આ દુનિયામાં જાતજાતના સ્વભાવ ધરાવતા લોકો વસે છે. ભોળાં, મીંઢાં, બિચારા, બોલકાં અને ચાલાક, પણ આ પેસિવ અગ્રેસિવ લોકો આ બધાથી ઉપર હોય છે. પેસિવ એટલે પરોક્ષ અને અગ્રેસિવ યાને આક્રમક.
પરોક્ષ આક્રમકતાનો મતલબ છે સામી વ્યક્તિ સમજી ન શકે એ રીતે પોતાની નારાજગી, ગુસ્સો, અણગમો વ્યક્ત કરવો. સીધી વાત કરવાને બદલે આડી રીતે અભિવ્યક્ત થવું. એમનો વિરોધ બોલકો નહીં સૂક્ષ્મ હોય છે. આવા લોકો જિદ્દી અને મનમાં કડવાશ ભરીને રાખનાર હોવાના. તેઓ ખુદને પરફેક્ટ માને છે અને બીજાને પાગલ. બીજાની વાતને સમજ્યા વિના પોતાનો કક્કો ખરો કરવાની એમનામાં કુટેવ હોય છે. તેઓ પોતાનો ગુસ્સો શબ્દો કે શારીરિક ક્રિયા દ્વારા વ્યક્ત કરવાને બદલે એક અલગ જ પ્રકારની ચાલાકી દ્વારા વ્યક્ત કરે છે. તેઓ કોઇ પણ કામ માટે ના નહીં પાડે, પરંતુ એ કામ કરશે નહીં. ગમે તેવા મહત્ત્વના કામ માટે પણ એ ઠંડે કલેજે બીજાને મુશ્કેલીમાં મૂકી શકે છે.
પેસિવ અગ્રેસિવ લોકો મીઠી છૂરી હોય છે. તેઓ સારું-સારું બોલીને ક્યારે બીજાને નુકસાન પહોંચાડે એની ખબર નથી પડતી. એમની પ્રશંસામાં પણ કટાક્ષ છુપાયેલો હોય છે. તેઓ બીજાની સામે દુઃખી રહેશે અને ગમે તેટલું પૂછવા છતાં કારણ જણાવશે નહીં અને સામી વ્યક્તિનો અપરાધભાવ જન્માવી દુઃખી કરશે.
એમને બધા જ લોકો સામે ફરિયાદ હોય છે. દુનિયામાં એમને કોઇ સારું લાગતું નથી. એમની હતાશા, ગુસ્સો કે નફરત પરોક્ષ રીતે વ્યક્ત થતો હોવાથી ઘણા લોકોને ખબર જ નથી પડતી કે એમને પેટમાં શું દુઃખે છે. એમની સાથે રહેનાર વ્યક્તિ ક્યાં તો કન્ફ્યૂઝ રહે ક્યાં તો ખુદને દોષી માને. વાસ્તવમાં પેસિવ અગ્રેસન એ માનસિક સમસ્યા છે અને એને યુક્તિથી જ હેન્ડલ કરવી પડે.
આવા લોકો સાથે સીધી વાત કરવી નકામી છે. સીધી વાત કરવાથી એને એવું લાગશે કે તમે એને દર્પણ બતાવો છો એટલે એ ગુસ્સો ઉતારવાની અને તમને નુકસાન કરવાની નવી ટ્રિક શોધશે, તેથી એમના વર્તનને ઇગ્નોર કરવું એ જ બેસ્ટ આઇડિયા છે. અગર રિએક્શન જ નહીં આપીશું તો એક્શનનો સવાલ જ નહીં ઊભો થાય. એમને મનાવવાનો પ્રયત્ન પથ્થર પર પાણી સાબિત થાય એના કરતાં ઇગ્નોર કરી બીજી દિશામાં વળી જવું જ બહેતર છે. જોકે, ઘણીવાર એક જ ટેબલ પર સામસામે બેસીને કામ કરવાનું હોય કે ઘરમાં એક જ છત નીચે રહેવાનું હોય ત્યારે વાત કરવી જ પડે, સાથે મળીને કામ પણ કરવું પડે. એ માટે બની શકે એમની હેલ્પ પણ લેવી પડે. આવા સંજોગોમાં સંપૂર્ણ ઇગ્નોર કરવાને બદલે અંતર બનાવી લેવું જોઇએ. એ માટે કામનો સમય કે સ્થળ બદલી શકાય. કામથી વધારે વાતચીત ન કરવી, વગર માંગ્યે સલાહ ન આપવી કે કોઇ જાતનું કન્સર્ન ન બતાવવું. તમે તમારે રસ્તે અને હું મારા રસ્તે, જેથી નકારાત્મકતાનો ભાર ન ઝીલવો પડે.
કોઇ પણ ઘટના કે સંવાદની પ્રતિક્રિયા શાંતિથી આપો. દાખલા તરીકે તમે બહાર કોઇ કામ માટે તૈયાર થઇને નીકળો છો અને પેસિવ અગ્રેસિવ વ્યક્તિ તમારા ડ્રેસિંગ પર નેગેટિવ કમેન્ટ કરે તો એને ઉતારી પાડવા કે અપમાનિત કરવાને બદલે શાંતિથી કહી શકાય કે થેંક્યૂ ફોર યોર સજેશન. અત્યારે તો મને લેટ થાય છે નેક્સ્ટ ટાઇમ તમારું સજેશન ધ્યાનમાં રાખીશ. તમને તો દરેક વખતે ટોકવાની જ આદત છે કે કોઇ દિવસ સારું બોલતા આવડતું નથી. એવાં વાક્યો એમને વધારે અગ્રેસિવ બનાવશે. આ પ્રકારના લોકો સાથે સમજદારીથી વાત કરવી પડે, કારણ કે તમે જે બોલશો એનો ઊંધો અર્થ કાઢશે, પણ તમે જે બોલો છે એને વળગી રહેજો. તમને જે નથી ગમતું એ તમે નથી સ્વીકારવાના એ વાત એમને સમજાવી જોઇએ. અગર ઘરના મેનેજમેન્ટની જવાબદારી તમારી છે તો આખરી નિર્ણય પણ તમારો હોવો જોઇએ. અગર આવી વ્યક્તિ તમારા નિર્ણયનો તર્ક વિના વિરોધ કરે તો સીધું સંભળાવી દો કે નિર્ણયો લેવા હોય તો જવાબદારી લેવી પડશે. કામ કરવું પડશે. સમય આપવો પડશે. તમારી સ્પષ્ટતા પછી પણ એમના વાંધાવચકા અકબંધ રહે તો ઇગ્નોરનું શસ્ત્ર ફરી અપનાવવું પડે.
આવી વ્યક્તિના વર્તન પાછળ ક્યાંક ને ક્યાંક સામી વ્યક્તિ અથવા ઉછેર-બાળપણ પણ જવાબદાર હોય છે, તેથી એમની મનઃસ્થિતિ સ્વીકારી વાતનું વતેસર કરવું ટાળવું. એટલું જ નહીં એમના વર્તનથી હર્ટ થવાની કે ઓવર રિએક્ટ કરવાની પણ જરૂર નથી. એ વ્યક્તિ સારી છે કે ખરાબ એ બાબતે જજમેન્ટલ બન્યા વિના એ અલગ છે, મનોવૈજ્ઞાનિક સમસ્યા ધરાવે છે એ હકીકત સ્વીકારો. હા, એમને ભૂલથી પણ બદલવાની કોશિશ ન કરો. વારેઘડીએ શિખામણ ન આપો તથા એની સ્પેસમાં દખલગીરી ન કરો. ક્યારેક અવગણના તો ક્યારેક સાક્ષીભાવ, ક્યારેક સંવેદના તો ક્યારેક સમજણ પેસિવ અગ્રેસિવ લોકો માટે જરૂરી છે.
આ ઉપરાંત પરિસ્થિતિ વણસતી અટકાવવા માટે -
શાંત રહેતા શીખો.
એમના દૃષ્ટિબિંદુ પર વિચાર કરો.
સેન્સ ઓફ હ્યુમર કેળવો.
સીધી વાત કરો.
સાબિતી રાખો.