માનવસમાજ સમજવા માટે મનુષ્યોના પૂર્વજો એવા વાંદરાની વાત કરવી પડે. ભારતમાં લંગુર જાતિના વાંદરાં બહુ થાય છે. ચિમ્પાન્ઝી પણ છે. આફ્રિકામાં વધુ જોવા મળે.
આ લંગુરોમાં ઓનર કિલિંગની પ્રથા સામાન્ય છે. પોતાના સમાજની દીકરી બીજા સમાજના લંગુર સાથે સ્વેચ્છાએ ઘરઘર રમી આવે અને જો બાય ચાન્સ એને બેબીઝ થયા તો? અને પછી આ સમાજમાં કોઈ એક નેતા ટાઇપનો ગુંડો લંગુર મોટો થયો તો એ શું કરશે? નાતની બહાર. પેલા તો એના સમાજની માદા લંગુરના બધા બેબીઝને મારી નાખશે. પછી મૂડ હશે તો એ માદા સાથે સંસાર માંડશે ને જો માદા અત્યાચાર હસતા મોઢે ન સ્વીકારે તો એને પણ પતાવી નાખશે. (અહીં લંગુર સ્પીસિસનું નામ છે એટલે ખાતરી રાખજો કે હાલ પૂરતી તો વાંદરાંઓની જ વાત થઈ રહી છે.) બીજા સમાજના લંગુરોના જનીનો એની આસપાસના ફેમિલીમાં પણ ટકવા ન જોઈએ - આ હિંસા કરવાનું કારણ હતું. એ વાંદરાંઓના અમુક સમાજોમાં કેનિબાલિઝમ પણ જોવા મળે છે! (વિજ્ઞાન મુજબ માણસ અને આ ચિમ્પાન્ઝીના ડીએનએમાં 98% સામ્ય હોય છે. ફક્ત બે ટકાનો ફરક.)
`યુનિવર્સ-25' નામના ઉંદરના પ્રયોગ વિશે વાંચ્યું હશે. બહુ જાણીતો પ્રયોગ છે. ગૂગલ કરીને વિગતવાર જોઈ શકાય. ટૂંકમાં, વાત કરીએ તો એક વિજ્ઞાનીએ 25 ઉંદરોને અમર્યાદિત ખોરાક, સેક્સ, ગમતીલું વાતાવરણ બધું આપ્યું તો એ ઉંદરોનો સમાજ એક તબક્કે અંદરોઅંદર લડીને ખલાસ થઈ ગયેલો, નામશેષ થઈ ગયેલો. હવે લંગુરની નહીં પણ અંગુર ખાતી માનવજાતની વાત કરીએ. સમાજની રચના ખાવા-પીવા કે નાચવા નહીં, પણ બચવા માટે થઈ હતી. આદિમાનવો ડરતા. શેનાથી ડરતા? ઠંડીથી, ભૂખથી, શિકારીથી અને ખાસ તો હરીફ સમાજના આક્રમણથી. એટલે પોતે લુપ્ત ન થઈ જાય માટે સ્વાર્થ ખાતર એકબીજાની સાથે જોડાયેલા રહેતા. બાકી આપણા પૂર્વજોને કોઈ શોખ ન હતો કે સ્નેહમિલનો કરીને હાઉસી રમીએ. પોઇન્ટ એ છે કે સમાજવ્યવસ્થા એ નૈતિક જવાબદારીની વેવલાઈ પર નહીં ડરપોક પૂર્વજોનો રક્ષણાત્મક બચાવ માત્ર હતો. જોડાયેલા રહેવું પડ્યું એટલે સમાજ બન્યો અને સમાજ બની ગયો તો અમુક વડીલોએ જે તે જમાના મુજબ નિયમો બનાવ્યા.
નવેક હજાર વર્ષ પહેલાંની સભ્યતાઓના અવશેષો મળ્યા છે તો પુરાતત્ત્વવિદ્દો એ વાતે ચોંકી ઊઠ્યા હતા કે માણસે બાંધેલા સર્વપ્રથમ બાંધકામો ઘર નહીં પણ દીવાલો હતી. દીવાલોની વચ્ચે સેંકડો લોકો સાથે રહેતા. માનવું અઘરું લાગે પણ આપણા સમાજમાં દીવાલો પહેલાં આવી અને નિયમો, ધર્મો, રિવાજો અને ઘર પછી આવ્યા. કહ્યુંને સમાજ વેવલાઈ પર નહીં સ્વરક્ષા આ કારણોસર બનેલો હતો.
રોમન સામ્રાજ્યના પતનની વાત તો ઘણી વખત થઈ છે. માયા સંસ્કૃતિના લોકો પાસે આંકડા પદ્ધતીય હતી અને વાસ્તુ મુજબ ઘર ને મહોલ્લા પણ બનાવેલા. શું થયું એનું? માયા સમાજનું નામોનિશાન રહ્યું નહીં. કેમ? કોવિડ આવેલો? એઇડ્સ થયો હતો? ગે-લેસ્બિયન ને લિબરલ વધી ગયેલા? ના, કોઈએ આક્રમણ કર્યું ન હતું, કિન્તુ તેઓ અંદરોઅંદર લડીને મર્યા. સૌથી સમૃદ્ધ સિંધુ ખીણની સંસ્કૃતિએ તો એક પણ યુદ્ધ કર્યું ન હતું તોય ત્યાં પૂર્ણવિરામ મુકાઇ ગયું. દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર એટલે અંગકોરવાટમાં આવેલું મંદિર. એ મંદિર જે સમાજે બાંધ્યું હતું. એ ખ્મેર સામ્રાજ્યનું શું થયું? નામ પણ નથી સાંભળ્યું ને આપણે? અત્યારે એટલું જ સમજીએ કે સમાજો ચીસો પાડીને સમાપ્ત નથી થતા, જે તે સમાજ ત્યારે ખલાસ થાય જ્યારે જે તે સમાજના મોભીઓ એવો ઢંઢેરો પીટવા લાગે કે આપણે તો પરફેક્ટ છીએ બોસ. આવો અહંકાર કરનારા સમાજના અગ્રણીઓ વધી જાય ને ત્યારે એ સમાજ શું આખી સભ્યતા અદૃશ્ય થઇ જાય.
દરેક સમાજને એ ભ્રમ છે કે અમે તો સંપૂર્ણ દેવના દીકરા એટલે કે આપણે `પરિપૂર્ણ' છીએ. ઇતિહાસ એ નથી કે શું થયું - ઇતિહાસ એ છે કે જે તે સમાજના તે વખતના મોભીઓ નક્કી કરે કે આપણે શું યાદ રાખીશું. ઉદાહરણ - યુરોપમાં બ્લેક ડેથમાં અડધી વસ્તી ખલાસ થઈ ગઈ. એના પછી તરત લખાયેલો ઇતિહાસ વાંચો. એ લોકોએ શું લખ્યું? એમની સિસ્ટમ ફેલ થઈ એવું નથી લખ્યું. એ લોકોએ જે `ઇતિહાસ' લખ્યો એનાં પ્રકરણોનાં શીર્ષકો આવાં હતાં - પાપ, સજા, ડાકણો અને બ્લેક મેજીક. જોયું? પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે કેવી વાત ડાઈવર્ટ કરી નાખી. હુમલાખોરો ઉપર દોષારોપણ ઠાલવ્યું.
આ છે સમાજની પસંદીદા પ્રવૃત્તિ. શું? દોષારોપણનું આઉટસોર્સિંગ. સાદી ભાષામાં બ્લેમગેમ. જે સમાજમાં આંતરિક તણાવ વધવા લાગે ને એની ગરમી સમાજના મોભીઓ સુધી પહોંચે એવું તરત કોઈનું બલિદાન લેવાનો ઠરાવ આખી મંડળી નક્કી કરે. આ રહ્યાં નક્કર ટકોરાબંધ ઉદાહરણો: 1. મધ્યકાલીન યુરોપમાં અમુક સ્ત્રીઓને ડાકણ કરાર આપીને સળગાવવામાં આવતી 2. ભારતમાં કાસ્ટ સિસ્ટમ ફેલ જતાં કાસ્ટિઝમમાં કોનો ભોગ લેવાયો? કહેવાતી નીચી જ્ઞાતિઓનો. 3. જર્મનીમાં? યહૂદીઓને ગેસ ચેમ્બર ભેગા કરવામાં આવ્યા. 4. આજના સમયમાં અમેરિકા ને બ્રિટન ઇમિગ્રન્ટ્સ ઉપર ઠીકરું ફોડે છે. 5. ઈન્ટરનેટ ઉપર આજકાલ દેશદ્રોહીઓ ડિક્લેર થાય છે.
સૌથી ખતરનાક સોસાયટી કઇ? જે સોસાયટી બહુ જ વ્યવસ્થિત, શાંત, નિયમબદ્ધ અને સજાઓ જાહેર કરનારી હોય એ.
નાઝીઓ કેટલા ડિસિપ્લિનમાં હતા. હાથ ઊંચો કરીને હેઇલ હિટલર બોલે. અમુક સમાજમાં કેવા જડ નિયમો? આ પુસ્તકમાં લખ્યું એ જ સાચું. બાકી બધુંય ખોટું. બીજા કોઈ વર્ઝનનો લગીરે સ્વીકાર જ નહીં. સાંભળે પણ નહીં. આવા સમાજો એટલા માટે ખતરનાક છે કે તેઓ પોતાને ખરેખર તહેદિલથી સાચા માને છે. જે સમાજ શાંત હોય એનો અર્થ એ કે ત્યાં બોલવાની મોકળાશ નથી. સમાજ પોતાના નિયમોના જ પ્રેમમાં પડી ગયો હોય. એટલે જ સમાજના મતે સોક્રેટિસનો વાંક શું હતો? એણે યુવાનોને ગેરમાર્ગે દોરવા એ જ સમાજના મતે ગેલિલિયોનો વાંક શું હતો? કે એમણે ચર્ચની લાગણી દુભવી, ગેરમાર્ગે દોરવા અને લાગણી દુભાવવી તો આજના અખબારોના શબ્દો છે. ત્યારે પણ આવું જ થતું. છેલ્લાં ત્રણ હજાર વર્ષોમાં બધા દેશોના બધા સમાજોએ શું પ્રગતિ કરી?