પત્નીની હત્યા કરનાર પોઝ્નીશેફ (ટોલ્સ્ટોયની લઘુનવલ `ક્રોત્ઝર સોનાટા'નો નાયક) એક ટ્રેનયાત્રા દરમિયાન કોઈ અજાણ્યા સહયાત્રીને એકડે એકથી આખી ખૂનકથા કહે છે. એ જણાવે છે કે હનીમૂનથી જ એમની વચ્ચે શરૂ થઈ ગયેલા ઝઘડા પછી તો સંખ્યામાં અને તીવ્રતામાં વધતા જ ગયા. એનું આગળનું બયાન...
`નાનપણથી મેં એવું માનેલું કે પ્રેમ તો બહુ ઊંચા માંયલી અને શ્રેષ્ઠ ચીજ છે. જુવાનીમાં મેં પ્રેમ કર્યો ત્યારે મેં આનંદ પણ અનુભવેલો, પરંતુ પછી જ્યારે અસલી વાસનાયુક્ત સંબંધમાં ડૂબ્યો ત્યારે મને સમજાયું કે કલ્પના અને થિયરીમાં પ્રેમ ભલે ભારે રૂડોરૂપાળો લાગે, પરંતુ એની વાસ્તવિકતા માણસને ઊંચે લઈ જનારી નહીં, નીચે પાડનારી છે. મારી જ વાત, એકદમ પ્રામાણિકપણે કરું તો, હું તો પ્રેમમાં (લગ્નમાં) પહેલેથી જ હું ભૂખ્યા જાનવરની જેમ તૂટી પડ્યો. મને એનું અભિમાન હતું. મેં એ ન જોયું કે હું જે કંઈ કરી રહ્યો હતો તેની મારી પત્નીનાં મન અને શરીર પર કેવી અસરો પડી રહી હતી. લગ્નના પહેલા જ મહિને મેં એને પ્રેગ્નન્ટ કરી નાખી. (જાતીયતાના અતિરેકને લીધે) અમારી વચ્ચે આરંભથી જ ધિક્કાર પેદા થઈ ચૂક્યો હતો. અસલમાં એ ધિક્કાર અંદરના જાલીમ જાનવરથી છૂટવા માટેનો માનવસહજ પ્રયાસ હતો. એ ધિક્કાર (નૈતિક અધઃપતનના) ગુનામાં સહભાગી હોવા વિશેનો હતો અને તમે વિચાર કરો, તમને જેના પ્રત્યે દાઝ હોય એવા માણસ સાથે તમારે પાછો સંબંધ તો એવો ને એવો જ ચાલુ રાખવાનો (અને ફરી, ફરી, ફરી પ્રેગ્નન્ટ થવાનું).'
`તમને થશે કે હું મારી ખૂનકથાથી ભટકી રહ્યો છું, પણ ના, હું મારી પત્નીના ખૂન તરફ દોરી જનારી ઘટનાઓની જ વાત કરી રહ્યો છું. લોકો ડોબા છે. તેઓ એવું માને છે કે મેં મારી પત્નીનું ખૂન પાંચમી ઓક્ટોબરના રોજ કર્યું. ના રે ના. મેં તો બહુ પહેલાં, પત્નીને ભોગવતાં પહેલાં જ, બધા જ પુરુષો જે રીતે સ્ત્રીઓની `હત્યા' કરે છે એ જ રીતે એને મારી નાખેલી. અહીં સમજવાની મૂળ વાત એ છે કે આપણો આખો સમાજ એવું માને છે કે સ્ત્રીઓ પુરુષોને આનંદ પૂરો પાડે છે (કદાચ સામે પક્ષે પુરુષો પણ સ્ત્રીને આનંદ પૂરો પાડતા હશે, પણ એ વિશે હું નથી જાણતો. હું ફક્ત મારી જ વાત કરીશ.) મને તો એ જ પ્રચલિત પંક્તિની ખબર હતી. શરાબ... શબાબ... સંગીત (જાણે એ જ છે સ્વર્ગનાં દ્વાર.)
`કવિતા, ચિત્રો, પ્રતિમાઓ જ્યાં જુઓ ત્યાં એવું જ દર્શાવાય છે કે સ્ત્રી એટલે ઉપભોગની ચીજ. પાછો દંભ જુઓ. સ્ત્રીઓને ખોટેખોટો આદર તો બહુ આપવામાં આવે. એ ઊભી હોય તો બેઠેલો પુરુષ ઊભો થઈને એને બેસવા કહે. એનો પડી ગયેલો રૂમાલ પુરુષ ઉઠાવી આપે. વળી સારા-ઊંચા હોદ્દા પર બેસવાના એના અધિકારોની પણ વાતો થાય, પણ આ બધાં સહિત સ્ત્રીઓ છેવટે તો ગુલામ જ રહે. એ ગરીબ ઘરની પત્ની હોય કે ઊંચો હોદ્દો ભોગવતી સ્ત્રી, એ ગુલામ એટલે ગુલામ જ. આપણે પાછા સામાજિક સ્તરે ગુલામીપ્રથા નાબૂદ કરીને રાજી થઈએ કે હવે તો ગુલામી જેવું ક્યાં કશું રહ્યું છે, પણ સમાજની અડધી વસ્તી હજુ પણ ગુલામ છે એ આપણને કેમ દેખાતું નથી? ગુલામી એટલે શું? બીજાના જીવનનો ઉપયોગ પોતાના આનંદ માટે કરવો એ છે ગુલામી. સ્ત્રીનો, એના શરીરનો, એના જીવનનો પણ આ જ રીતે ઉપયોગ થાય છે.
