સેલ્ફ-એસ્ટીમ એટલે વ્યક્તિની ખુદ માટેની માન્યતા અને મૂલ્ય. વ્યક્તિ પોતાના માટે શું અભિપ્રાય ધરાવે છે એના આધારે એનો સેલ્ફ-એસ્ટીમ નક્કી થાય છે. વ્યક્તિની ઓળખ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ કેવી છે.
એ એના સેલ્ફ-એસ્ટીમ દ્વારા જજ કરી શકાય. મતલબ કે તમે તમારા વિચારો, માન્યતા, આવડત, ધ્યેય અને લાગણીને જેટલું મહત્ત્વ આપો યા તો ખુદનો પ્રેમથી, વિશ્વાસથી સ્વીકાર કરો ત્યારે તમારો સેલ્ફ-એસ્ટીમ ઊંચો છે એવું માની શકાય.
જેમનો સેલ્ફ-એસ્ટીમ ઓછો હોય છે એવી વ્યક્તિ માને છે કે પોતે પાર્ટનરના પ્રેમ માટે લાયક નથી. એ ઇર્ષ્યા અને અસલામતી અનુભવે છે, ખુદને પાર્ટનર માટે ભાર સમજે છે. પોતાની જરૂરિયાતને નજરઅંદાજ કરે છે. હંમેશાં બીજાનું સર્ટીફિકેટ ઇચ્છે છે. પોતાના ધ્યેય સાથે સમાધાન કરે છે અને હંમેશાં ખુદને બ્લેમ કરીને શોષણ સહન કરે છે અને આવી વ્યક્તિ પાર્ટનર દૂર થઇ જશે એ ડરથી હંમેશાં નમીને, સહીને અને લેટ-ગો કરીને ચાલે છે. આ તો નીચા સેલ્ફ-એસ્ટીમનાં ઝટ નજરે ચડે એવાં લક્ષણો છે, પરંતુ અદૃશ્ય રીતે સંબંધોને કોતરી જતાં પરિબળો તરફ પણ સચેત બનવું જરૂરી છે.
જેમ કે, જે વ્યક્તિનો સેલ્ફ-એસ્ટીમ નીચો હોય એ પાર્ટનર સાથે કોઇ પણ જાતની બાઉન્ડ્રી યાને સરહદ ઊભી નથી કરતા. પાર્ટનર એમની દરેક બાબતમાં ચંચુપાત કરે છે, પણ તે નકારતા નથી, કારણ કે એમના મનમાં પાર્ટનરનો પ્રેમ ખોવાની કે પાર્ટનર છોડી જશે એવી બીક હોય છે. પર્સનલ સ્પેસનો અભાવ આકર્ષણ અને સન્માન બંનેને ખતમ કરે છે. જેમનો સેલ્ફ એસ્ટીમ ઓછો હોય એવા લોકો હંમેશાં બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાની ખુશી અવગણશે, લાગણીઓને દબાવશે અને તકલીફોનો સામનો કરશે, પરંતુ બીજાને ખુશ કરશે. જેમ કે, પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને પાર્ટનરની કેર કરશે અને એને હંમેશાં `ફીલ ગુડ'નો અનુભવ કરાવશે અને એ માટે બાંધછોડની કોઇ પણ સીમા પાર કરશે.
આશ્ચર્યની વાત તો એ છે કે આવી વ્યક્તિની કોઇ પ્રશંસા કરે તો પણ તેઓ સ્વીકારી નથી શકતા. કદાચ, બાળપણથી જ એમને ટીકા સાંભળવાની આદત હોઈ શકે. તેથી જ્યારે કોઇ એમના કામને એપ્રીસિએટ કરે, એમની વેલ્યૂ સ્વીકારે ત્યારે તેઓ અન્યને શંકાની નજરે જુએ છે. એમના મનમાં પોતે કંઇ જ સારું કે અર્થપૂર્ણ કરી શકે એમ નથી. એમનો આત્મવિશ્વાસ એટલો નીચો હોય છે કે તેઓ માની જ નથી શકતા કે એમના માટે કોઇ સારું બોલી શકે. એટલું જ નહીં તેઓ પોતે પણ ખુદ માટે નેગેટિવ જ વાત કરે છે. મારાથી આમ ન થાય, હું જોખમ ન લઇ શકું, મને તો કોઇ દિવસ પ્રમોશન મળવાનું જ નથી, મારા નસીબમાં તો ગરીબી જ લખી છે કે મને કોઇ પ્રેમ નથી કરતું વગેરે. અરે! તેઓ ખરેખર કંઇ સારું કરેને તો પણ એમને ખુદ પર શંકા જાય છે. તેઓ પોતાના સામ્થર્ય કરતાં નસીબને ક્રેડિટ આપશે અથવા તો એ માટે બીજાની હેલ્થને જવાબદાર ગણશે, પરંતુ ખુદ પણ સફળ થઇ શકે, ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત કરી શકે કે અન્ય માટે યૂઝફુલ થઇ શકે એવો વિચાર પણ તેઓ કરી શકતા નથી. આ અસ્વીકાર બહારની દુનિયાનો હોય તો એક સમયે સમજી શકાય, પરંતુ પાર્ટનરનાં પ્રેમ અને આકર્ષણ માટે પણ ખુદને લાયક નથી સમજતા, તેથી તે પાર્ટનરને ઇગ્નોર કરી પરિવારની આજુબાજુ પોતાની દુનિયા બનાવે. પાર્ટનર કરતાં મિત્રોને વધારે મહત્ત્વ આપે અને પાર્ટનર પોતાના માટે સ્પેશિયલ છે એવું ફીલ જ ન કરાવે. તેથી અટેન્શન અને પ્રેમ ઝંખતો પાર્ટનર સામે પ્રતિસાદ ન મળવાથી હતાશ થઇ અન્ય તરફ પણ વળી શકે.
લો સેલ્ફ એસ્ટીમને કારણે વર્તન પણ ટોક્સિક બની શકે. જ્યારે વ્યક્તિ તરીકે, માતા કે પત્ની તરીકે તમે કોઇ નિર્ણય નથી લઇ શકતા, પતિ તરીકે જવાબદારી નથી નિભાવી શકતા ત્યારે સામી વ્યક્તિ તમને હેલ્પ કરવાનો પ્રયત્ન કરે છે અને તમારી અણઆવડત સાથે ક્રિટિસાઇઝ પણ કરે છે, પરંતુ એનો એમને કોઇ ફર્ક નથી પડતો. `હા'માં `હા' મિલાવી પોતાની શક્તિ વેડફે છે. ખુદ પર ભરોસો ન કરવાનું એક્સ્ટ્રીમ વલણ જવાબદારીનું બેલેન્સ ખોરવે છે. એક પાર્ટનરની નિષ્ક્રિયતાથી બીજા પાર્ટનરની જવાબદારી બેવડાય અને સ્ટ્રેસથી એનું વર્તન ટોક્સિક બની શકે. બીજી બાજુ ઘણા કેસમાં આવી વ્યક્તિ પોતાની તમામ શક્તિ પાર્ટનર માટે ખર્ચશે. જરૂર કરતાં વધારે ત્યાગ કરશે, પણ પાર્ટનર માટે આ અનવોન્ટેડ હેલ્પ હશે તો એ કદર કરવાને બદલે ગુસ્સે થશે. જેની નેગેટિવ અસર તમારા મન પર પડશે. અગર પાર્ટનરનો અસ્વીકાર ન સમજશે તો બમણાં જોરથી પાર્ટનરને ખુશ કરવાના ઉધામા કરશે અને આ અતિ પ્રયત્નો પાર્ટનરને ગૂંગળાવશે. લો સેલ્ફ એસ્ટીમ ધરાવતી વ્યક્તિ સારી દેખાતી હશે તો પણ બોડી ઇમેજની સમસ્યાથી પીડાશે. ક્યાં તો બોડી બ્યૂટી માટે એક્સ્ટ્રીમ પ્રયાસો કરશે ક્યાં તો નિગલેટ કરશે. જેની અસર સામાજિક-આર્થિક રીતે પડી શકે. મે, બી પાર્ટનર સાથે આવવા-જવાનું પસંદ ન કરે અથવા બોડી પર વધારે ધ્યાનને કારણે અન્ય કામ ડિસ્ટર્બ થાય તો નવા ઇસ્યૂ જન્મે.
આવી વ્યક્તિને પોતાની નકારાત્મક સરખામણીથી કોઇ ફર્ક નથી પડતો. તેઓ કોઇ એમની ખોટી કંપેર કરે તો મૌન રહીને સમર્થન આપે છે. તેથી પરિવારના સભ્યો વારંવાર અન્ય લોકોની પ્રશંસા કરીને એમની ખામીઓ ગણાવશે.
ટૂંકમાં, લો સેલ્ફ-એસ્ટીમ ધરાવતી વ્યક્તિ ન તો ખુદને ચાહે છે, સ્વીકારે છે અને તેથી જીવનમાં ત્યાંની ત્યાં રહી દુઃખી જીવન પસાર કરે છે. અગર આપમાં આવાં કોઇ લક્ષણો હોય તો ચેતી જજો.
