શન્મુગમ મંજુનાથ. નામમાં જ દક્ષિણ ભારતની એક ઓળખ છુપાયેલી હતી, પરંતુ તેનું કાર્યક્ષેત્ર હતું ઉત્તર ભારત. તે બેંગ્લોરના એક મધ્યમવર્ગીય તમિલ બ્રાહ્મણ પરિવારમાંથી આવતો હતો.
જ્યાં મૂલ્યો અને શિક્ષણને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું હતું. 1978માં જન્મેલો આ યુવાન માત્ર બુદ્ધિશાળી જ નહીં, પણ સ્વભાવથી અત્યંત સરળ અને આદર્શવાદી હતો. વર્ષ 2001માં તેણે વિશ્વવિખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લખનૌ(IIM-L)માંથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી. આઈઆઈએમની આ તેજસ્વી કારકિર્દી તેને સીધી ભારતની સૌથી મોટી ઓઇલ કંપનીમાં `સેલ્સ ઓફિસર'ના પદ પર લઈ ગઈ.
જ્યારે તે 2004માં લખીમપુર-ખેરી ક્ષેત્રમાં તૈનાત થયો, ત્યારે તેના ખભે એક મોટી જવાબદારી હતી : પેટ્રોલ પંપ પર વેચાતા પેટ્રોલ અને ડીઝલની ગુણવત્તા અને જથ્થો જાળવવો. તેનું મુખ્ય કાર્યક્ષેત્ર લખીમપુર અને આસપાસના અંતરિયાળ વિસ્તારોને આવરી લેવાનું હતું, પરંતુ તેણે ટૂંક સમયમાં જ અનુભવ્યું કે આ માત્ર એક નોકરી નથી, પણ ભ્રષ્ટાચારના એક ઊંડા અને વિશાળ જાળામાં પ્રવેશ છે. ઉત્તર પ્રદેશના આ અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલમાં મોટા પાયે `ભેળસેળ'નું નેટવર્ક ચાલી રહ્યું હતું. આ નેટવર્ક મુખ્યત્વે સસ્તા કેરોસીન અને વિવિધ સોલ્વન્ટ્સનો ઉપયોગ કરીને પેટ્રોલને ડાયલ્યુટ કરતું હતું. આ પ્રવૃત્તિઓ કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા ઉપરાંત લાખો ગ્રાહકોનાં વાહનોના એન્જિનને બગાડતી હતી અને સરકારને કરોડો રૂપિયાના ટેક્સથી વંચિત રાખતી હતી. મંજુનાથ માટે આ સ્થિતિ સ્વીકારવી અશક્ય હતી.
ક્રોસ ચેકિંગ દરમિયાન સપ્ટેમ્બર, 2005માં મંજુનાથની નજર એક પેટ્રોલ પંપ પર પડી જે ગોલા ગોકરનાથ, લખીમપુર ખેરી વિસ્તારમાં આવેલો હતો. તેનું સંચાલન પવનકુમાર ઉર્ફે `મોનુ' મિત્તલ કરતો હતો, જે સ્થાનિક રાજકારણીઓ અને કેટલાક બાહુબલીઓ સાથેના જોડાણને કારણે ક્ષેત્રમાં ખૂબ પ્રભાવશાળી હતો. મંજુનાથે આ પંપ પર ગુપ્ત તપાસ કરી અને તેને તરત ખ્યાલ આવ્યો કે અહીંયાં ભેળસેળનું કામ ખુલ્લેઆમ અને કદાચ ઉપરી અધિકારીઓની મૌન સંમતિથી ચાલી રહ્યું છે.
મંજુનાથે તાત્કાલિક પગલું ભર્યું. તેણે સપ્ટેમ્બર, 2005માં જ આ પંપની તપાસ કરી, જ્યાં તેને ડીઝલમાં ભેળસેળના નક્કર પુરાવા મળ્યા. આ પુરાવા સચોટ હતા અને કાર્યવાહી અનિવાર્ય હતી. તેણે કાયદાકીય પ્રક્રિયાનું કડક પાલન કરીને પંપના નોઝલને `સીલ' કરી દીધા અને આ અંગેનો વિસ્તૃત રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલ્યો.
પંપ માલિક મોનુ મિત્તલ અને તેના સાગરીતો માટે આ એક મોટો આર્થિક ફટકો હતો, દરરોજ લાખો રૂપિયાનો નફો અટકી ગયો હતો. સીલ થયેલા પંપને ફરી શરૂ કરાવવા માટે મોનુ મિત્તલે મંજુનાથનો સંપર્ક કર્યો. પહેલીવાર તેને મોટી રકમની લાંચની ઓફર કરવામાં આવી, જે મંજુનાથે તરત ઠૂકરાવી દીધી. જ્યારે પૈસા કામ ન આવ્યા, ત્યારે ધમકીઓનો દૌર શરૂ થયો. મંજુનાથને અજાણ્યા નંબરો પરથી કોલ્સ આવવા લાગ્યા. ચેતવણી આપવામાં આવી કે તે આટલા ઊંડા ભ્રષ્ટાચારના કૂવામાં હાથ ન નાખે, નહીં તો તેનું પરિણામ ભોગવવું પડશે,પરંતુ મંજુનાથ અડગ રહ્યો.
મંજુનાથની સીલિંગ કાર્યવાહી છતાં મોનુ મિત્તલે સ્થાનિક રાજકીય દબાણનો ઉપયોગ કરીને કંપનીની ઉચ્ચ કચેરીઓમાંથી થોડા જ દિવસોમાં એટલે કે 16 ઓક્ટોબર, 2005ના રોજ પંપનું સીલ ખોલાવી નાખ્યું. ભેળસેળનું કામ ફરી શરૂ થઈ ગયું.
19મી ઓક્ટોબર, 2005ની તારીખ. મંજુનાથ ખરેખર તે દિવસે રજા પર હતો, પરંતુ ગુપ્ત રીતે ગોલા ગોકરનાથ પાછો ફરવાનો નિર્ણય કર્યો. તેની યોજના હતી કે તે પંપ પર ફરીથી `રેન્ડમ ચેક' કરશે અને આ વખતે ભેળસેળના પુરાવાઓનું ગુપ્ત રેકોર્ડિંગ પણ કરશે, જેથી તેને કોઈ નકારી ન શકે. જો પુનઃ ભેળસેળ થતી હશે, તો તે કાયમી ધોરણે પંપનું લાયસન્સ રદ કરાવવા માટે મજબૂત કેસ બનાવશે. તેની કાર્યવાહી યોજનાની જાણ મોનુ મિત્તલને કોઈ રીતે મળી ગઈ. તેને ખબર હતી કે જો મંજુનાથ આ વખતે પુરાવા સાથે પાછો ફરશે અને અગાઉના પુરાવા રજૂ કરશે, તો તેના સામ્રાજ્યનો માત્ર અંત નહીં આવે, પણ તેને જેલની હવા પણ ખાવી પડશે. મોનુએ એક ખૂની જાળ બિછાવી દીધી, પોતાના સાગરીતોને તૈયાર રાખ્યા.
બપોરના સમયે મંજુનાથ મોનુના પેટ્રોલ પંપ પર પહોંચ્યો. તેણે પંપ મેનેજર રાજેશ વર્મા અને મોનુના અન્ય સાગરીતોને ભેળસેળની પ્રક્રિયા કરતા રંગેહાથ પકડી લીધા. મંજુનાથે તાત્કાલિક સેમ્પલ લીધા અને રિપોર્ટ તૈયાર કરવા માંડ્યો. તેને કદાચ ખ્યાલ નહોતો કે તેની આ બહાદુરી તેને કેટલી મોંઘી પડશે. બસ, આ જ ક્ષણ હત્યારાઓ માટે અંતિમ સંકેત હતી.
સાંજના લગભગ 7:30થી 8:00 વાગ્યાની વચ્ચેનો સમય. એ સાંજ અચાનક લોહિયાળ બની ગઈ. પેટ્રોલ પંપ પર ધીમે ધીમે અંધારું ઘેરાઈ રહ્યું હતું. મોનુ મિત્તલના પાંચ મુખ્ય માણસો, જેમાં રાકેશ ત્રિવેદી અને સંજય અવસ્થી જેવા બદમાશો પણ સામેલ હતા, હથિયારો સાથે મંજુનાથ પર તૂટી પડ્યા. તેઓ મંજુનાથને પંપના પાછળના એક રૂમમાં ખેંચી ગયા, જ્યાં તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો, જેથી તે કોઈને ફરિયાદ ન કરી શકે. તેની પાસેથી પુરાવા અને તેણે એકત્ર કરેલાં સેમ્પલ બળપૂર્વક છીનવી લેવામાં આવ્યા, જે ગુનાનો મુખ્ય પુરાવો હતો. અંતે હત્યારાઓએ પોતાના માસ્ટર પ્લાનને અંજામ આપ્યો. મંજુનાથના શરીર પર એકસાથે છ ગોળીઓ ચલાવવામાં આવી. કિલરનો ઇરાદો માત્ર મૃત્યુ નહીં, પણ તાત્કાલિક અને ભયાનક અંત લાવવાનો હતો.
ત્યારબાદ મોનુ મિત્તલની સૂચના પર મંજુનાથના મૃતદેહને તેની પોતાની કારમાં મૂકવામાં આવ્યો. હત્યારાઓ કારને ત્યાંથી લગભગ 4 કિલોમીટર દૂર પલીયા અને ગોલા ગોકરનાથને જોડતા રસ્તા પર આવેલા લખીમપુર ખેરીના નિર્જન જંગલ વિસ્તારમાં લઈ ગયા. ત્યાં નિર્જન જગ્યાએ હત્યારાઓએ હત્યાના અને ભેળસેળના પુરાવા સંપૂર્ણપણે નાશ કરવાના હેતુથી મંજુનાથના મૃતદેહ સાથે કારને આગ લગાડી દીધી.
20 ઓક્ટોબર, 2005ની સવારે એક ભયંકર રીતે બળી ગયેલી કાર અને તેમાં ઓળખ ન થઈ શકે તેવો એક મૃતદેહ સ્થાનિક લોકો દ્વારા મળી આવ્યો. જોકે, થોડા જ સમયમાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ કપડાં ને અવશેષોના આધારે શન્મુગમ મંજુનાથ તરીકે થઈ.
શરૂઆતમાં સ્થાનિક પોલીસે કેસને સામાન્ય ગણાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સત્યને દબાવી શકાયું નહીં. મંજુનાથના મૃત્યુના સમાચારે દેશભરમાં, ખાસ કરીને તેના IIMના મિત્રો અને પૂર્વ વિદ્યાર્થીઓના સમુદાયમાં એક આઘાત અને આક્રોશની તીવ્ર લાગણી ફેલાવી દીધી.
IIM લખનૌના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓએ ભેગા મળીને એક અભિયાન શરૂ કર્યું, જેમાં સોશિયલ મીડિયા (તે સમયે ઈ-મેલ અને ફોરમ)નો ઉપયોગ કરીને સતત દબાણ જાળવી રાખ્યું. તેમણે `ધ મંજુનાથ ટ્રસ્ટ'ની સ્થાપના કરી. આ ટ્રસ્ટનો હેતુ પીડિત પરિવારને કાનૂની અને નાણાકીય સહાય પૂરી પાડવાનો અને દેશમાં વ્હીસલબ્લોઅર સુરક્ષા માટે કાયદાકીય લડાઈ લડવાનો હતો.
આ ટ્રસ્ટ અને સતત મીડિયાના દબાણને કારણે કેસને સપાટી પર લાવવો પડ્યો. ઉચ્ચ સ્તરે રાજકીય અને વહીવટી દબાણ એટલું વધ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે અંતે આ હાઇ પ્રોફાઇલ કેસની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપી. CBIના પ્રવેશથી કેસમાં ગંભીરતા અને ગતિ આવી.
સીબીઆઈની ટીમે તપાસની બાગડોર સંભાળી. આ એક જટિલ કેસ હતો, કારણ કે હત્યારાઓએ પુરાવાઓને સળગાવીને અને નષ્ટ કરીને કડીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપીઓ રાજકીય રીતે પ્રભાવશાળી હતા, પરંતુ સીબીઆઈએ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને મજબૂત સાક્ષીઓનાં નિવેદનો દ્વારા ઘટનાક્રમને વિગતવાર જોડવાનું શરૂ કર્યું. સીબીઆઈએ ઘટનાસ્થળની આસપાસના સ્થાનિક લોકોનાં નિવેદનો નોંધ્યા, જેમણે 19 ઓક્ટોબરની સાંજે પંપ પર ગરબડ કે ઝપાઝપી જોઈ હોવાની માહિતી આપી. આ ઉપરાંત મોનુ મિત્તલ તથા મંજુનાથ વચ્ચેના અગાઉના વિવાદો અને ધમકીઓની કડીઓ મેળવી. સૌથી મહત્ત્વપૂર્ણ પુરાવા ફોરેન્સિક તપાસમાંથી આવ્યા. બળી ગયેલી કારના અવશેષો અને મંજુનાથના શરીર પરની ગોળીઓની તપાસ બેલેસ્ટિક તપાસ કરવામાં આવી. આનાથી સ્પષ્ટપણે પુષ્ટિ થઈ કે આ એક અકસ્માત નહીં, પણ ગોળીઓ દ્વારા કરાયેલી હત્યા છે અને ગોળીઓનો પ્રકાર કેસને ઉકેલવામાં મદદરૂપ થયો. મંજુનાથે તેના સિનિયર અધિકારીઓને મોકલેલા ઈ-મેલ્સ અને સપ્ટેમ્બરના સીલિંગ રિપોર્ટ્સ, જેમાં તેણે ભેળસેળ અને મોનુ મિત્તલ તરફથી મળતી ધમકીઓની વાત કરી હતી, તે કેસના મુખ્ય અને નિર્વિવાદ પુરાવા બન્યા. આ ઇ-મેલ્સ હત્યાના `પૂર્વ યોજિત કાવતરા'ને સાબિત કરવા માટે નિર્ણાયક સાબિત થયા.
પુરાવા અને સાક્ષીઓના આધારે સીબીઆઈએ મુખ્ય આરોપી પવનકુમાર ઉર્ફે મોનુ મિત્તલ અને તેના છ સાગરીતો - દેવેશ સહાય, રાકેશ ત્રિવેદી, સંજય અવસ્થી, શૈલેન્દ્ર નાથ, રાજેશ વર્મા અને શિવકેશ ગિરીની ધરપકડ કરી. તેમના પર હત્યા IPC કલમ 302, પુરાવાનો નાશ કલમ 201 અને ગુનાહિત કાવતરું કલમ 120-Bના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા. તપાસ પૂર્ણ થયા પછી સીબીઆઈએ સ્પેશિયલ કોર્ટમાં મજબૂત ચાર્જશીટ દાખલ કરી, જેણે કાયદાકીય ટ્રાયલની શરૂઆત કરી.
મંજુનાથનો કેસ લખીમપુર-ખેરીની સેશન કોર્ટમાં ચાલ્યો. મંજુનાથ ટ્રસ્ટ દ્વારા આ કેસમાં સક્રિય રહીને સતત ન્યાય પ્રક્રિયા પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી હતી, જેથી કોઈ પણ પ્રકારનું રાજકીય કે નાણાકીય દબાણ ન્યાયને વિચલિત ન કરે. માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં સેશન કોર્ટે ચુકાદો આપ્યો, જે મંજુનાથની પ્રામાણિકતાની જીત સમાન હતો. ન્યાયાધીશે સ્વીકાર્યું કે આ એક સુનિયોજિત અને ઘૃણાસ્પદ ગુનો હતો. પવનકુમારને `મોનુ' મિત્તલ હત્યાનું કાવતરું ઘડવા અને ઉશ્કેરવા બદલ `ફાંસીની સજા' સંભળાવવામાં આવી અને અન્ય પાંચ હત્યારાઓને હત્યામાં સીધા સામેલ થવા બદલ આજીવન કેદની સજા આપવામાં આવી. એક આરોપી શિવકેશ ગિરી હત્યામાં તેની સીધી ભૂમિકા સાબિત ન થતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયો.
સેશન્સ કોર્ટ બાદ આ કેસ અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચ સામે 12 ડિસેમ્બર, 2009ના રોજ આવ્યો. હાઇકોર્ટે સેશન કોર્ટના ચુકાદાની વિગતવાર સમીક્ષા કરી. હાઇકોર્ટે મોનુ મિત્તલની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી, જ્યારે અન્ય પાંચ આરોપીઓની આજીવન કેદની સજાને યથાવત્ રાખી. મંજુનાથ ટ્રસ્ટ અને તેના પરિવારે આજીવન કેદના નિર્ણયને પડકારીને ન્યાયની છેલ્લી સીડી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી. હત્યાનાં 10 વર્ષ પછી કાયદાકીય લડાઈનો અંત સુપ્રીમ કોર્ટમાં આવ્યો. સુપ્રીમ કોર્ટે પણ પવનકુમાર ઉર્ફે `મોનુ મિત્તલ' સહિત તમામ છ આરોપીઓની આજીવન કેદની સજાને બહાલ રાખી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે હત્યા પાછળનો હેતુ મંજુનાથને અવાજ ઉઠાવતા રોકવાનો હતો અને આ એક પૂર્વ યોજિત ગુનાહિત કાવતરું હતું, જે ભ્રષ્ટાચારને છુપાવવા માટે કરવામાં આવ્યું હતું. કોર્ટે ચુકાદામાં વ્હીસલબ્લોઅરના રક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો.
