આજના સમયમાં ચિંતા એ જીવનનું અવિભાજ્ય અંગ બની ચૂક્યું છે. ચિંતા કાર્ય અને પરિણામને ગતિ આપે છે એ સાચું, પરંતુ કોઇ વ્યક્તિ સતત ચિંતાગ્રસ્ત રહેતો હોય તો એનાં તન-મનને જ નહીં, પરંતુ જીવનસાથીને પણ એની માનસિક અસર થાય છે. ઘરની શાંતિ અને ખુશહાલીને ચિંતા ખાઇ જાય છે, કારણ કે આવી વ્યક્તિ પોતાની ચિંતામાં એટલી ડૂબેલી હોય છે કે એને વર્તમાનની ખુશી કે ભવિષ્યની ઉજ્જ્વળ શક્યતાઓ દેખાતી નથી.
આમ જુઓ તો ચિંતાનું એક રૂપ પરવાહ અને દરકાર પણ છે. મોસમ ખરાબ છે બહાર ન જાઓ, કે આજે તબિયત ખરાબ છે તો આરામ કરો એવી સામાન્ય બાબતની ચિંતા જીવનસાથીને ગમે છે, પરંતુ આ બાબત રોજની બને ત્યારે કંટાળો આવે છે. વધારે પડતી ચિંતા ડર, શંકા અને અનિચ્છનીય વિચારોમાં પરિણમે ત્યારે સંબંધોમાં ઘૂટન થાય છે. સાઇકોલોજી આવા સ્વભાવને `એંગ્ઝાઇટી ડિસઓર્ડર' કહે છે. જેમાં વ્યક્તિ હંમેશાં ભવિષ્યમાં થનારી કોઇ બૂરી ઘટનાની આશંકામાં જીવે છે. એમના મગજમાં દરેક નાની ઘટનાનું સૌથી ખરાબ અપેક્ષિત પરિણામ તૈયાર હોય છે. તેઓ નવા લોકોને મળવામાં, બહાર જવામાં, કોઇ નવું કામ શરૂ કરવામાં હંમેશાં બહાનાં કાઢે છે અને જ્યારે સ્થિતિ એમનાં નિયંત્રણની બહાર જાય તો બેચેની, ચીડિયાપણું અને પેનિક એટેકનો શિકાર બનશે. સમસ્યા ત્યારે આવે છે કે જ્યારે સાથી પહેલેથી શાંત, આનંદી અને સામાજિક હોય, પરંતુ પોતાના જીવનસાથીને ખુશ રાખવાના ચક્કરમાં પોતાની ખુશી અને સ્વતંત્રતાનું બલિદાન આપે છે.
જો પત્નીને એકલા બહાર જવું પડે કે ઓફિસમાં બોસ સાથે સંઘર્ષમાં ઊતરવું પડે ત્યારે પતિ ચિંતા કરે કે આવતા મોડું થઇ જાય અને રસ્તામાં કોઇ અકસ્માત થાય. કોઇ ખરાબ લોકો મળે કે વ્હીકલ બગડી જાય એના કરતાં એને એકલી બહાર જ ન જવા દેવી. બોસ સાથે સંઘર્ષમાં ઊતરે અને પત્નીની બદનામી થાય કે નોકરીમાંથી કાઢી મૂકે એનાં કરતાં સમાધાન કરી લેવું. ખોટી ચિંતા સાચા સ્ટેપ લેતાં અટકાવે છે. આવું પત્નીઓ પણ અનેક બાબતે કરે છે. જ્યારે વારંવાર ચિંતાને કારણે રોકટોક થાય ત્યારે લાઇફ પાર્ટનર બહાર જવાનું છોડી દે છે, પાર્ટીઓમાં જતા અટકે છે. જોખમ નથી લેતા પરિણામે એમનું જીવન સંકુચિત બને છે. વિકાસ અટકે છે. લાઇફ પાર્ટનરની ચિંતાને વશ થઇ વ્યક્તિ એ પ્રમાણે વર્તે ત્યારે લાઇફ પાર્ટનર માની લે છે કે મારી ચિંતા સાચી છે, જોખમ લેવા જેવું નથી. બહારની દુનિયા સુરક્ષિત નથી એટલે ઘરમાં જ રહેવું સારું છે. આ વલણ જીવનને સીમિત-નીરસ અને એકલવાયું બનાવે છે, તેથી દરેક ચિંતાને સમર્થન આપવાને બદલે એને અતિક્રમીને આગળ વધવું જોઇએ.
કેટલીક વાર સાથીને ચિંતાઓ વાહિયાત લાગે ત્યારે અકળાઇને કહી દે છે કે તને તો હંમેશાં ડ્રામા કરવાની આદત છે, તમે એટલા નેગેટિવ છો કે આપણું કશું સારું થાય એમ જ નથી અથવા તો તારું તો દિમાગ જ ખરાબ છે. આવા આક્ષેપોથી ચિંતાગ્રસ્ત વ્યક્તિ ખુદને વધુ અસુરક્ષિત મહેસૂસ કરે છે અને બોલવાનું બંધ કરી અંદર ને અંદર ગૂંગળાય છે એટલે ચિંતાના આ ચક્રવ્યૂહને તોડવા માટે સમજદારીથી વર્તવું પડે. જેમ કે, ચિંતિત વ્યક્તિ માટે સહાનુભૂતિ રાખી શકાય, પરંતુ એને શરણે ન જવાય. એમની માનસિક સ્થિતિને સમજવી જરૂરી છે, પણ એને કારણે ખુદની જિંદગી સીમિત ન બનાવી શકાય. દાખલા તરીકે કોઇ હાઇ-ફાઇ લેટ નાઇટ પાર્ટીમાં જવાનું હોય ત્યારે પત્ની આપણે એ માહોલમાં સેટ ન થઇ શકીએ, આપણાં ડ્રેસિંગની કોઇ મજાક ઉડાવે તો? કે કોઇ ડ્રિંક્સ લેવા પ્રેશર કરે તો? આવી ચિંતાથી તે પાર્ટીમાં જવાની ના પાડે છે. ત્યારે પતિએ શાંતિથી સમજાવવું પડે કે મને ખબર છે કે તને આવી પાર્ટીમાં ડર લાગે છે, મજા નથી આવતી ઇટ્સ ઓકે, તને ન ગમે તો તું ન આવ, હું તો પાર્ટીમાં જઇશ. એનાથી પત્નીને એ મેસેજ મળે છે કે એનો ડર બરાબર હોઈ શકે, પરંતુ એના કારણે એ બધાની જિંદગીને નિયંત્રિત ન કરી શકે.
બીજું, આવી વ્યક્તિ સામે હકીકત અને કાલ્પનિક ડર વચ્ચે અંતર સ્પષ્ટ થવું જોઇએ. જો સાથી કોઇ બાબતે ખૂબ ચિંતિત હોય તો એને શાંત સ્વરમાં તાર્કિક સવાલ પૂછી શકાય કે,
ખરાબ પરિણામ સામે આવશે એ બાબતની કેટલી શક્યતા છે?
છેલ્લે જ્યારે તેં આ બાબતે ચિંતા કરેલી ત્યારે કોઇ ખરાબ પરિણામ આવ્યું હતું?
જો કોઇ સમસ્યા આવી પણ ગઇ, તો આપણે બે મળીને એનો ઉકેલ ન લાવી શકીએ?
આ રણનીતિ મગજમાંથી ભાવનાત્મક ડરને દૂર કરીને વ્યાવહારિક સમાધાન તરફ લઇ જાય છે.
ત્રીજું, સંબંધોમાં એકબીજાનો સહારો બનવો સારું છે, પરંતુ કોઇના પણ `ઇમોશનલ ડસ્ટબિન' બની જવું એ કોઇ પણ રીતે યોગ્ય નથી. માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તેથી તમારી માનસિક શાંતિની સીમા નક્કી કરો અને ખુદના શોખ, મિત્રો અને અંગત સમય માટે એક સીમા નક્કી કરો. જ્યારે પાર્ટનર વધારે નકારાત્મક વાત કરવા માંડે ત્યારે વિનમ્રતાથી કહી શકાય કે, `હું અત્યારે આ વિષય પર વાતચીત કરી શકું એમ નથી. થોડા સમય પછી વાત કરીશું.'
ચોથી વાત એ કે ડરથી છુટકારો એનાથી ભાગવાથી નહીં, પરંતુ એનો સામનો કરવાથી મળે છે. એટલે નાનાં-નાનાં સ્ટેપ દ્વારા સાથે રહીને ચિંતાને દૂર કરવાનો પ્રયત્ન કરો. ચિંતાગ્રસ્ત સાથી સાથે રહેવા માટે અપાર ધૈર્ય, સહનશીલતા અને સંતુલનની આવશ્યકતા પડશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો