જ્યારે આધુનિક ટેક્નોલોજીની વાત આવે ત્યારે ચાઇના અને જાપાનનું નામ આપણા મુખમાંથી અનાયાસે જ સરી પડે છે. ટેક્નોલોજીની સાથે સાથે સાંસ્કૃતિક વારસામાં પણ જાપાન સમૃદ્ધ છે. જાપાનમાં એવાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલાં છે, જે દુનિયાભરમાં જાણીતાં છે, જેમાંનો એક હિમેજી કિલ્લો છે. જાપાનના હ્યોગો પ્રીફેક્ચરમાં હિમેજી શહેરમાં એક ઊંચી ટેકરી પર આ કિલ્લો બનાવવામાં આવ્યો છે, જે ઇતિહાસકારો અને વિશ્વભરના પ્રવાસીઓ માટે આશ્ચર્યનો વિષય છે.   

સ્થાપત્ય કળા અને ભવ્યતાનું સૌથી જીવંત અને અદ્ભુત પ્રતીક એટલે હિમેજી કિલ્લો. તેની દીવાલો પર ખાસ સફેદ પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેનો આકાર વિશિષ્ટ છે, જેના લીધે તેને શિરાસાગી-જો એટલે કે વ્હાઇટ હેરોન કેસલ કહેવામાં આવે છે. દૂરથી જોતાં એવું લાગે કે જાણે સફેદ પક્ષી પોતાની પાંખો ફેલાવીને આકાશમાં ઊડવા માટે જાણે સજ્જ હોય.   

કિલ્લાનો ઇતિહાસ

હિમેજી કિલ્લાનો ઇતિહાસ આશરે 700 વર્ષ જૂનો છે. આ કિલ્લાની શરૂઆત ઇ.સ.1333માં થઇ હતી, જ્યારે અકામાત્સુ નોરિમુરા નામના સ્થાનિક શાસકે હિમેયામા ટેકરી પર એક સામાન્ય કિલ્લેબંધી કરી હતી. પછીથી તેના પુત્ર સાદનોરીએ આ સ્થળે રહેઠાણ બનાવ્યું હતું. ઇ.સ. 1580માં જાપાનના ઇતિહાસના સૌથી શક્તિશાળી અને પ્રખ્યાત શાસકોમાંના એક, ટોયોટોમા હિદેયોશીએ આ કિલ્લા પર કબજો કર્યો. તેઓ આ વ્યૂહાત્મક સ્થળનું મહત્ત્વ સમજ્યા અને કિલ્લાને લશ્કરી મથક તરીકે વિકસાવવા માટે ત્રણ માળના કિલ્લાની રચના કરી. ઇ.સ. 1600માં પ્રખ્યાત સેકીગાહરના યુદ્ધ પછી જાપાનના શાસક તોકુગાવા ઇયેયાસુએ આ કિલ્લો પોતાના જમાઇ ઇકેડા તેરુમાસાને ભેટમાં આપ્યો. તેરુમાસાએ 1601થી 1609 દરમિયાન સતત 8 વર્ષ સુધી હજારો મજૂરોની મદદથી આ કિલ્લાનું નવેસરથી ભવ્ય નિર્માણ કરાવ્યું. આજે જે કિલ્લો આપણે જોઇ શકીએ છીએ એ તેરુમાસાની જ દેન છે.   

સ્થાપત્ય અને એન્જિનિયરિંગ ચમત્કાર

દૂરથી સુંદર લાગતો હિમેજી કિલ્લો અંદરથી પણ એટલો જ સમૃદ્ધ અને સુરક્ષિત છે. આ કિલ્લો એટલો મજબૂત બનાવવામાં આવ્યો છે કે, શક્તિશાળી સેના પણ તેને સરળતાથી જીતી શકતી નહોતી. બહારથી જોતાં પાંચ માળનો લાગતો આ કિલ્લો અંદરથી છ માળનો છે. એમાં એક ભોંયરું છે. આ કિલ્લાનું આખું માળખું લાકડાનું બનેલું છે. તેને ટેકો આપવા માટે બે વિશાળ સ્તંભો બનાવવામાં આવ્યા છે. આ સ્તંભો ભોંયરામાંથી શરૂ કરીને છેક ટોચના માળ સુધી જાય છે. સૌથી નવાઇની વાત તો એ છે કે દુશ્મનોને ભ્રમિત કરવા માટે કિલ્લાના રસ્તાઓ ભુલભુલામણી જેવા બનાવવામાં આવ્યા છે. જો કોઇ દુશ્મન સેના કિલ્લાનો મુખ્ય દરવાજો તોડીને અંદર પ્રવેશે, તો પણ તેઓ સીધા ટાવર સુધી પહોંચી શકતા નથી. કિલ્લાના અંદરના રસ્તાઓ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, સાંકડા અને ક્યારેક બંધ ગલીઓમાં પૂરા થઇ જતા હોય એવા બનાવવામાં આવ્યા છે. જેનાથી દુશ્મન સેનાઓ કન્ફ્યૂઝ થઇ જતી અને કિલ્લાના રક્ષકો તેમના ઉપર સરળતાથી હુમલો કરી શકતા હતા. કિલ્લાની અંદર દીવાલોમાં લંબચોરસ, વર્તુળ અને ત્રિકોણાકાર કાણાં જોવા મળે છે. તેને સામા કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકારના સામા ચોક્કસ હેતુથી બનાવવામાં આવ્યાં હતાં. બંદૂકધારી સૈનિકો માટે ગોળ અને ત્રિકોણાકાર કાણાં, જ્યારે તીરંદાજો માટે લંબચોરસ કાણાં બનાવ્યાં હતાં અને આ કાણાની રચના એવી રીતે કરવામાં આવી હતી કે અંદરના સૈનિકો બહાર જોઇ શકે અને દુશ્મન સૈનિકો પર હુમલો પણ કરી શકે. જ્યારે બહારના દુશ્મન માટે અંદર તીર કે ગોળી મારવી અશક્ય હતી.   

રહસ્યમય તથ્યો

અવારનવાર જાપાનમાં તીવ્ર ભૂકંપ આવતો રહે છે. 1995ના ભયાનક ધરતીકંપમાં આખું હિમેજી શહેર ધ્રૂજી ઊઠ્યું હતું, પણ આ કિલ્લાને ઊની આંચ પણ આવી નહોતી. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધમાં બીજા દેશોએ હિમેજી ઉપર બોમ્બમારો કર્યો હતો અને એક ફાયર બોમ્બ કિલ્લાની છત પર પડ્યો હતો, પણ નવાઇની વાત તો એ છે કે આ બોમ્બ ફૂટ્યો જ નહોતો.   

હિમેજી કિલ્લો જાપાનના રાષ્ટ્રીય ખજાના તરીકે સુરક્ષિત છે. ઇ.સ. 1993માં યુનેસ્કો દ્વારા તેને જાપાનની સૌપ્રથમ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે. માનવ ઇતિહાસની અમૂલ્ય ધરોહર સમાન હિમેજી કિલ્લો કુદરતી આફતો અને સમયની થપાટો સામે અડીખમ ઊભો રહીને જાપાનના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો