એમ તો મોંઘવારીની અહીં ચર્ચા કરવાની જ નથી. દુનિયાભરમાં મોંઘવારી વધી રહી છે. મોંઘવારી વધી કે ન વધી, પણ દુનિયામાં એક શાકભાજી એવી છે, જે સામાન્ય દિવસોમાં પણ આપણે ખરીદી શકીએ નહીં, કેમ કે તેનો ભાવ એવો અધધ છે કે દુનિયાની સૌથી મોંઘી શાકભાજીનું ટેગ મળ્યું છે. વળી, એ શાકભાજી બજારમાં તો મળે જ નહીં, તમારે જોઈએ તો આર્ડર આપવો પડે.   

દુનિયામાં માંસાહાર વધુ થતો હોવા છતાં શાકભાજી ખાનારાઓની સંખ્યા પણ ઓછી નથી. શાકભાજીના ભાવ ઉપર મોસમનો પ્રભાવ વધુ રહે છે. હાલમાં આપણે ત્યાં પણ શાકભાજીના ભાવ બહુ ઊંચા ગયા છે, કેમ કે ક્યાંક વરસાદ એવો પડ્યો કે શાકભાજીની ખેતીને ભારે નુકસાન થયું છે, તો ક્યાંક વરસાદ સાવ હાથતાળી દઈ ગયો છે તેથી શાકભાજી થઈ જ શકી નહીં. બંને હાલમાં શાકભાજીનો પાક ઓછો ઊતરી રહ્યો છે અને અર્થશાસ્ત્રનો તો નિયમ જ છે કે માંગ વધુ હોય અને પુરવઠો વધુ હોય ત્યારે ભાવ વધે, પરંતુ અહીં જે શાકભાજીની વાત કરવાની છે, એ શાકભાજી તો સામાન્ય દિવસમાં ખરીદી ન શકાય એવા ભાવે વેચાય છે. આ શાકભાજી એટલે યુરોપ, ઉત્તર અમેરિકા અને સમશીતોષ્ણ વિસ્તારોમાં થતી હોપશૂટ.   

હોપશૂટ વાસ્તવમાં Humulus Lupulus નામના હોપ છોડની જમીનમાંથી નીકળતી કોમળ અને તાજી કુંપળો જ હોય છે. હોપશૂટનો સ્વાદ થોડો કડવો અને માટીના સ્વાદ જેવો વિશિષ્ટ હોય છે. આ છોડ વસંતઋતુમાં ઊગતા હોય છે. દેખાવમાં તે નાના લીલા શતાવરી જેવા હોય છે. કેટલાક હોપશૂટના દાંડા લાલાશ પડતા કે જાંબલી રંગના હોય છે. સામાન્ય રીતે ખાવા માટે 6થી 10 સેન્ટિમીટર જેટલી કોમળ કુંપળો પસંદ કરવામાં આવે છે. યુરોપમાં તેનો ઉપયોગ સલાડ, સૂપ, શાકભાજી તરીકે વિવિધ વાનગી બનાવવામાં અને સ્ટિર ફ્રાયમાં થાય છે. એ ઉપરાંત તેમાંથી અથાણું પણ બનાવવામાં આવે છે. એ ઉપરાંત હોપશૂટનો ઉપયોગ ક્ષય રોગની સારવાર માટે પણ ઘણા લોકો કરે છે. એમ માનવામાં આવે છે કે તેની દાંડી ક્ષય રોગની સારવાર માટે અસરકારક છે. હોપશૂટના છોડમાંથી મળતાં વિવિધ સંયોજનોના ઔષધીય ઉપયોગ અંગે પણ સંશોધન થયું છે. એટલે હોપશૂટનો ઉપયોગ અન્ય દવાઓ બનાવવા માટે પણ થાય છે.   

હોપશૂટના ફૂલને હોપ કોન કહેવામાં આવે છે. હોપ કોનનો ઉપયોગ બિયરને વિશિષ્ટ સુગંધ તથા કડવાશ આપવા માટે થાય છે. એ કારણે જ બિયર ઉદ્યોગમાં તેની માંગ વધુ હોય છે. બિયર બનાવતી કંપનીઓ તેનો વધુ ઉપયોગ કરતી હોવાને કારણે તેની માંગ વધુ રહે છે. જોકે, એટલા માત્રથી હોપશૂટના ભાવ ઊંચા હોય એમ બની શકે નહીં, પરંતુ હોપશૂટના ઊંચા ભાવ પાછળ તેની દુર્લભતા, મર્યાદિત ઉત્પાદન અને માનવશ્રમ વધુ લાગતો હોવાનું કારણ જવાબદાર છે. આ શાકભાજીના કોમળ અંકુરો ચોક્કસ સમયગાળામાં જ લણી લેવા પડતા હોય છે. વળી, એ અંકુર ખૂબ જ નાજુક હોય છે, તેથી અમેરિકામાં સામાન્ય ખેતીમાં મશીનરીનો ઉપયોગ વધુ થાય છે, પણ હોપશૂટના અંકુર ચૂંટવા માટે મજૂરોને જ કામે લગાડવા પડતા હોય છે. હાથથી અંકુરને નુકસાન ન થાય એ રીતે એ તોડવા પડતા હોય છે. એ ઉપરાંત તેની ઊપજ મર્યાદિત હોય છે તેમજ તેની તાજગી લાંબો સમય જળવાતી ન હોવાને કારણે તેનો ઉપયોગ પણ ઝડપથી થઈ જવો જોઈએ. ટૂંકમાં, પુરવઠો ઓછો અને એ ઉત્પાદન મેળવવા માટેનો ખર્ચ વધુ રહે છે. પરિણામે હોપશૂટના ભાવ ખૂબ જ ઊંચા રહે છે. હોપશૂટ એવી દુર્લભ શાકભાજી બની ગઈ છે કે તેનો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ લગભગ 1000 યુરો એટલે કે 80 હજારથી 1 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. આ ભાવે શાકભાજીમાં ભલે ગમે એવા ગુણ હોય તો પણ લઈ શકાય એવાં ખિસ્સાં પણ હોવાં જોઈએને?   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો