એઆઇ આજે અત્ર-તત્ર સર્વત્ર છે, જેને કારણે બાળકોની રચનાત્મકતા અને વૈચારિકતા બંને પર અસર પડી રહી છે. આજ સુધી પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે બાળક જાતજાતના તર્ક-વિર્તક કરતાં હતાં. પેરેન્ટ્સ અને શિક્ષકને સવાલો પૂછીને દલીલો કરતાં હતાં અને એ રીતે વિચારતાં હતા એના બદલે હવે પોતાના મનમાં જન્મતાં દરેક સવાલોને તર્ક-વિચારની એરણ પર ચકાસ્યા વિના સીધા જ ચેટજીપીટી, એલેક્સા, એપલ સીટી કે ગૂગલ ઓડિયો ટેક્સ્ટને દોસ્ત બનાવીને એઆઇને પૂછે છે. પોતાના વિચારોને તર્કબદ્ધ રીતે ટાઇપિંગ કરવાની તસદી પણ તેઓ લેતાં નથી. ટૂંકમાં, દિમાગી કસરતને છોડીને બાળકો પણ એઆઇ દ્વારા પીરસાતું તૈયાર ભાણું જમી રહ્યાં છે.
યુનિસેફના એક રિપોર્ટ મુજબ 10માંથી એક બાળક પોતાને પરેશાન કરતી બાબતો માટે એઆઇની સલાહ લે છે. વિશ્વમાં 1 કરોડથી વધુ લોકો ભણવા માટે એઆઇનો ઉપયોગ કરે છે. આમ જુઓ તો એઆઇનું નિર્માણ માણસની મદદ માટે થયું હતું, પરંતુ હવે મોટા સાથે બાળકો પણ એઆઇ પર નિર્ભર બની રહ્યાં છે. જેના કારણે એમની એકાગ્રતાને નુકસાન થઇ રહ્યું છે. એમને એમના સવાલોના જવાબ ઇન્સ્ટન્ટ જોઇએ છે. જવાબ તૈયાર મળી જાય ત્યારે સંયમ-સંઘર્ષ અને જિજ્ઞાસાનું સ્તર ઓછું થઇ જાય છે. વૈચારિક પ્રક્રિયા દ્વારા જન્મતી નવી-નવી કલ્પનાઓ દબાઇ જાય છે. વાસ્તવમાં બાળકોમાં રચનાત્મકતા વધારવા માટે વ્યાવહારિક અને લાભદાયક રીતોનો ઉપયોગ કરવામાં આવે એ જરૂરી છે. તો જ એમનામાં આલોચનાત્મક વિચાર, ભાવનાત્મક સમજ અને કલ્પનાશક્તિનો ઉપયોગ કરવા જેવા ગુણોનો વિકાસ થઇ શકશે. એ માટે કેટલાક વ્યાવહારિક ઉપાયો પ્રસ્તુત છે.
પહેલાં જાતે વિચારો પછી એઆઇને પૂછો
બાળકો પ્રોજેક્ટ, નિબંધ કે કોઇ સ્પર્ધા માટે એઆઇની સલાહ લેવા માટે વિષયને ચેટજીપીટી પર કોપી-પેસ્ટ કરે છે, પરંતુ બાળક માટે એક નિયમ બનાવો કે પહેલાં એક રફ કોપી જાતે બનાવવી ત્યારબાદ જ એઆઇની સલાહ લેવી. દાખલા તરીકે બાળકને પ્રદૂષણ પર નિબંધ લખવો છે તો પહેલાં બાળકને કાગળ-પેન આપો અને કહો કે તારી દૃષ્ટિએ પ્રદૂષણ શું છે? તું જાતે વિચારીને પાંચ-સાત પોઇન્ટ લખ પછી એઆઇ પાસે લખાવ. આ નિયમ એટલા માટે જરૂરી છે કે વૈજ્ઞાનિક સંશોધન મુજબ જે બાળકો એઆઇ દ્વારા ઉત્તર તૈયાર કરે છે. તેમને 45 દિવસ પછી યાદ રાખવાની ક્ષમતા જાતે ઉત્તર તૈયાર કરનારની સરખામણીએ 11થી 15 ટકા ઓછી થઇ જાય છે.
એઆઇને ભૂલ કરનાર દોસ્ત બનાવો
બાળકોને લાગે છે કે એઆઇ 100 ટકા સાચું બોલે છે. એમનો આ ભ્રમ તોડવા માટે બાળક સાથે બેસીને એઆઇ પાસે કોઇ વિષય પર જાણકારી મેળવો. પછી અન્ય વેબસાઇટ અને ટેક્સ્ટ બુક્સમાં એ માહિતી બતાવો. બાળક બે વચ્ચેનો તફાવત સમજશે અને બેમાંથી જે માહિતી બેસ્ટ હશે તે અપનાવશે. જ્યારે બાળકોને અલગ ટેબ ખોલીને માહિતીની ચકાસણી કરતાં શીખવવામાં આવે છે ત્યારે સાચા-જૂઠાને સમજવાની ક્ષમતા ડબલ થઇ જાય છે. બાળક દરેક માહિતી પર આંખ બંધ કરીને ભરોસો મૂકવાને બદલે સવાલ પૂછતા અને ચકાસણી કરતા શીખશે.
એઆઇ પાસે જવાબ નહીં મદદ માંગો
મોટાભાગે બાળકો એઆઇને સીધો ઓર્ડર આપે છે કે મારો ગણિતનો આ દાખલો હલ કરી આપો અથવા તો મારા માટે આ પત્ર લખી દો. એના બદલે બાળકને કહો કે એઆઇ પાસે પ્રથમ સ્ટેપ અથવા તો કોઇ હિન્ટ માંગે, જેથી બાળક વધારે સારી રીતે કામ કરી શકે. અથવા તો એક પેરેગ્રાફ લખીને એઆઇને પૂછે કે મારી આમાં શું ભૂલ છે તે બતાવો. આમ કરવાથી એઆઇ બાળકની વિચારવાની શક્તિ છીનવવાને બદલે શિક્ષક તરીકે કામ કરશે.
એઆઇ પાસે વિરોધી વિચાર માંગો
એઆઇ હંમેશાં સીધા-સ્પષ્ટ ઉત્તર નમ્રતાથી આપે છે. બાળક સારું-ખરાબ લખશે તો એનું સમર્થન કરશે, પરંતુ એઆઇનો ઉપયોગ કરનાર બાળકને જાદુઇ વાક્ય શીખવો કે એઆઇ મારી આ વાતથી અસહમત થઇને બતાવો અને કહો કે મારા વિચારમાં શું ભૂલ છે. અગર બાળક કહે કે પનિશમેન્ટ ન મળવી જોઇએ તો સામે એઆઇ પાસે પનિશમેન્ટ મળવી જોઇએ એના સમર્થનની વાત પણ સમજાવો. બાળકને એઆઇનો ઉપયોગ કરતા વિરોધી વિચાર જાણવાનું કહેવાથી એની વિચાર પ્રક્રિયા જાગૃત રહેશે.
ઓપન ડિબેટ કરો
પેરેન્ટ્સ ન્યૂઝપેપર્સમાં કોઇ નવો વિચાર-ટેક્નોલોજી કે ઘટના જુએ ત્યારે બાળકો વિચારી શકે એવી બાબતોની ઓપન ચર્ચા કરો. દાખલા તરીકે માણસ વગરની ગાડી રસ્તા પર ચાલશે તો શું ફાયદો થશે? શું નુકસાન થશે? આવી ચર્ચાથી બાળકોની વૈચારિક શક્તિ ખીલશે.
ઉંમરની સીમા નક્કી કરો
13 વર્ષની નાની ઉંમરનાં બાળકોને એકલા એઆઇનો ઉપયોગ ન કરવો જોઇએ એવી યુનેસ્કોએ સલાહ આપી છે. આ ઉંમરમાં બાળકના મગજનો પ્રાથમિક વિકાસ થાય છે, તેથી એમને જાતે લખવા, પુસ્તકો વાંચવા અને રમવા માટે પ્રેરવા જોઇએ અને 13થી 17 વર્ષ સુધીનાં બાળકોને પણ એઆઇના ઉપયોગ અંગે સતત માર્ગદર્શન આપતા રહેવું જોઇએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો