2025નું ભારતનું પેકેટમાં બંધ ખાદ્યપદાર્થોના વેચાણનું બજાર આશરે 535 બિલિયન અમેરિકી ડોલરનું હતું. 2022-23માં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગની નિકાસ 13 ટકા વધીને 19.69 બિલિયન અમેરિકી ડોલરની થઈ હતી. તો વિદેશી રોકાણ 12.46 બિલિયન ડોલર થયું હતું. આ વિગતો એ વાસ્તવ તરફ નિર્દેશ કરે છે કે પેકેજ્ડ ફૂડની માંગ કેટલી મોટી છે અને તેનો ઉપયોગ માત્ર ભારતના લોકો જ નહીં વિદેશીઓ પણ કરે છે.
જીવનશૈલીમાં બદલાવ, વધતું શહેરીકરણ અને ભાગદોડભરી જિંદગીમાં માનવી સુખેથી ઘરનો રોટલો ખાઈ શકતો નથી, એટલે તે પેકેટબંધ ખાદ્યપદાર્થો કે રેડી ટુ ઈટના ભરોસે રહે છે. પેકેટબંધ ખાદ્યપદાર્થોમાં લગભગ બધું જ ખાવાનું મળી રહે છે અને ગરીબો, નિમ્ન મધ્યમવર્ગ અને મધ્યમવર્ગને તે પોસાય તેવી કિંમતનું હોય છે. ઘરનું ખાવાનું છોડીને બજારનું ખાવાનું કંઈ બધાને પસંદ જ છે એવું નથી, પરંતુ મજબૂરીય છે. બજારના રૂપાળા પેકેટમાં અને સ્વાદિષ્ટ લાગતા આ જાતજાતના નાસ્તા કેલરીથી ભરપૂર હોય છે. તે કાર્બોહાઈડ્રેટ, મીઠું, ખાંડ અને ચરબીયુક્ત હોય છે. આવા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો રુગ્ણતા અને શારીરિક તકલીફોનું કારણ બને છે. ડાયાબિટીસ, લોહીનું દબાણ, શ્વસન સંબંધી બીમારી, હૃદયરોગ અને વજનમાં વધારો તેને કારણે થતા રોગો છે. એટલે ભારત સહિત દુનિયાના ઘણા દેશોએ તેની સામે નિયંત્રક પગલાં લેવાં શરૂ કર્યાં છે.
ભારતની સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરી અને સૂચન પછી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)એ હવે ઉત્પાદકોને પેકેજ્ડ ફૂડના પેકેટ પર ચેતવણીસૂચક લેબલ લગાવવાની ફરજ પાડી છે. હવે કંપનીઓએ પેકેટના ફ્રન્ટ ઓફ પેકમાં ખાદ્ય ચીજોમાં ખાંડ, મીઠું અને ફેટનું પ્રમાણ દર્શાવીને ગ્રાહકોને તે કેટલું પૌસ્ટિક છે તેનાથી અવગત કરાવવાના છે. તેનાથી સરકારને જાહેર આરોગ્યની જાળવણીમાં મદદ મળશે.
પેકેજ્ડ ફૂડ આરોગતા લોકો અનેક શારીરિક મુશ્કેલીઓનો ભોગ બની રહ્યા છે. બાળકો, વૃદ્ધો અને બીજા પર આધારિત કે ઘરે રસોઈ ન કરી શકતા લોકો આ પ્રકારના ખોરાકનું વધારે સેવન કરે છે અને તેઓ જ વધુ મુશ્કેલીઓ વેઠે છે. 2025-26ના વર્ષના અંદાજપત્ર સમીક્ષામાં જણાવ્યું હતું કે પ્રોસેસ્ડ ખાદ્ય ચીજોના વેચાણમાં 150 ટકાનો વધારો થયો છે. રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણમાં દેશમાં 23 ટકા પુરુષો અને 24 ટકા મહિલાઓ વધારે પડતું વજન ધરાવે છે તેનું કારણ પેકેટબંધ ખાવાનું છે. પેકેજ્ડ ફૂડ ને તેની આરોગ્ય પર થતી અસરથી દેશનો આરોગ્ય સંભાળનો ખર્ચ વધે છે અને જાહેર નાણાં પર લાંબા ગાળાનું દબાળ ઊભું થાય છે.
વ્યક્તિના ખાનપાનના મામલામાં સરકારી દખલ સારી બાબત નથી, પરંતુ જ્યારે તે લોકોનું આરોગ્ય બગાડતું હોય અને સરકારી નાણાંનો વ્યય થતો હોય તો સરકાર મૌન રહી શકે નહીં. વળી, કંપનીઓ વેચાણ માટે જુઠ્ઠા અને ભ્રામક દાવા કરે છે. સો ટકા નેચરલ, પ્રાકૃતિક, જીરો પર્સન્ટ મેંદો, જૈવિક, સુગર ફ્રી જેવા દાવાઓ બોગસ પુરવાર થાય છે, એટલે સરકારોએ લોકોને સ્વસ્થ ભોજનની પસંદગી માટે દિશાનિર્દેશો જારી કર્યા છે. અમેરિકાની માઈ પ્લેટ, આસ્ટ્રેલિયાની ગાઈડ ટુ હેલ્ધી ઈટિંગ તેનાં ઉદાહરણો છે. પોષણયુક્ત આહારમાં શાકભાજી, અનાજ, ફળ, ઓછી ચરબીયુક્ત માંસ, માછલી, મરઘી, ઈંડાં, દૂધ, દહીં અને પનીરનો ઉપયોગ થઈ શકે છે, તેવું નાગરિકોને ભોજન સંબંધી માર્ગદર્શન સરકારોએ પૂરું પાડ્યું છે.
ચીલીએ ચેતવણી લેબલોના માર્કેટિંગને પ્રતિબંધો સાથે જોડ્યું છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને પોષણ લેબલ લગાવવું અનિવાર્ય કર્યું છે. મીઠું, ખાંડ અને ચરબીના પ્રમાણને અલ્પ, મધ્યમ અને ઉચ્ચની કેટેગરીમાં દર્શાવવા જણાવ્યું છે. અમેરિકી સરકારનું તારણ છે કે દેશના આરોગ્ય સંભાળનો ખર્ચ વર્ષે 4.5 ટ્રિલિયન ડોલર છે તેનું કારણ ચરબી, ખાંડ અને નમકના વધુ સેવનથી 60 ટકા અમેરિકનો ઓછામાં ઓછી એક લાંબી બીમારીથી પીડાય છે તે છે. એટલે સરકાર સજાગ બની છે અને લોકોને પણ ચેતવી રહી છે, જાગ્રત કરી રહી છે.
જો વિશ્વના અમીર દેશ અમેરિકાની આ સ્થિતિ હોય, તો 140 કરોડની વસ્તીના દેશે તો જાગવું જ જોઈએ.
વિશ્વના 95 દેશોમાં પ્રોસેસ્ડ ઉત્પાદનોનાં પેકેટો પર પોષકતત્ત્વોની ઘોષણા કરવી અનિવાર્ય બનાવી છે. તેમાં યુરોપના 41, અમેરિકાના 19 અને આફ્રિકાના 9 દેશોનો સમાવેશ થાય છે, પરંતુ આ યાદીમાં એશિયાના માત્ર 5 જ દેશો છે. ભારતમાં મોટી કમાણી કરતાં આ ઉદ્યોગના દબાણ આગળ સરકાર નરમ છે. બિનચેપી રોગો પર નિયંત્રણ માટેના ભારત સરકારના 2017ના એક્શન પ્લાનમાં ચરબી, ખાંડ અને મીઠાનો ઉપયોગ ઓછો કરવા લેબલિંગની ભલામણ કરી હતી, પરંતુ FSSAI ઉદ્યોગાના વિરોધ સામે પરામર્શનમાં જ સમય વેડફતું રહ્યું હતું. કંપનીઓની ભ્રામક જાહેરાતો સામે પણ ખાસ પગલાં લેવાયાં નથી. હવે સુપ્રીમ કોર્ટના સૂચન પછી લેબલિંગ માટે પગલાં ભર્યાં છે, પરંતુ લેબલ કોઈ જાદુઈ ચિરાગ નથી કે તે લગાડી દેવાથી સમસ્યા સંપૂર્ણ હલ થઈ જવાની છે. જ્યારે આ પ્રોસેસ્ડ ફૂડનું માર્કેટિંગ જોરદાર છે. નિકાસ અને વિદેશી રોકાણ વધી રહ્યાં છે ત્યારે લેબલ જેવા નરમ પગલાથી પ્રશ્ન હલ થવાનો નથી.
સરકારે ઉત્પાદકોના ભ્રામક દાવ સામે કડક દેખરેખ રાખવી જોઈએ. બાળ આહારમાં જોવા મળતા વધુ ફેટ, ખાંડ, નમક હરગિજ માફ કરી શકાય નહીં. ડિજિટલ મીડિયા પર બાળકોને ધ્યાનમાં રાખીને કરાતા પ્રચાર પર પ્રતિબંધ મૂકવા સુધીનાં આકરાં પગલાં લેવાની જરૂર છે. HFSS(હાઈફેટ, સુગર, સોલ્ટ)વાળાં ફૂડ પેકેટ પર લેબલિંગ અનિવાર્ય કરવાની તાતી જરૂર રહે છે.
ખોરાકમાં જોખમી કારકોના કારણે દુનિયામાં હૃદયરોગથી વર્ષે દહાડે 8 મિલિયન લોકોનાં મોત થાય છે. સ્નેક્સ કે ફૂડ માનવીના આરોગ્ય માટે છે, શરીરને ટકાવવા માટે છે. તે બીમારી કે મોતનું કારણ ન બની શકે. અમેરિકાએ 1972માં પોષણ સંબંધી જાણકારી જાહેર કરતાં લેબલ લગાવવાના નિયમો ઘડ્યા હતા ત્યારે ભારત હજુ હવે જાગ્યું છે. માત્ર પેકેજ્ડ ફૂડ જ નહીં પેકેજિંગમાં વપરાતી હાનિકારક ચીજો પણ વિચાર માંગી લે છે. કેક બોક્સ, મીઠાઈના ડબ્બા, ફૂડ પાર્સલ, સ્નેક પાઉચ વગેરેનું પેકિંગ સ્ટેપલરની ધાતુની પિન અને તારથી કરવામાં આવે છે. તે પણ ખતરનાક છે. પેકેટની અંદરની ખાદ્યસામગ્રી અને પેકિંગ માટે વપરાયેલી વસ્તુઓ બંને નુકસાનકારક છે, એટલે સરકારોએ લોકોને આ બધાથી બચાવવાના છે તો લોકે વધુ સજાગ બનવાનું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો