અનુકૂળતા યાને કમ્પેટિબિલિટીને સંબંધોની મધુરતા અને સફળતા માટે આવશ્યક ગણાય છે, કારણ કે જેટલો સ્વભાવ એકબીજાને અનુકૂળ એટલી વિસંવાદિતા અને સંઘર્ષ ઓછો.
દલીલો ઓછી અને સહમતિ વધુ જ્યાં બધું અનુકૂળ હોય ત્યાં સમસ્યા નહીંવત્ રહેવાની અને બોન્ડિંગ વધારે મજબૂત બનવાની શક્યતા પણ વધુ રહેવાની. તેમ છતાં નિષ્ણાતો એવું માને છે કે માત્ર કમ્પેટિબિલિટી એ સંબંધોની સફળતાની સીડી નથી. અનુકૂળતા સાથે સંવાદ, પ્રતિબદ્ધતા અને પ્રયત્નો પણ એટલાં જ મહત્ત્વનાં છે.
આમ જુઓ તો કમ્પેટિબિલિટી બે પ્રકારની છે. પ્રથમ છે (Core value compatibility) મૂલ્યોની અનુકૂળતા. જેમાં જીવન અંગેની મૂળભૂત - મૌલિક માન્યતાઓ સમાવિષ્ટ છે, જેને બદલવી ખૂબ મુશ્કેલ છે, કારણ કે એ માન્યતાઓ વ્યક્તિના ઉછેર, સંસ્કાર અને ઇનબિલ્ટ માન્યતાઓ સાથે જોડાયેલી છે. એની સાથે બાંધછોડ કરવી એટલે પોતાની ઓળખ અને અસ્તિત્વ સાથે બાંધછોડ કરવી. જેમ કે ધાર્મિક માન્યતાઓ, જીવન માટેનાં ઇમાનદારી-વફાદારી જેવાં નૈતિક મૂલ્યો કે પૈસા વાપરવા-બચાવવાની ટેવ જો બે વ્યક્તિમાં એક નાસ્તિક હોય અને એક આસ્તિક હોય ત્યારે ઉદારતા હોવા છતાં ક્યારેક તો સમસ્યા સર્જાવાની જ, પરંતુ બંને વ્યક્તિ આસ્તિક હશે તો એકબીજાને વ્રત-ઉપવાસ-પૂજાપાઠ અંગે રોકટોક નહીં કરે. કદાચ એના કારણે પરિવારમાં સમય આપવાની કે અતિ શ્રદ્ધાને કારણે કોઇ સમસ્યા ઊભી થશે તો પણ બીજી વ્યક્તિ ઇગ્નોર કરશે. કારણ એમાં એને કશું ખોટું નહીં દેખાય. જ્યારે વ્યક્તિને ગમતી પ્રવૃત્તિ કોઇ કરે ત્યારે મન માઇનસ પોઇન્ટ નથી જોતું. એવી જ રીતે કરકસર અને ઉડાઉપણું એ બંને માણસનો મૂળભૂત સ્વભાવ છે.
જો એક વ્યક્તિ કંજૂસ અને બધું હોવા છતાં પૈસા વાપરી શકતા નથી, પૈસા દ્વારા મળતો આનંદ લઇ શકતી નથી અને બીજી વ્યક્તિ આજમાં જીવવવામાં માને છે. એનું દિલ ઉદાર છે. એ માત્ર ખુદ માટે જ નહીં બીજા માટે પણ પૈસા ખર્ચી શકે એમ છે. આવા વિરોધી સ્વભાવવાળી વ્યક્તિ સાથે રહે તો ઝઘડા થવાના જ. એકબીજાને રોકવા ટોકવાનું કે આક્ષેપો કરવાનું ચાલુ રહેવાનું. એને બદલે બંને કંજૂસ કે બંને ઉદાર હોય તો એકબીજાને રોકશે-ટોકશે નહીં, પણ પરિવાર ચલાવવા માટે જીવનની મોટી સમસ્યાઓમાંથી બચવા માટે ઘણી વખત સમાન નહીં પૂરક હોવું જરૂરી છે. જેમ કે, એક વધારે બોલે તો બીજાને ચૂપ રહેતા આવડવું જોઇએ. બંનેને વધારે બોલવાનો અનુકૂળ સ્વભાવ, ખોટી દલીલો, તર્ક અને પંચાત દ્વારા મહાભારતનું કારણ બની શકે. એ જ રીતે બંને વ્યક્તિ કંજૂસ હોય તો જીવનનો આનંદ ન ઉઠાવી શકાય. કોઇને મદદ કરવામાં, વ્યવહારમાં અને સારી જીવનશૈલીમાં રુકાવટ આવે, જે સામાજિક નામના ઊભી ન કરી શકે.
લોકો એમને જોઇને મોં ફેરવે, પણ એક વ્યક્તિ થોડી ઉદાર હોય તો પરિવારના અન્ય લોકોને પણ તકલીફ ન પડે અને ઇમેજ પણ જળવાઇ રહે જે લાંબા ગાળે ઉપયોગી નીવડે. એ જ રીતે બંને ઉડાઉ વ્યક્તિના હાથમાંથી પૈસા હાથમાંથી રેતી સરે એમ સરતા રહે અને આ ઉદારતા દેવામાં પરિવર્તિત થઇ શકે. એટલે સાથે રહેવા માટે અને જીવનની સમસ્યાઓને આસાનીથી ઉકેલી શકાય એ માટે બેમાંથી એક વ્યક્તિનું કરકસરી હોવું અનિવાર્ય છે, પરંતુ ઇમાનદારી અને જીવનના લક્ષ્ય બાબતે સો ટકા અનુકૂલન આવશ્યક છે. મૂલ્યો અને લક્ષ્યની કમ્પેટિબિલિટી એકબીજાના વિકાસમાં, આત્મગૌરવ અને સન્માન જાળવવામાં સહાયક બને છે. સામી વ્યક્તિને કારણે પોતાની ઓળખરૂપ મૂલ્યો સાથે સમાધાન નથી કરવાં પડતાં ત્યારે સંબંધોમાં સન્માન અને સ્વીકારનો એવો મજબૂત ભાવ ગૂંથાય છે, જે ક્યારેક સંબંધોનાં પોતને નબળું નથી પડવા દેતો.
સંબંધોમાં બીજી કમ્પેટિબિલિટી છે લાઇફસ્ટાઇલ કમ્પેટિબિલિટી. જેમાં સામાજિક જરૂરિયાતો, શોખ, હાસ્યની ભાવના, સાફસફાઇ કે વાતચીતની શૈલીનો સમાવેશ થઇ શકે. એક વ્યક્તિ ટોળાની મહેફિલની વ્યક્તિ છે, એને લોકો સાથે ગપ્પાં મારવામાં. સંબંધો બનાવવામાં મજા આવે છે. જ્યારે બીજી વ્યક્તિ ઘરકૂકડી છે યા તો એકાંતની ચાહક છે ત્યારે બંને આ પ્રતિકૂળ સ્વભાવને કારણે એકબીજાથી દૂર જઇ શકે. મહેફિલની વ્યક્તિને લાગશે કે મારી પાર્ટનર મારી સાથે જોડાતી જ નથી. મારા મિત્રોને સ્વીકારતી નથી. બધાથી અતડી રહે છે, જ્યારે એકાંતની ચાહક વ્યક્તિને પર્સનલ સ્પેસ ઓછી જણાશે. પોતાનું મહત્ત્વ ઓછું લાગશે. લોકોનું ઇન્ટરફિયર વધુ લાગશે. મતલબ કે એ ખુદને ઇગ્નોર સમજશે અને નાની-નાની બાબતે પ્રતિક્રિયા આપશે. વિક્ટિમ કાર્ડ રમશે જે તણાવ ઊભો કરશે. એ જ રીતે બંનેમાં શોખ સરખા હશે તો એકબીજાને રોકટોક નહીં કરે, સમસ્યાઓ સમજશે, આદર કરશે, પરંતુ અલગ હશે તો સપોર્ટ કરે અને ન પણ કરે. સમસ્યાઓને સમજી પણ ન શકે. એ જ રીતે કરિયર, બાળકો, પરિવાર અંગેના લક્ષ્યમાં ખૂબ મોટો તફાવત બંને વચ્ચે ખાઇ સર્જી શકે, તેથી અનુકૂળ સ્વભાવ જરૂરી છે જેમાંથી -
રોજબરોજના મુદ્દાઓ પર ઝઘડવાનું ઓછું થશે. જેટલો મતભેદ ઓછો એટલો મનભેદ ઓછો.
સંબંધો સહજતાથી ચાલશે. દરેક બાબતે વિરોધનું વાવાઝોડું નહીં આવે.
જીવનની ઘણી બાબતે અનિર્ણયાત્મકતાની સ્થિતિથી બચી શકાય. સમાનતા જીવનની એક રૂપરેખા અને આયોજન માટે વધારે કારગત બની શકે.
જોકે, સ્વભાવ અને મૂલ્યો અનુકૂળ હોય તો પણ બોન્ડિંગ માટે વફાદારી, લાગણી, સન્માન જરૂરી છે. જ્યારે બંને વ્યક્તિ એકબીજા જેવી જ હોય તો અન્ય ખૂટતાં પરિબળોની પૂર્તિ નથી થતી. જે પોતાનામાં હોય તે જ બીજામાં હોય તો આકષર્ણ ઓછું રહે છે. વળી, સમાન લક્ષ્ય ઇગો પણ લાવે છે, તેથી સો ટકા કમ્પેટિબિલિટી સંબંધોને સહજ બનાવી શકે. સંઘર્ષ ઓછો કરી શકે, પરંતુ રોમાંચ ઓછો કરે કે એકવિધતા લાવે એવું બની શકે, કારણ કે માણસને આકર્ષણ વિરુદ્ધ પરિબળનું હોય છે, સમાનનું નહીં.
