પરિવાર એ સમાજ અને સંસ્કૃતિનો બહુમૂલ્ય એકમ છે. એનો વ્યક્તિત્વ વિકાસમાં મોટો ફાળો છે તેમ છતાં પરિવારમાં બધું જ સારું છે કે પરિવારના વાતાવરણની નકારાત્મક અસર સભ્યો પર નથી પડતી એવું કહેવું મુશ્કેલ છે. અહીં પ્રેમ, ત્યાગ, સંપ, સહકાર અને સમર્પણની ભાવના છે તો નફરત, જૂઠ, રાજકારણ, પંચાત અને સ્વાર્થની ચરમસીમા પણ છે. પરિવાર માણસ માટે શિખર પર જવાની સીડી છે તો ખાઈમાં પાડતો ધક્કો પણ અનેકવાર સાબિત થાય છે. એક છત નીચે સાથે રહેતા પરિવારના સભ્યોના અલગ-અલગ રંગઢંગ એક તોડી ન શકાય એવું માઇન્ડ સેટ પરિવારના સભ્યોમાં ખાસ કરીને બાળકોમાં વિકસિત કરે છે. અગર આ માઇન્ડ સેટ નકારાત્મક હશે તો આખી જિંદગી એ જ માઈન્ડ સેટથી વ્યતીત થશે અને એનો પ્રભાવ આગળની બીજી પેઢી પર પણ પડી શકે.

પરિવારમાં સાથે રહેવાનો મતલબ જ એ છે કે બધાં સુખ-દુઃખમાં એકબીજાની પડખે ઊભા રહે, એકબીજાનું ધ્યાન રાખે. મોટા નાનાંની અને મજબૂત નબળાઓની જરૂરિયાત પૂરી કરે, એમને સાચવે, નવી આવનાર વહુ કે બાળકોને પ્રેમથી અપનાવે, પરંતુ જો પરિવારના મોભીની અણઆવડત કે ખોટા સ્વભાવને કારણે બાળકોની જરૂરિયાત નહીં સંતોષાય, એને મહત્ત્વ ન મળે તો એ ભવિષ્યમાં ક્યારેય પણ કોઇની પાસે સપોર્ટની અપેક્ષા નહીં રાખે, એટલું જ નહીં પોતે પણ અન્યને મદદ નહીં કરે. એનું માઇન્ડ સેટ સ્વ કેન્દ્રિત બનશે.

પરિવારમાં કોઈ ડ્રગ્સ કે દારૂનું બંધાણી છે, ઘરમાં તોડફોડ કે મારપીટ કરે છે. ઘરના બધા જ સભ્યોએ ડરીને જીવવું પડે છે. પ્રેમની અભિવ્યક્તિનો દુકાળ છે. ત્યારે બાળક પોતાની જાતને સંકોરી લે છે. આ દુનિયામાં કશું જ સારું નથી એવી કુંઠા એના મનમાં સ્થાપિત થશે. આવા સમયે માતા કે દાદા-દાદીએ બાળકની ઢાલ બનવું પડશે. પિતાના ભાગનો પ્રેમ આપવો પડશે. ધમાલ કરનારનો કદાચ બચાવ ન કરી શકાય, પરંતુ બાળકની સામે એ વ્યક્તિ પ્રત્યે ઝેર ન ઓકાય. ખૂબ જ ટ્રિકી રીતે માનવ સ્વભાવના અવગુણો અને નબળાઈઓ સમજાવી બાળક સમક્ષ રહે એવા પ્રયાસો કરવા પડશે. અભાવ આક્રમકતામાં પરિવર્તિત ન થાય એ માટે સ્પોર્ટ્સ, રીડિંગ, મ્યુઝિક જેવાં ઓપ્શન આપી મનને બીજે વાળવું પડશે.

કેટલીક વાર પેરેન્ટ્સ પોતે જ પોતાની સમસ્યાઓમાં એટલા ગૂંચવાયેલા હોય છે કે બાળકની ભાવનાત્મક અને આર્થિક જરૂરિયાતો અવગણે છે તો બાળકને ચોરી કરવી, સામું બોલવું, અન્ય બાળકો સાથે મારપીટ કરવી જેવી સમસ્યાઓ વધશે. સમજદાર પેરેન્ટ્સે બાળક સમજી શકે એવી ભાષામાં બાળકને પોતાના મનની વાત સમજાવવી પડશે. એનો ઇમોશનલ વેક્યૂમ ભરાય એ માટે કોઈ ટ્રિક તો અપનાવવી જ પડશે. કંઈ નહીં તો સ્કૂલે જાય ત્યારે હગ કરવું, રાત્રે બાળક સૂતું હોય ત્યારે માથા પર હાથ ફેરવવો, પોતાના હાથે ક્યારેક ખવડાવવું કે નાની પણ બાળકને ગમતી કોઈ વસ્તુ લાવી આપવી, જેથી બાળકને એવું ન થાય કે પેરેન્ટ્સને મારી પડી નથી. નાની-નાની ચેષ્ટાથી બાળક એમ સમજવા પ્રયત્ન કરશે કે મારાં પેરેન્ટ્સ સારા છે, પરંતુ એમને કોઈ સમસ્યા છે એટલે બરાબર વર્તતાં નથી.

આજે લગભગ સંયુક્ત પરિવાર ખતમ થઇ ગયા છે તેમ છતાં ઘણીવાર કઝિન્સ, કાકા-કાકી કે ભાઈ-બહેન દ્વારા બાળકનું શોષણ થાય છે. દાખલા તરીકે ઘરનાં ચાર બાળકમાંથી એક બાળક સ્લો લર્નર કે ઓછી, સમજવાળું હોય ત્યારે ત્રણ બાળકો એક થઈને પેલા બાળકને પરેશાન કરે છે. જો પેરેન્ટ્સ ખુદ આવું કરે તો એનો કોઇ ઉપાય નથી, પરંતુ જો ઘરના કોઇ સભ્ય આવું કરતા હોય તો પેરેન્ટ્સે લાલ આંખ કરવી જ પડે. જે કરતું હોય તેને સમજાવી દો કે તમારી આ માનસિકતા ચલાવીશું નહીં અને અન્ય બાળકોમાં સંવેદનશીલતા વિકસે એ રીતે કાઉન્સેલિંગ કરો. સારાં બાળકો અને ખરાબ બાળકો વચ્ચેનો ભેદ સમજાવી એમને સારા બાળક બનવા પ્રેરો.

આજેય ઘણા ભારતીય પરિવારોમાં પેરેન્ટ્સ અથવા તો પરિવારના લોકો ઘરની અમુક-તમુક ઘટનાઓ માટે બાળકને જવાબદાર ગણે છે. જેમ કે બાળકના એજ્યુકેશન કે હેલ્થ મુદ્દે પેરેન્ટ્સ વચ્ચે ઝઘડો થાય તો મમ્મી-પપ્પામાંથી કોઈ એક બાળકને સંભળાવે કે તારે લીધે અમારી વચ્ચે ઝઘડો થાય છે ત્યારે બાળકને ખુદને દુનિયાનું સૌથી કમનસીબ બાળક સમજે છે. અગર કોઈ એક ભૂલમાં આવું બોલે તો બીજાએ વાત વાળવી પડશે. અંધશ્રદ્ધા, વહેમને કારણે બાળક માટે કોઈ ઘસાતું બોલે, માંજરી આંખ કે ટૂંકી ગરદનને કારણે લુચ્ચા-બદમાશ એવું સ્ટેટમેન્ટ આપે તો એમને તો અટકાવો જ, પણ બાળકને સમજાવો કે આવી બાબતોનો કોઈ અર્થ નથી. દરેક વ્યક્તિ પોતાનું નસીબ અને કર્મ લઈને આવે છે. અન્યનાં સારાં-નરસાં માટે તેઓ ખુદ જ જવાબદાર હોય છે અને બાળકો ક્યારેય કોઇનું ખરાબ કરતાં નથી.

કેટલીકવાર પેરેન્ટ્સ બાળકની ઈમોશનલ સપોર્ટ સિસ્ટમ બનવાને બદલે બાળક પેરેન્ટ્સની સપોર્ટ સિસ્ટમ બને એવું ઈચ્છે છે. દાખલા તરીકે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય ત્યારે પત્ની બાળક પર ઈમોશનલી ડિપેન્ડન્ટ બની જાય. તું છે એટલે હું જીવું છું, તું છે એટલે મને કોઈ ચિંતા નથી, તારા સિવાય આ દુનિયામાં મારું કોણ છે વગેરે વગેરે. આવું બાળકને ઇમોશનલ પ્રેશર આપવાને બદલે તમારો મૂડ ચેઇન્જ કરવા બાળક સાથે ગેમ રમો, આઈસક્રીમ ખાવા જાઓ કે મૂવી જુઓ. બાળક પેરેન્ટ્સની સપોર્ટ સિસ્ટમ છે, પરંતુ એ વાતનું બાળક પર એટલું પ્રેશર ન આપો કે બાળક ગૂંગળાઈ કે ગભરાઈ જાય.

કેટલાક ફેમિલીની હિસ્ટ્રી સારી નથી હોતી. કદાચ કોઈ જેલમાં ગયું હોય કે અન્ય કોઈ અનિચ્છનીય બનાવો બન્યા હોય અને આ બધી વાતો બાળક બહારથી સાંભળે ત્યારે એના કુમળા દિલ પર ખૂબ નકારાત્મક અસર પડે છે, તો બાળક બહારથી જાણે એના કરતાં યોગ્ય ઉંમરે એને સાચી વાત સમજાવો. પરિવારના કોઇ સભ્યએ ગુનો કર્યો છે એનો મતલબ એ નથી કે આખો પરિવાર ગુનેગાર છે. એમને અન્ય સભ્યોની સારપ મેગ્નિફાય કરીને બતાવો, જેથી મારું ફેમિલી ખરાબ છે એવા ગિલ્ટમાં કે શરમમાં બાળક ન જીવે. અંતમાં, દરેક પરિવાર સારી-ખરાબ ઘટનાઓનો સરવાળો છે. બાળક પર કોઇ પણ પરિસ્થિતિ હાવી ન થાય એ માટે એનું પરોક્ષ કાઉન્સેલિંગ સતત જરૂરી છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો