મહાભારત વિશે સંશોધન કરનારાઓમાંના એક પંડિત રાજારામે આજથી 112 વર્ષ અગાઉ, 1914માં એક રિસર્ચ આર્ટિકલ લખ્યો હતો. પંડિત રાજારામ લાહોરની ડી.એ.વી. કૉલેજના અધ્યાપક હતા.
મૂળ મહાભારતમાં થતા રહેલા ઉમેરાઓ વિશે વાત કરતાં પંડિત રાજારામ ભૂમિકા બાંધે છે. ઈતિહાસ કહેનારા અને સાંભળનારાઓમાં ભેદ રહે છે - બુદ્ધિમાનોને સાચા ઈતિહાસમાં રસ પડે છે અને અલ્પ બુદ્ધિવાળાઓને કલ્પિત અને અદ્ભુત ઘટનાઓનાં વર્ણનોમાં રસ પડે છે. બાળકોને પણ કલ્પિત કહાનીઓ પસંદ પડે છે. તેમનાથી જરા વધુ બુદ્ધિવાળા મોટી ઉંમરના માણસોને પણ સાચા ઈતિહાસને બદલે કલ્પિત અદ્ભુત કથાઓ જ ગમે છે. આને લીધે બનાવટી અદ્ભુત કથાઓ કહેનારા કવિઓ વખણાવા લાગ્યા અને અલ્પ બુદ્ધિવાળા શ્રોતાઓની રુચિ મુજબની રસિકતા લાવવા કલ્પિત અને અદ્ભુત ઘટનાઓનો ઉમેરો થવા લાગ્યો.
પંડિતજી કહે છે કે, `મહાભારતનો ઈતિહાસ પણ આવા ઉમેરાઓથી બચવા પામ્યો નહીં.' આ બાબતે પ્રમાણ આપતાં તેઓ જણાવે છે કે મહાભારતના આદિ પર્વના બીજા અધ્યાયમાં જે દરેક પર્વની અધ્યાય સંખ્યા અને શ્લોક સંખ્યા આપેલી છે તે હવે વધારે જોવામાં આવે છે. આદિ પર્વના 227 અધ્યાય કહ્યા છે, પણ હાલમાં 234 છે. સભા પર્વના 78 અધ્યાય કહ્યા છે, પણ હાલમાં 81 છે વગેરે.
પંડિત રાજારામનું કહેવું છે કે બીજા અધ્યાયમાં જે દરેક અધ્યાય અને શ્લોક ગણાવ્યા છે તે અધ્યાય પણ વ્યાસકૃત નથી, પરંતુ મહાભારતમાં ભેળસેળ થતી જોઈ, ભવિષ્યમાં એવું ન થાય તેની તકેદારી રાખવા કોઈ અન્યએ રચેલા છે. શોકની વાત એ છે કે આ અધ્યાય ઉમેરાયા પછી પણ મનસ્વી લેખકોએ મનઘડંત સેળભેળ કરવાનું ચાલુ રાખ્યું. ગ્રંથમાં જેટલી વધારે અદ્ભુત વાતોની ભેળસેળ કરીશું તેટલા અમારી પ્રશંસા કરનારા વધશે એવું ધારીને તેઓ મનમાની ભેળસેળ કરતા રહ્યા હશે.
અદ્ભુત રસની કથાના આવા મનસ્વી ઉમેરાઓને સાબિત કરવા પંડિત રાજારામ એક વિસ્તૃત ઉદાહરણ ટાંકે છે. મજાની વાત છે.
આદિ પર્વ અધ્યાય 128, 129માં લખ્યું છે કે કૌરવ અને પાંડવ જળક્રીડા કરવા માટે ગંગાતટે ગયા ત્યાં દુર્યોધને ભીમને ભોજનમાં ઝેર આપ્યું. તે ઝેરની અસરથી ભીમ બેશુદ્ધ થઈ ગયો ત્યારે દુર્યોધને એને ગંગામાં ફેંકી દીધો. ભીમ જળની નીચે નાગલોકમાં ચાલ્યો ગયો. ત્યાં ઘણા નાગે એને કરડી ખાધો, તેથી તેનું ઝેર ઊતરી ગયું અને તેને ભાન આવ્યું. ભાન આવ્યા પછી ભીમ બધા નાગને મારી નાખવા લાગ્યો એટલે કેટલાક નાગ પોતાના રાજા પાસે ગયા. નાગરાજે આવીને એને ઓળખ્યો કે આ તો મારા દોહિત્રનો દોહિત્ર એટલે કે ભીમસેન છે. નાગરાજે ભીમને રસ પીવડાવ્યો અને આઠમે દિવસે તેને શુદ્ધ સ્નાન તથા વિષનાશક ઔષધીઓવાળું ભોજન કરાવીને ઘરે પાછો મોકલ્યો.
મહાભારતના આ પ્રસંગને ટાંકીને એને લોજિકલી સમજાવી એમાંના લૂપહોલ્સ ખુલ્લા પાડતાં પંડિત રાજારામ કહે છે કે આ કિસ્સામાં એક સાવધાન ઈતિહાસવેત્તા આગળ મહામુશ્કેલી ઊભી થાય છે. તે એ કે પાણી નીચે પાતાળમાં કે પાણીમાં એવો લોક હોય એવું માની શકાતું નથી, જ્યાં નાગની વસ્તી હોય અને બીજું, પાણીમાં આઠ દિવસ કોઈ માણસ જીવતો ન રહી શકે.
વળી, જો તે નાગને ડંખ દેનારા સર્પો માને તો તેઓના રાજાની ભીમ સાથેની સગાઈ માનવામાં આવતી નથી. ભીમ સાથે એ વાતો કરી શકે એવું માનવું અશક્ય છે અને જો નાગને મનુષ્ય જાતિ માનવામાં આવે તો તેઓ ભીમને ડંખે એવું માની શકાતું નથી.
કથાનો સાચો ઈતિહાસ જોઈએ તો એ એટલો જ છે કે વિષ ચડવાથી ભીમ બેશુદ્ધ થઈને પડ્યો હતો એટલામાં નાગરાજ ત્યાં આવ્યા. નાગરાજે ભીમને ઓળખ્યો કે આ તો મારા દોહિત્રનો દોહિત્ર છે. એટલે તેને ઉપાડીને પોતાને ઘેર લઈ ગયા. તેની સારવાર કરી અને આઠમે દિવસે આરોગ્યસ્નાન કરાવીને ભીમને એના ઘરે પાછો મોકલ્યો.
હવે આ નાગ કોણ હતા અને નાગરાજ કોણ હતા? નાગ તો નાગવંશી ક્ષત્રિય હતા અને નાગરાજ તેમના સરદાર હતા. આ સરદારનો દોહિત્ર યદુવંશી શૂરસેન હતો. શૂરસેનનો દોહિત્ર ભીમસેન હતો, કારણ કે કુંતી શૂરસેનનાં પુત્રી હતાં. નાગવંશને તક્ષવંશ પણ કહેતા. તેમના રાજા-મહારાજાઓનાં ઉપનામ તક્ષ, તક્ષક અથવા વાસુકિ હતાં અને એવાં જ નામોથી તેઓ ઓળખાતા. જેમ કે, મિથિલાના રાજાઓ જનકના ઉપનામથી
ઓળખાતા હતા.
નાગવંશીઓ ભારતવર્ષમાં પણ અનેક જગ્યાઓએ રહેતા હતા, પરંતુ તેમનું સ્વતંત્ર રાજ્ય અફઘાનિસ્તાન અને તેનાથી પણ દૂર સુધીનું હતું તથા તેની રાજધાની તક્ષખંડ (હાલનું તાશ્કંદ) હતી અને તક્ષશિલા (રાવલપિંડી પાસે) સુધી તેના રાજ્યની હદ હતી. તેમની વસ્તી ભારતમાં પણ કેટલેય ઠેકાણે હતી. ભારત સાથે જ્યારે નાગવંશીઓને સંબંધ ન રહ્યો અને અહીં અવિદ્યા ફેલાઈ ત્યારે તેમનાં અદ્ભુત વર્ણન કરવા માટે કવિઓએ તેમને સાપનાં રૂપક આપ્યાં. સાપ દરમાં રહે એટલે પૃથ્વીમાં નાગલોકની કલ્પના કરી અને ત્યાં જવા માટે ગંગામાં ડૂબકી મારીને કે દર ફોડીને નીચે જવાની કલ્પના કરી, પાતાળલોકની કલ્પના કરી. તેમનાં અને તેમની કન્યાઓનાં દિવ્ય માનુષી રૂપોની કલ્પના કરી. આ રીતે નવલકથાને પણ આંબી જાય તેવી વધુ લોકપ્રિય વાર્તાઓ તૈયાર થઈ.
મહાભારતનો રચનાકાળ તો હજારો વર્ષ પહેલાંનો, પણ આજની તારીખેય વૉટ્સઍપ કે ફેસબુક દ્વારા ફોટોશૉપની કે એઆઈની કારીગરીથી સત્ય કિસ્સામાં કલ્પનાઓ ઉમેરીને ફૉરવર્ડ્ઝ
નથી થતા.
સાયલન્સ પ્લીઝ!
ક્યારેક એક ક્ષણની ગેરસમજણ એટલી બધી ઝેરીલી પુરવાર થતી હોય છે કે આપણે એ જ ક્ષણમાં અગાઉ ગાળેલી હજારો પ્રેમાળ ક્ષણોને ભૂલી જતા હોઈએ છીએ.
- અજ્ઞાત