ય વિભાગમાં સર્જન અને રોયલ કોલેજમાં સર્જરીના પ્રોફેસર હતા. તેની માતા ઉષા પ્રસાદ ફિલોસોફીમાં માસ્ટર હતી.

શેખર ત્રણ બહેનો વચ્ચે એક છોકરો હતો.

તે ઉચ્ચ અભ્યાસ માટે દિલ્હી આવેલો અને ત્યાં શ્રી રામ સેન્ટરમાં ખિસ્સાખર્ચી માટે નાટકોમાં એક્ટિંગ કરતો હતો. મુંબઈની એક્ટ્રેસ શમ્મીએ શેખરને જોયેલો. શમ્મી ત્યારે શશી કપૂર અને રાખી સાથે ‘પીધલતા આસમાન’નું નિર્દેશન કરી રહ્યાં હતાં. તેમાં ન્યુઝપેપર વહેંચતા એક છોકરાનો રોલ હતો. એ ફિલ્મના સેટ્સ પર શેખરનો પરિચય શશી કપૂર સાથે થયો. એ નિર્ણાયક મોડ હતો.

શશીજી ત્યારે, મહાકવિ શૂદ્રક રચિત પ્રસિદ્ધ સંસ્કૃત નાટક 'મૃચ્છકટિકમ' પરથી, ‘ઉત્સવ’ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા હતા. ગિરીશ કર્નાડનું નિર્દેશન હતું. તેમાં ચારૂદત્ત નામના નાયકના પાત્ર માટે એક્ટરની શોધ ચાલતી હતી. શશી અને કર્નાડ એવા ચહેરાની તલાશમાં હતા, જે તાજો અને માસૂમ હોય. શશીની નજર શેખર પર ઠરી ગઈ. જ્યારે શશી તેને ગિરીશ પાસે લઇ ગયા, ત્યારે તેમની પત્નીએ જોતાં વેંત કહેલું, ‘ગિરીશ, તારો ચારૂદત્ત આ રહ્યો.’

શેખર સુમનનો આનંદ સાતમા આસમાને; તેની સામે હિન્દી સિનેમાની ટોચની એક્ટ્રેસ, 29 વર્ષની રેખા હતી! વિચાર કરો કે પટનાથી એક્ટર બનવા આવેલા એક નવોદિત છોકરાની પહેલી જ ફિલ્મ, અને તે પણ હીરો તરીકે, રેખા સાથે હોય તે કેવું નસીબ કહેવાય!

અને ફિલ્મ પણ કેટલી અસાધારણ! તેમાં રેખાનો કિરદાર એક ગણિકા, વસંતસેનાનો હતો, જેની આગળપાછળ તેને ચાહનારાઓની કમી નથી, પણ તેનું દિલ એક ગરીબ પણ ઈમાનદાર બ્રાહ્મણ યુવાન, ચારૂદત્ત, પર આવી જાય છે. તેની સાથેની પહેલી જ મુલાકાતમાં વસંતસેનાને અહેસાસ થાય છે કે એવો પણ એક પુરુષ છે, જે તેના શરીર કે સૌન્દર્યનો ભૂખ્યો નથી.

ફિલ્મમાં રાજા સમસ્થાનકની ભૂમિકા શશીએ પોતે જ ભજવી હતી. શરૂઆતમાં આ પાત્ર માટે અમિતાભ બચ્ચનનું નામ નક્કી થયું હતું. પરંતુ જુલાઈ ‘કૂલી’ના શૂટિંગ દરમિયાન થયેલી ઈજાના કારણે અમિતાભ લાંબા સમય સુધી કામથી દૂર રહ્યા હતા. અને શશીએ એ પાત્ર કર્યું હતું.

આ ફિલ્મ શશિ કપૂર માટે માત્ર એક પ્રોજેક્ટ નહોતી; તે તેમનાં સપનાંની ફિલ્મોમાંની એક હતી. અને એટલે જ ફિલ્મમાં તેમની પુત્રી સંજના કપૂર અને પુત્ર કુણાલ કપૂરે પણ નાની પરંતુ નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી. પ્રાચીન ભારતીય પૃષ્ઠભૂમિ, ભવ્ય સેટ્સ, કાવ્યમય સંવાદો અને રેખાના અભિનયને કારણે ઉત્સવ આજે પણ હિન્દી સિનેમાની કલ્ટ ક્લાસિક ફિલ્મોમાં ગણાય છે.

શેખર માટે આ કિરદાર આસાન નહોતો. તેમાં કામુકતા અને શારીરિક સૌન્દર્યને બેહદ કલાત્મક રીતે બતાવવામાં આવ્યું હતું. ગણિકા તરીકે રેખાનો કિરદાર પુખ્ત હતો, જ્યારે ચારૂદત્ત તરીકે શેખરનો કિરદાર માસુમ હતો. વસંતસેના તેને પ્રેમના રંગ શીખવે છે. રેખાની કારકિર્દીનો આ સૌથી બોલ્ડ કિરદાર છે.

શેખરે પાછળથી એકરાર કર્યો હતો કે રેખા જેવી પરિપક્વ એક્ટ્રેસ સાથે અંતરંગ દ્રશ્યો કરતી વખતે તે ધ્રુજતો હતો. તેને સમજમાં નહોતું આવતું કે આટલી મોટી સ્ટાર સાથે સહજ કેવી રીતે થવું. રેખાને ખબર હતી કે શેખર નવોદિત છે. તેણે સતત તેને હિમ્મત આપી હતી. શેખરને તેની કારકિર્દીનો પહેલો પાઠ અહીં ભણવા મળ્યો હતો; મોટા કલાકાર કેવળ પડદા પર જ મોટા નથી હોતા, તેમનું મોટાપણું તેમના વ્યવહારમાં પણ હોય છે.

તે સમયે આવી ફિલ્મો બનતી નહોતી. રેખા પહેલીવાર એક સાહસિક ભૂમિકામાં હતી, અને દર્શકોમાં તેને લઈને બહુ ઉત્તેજના હતી, પણ ફિલ્મ જગતે એક વાત નોંધી કે રેખા સામે ઉભેલો એક નવો છોકરો કેમેરાથી ડરતો નથી. શેખરની સ્ક્રીન પ્રેઝન્સ અલગ જ હતી. આગળ જઈને એ જ આત્મવિશ્વાસ તેની પૂરી કારકિર્દીની બુનિયાદ બની ગઈ.

ફિલ્મ ઉત્સવનું સંગીત તેના વિષય જેટલું જ કલાત્મક, સંવેદનશીલ અને શાસ્ત્રીય ભાવથી ભરેલું હતું. સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલે આ ફિલ્મ માટે પરંપરાગત ભારતીય સંગીતને નાટ્યાત્મકતા અને મધુરતા સાથે ગૂંથ્યું હતું. વસંત દેવનાં ગીતોના શબ્દોમાં કાવ્યમયતા હતી, જ્યારે સંગીતમાં પ્રાચીન ભારતની સુગંધ અનુભવાતી હતી. ફિલ્મના ગીતો સામાન્ય બોલીવુડ મસાલા ગીતો જેવા નહોતા. તેમાં શૃંગાર, વિરહ, રમૂજ અને આંતરિક ભાવનાઓને શાસ્ત્રીય અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સૌથી યાદગાર ગીત હતું; મન ક્યોં બહકા રી બહકા આધી રાત કો. એમાં મંગેશકર બહેનોના અવાજો એક અનોખી જાદૂઈ લાગણી સર્જે છે. રસપ્રદ વાત એ છે કે આ બે દિગ્ગજ ગાયિકાઓએ બહુ ઓછાં ગીતો સાથે ગાયાં છે. અને ઉત્સવનું આ ગીત આજે પણ ભારતીય ફિલ્મ સંગીતના શ્રેષ્ઠ યુગલગીતોમાં ગણાય છે. ગીતમાં મધરાત, પ્રેમ અને મનની અશાંતિને અત્યંત નાજુક રીતે વ્યક્ત કરવામાં આવ્યા છે. બીજું લોકપ્રિય ગીત ‘સાંજ ઢલે ગગન તલે’ પણ ખૂબ મીઠું અને ભાવસભર હતું. તેમાં સાંજના માહોલ સાથે પ્રેમની આતુરતા અને એકાંતને સંગીત દ્વારા જીવંત બનાવવામાં આવ્યું હતું. ‘ઉત્સવ’ પછી શેખરની એટલી ડિમાન્ડ થઇ ગઈ હતી કે તેણે 30 ફિલ્મોના કરાર કર્યા હતા. શેખર આજે પણ કબુલ કરે છે કે તે ફાટેલા સૂટ અને બસો રૂપિયા લઈને દિલ્હીથી મુંબઈ આવ્યો ત્યારે, તેને કલ્પના પણ નહોતી કે તે એક દિવસ હિન્દી સિનેમાની સફળ અને ખૂબસૂરત સ્ટાર રેખા સાથે કેમેરા સામે ઉભો હશે.

મુંબઈમાં આજે પણ રોજ સેંકડો લોકો આવે છે. મોટાભાગના ભીડમાં ખોવાઈ જાય છે. પણ ક્યારેક-ક્યારેક આ શહેર કોઈક ચહેરાને પસંદ કરી લે છે- અને પછી એ ચહેરાની કહાની કોઈ ફિલ્મથી ઓછી નથી લાગતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો