સંબંધોમાં ભરોસો એ એવો પાયો છે કે જેના વિના સંબંધોનો મહેલ ન ઊભો થઈ શકે. સંબંધોમાં વિશ્વાસ એ બે વ્યક્તિને જોડી રાખતી અદૃશ્ય દોરી છે. અગર ભરોસો-વિશ્વાસ હોય તો સંબંધો વાવાઝોડામાં પણ ટકી રહે છે. ભરોસો નથી તો સામાન્ય પવનમાં પણ સંબંધો હલી જાય છે. વિશ્વાસ તૂટે તો ગમે તેટલા સરસ સંબંધો પણ તૂટતા વાર નથી લાગતી. ભરોસો એ માત્ર લવઅફેર પૂરતો સીમિત નથી. પાર્ટનર કોઈ સાચે ઈમોશનલી કે ફિઝિકલી ચીટિંગ કરે એનાથી વધારે બીજી અનેક બાબત ભરોસા સાથે સંકળાયેલી છે. વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતિબદ્ધતા એ એક વ્યાપક અહેસાસ છે. જેમાં -

તમારો પાર્ટનર તમારી ભાવનાઓનું સન્માન કરે છે.

મુશ્કેલ સમયમાં તમારી સાથે રહે છે.

તમારા પ્રત્યે ઈમાનદાર રહે છે.

તમે એની સામે ખુદને સુરક્ષિત મહેસૂસ કરો છો?

દાખલા તરીકે તમે કોઈ મુસીબતમાં છો એ સમયે તમારા મનમાં શું વિચાર આવે છે? તમારો પાર્ટનર તમારા પર ગુસ્સે થશે કે તમારી મદદ કરવા યેનકેન પ્રકારે દોડી આવશે? અગર તમને મદદની પૂરી આશા છે એનો મતલબ કે તમે એના પર ભરોસો કરો છો, પરંતુ આ ભરોસો રાતોરાત નથી બનતો, એના માટે નિરંતર ધૈર્ય અને પ્રયાસોની આવશ્યકતા છે.

જેમ કે, પ્રથમ ક્રમે આવે છે પારદર્શિતા. ઘણા લોકો પાર્ટનરને ટેન્શન થશે, ગુસ્સો આવશે કે ગેરસમજ થશે એવા ડરથી નાની-નાની વાતે જૂઠું બોલે છે. જૂઠું બોલવાનો ઈરાદો ભલે ગમે તેટલો સારો હોય, પરંતુ એના કારણે સામી વ્યક્તિના મનમાં શંકા રહે છે. પૂરા દિલથી એ ભરોસો મૂકી શકતી નથી, તેથી વાત કડવી હોય, ઝઘડો થાય એવી હોય તો પણ બહુ મોટા કારણ વગર જૂઠું બોલવું ટાળવું જોઈએ. અગર ક્યારેક જૂઠું બોલવું પડે તો પણ સોરી કહીને પાછળથી તમારો ઉદ્દેશ જણાવો, જેથી મનમાં તર્ક-વિતર્ક ન જન્મે.

ભરોસો માણસને ત્યારે જ બેસે કે જ્યારે કરણી અને કથનીમાં તફાવત ન હોય. હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા કે મુખ મેં રામ ઔર બગલ મેં છૂરી જેવું વર્તન હોય તો ભરોસો તો તૂટે જ છે અને સાથે સન્માન પણ ઘટે છે. અગર તમે કહો છો કે મને દંભ નથી ગમતો, જેવું હોય તેવું જ કહું છું કે કોઈની પાસે આશા રાખતો નથી, પરંતુ તમે વારંવાર દેખાડો કરો છો, કોઈને ખોટેખોટા મસકા માર્યા કરો છો કે લાભ જોઈને તમારું વર્તન બદલાઈ જાય છે તો જીવનસાથી સંબંધીનાં તમે સાચેસાચાં વખાણ કરો છો કે કોઈ વસ્તુને એના સાચા અર્થમાં પ્રેઝન્ટ કરો છો તો પણ જીવનસાથીને તમારું વર્તન બેવડું કે ખોટું જ લાગશે, એટલે જેવું બોલો છો તેવું જ વર્તો. મને પંચાત જરાય નથી ગમતી તેવું વારંવાર બોલતા રહો અને ચાન્સ મળે એટલે તરત જ બીજાનો ઇતિહાસ-ભૂગોળ તપાસી લો તો જીવનસાથીને તમારા પર વિશ્વાસ નહીં બેસે. તમે ગમે ત્યારે પાટલી બદલી શકો છો એવો વિશ્વાસ દૃઢ થશે. અગર કોઈનો પણ વિશ્વાસ પ્રાપ્ત કરવો છે તો કરણી અને કથનીમાં સમાનતા રાખો.

ઘણા લોકો મનની વાત મનમાં જ રાખે છે યાને ગમે તેટલું દુઃખ હોય કે ખુશી, પરંતુ તેઓ પાર્ટનર સાથે શૅર નથી કરી શકતા અથવા તો કોઈ શંકા-કુશંકા એમને એમ કરતા રોકે છે. અગર ભરોસો છે તો કોઈ પણ વાત કરતાં ખચકાટ ન થવો જોઈએ. જેટલું શેરિંગ વધુ એટલો ભરોસો બેસવાની શક્યતા વધારે રહેવાની, કારણ કે જ્યાં ભરોસો હોય છે ત્યાં જ દિલ ખૂલે છે.

સામાન્ય સંજોગોમાં ભરોસો જાળવવા માટે પ્રથમ તો સંવાદ જરૂરી છે. બોલવાનું બંધ કે શેરિંગ ઓછું હોય તો ગેરસમજ જન્મે. જે વિશ્વાસ તોડે સો... કામની- નકામી વાતચીત કરતા રહો અને સુખ-દુઃખ શેર કરતા રહો.

બીજા ક્રમે આવે છે વાયદો નિભાવવો. વાયદો કે વચન તોડવા માટે જ અપાય છે એવી માનસિકતા ધરાવતા લોકોનો વિશ્વાસ પણ તૂટે છે, તેથી જે પ્રોમિસ આપો તે પાળો.

એકબીજાની મર્યાદાઓનું સન્માન કરવાથી ભરોસો વધે છે. ફોન ચેક ન કરવા, ઓફિસની વાતની ઊલટતપાસ ન કરવી કે ખોટા આક્ષેપો ન કરવાથી વિશ્વાસ વધે છે.

જો તમે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છો તો માત્ર હાય કે ગુડ મોર્નિંગ મેસેજથી નહીં ચાલે. તમારે તમારા દિવસની નાની-મોટી વાતો, સમસ્યાઓ અને મજાની પળ શેર કરવી પડશે.

ટેક્સ્ટ મેસેજને બદલે વીડિયો કોલ કરો, જેથી તમે જે વાત કરો છો એને સમર્થન મળે.

કુલડીમાં ગોળ ભાંગવાને બદલે ગમતી-ન ગમતી બાબતો ડર, પ્રશ્નો બધું જ શેર કરો અને વાતચીતનો જે સમય નક્કી થયો હોય તેને વળગી રહો.

ભવિષ્યની યોજનાઓ બનાવવાથી અસલામતી અને ડર ઓછો થાય છે.

આજે અનેક દંપતીએ નોકરી-ધંધા માટે વારંવાર ટ્રાવેલ કરવું પડે છે ત્યારે વિશ્વાસ જાળવવા માટે -

પાર્ટનરને તમારો ફલાઈટ નંબર, હોટલનું નામ-નંબર અને મીટિંગનો સમય વગેરે શિડ્યુલ શેર કરો.

પહોંચ્યા પછી તરત જ ફોન કરવાની આદત પાડો. જ્યારે ફ્રી થાવ ત્યારે મેસેજ કરવાથી એક વિશ્વાસ જન્મે છે કે એ તમને યાદ કરે છે.

હરવા-ફરવાના સ્થળેથી વીડિયો કોલ કરો, જેથી તમે તમારા પાર્ટનરને તમારા અનુભવોમાં સામેલ કરો છો એવું ફીલ થશે.

લોકેશન શેર કરવાથી વિશ્વાસ વધારે મજબૂત બનશે.

ટ્રાવેલિંગવાળી જોબમાં વિશ્વાસ ત્યારે જ આવે છે કે જ્યારે તમારો પાર્ટનર જુએ છે કે તમે દૂર રહીને પણ તમારી આદત અને વાયદામાં પાક્કા છો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો