અનિદ્રા, ચક્કર, શીર:શૂળ, ઊબકા, ઊલટી, જીવ ગભરાવો, હૃદયના ધબકારા વધી જવા, અશક્તિ, થાક લાગવો, થોડુંક ચાલવાથી હાંફ ચડવો વગેરે હાઈ બ્લડપ્રેશરના એટલે કે હાઈપર ટેન્શનનાં લક્ષણો છે.

પ્રત્યેક દર્દીમાં આ બધાં જ લક્ષણો હોય જ એવું જરૂરી નથી. રોગની વૃદ્ધિ અને દર્દીની શારીરિક તથા માનસિક સ્થિતિના આધારે અલગ અલગ લક્ષણો ઉત્પન્ન થતાં જોવા મળે છે. જેને નિદાન માટે સતર્કતાથી જાણવા જરૂરી છે.

એક બીજી મહત્ત્વની બાબત અહીં યાદ રાખવી જોઈએ. આ રોગ થવામાં ગુસ્સો, જીદ, તાણ, ભય, ટેન્શન- ચિંતા જેવાં માનસિક કારણો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કડક શિસ્ત પાલનની આગ્રહી વ્યક્તિઓને પણ હાઈ બ્લડપ્રેશર થવાની શક્યતા રહે છે.

અહીં દરેક વ્યક્તિએ એક બાબત યાદ રાખવી જોઈએ કે, આ જગતમાં બધું જ આપણું ધાર્યું થતું નથી. અમુક બાબતોમાં બાંધછોડ કરવી જ પડે. કામનું, વ્યવસાયનું, ઓફિસનું ટેન્શન ઘરે લઈને જવું ન જોઈએ. જવાબદારીવાળું જીવન તો જીવવાનું જ છે. તો હળવા થઈને કેમ ન જીવવું? જો વ્યવસાય ખૂબ જ બહોળો હોય તો તમારા એકલાથી કંઈ ચાલવાનો નથી. જેમની સાથે કાયમ કામ કરવાનું છે. તેમની સાથે થોડા વ્યવહારુ બનવું જોઈએ, એમના પ્રશ્નો જાણી સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ. કામકાજ અને વિચારોમાં હળવા બનતા હાઇપર ટેન્શન સ્વત: ઘટી જશે.

ત્રણ બાબતો

હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ જીવનમાં ત્રણ `ઈઝ'થી બચવું જોઈએ. આ ત્રણ છે, `હરિઝ', `વરિઝ' અને `કરિઝ'.

દૈનિક જીવનની વ્યસ્ત દોડધામ(હરિઝ)થી પણ મગજના જ્ઞાનતંતુઓ ઉશ્કેરાય છે. એટલે દોડધામવાળું જીવન પણ હળવાશથી અને સાહજિકતાથી જીવતા શીખવું જોઈએ.

માનસિક ચિંતાઓ (વરિઝ) પણ હાઇપર ટેન્શનનું મુખ્ય કારણ છે. વ્યવસાયની ચિંતાઓ કે હરીફાઈવાળા જીવનથી બચવું જોઈએ. કૌટુંબિક, વ્યાવસાયિક કે સામાજિક જવાબદારીઓ હળવાશથી ઉકેલો, જેથી મગજ પરના `સ્ટ્રેસ' ને `સ્ટ્રેઇન' ઘટતાં બ્લડપ્રેશર પણ ઘટશે.

ત્રીજી અગત્યની બાબત છે, `કરિઝ'. કરિઝમાં કરિનો અર્થ થાય તીખું, તમતમતું, મસાલેદાર. હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ અથાણાં, પાપડ, તળેલું, વધારે નમક(મીઠા)વાળાં તથા ગરમ સ્વભાવનાં અને તીક્ષ્ણ આહારદ્રવ્યોનો ત્યાગ કરવો જોઈએ. ઘી, તેલ, માવાની મીઠાઈઓ અને બહારનો આહાર બંધ કરવો જોઈએ. નમક આહારમાં ચોથા ભાગનું જ લેવું. આહાર સાવ સાદો અને સુપાચ્ય હોવો જોઈએ. 50 ટકા તો આ કરિઝથી ફાયદો થાય છે.

આયુર્વેદ પ્રમાણે ઔષધોમાં હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે સર્પગંધા ટેબ્લેટ એક સવારે અને એક રાત્રે લેવી ખૂબ જ ફાયદાકારક છે. હાઈ બ્લડપ્રેશરમાં પિત્ત અને વાતશામક ઔષધો પણ પ્રયોજાય છે. પિત્તશામક અને જ્ઞાનતંતુઓને શાંત કરનારા `કામદૂધા' અને `ચંદ્રકલા રસ'ની એક-એક ટેબ્લેટ સવારે અને રાત્રે જમ્યા પછી લેવી.