સંવેદનશીલતાના આ ગુણો બાળપણથી જ જોવા મળે છે અને બાળપણથી જો એમને યોગ્ય રીતે ટ્રીટ ન કરવામાં આવે તો પર્સનાલિટીની અનેક સમસ્યાઓ જન્મે છે. સંવેદનશીલ બાળકો એવાં હોય છે કે જે આપણી આસપાસના માહોલ અને અનુભવની સરખામણીએ બીજા કરતાં વધારે તીવ્ર પ્રક્રિયા આપે છે. કેટલાક લોકો એને વ્યક્તિત્વની નબળાઇ ગણે છે, પણ ના, એવું નથી. તેઓ બીજા કરતાં વધુ ગંભીર, વધુ વિચારશીલ અને વધુ પ્રામાણિક છે, તેથી તેઓ હર્ટ જલદી થાય છે. તેઓ ખુશી-ગમ, ગુસ્સો-ડર, જીત-હાર દરેક લાગણીમાં વધારે ભાવુક થઇ જાય છે. એટલું જ નહીં તેઓ બીજાનાં દર્દ-પરેશાની તરત સમજે છે અને એને નજર અંદાઝ કરવાને બદલે એમના માટે સહાનુભૂતિ રાખે છે. તેઓ ફિલ્મો જોઇને કે સ્ટોરી વાંચીને રડી પડે છે અને જિંદગીમાં જો કોઇ નકારાત્મક અનુભવ થાય તો એની અસર લાંબા સમય સુધી રહે છે. સંવેદનશીલ બાળકો કોઇ પણ વસ્તુનું ગહેરાઇથી અવલોકન કરે છે. આજુબાજુની વ્યક્તિનો મૂડ, એમનામાં આવેલું પરિવર્તન તરત જ પકડી પાડે છે. વળી, એમને ભીડભાડવાળી જગ્યા કરતાં શાંતિ અને એકાંત પસંદ કરે છે.
ટૂંકમાં, તેઓ મુખ્ય પ્રવાહથી અલગ છે. એમની ક્રિયા-પ્રતિક્રિયા અલગ છે. એમને હેન્ડલ કરવાની રીત પણ અલગ છે, કારણ કે તેઓ વધારે વિચારનાર, સંપૂર્ણતાનો આગ્રહ રાખનાર અને પોતાના પર શંકા રાખનાર હોવાથી પેરેન્ટ્સ માટે પડકાર બને છે, પરંતુ ધીરજ, સમજ અને સાચા દૃષ્ટિકોણ સાથે આગળ વધાય તો બાળકની સંવેદનશીલતા એની તાકાત બને એટલું જ નહીં, એક ઉમદા અને સમજદાર વ્યક્તિત્વ દ્વારા સહુને પ્રાઉડ ફીલ કરાવે.
આપણે ત્યાં સંવેદનશીલ બાળકોને સારી રીતે નથી જોવાતાં, કારણ કે જિંદગીના મેદાનમાં વ્યાવહારિકતા અને ચાલાકીને વધુ તાકાતવર મનાય છે. એટલે પ્રાયઃ પેરેન્ટ્સ બીજા વિશે વિચારતાં, એકદમ ઇમાનદારી રાખતાં અને કોઇ પણ બાબતે તરત જ ટચી બની જતાં બાળકો પર અકળાય છે. એને રોતલ, વેવલો, વાયડો કહીને ઉતારી પડાય, એના વ્યક્તિત્વને બદલવાનો બળજબરીથી પ્રયાસ કરાય અને પેરેન્ટ્સ અહીં જ ભૂલ કરે છે, કારણ કે પેરેન્ટ્સના આવા પ્રયાસથી એનો સેલ્ફ એસ્ટીમ તથા સેલ્ફ કોન્ફિડન્સ બંને ઘટશે. એટલે પહેલી વાત એ કે સંવેદનશીલ બાળકને બદલવાનો પ્રયાસ ન કરો. સંવેદના એ એના વ્યક્તિત્વની ઓળખ છે એટલે એ જે છે તેવા જ એને સ્વીકારો. સંવેદનશીલતાનાં રચનાત્મકતા, દયાળુતા, વિચારશીલતા અને ગંભીરતા જેવાં હકારાત્મક પાસાંઓ છે. એના પર ધ્યાન કેન્દ્રિત કરો. હા, સંવેદનશીલ બાળકો કોઇ વાતથી પરેશાન થાય તો એને સામાન્ય સ્થિતિમાં આવતાં અન્ય કરતાં વધુ સમય લાગે છે. તો એના પર ગુસ્સે થવાને બદલે માત્ર એને સમય આપો.
સંવેદનશીલતાનો અર્થ જ છે લાગણીશીલતા, સ્નેહ માટેનું વધુ ખેંચાણ. આવું બાળક પરેશાન થાય ત્યારે પેરેન્ટ્સ સાથે પોતાની ભાવનાઓ શેર કરવા ઇચ્છે છે તો એની વાત પૂરી સાંભળો, વચ્ચે ટોકો નહીં, આવું તે વળી હોતું હશે? એવું બોલીને ચૂપ ન કરો. એને ગુસ્સા કે જીદથી સમજાવવાની કોશિશ કરશો તો એની ઊંધી અસર થશે. શાંતિ અને પ્રેમથી સમજાવવું જ વધારે પ્રભાવી બની શકે. તમારો સંવાદ એવો હોવો જોઇએ કે એ તમારી સામે વ્યક્ત થવામાં કમ્ફર્ટ ફીલ કરે, પોતાની ભાવનાઓને છુપાવવાની એને જરૂર ન પડે. હા, કેટલીક વાર વધારે પડતી ભાવુકતા બાળકનાં વ્યક્તિત્વને કુંઠિત બનાવી શકે એટલે બાળક માટે કેટલીક સીમારેખાઓ નક્કી કરવી પડે. એમને સમજાવવા પડે કે અમુક વ્યવહાર સ્વીકાર્ય નથી. દાખલા તરીકે સ્કૂલમાં કોઇ ચીડવે અને એ રડવા માંડે તો કહેવું પડે કે બેટાં, રડવું એ કોઇ ઉપાય નથી. ક્યાં તો તું તારા ફ્રેન્ડને ઇગ્નોર કરતાં શીખ ક્યાં તો જવાબ આપતાં શીખ. અગર બાળક કોઇનાં પીઅર પ્રેશરમાં આવીને ખોટું કામ કરે તો એને સજા આપવાને બદલે એને સમજાવો અને તે પણ પ્રેમથી. મારવાથી કે બૂમો પાડવાથી આવું બાળક ડરી જાય છે અને આ ડર કાયમ માટે રહી શકે.
સંવેદનશીલ બાળક અંતર્મુખી હોવાથી ડાયરેક્ટલી એ એના મનની વાત નહીં કરે. એ માટે એની સાથે રમો, લોંગ ડ્રાઇવ પર જાઓ, વાર્તાઓ કરો. તમારે ઇનડાયરેક્ટલી સંવાદ દ્વારા બાળકના મનનો ત્યાગ મેળવવો પડે. આવું બાળક પ્રાયઃ હોમ લવિંગ હોય છે અને પોતાનામાં મસ્ત રહે છે. તેથી એને પુસ્તકો, પેઇન્ટિંગ, સંગીતનો પરિચય કરાવો. રચનાત્મકતા એના વ્યક્તિત્વને અલગ જ આકાર આપશે, પણ સાથે એ વિચારવાનું છે કે રચનાત્મકતાની સાથે સામાજિકતા અને લોકો સાથે હળવું-મળવું પણ જરૂરી છે એટલે એને બહાર લોકો વચ્ચે સમયાંતરે લઇ જાવ. જ્યાં એની કેમેસ્ટ્રી મેચ થશે ત્યાં એ ખૂલવા માંડશે. આ પ્રકારના બાળક માટે પ્રશંસા, કોન્ફિડન્સ બુસ્ટરનું કામ કરશે. સહકાર, સંવેદના અને સહાનુભૂતિ આ ત્રણ પરિબળો દ્વારા જ એ પેરેન્ટ્સની નજીક આવી શકશે અને છેલ્લે બાળક પેરેન્ટ્સને જોઇને શીખે છે, પેરેન્ટ્સના ઝઘડા, એમની વાતચીતની શૈલી અને વલણ બાળકને વધારે અંતર્મુખી ન બનાવે એ તકેદારી રાખવી એ પેરેન્ટ્સની ફરજ છે. સંવેદનશીલ બાળકો સાથે એના સંવાદ કંઇક આવા હોવા જોઇએ.
દિવસની શરૂઆતમાં `ગુડ મોર્નિંગ' માય ચેમ્પિયન. આજે સ્કૂલમાં શું કરવાનું છે? તને ત્યાં કોઇ પરેશાન તો નથી કરતુંને?
બાળક ઉદાસ હોય ત્યારે બેટા, તારા મનમાં જે હોય તે તું મને કહી શકે છે. હું તારી વાત શાંતિથી સાંભળીશ.
ભૂલ કરે ત્યારે અરે યાર, ભૂલ તો બધાથી થાય. અમે પણ કરીએ છીએ. એમાં અપસેટ નહીં થવાનું. બસ, બીજીવાર ધ્યાન રાખવાનું અને હા, બાળકની આંખોમાં આંખ નાંખીને, સ્પર્શ કરીને કે ગળે લગાવીને સંવાદ થાય તો એ વધારે સાર્થક બની શકે.