`સ્ત્રી ગમે તેટલી મુક્ત લાગે તો પણ એ છેવટે ગુલામ જ બની રહે છે. એ પોતે પણ એવું જ માનતી થઈ જાય કે એ સુખદાતા છે, પુરુષ કરતાં એ ઓછી-ઊતરતી છે. એમાં વળી હવે તો વિજ્ઞાન અને ડોક્ટરો એને (પ્રેગ્નન્સી ટાળવામાં) મદદ કરે છે. એને લીધે તો એ માનવથી ઊતરીને જાનવરને બદલે છેક નિર્જીવ ચીજવસ્તુની કક્ષાએ પહોંચી જાય છે. (આ પતનની પીડાના પ્રતાપે) તમને મોટાભાગની સ્ત્રીઓ માંદલી, ચીડચીડી જોવા મળશે. એનામાં આધ્યાત્મિક વિકાસની શક્યતા નથી બચતી. (જાતીયતા પાછળનો) કુદરતનો હેતુ સ્પષ્ટ છે. એ છે સંતાનો, પણ સંતાનના જન્મ પછી સ્ત્રીએ એના પોષણમાં ડૂબવું પડે અને આપણી અપેક્ષા એવી હોય કે એ પોષક પણ બની રહે અને શરીરનું સુખ પણ સાથોસાથ આપ્યા કરે, પરંતુ આ બધું એકસાથે કરવાની શક્તિ એનામાં નથી હોતી. એટલે આપણે ત્યાં ઘણી સ્ત્રીઓમાં હિસ્ટીરિયા, નર્વસ એટેક, ધૂણવું વગેરે જોવા મળે છે. તમે નોટિસ કરજો. આ બધું કુંવારી કન્યાઓમાં નથી જોવા મળતું. આ તો જે સ્ત્રીઓ પરણેલી છે અને પતિની સાથે રહે છે એમનામાં જ જોવા મળે છે.
`એટલું તો સમજો કે ગર્ભાવસ્થા એ કેટલું ભવ્ય કાર્ય છે. એ વખતે સ્ત્રીની અંદર એક જીવ આકાર લઈ રહ્યો હોય છે, પણ એની આ પવિત્ર અવસ્થાને પણ પીડાજનક બનાવી દેવામાં આવે છે. કઈ રીતે? છોડો, એની વાત કરતાં પણ મને ત્રાસ થાય છે.'
મને (અજાણ્યા સહયાત્રીને) આ બધું સાંભળીને ભારે નવાઈ લાગી, આઘાત લાગ્યો.
મેં પૂછ્યું, `પણ જો આવું જ હોય (ગર્ભાવસ્થા અને સ્તનપાનના તબક્કા દરમિયાન પતિએ પત્નીથી દૂર રહેવું જોઈએ એવું જો તમે માનતા હો) તો એનો અર્થ એવો થયો કે પતિ એની પત્નીને વર્ષે-બે વર્ષે એક જ વાર પ્રેમ કરી શકે.'
`ના, એવું નહીં થાય. દલીલ એવી કરવામાં આવશે કે પુરુષની શરીરભૂખ સહજ છે. વિજ્ઞાન અને ધર્મગુરુઓ પણ પાછા આમાં પુરુષ જાતને ટેકો આપે. બાળકના જન્મ અને પોષણને લીધે પુરુષને જાતીય ઇચ્છા સંતોષવામાં અડચણ આવતી હોવા વિશે કરવું શું? પૂછો ધર્મગુરુઓને.
એ તમને ઇલાજ સૂચવશે. ઓહ! (જાતીય સંતોષનું સાતત્ય ટકાવવા માટે) જે બધું ચાલે છે એ બધાને લીધે લોકો ગાંડા થાય. રિવોલ્વર વડે સામસામી ગોળીઓ છોડીને એકમેકનું ખૂન કરે. આવું જ થાય. બીજું થાય શું? આપણા કરતાં તો જાનવરો સારાં, જે વંશવેલો આગળ ધપાવવાની સાથોસાથ (પ્રકૃતિના) કેટલાક નિયમોનું પાલન કરી જાણે છે અને આપણે, પ્રકૃતિના રાજા, કુદરતનું ટોચનું સર્જન, શું કરીએ છીએ? અડધી માનવજાત (પુરુષો) બાકીની અડધી માનવજાતને (એને ભોગવટાની ચીજ ગણીને) મારી નાખે છે. માનવ જાતિએ જો મુક્તિ તરફ સફર ખેડવી હોય તો પુરુષોએ સ્ત્રીને સાથી બનાવવી જોઈએ, પરંતુ એ તો ભોગની ભૂખથી પ્રેરાઈને એને સાથીને બદલે દુશ્મન બનાવી દે છે. આ ખેલ અટકે અને માનવજાત ઊર્ધ્વગામી બને એમાં સૌથી મોટી અડચણ કોણ ઊભી કરે છે, ખબર છે? એ છે સ્ત્રી પોતે. (ક્રમશઃ)
***
અત્યાર સુધી પુરુષોના દોષની વાત કરનાર કથાનાયક અચાનક સ્ત્રીના દોષની વાત શરૂ તો કરે છે, પરંતુ એમાં પણ એનો સૂર એવો છે કે સ્ત્રીની ક્ષતિ એની લાચારીમાંથી પ્રગટે છે. ઝટ ન સમજી શકાય એવી આ વાત કથાનાયક ધીમે ધીમે ખોલીને કઈ રીતે સમજાવે છે એ બધું હવે પછી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો