પ્રાચીન સમયમાં વાસણોમાં પવિત્ર જળનો સંગ્રહ કરવાથી લઈને ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન યુરોપીય સ્પામાં કાચની બોટલોમાં મળનારા સ્વાસ્થ્યવર્ધક ઝરણાનાં પાણી અને આજે પ્લાસ્ટિકની બોટલોમાં મળનારા મિનરલ વોટર સુધીનો એક લાંબો અને રસપ્રદ ઈતિહાસ છે

એક રિપોર્ટ અનુસાર માનવવિજ્ઞાની અને `ફાઈન વોટર્સ : અ કોનોઈસર્સ ગાઈડ ટુ ધ વર્લ્ડ ઓફ પ્રીમિયમ વોટર્સ'ના લેખક માઈકલ માશાના મતે લોકો દ્વારા પાણીને કોઈ વાસણમાં ભરીને બીજે ક્યાંક લઈ જવાનું સૌથી પહેલું ઉદાહરણ રોમન સામ્રાજ્ય દરમિયાન જોવા મળે છે. વળી, પાણી વાસણમાં ભરીને વેચવાનાં ઉદાહરણો પણ જોવા મળે છે. ઉત્તર જર્મનીના અપોલિનારિસ જેવાં સ્થળોએ મળી આવતું પ્રાકૃતિક કાર્બોનેટેડ મિનરલ વોટર સૌથી પહેલાં બોટલબંધ કરવામાં આવ્યું. જોકે, પ્રાચીન રોમમાં કાચનું નિર્માણ થતું હતું, પરંતુ પાણી માટે તેનો ઉપયોગ બહુ મોંઘો પડતો, તેથી માટીનાં વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો.

પવિત્ર ઝરણાંઓનાં પાણીથી વિકસિત થઈ મિનરલ્સ વોટરની અવધારણા

પાંચમી શતાબ્દીની આસપાસ યુરોપ અને મધ્ય પૂર્વમાં તીર્થયાત્રીઓ પવિત્ર કૂપ મનાતા જળસ્રોત, ઝરણાં કે કૂવામાંથી પાણી પોતાના ઘરે લઈ જતા. આ ઝરણાંઓનું પાણી પીવાને સામાન્ય રીતે કોઈ ને કોઈ પ્રકારના સ્વાસ્થ્ય લાભ સાથે જોડવામાં આવતું. જેમ કે કોઈ વિશેષ બીમારીનો ઈલાજ. આયર્લેન્ડમાં પવિત્ર કૂવાઓની સંખ્યા 3 હજારથી પણ વધારે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર જિમ સાલ્જમેને પોતાના પુસ્તક `ડ્રિંકિંગ વોટર : અ હિસ્ટ્રી'માં લખ્યું છે કે પવિત્ર કૂપના પાણીની પ્રામાણિકતા સાબિત કરવા માટે પવિત્ર કૂવાનું જળ ભરવા એક ચીની માટીની કુપ્પી અને એક અનોખી મહોર પણ બનાવવામાં આવતી હતી.

યુરોપના શહેરોએ બોટલબંધ પાણીનો વેપાર શરૂ કર્યો

પાણી અને સ્વાસ્થ્યનો સંબંધ 1400 કે 1500ના દશકાની આસપાસ ઊભરી આવેલા યુરોપીય સ્પા શહેરોના દોરમાં વધારે મજબૂત બન્યો. ખાસ કરીને 1700-1800ની ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન શહેરો ખૂબ ગંદા હતા. શહેરી વિસ્તારોનું પાણી ખૂબ પ્રદૂષિત હતું અને બીમારીઓ પણ તેનાથી ફેલાતી હતી, તેથી અમીર લોકો અમુક અઠવાડિયા સ્પામાં જતા હતા. જ્યાં તેઓ લાંબા સમય સુધી શુદ્ધ પાણી પીને ખૂબ જ સારું અને સ્વસ્થ અનુભવતા હતા. પવિત્ર કૂવાઓની જેમ મોટાભાગના સ્પા દાવા કરતા હતા કે તેમના મિનરલ વોટરમાં ઉપચારાત્મક ગુણો છે.

શરૂઆતમાં તો અમીરોને જ પરવડતું!

મોટાભાગના લોકો માટે સ્પાનો ખર્ચો ખૂબ વધારે હતો. વળી, સ્પા એવી જગ્યા હતી જ્યાં ધનિકો એકબીજાને મળતા. ગરમીઓના અમુક મહિનાઓમાં સ્પામાં જવાનું, તરવાનું અને સ્વસ્થ જીવનશૈલીનો આનંદ લેવો એ એક સ્ટેટસ સિમ્બોલ હતો. જ્યારે કાચ બનાવવાનું સસ્તું થઈ ગયું ત્યારે લોકો સ્પામાંથી બોટલમાં ભરીને પાણી શહેરમાં લાવવા લાગ્યા. સ્લોવેનિયાના એક સ્પા શહેર રોગાસ્કાર સ્લાતિનાને અમુક લોકો આધુનિક બોટલબંધ પાણી ઉદ્યોગનું જન્મસ્થાન માને છે. એ સ્પષ્ટ નથી કે લોકો ક્યારે આ જગ્યા પર નહાવા અને પાણી પીવા માટે આવતા હતા, પરંતુ આ ઝરણાંઓના ઉપયોગનો પહેલો પુરાવો ઈ.સ. 1141માં મળે છે. સ્પાનો આધારસ્તંભ ઈ.સ. 1572માં રાખવામાં આવ્યો હતો અને તેની સાથે જોડાયેલું રોગોસ્કાર મેડિકલ સેન્ટર પણ ઈ.સ. 1594માં ખૂલ્યું.

કાચની બોટલમાં પાણી માટે બન્યું કારખાનું

રોગાસ્કા સ્લાતિનાના સ્પામાંથી લોકો પાણી ઘરે લાવવા ઇચ્છતા હતા, તેથી સ્પાની બાજુમાં જ એક કારખાનું શરૂ કરવામાં આવ્યું. આ જ એ પહેલી જગ્યા છે જ્યાંથી કાચની બોટલોમાં સ્પાનું શુદ્ધ પાણી ભરીને લોકોને વેચવામાં આવ્યું હતું. આ શહેરમાં કાચ બનાવવાનું કામ ઈ.સ. 1665માં જ શરૂ થઈ ગયું હતું. રોગાસ્કાર ગ્લાસવર્ક્સ જે આજે પણ છે, તેણે ઈ.સ. 1927માં એક કારખાનું ચલાવવાનું શરૂ કર્યું. 18મી શતાબ્દીના અંત સુધીમાં રોગાસ્કામાં પાણી ભરીને વેચવા માટે દર વર્ષે 20 હજાર કાચની બોટલો બનાવવામાં આવતી. યુરોપ, અમેરિકા સહિત અન્ય જગ્યાઓ પર મિનરલ્સ વોટર વેચાવા લાગ્યું. આમાં કાચની બોટલોનું મોટા પાયે ઉત્પાદન થવાની સાથે સાથે રેલમાર્ગોએ પણ બોટલબંધ પાણીના પ્રસારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

અમેરિકાથી ટ્રેન્ડ શરૂ થયો

અમેરિકામાં બોટલબંધ પાણી વેચવાની શરૂઆતની જગ્યાઓમાંથી એક ઈ.સ. 1767માં બોસ્ટનનું જેક્સન સ્પા હતું. અહીં લોકો ઝરણાંના એક લિટર પાણી માટે એક તાંબાનો એક સિક્કો આપતા હતા. અમેરિકામાં શરૂઆતમાં બેન્જામિન રશ કે જેઓ એક ચિકિત્સક હતા, તેમણે ઈ.સ. 1773માં ઝરણાના પાણી પર એક સંશોધન રિપોર્ટ તૈયાર કર્યો અને ઈ.સ. 1786માં મિનરલ વોટરના ઔષધીય લાભોને સમજાવનારી 12 પાનાંની પુસ્તિકા પણ પ્રકાશિત કરી જે અનુસાર પ્રાકૃતિક ઝરણાંઓનાં પાણીમાં સ્વાસ્થ્ય માટે લાભકારક ખનિજ હતા. આમ આખી દુનિયામાં બોટલબંધ કાર્બોનેટેડ અને મિનરલ્સ વોટર એક ટ્રેન્ડ બની ગયું. પ્લાસ્ટિક શોધયા પછી તો બોટલબંધ પાણીના ક્ષેત્રમાં ક્રાંતિ આવી, કારણ કે તેનું પરિવહન ને ઉપયોગ ખૂબ જ સરળ થઈ ગયા. આજેય બોટલબંધ પાણી એટલું જ પોપ્યુલર છે, જેટલું શરૂઆતના સમયમાં હતું કે જ્યારે પ્રાકૃતિક ઝરણાંના પાણીને કાચની બોટલમાં ભરીને વેચવામાં આવતું હતું.