મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મ પિતામહ દ્વારા યુધિષ્ઠિરને અપાયેલો રાજધર્મનો ઉપદેશ માત્ર શાસન પદ્ધતિ નથી, પરંતુ એક સર્વોત્તમ નેતૃત્વની ગાઈડબુક છે એ આપણે અનેક વખત અનુભવ્યું છે. આજના કોર્પોરેટ યુગમાં જ્યારે લીડર અને મેનેજર જેવાં પદો પર બેઠેલી વ્યક્તિઓ અનેક પ્રકારનાં દબાણો અને નૈતિક દ્વંદ્વનો સામનો કરી રહી છે, ત્યારે નૈતિકતા અને ધર્મ પર આધારિત નેતૃત્વ સૌથી મોટું સુરક્ષા કવચ બનીને ઊભરે છે. નીતિપૂર્વક ચાલનાર લીડર માટે સૌથી મોટો લાભ એ છે કે તેની પાસે આંતરિક નિર્ભયતા હોય છે. જ્યારે કોઈ મેનેજર કે લીડર પોતાના નિર્ણયો નીતિ, ધર્મ, મેરિટ કે ન્યાયના પાયા પર લે છે, ત્યારે તેને કોઈ પણ પ્રકારનો બાહ્ય ડર કે આશંકા સતાવતાં નથી. આફ્ટર ઑલ જે વ્યક્તિના તમામ વ્યવહાર પારદર્શક અને શુદ્ધ હોય, તેને કોઈ ક્યારેય બ્લેકમેલ કરી શકતું નથી. આધુનિક વ્યાવસાયિક જગતમાં અનેક નેતાઓ શોર્ટકટ કે અનૈતિક રસ્તાઓ અપનાવીને ક્ષણિક સફળતા મેળવે છે, પરંતુ તેઓ હંમેશાં પકડાઈ જવાની કે કોઈના દ્વારા બ્લેકમેલ થવાની ભીતિમાં જીવતા હોય છે. આ માનસિક તણાવ તેમની નિર્ણયશક્તિને નબળી પાડે છે. તેની સામે જે લીડર નીતિના માર્ગે ચાલે છે, તેનું ચરિત્ર અભેદ્ય ગઢ જેવું હોય છે, જ્યાં અનૈતિકતાનો કોઈ પ્રવેશદ્વાર હોતો નથી.

શાંતિપર્વ અનુસાર એક ન્યાયી લીડરની સારી છાપ એ તેની સૌથી મોટી સંપત્તિ છે. લોકોમાં જ્યારે એવી ખાતરી જન્મે છે કે તેમનો મેનેજર નિષ્પક્ષ છે અને ન્યાયના પક્ષે ઊભો રહેશે, ત્યારે સંસ્થાની અંદર એક અતૂટ વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે. આવી વિશ્વસનીયતા માત્ર શિસ્ત જાળવવા માટે જ નહીં, પણ ટીમના મનોબળને ઉચ્ચ સ્તરે રાખવા માટે પણ અનિવાર્ય છે. જ્યારે કર્મચારીઓ જાણે છે કે લીડરના નિર્ણયો વ્યક્તિગત પૂર્વગ્રહને બદલે નીતિ અને ન્યાય પર આધારિત છે, ત્યારે તેઓ પૂરા જોશથી કાર્ય કરે છે. નૈતિકતાવાદી લીડરને પોતાની સત્તા સ્થાપિત કરવા માટે ડર કે દબાણનો સહારો લેવો પડતો નથી, કારણ કે તેનું વ્યક્તિત્વ જ પ્રભાવશાળી હોય છે. તેના માટે કહેવાયેલું એક વેણ પણ હુકમ સમાન ગણાય છે, કારણ કે તેની પાછળ તેના ચરિત્રનું પીઠબળ હોય છે. આ જ ન્યાયી છાપ તેને સંકટના સમયે રક્ષણ આપે છે. જ્યારે સંસ્થા મુશ્કેલીમાં હોય, ત્યારે લોકો એવા લીડરના પક્ષમાં અડીખમ ઊભા રહે છે જેનામાં તેમને અતૂટ શ્રદ્ધા હોય.

નીતિપૂર્વક ચાલવાનો બીજો મોટો લાભ એ છે કે તે લીડરને વ્યૂહાત્મક સ્વતંત્રતા આપે છે. જે મેનેજર નીતિનાં બંધનો સ્વીકારે છે, તે હકીકતમાં સ્વતંત્ર બને છે. તેને જૂઠ બોલીને તેને છુપાવવા માટે બીજા સો જૂઠ બોલવા પડતા નથી. આ ઊર્જાનો બચાવ તેને સંસ્થાના વિકાસ અને ભવિષ્યના આયોજનમાં મદદરૂપ થાય છે. શાંતિપર્વમાં સ્પષ્ટ છે કે જે રાજા કે નેતા ધર્મનું પાલન કરે છે, તેની બુદ્ધિ સ્થિર રહે છે. અશાંત મન ક્યારેય લાંબા ગાળાનું વિઝન રાખી શકતું નથી. અનૈતિક રસ્તે ચાલનાર મેનેજર હંમેશાં ભૂતકાળના ભૂતથી ડરે છે, જ્યારે નૈતિક લીડર ભવિષ્ય તરફ નીડર નજરે જોઈ શકે છે. તેની નીતિ જ તેને રસ્તો બતાવે છે. જ્યારે કોઈ જટિલ સમસ્યા સામે આવે, ત્યારે ધર્મ કે નીતિના સિદ્ધાંતો હોકાયંત્રની જેમ કામ કરે છે. તે મૂંઝવણમાં મુકાતો નથી કે કયો પક્ષ લેવો, કારણ કે સત્ય અને ન્યાયનો પક્ષ હંમેશાં નિર્ધારિત જ હોય છે. આ સ્પષ્ટતા તેને એક પ્રભાવી નિર્ણયકર્તા બનાવે છે.

વધુમાં, નૈતિક નેતૃત્વથી લીડરની વ્યક્તિગત આભામાં વૃદ્ધિ થાય છે. લોકો તેનાથી પ્રભાવિત થાય છે એટલું જ નહીં, પણ તેનું અનુકરણ પણ કરે છે. એક મેનેજર તરીકે તમારી ટીમ એ જ કરશે જે તમે કરો છો, ન કે જે તમે કહો છો. જો લીડર પોતે નીતિમત્તાનો ભંગ કરશે, તો તે પોતાની ટીમને પ્રામાણિકતાના પાઠ ભણાવવાનો અધિકાર ગુમાવી બેસે છે. શાંતિપર્વમાં ભીષ્મ કહે છે કે પ્રજા રાજાના આચરણને અનુસરે છે. એ જ રીતે, કંપનીની સંસ્કૃતિ તેના લીડરનાં નૈતિક મૂલ્યોથી ઘડાય છે. જો મેનેજર નૈતિક હશે, તો આખી ટીમ બિનજરૂરી રાજકારણ અને કાવાદાવાઓથી મુક્ત રહેશે. આનાથી કાર્યક્ષમતા વધે છે અને આંતરિક વિખવાદો ઘટે છે. જે લીડરને કોઈ બ્લેકમેલ ન કરી શકે, તે પોતાની સંસ્થામાં પણ ભ્રષ્ટાચાર વિરોધી કડક વલણ અપનાવી શકે છે, કારણ કે તે પોતે નિષ્કલંક છે. તેની આ નિર્મળતા જ તેની શક્તિ છે.

ઈનશોર્ટ, નૈતિકતા એ લીડર માટે કોઈ બોજ નથી પણ એક રોકાણ છે.

તે તેને માનસિક શાંતિ આપે છે, જે આજના અતિશય સ્પર્ધાત્મક યુગમાં સૌથી મોંઘી વસ્તુ છે. રાત્રે શાંતિની ઊંઘ અને દિવસભર કાર્યમાં એકાગ્રતા એ જ લીડરને મળે છે, જેણે કોઈનું અહિત કર્યું નથી કે નીતિ સાથે સમાધાન કર્યું નથી. શાંતિપર્વનો સંદેશ બહુ સ્પષ્ટ છે કે ધર્મ અને નીતિનું પાલન કરનાર લીડર ક્યારેય પરાજિત થતો નથી. ભલે બાહ્ય રીતે ક્યારેક હાર દેખાય, પણ ચરિત્રની જીત હંમેશાં કાયમી હોય છે. લોકોનાં હૃદય પર રાજ કરવા માટે માત્ર હોદ્દો પૂરતો નથી, પણ નૈતિકતાની ઉચ્ચતા હોવી અનિવાર્ય છે. આમ, એક સફળ મેનેજર કે લીડર બનવા માટે મહાભારતનો આ રાજધર્મ આજે પણ એટલો જ પ્રસ્તુત છે, જે આપણને બતાવે છે કે સચ્ચાઈનો માર્ગ જ શ્રેષ્ઠ અને સુરક્ષિત માર્ગ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો