ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે છેડાયેલા યુદ્ધની અસર હવે ભારતનાં રસોડાં સુધી પહોંચવા લાગી છે. દેશના ઘણા ભાગોમાં રસોઈ ગેસ(LPG)ના સપ્લાય અંગે ચિંતાઓ વધી ગઈ છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સાત સમંદર પાર ચાલી રહેલા આ યુદ્ધથી તમારા ઘરનો ગેસ સિલિન્ડર કેમ પ્રભાવિત થઈ રહ્યો છે?

ખરેખર, આપણા ચૂલામાં (સગડી) બળતો LPG એ જ કાચા તેલ (ક્રૂડ ઓઇલ)માંથી બને છે, જે અખાતી દેશોમાંથી આયાત કરવામાં આવે છે. યુદ્ધના કારણે આ તેલની સપ્લાય ચેન ખરાબ રીતે ખોરવાઈ ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય સંકટ વચ્ચે સરળ ભાષામાં સમજીએ કે અખાતી દેશોમાંથી નીકળતા કાચા તેલમાંથી તમારા રસોડાનો LPG આખરે કેવી રીતે બને છે અને તે તમારા ઘર સુધી કેવી રીતે પહોંચે છે?

LPG શું છે?

પહેલાંના સમયમાં લાકડાં, કોલસો કે કેરોસીન જેવાં પરંપરાગત ઈંધણનો ઉપયોગ થતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી LPGએ આ પરંપરાગત ઈંધણના ધુમાડામાંથી છુટકારો અપાવીને ભારતીય સહિત દુનિયાભારનાં રસોડાંને ખૂબ જ સ્વચ્છ અને સુવિધાજનક બનાવી દીધાં છે.

LPG એટલે કે `લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ' ખૂબ જ સરળતાથી આગ પકડી લેતો હાઇડ્રોકાર્બન ગેસ છે. તેને `લિક્વિફાઇડ' એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તેને સામાન્ય દબાણ આપીને પ્રવાહી એટલે કે લિક્વિડ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે, જેથી તેને સિલિન્ડરમાં સરળતાથી ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. તમારા રસોઈ ગેસની અંદર શું હોય છે?

એ તો તમે જાણો જ છો કે તમારા રસોઈ ગેસની અંદર LPG હોય છે, પરંતુ તે કોઈ એક ગેસ નથી, બલ્કે ગેસનું મિશ્રણ છે.

ગેસની અંદર શું હોય છે? : આની અંદર મુખ્યત્વે બે ગેસ પ્રોપેન અને બ્યુટેન હોય છે. આ બંને કાર્બન અને હાઇડ્રોજનથી મળીને બને છે અને હવા એટલે કે ઓક્સિજનના સંપર્કમાં આવતાં જ સરળતાથી સળગી ઊઠે છે.

કેમિકલ પ્રોસેસ (રાસાયણિક પ્રક્રિયા) : જ્યારે આપણે ગેસ સળગાવીએ છીએ, ત્યારે એક કેમિકલ પ્રોસેસ થાય છે. તેનાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને પુષ્કળ ગરમી એટલે કે ઊર્જા (એનર્જી) નીકળે છે. આ જ કારણ છે કે આ ગેસ પર ખોરાક ખૂબ જ ઝડપથી રંધાય છે.

LPG કેવી રીતે બને?

આ ગેસ સીધી રીતે એવો નથી હોતો, જેવો આપણે ઉપયોગ કરીએ છીએ. તેને બનાવવાના મુખ્ય બે રસ્તા છે.

રિફાઇનરી પ્રોસેસ : જ્યારે જમીનમાંથી કાચું તેલ (ક્રૂડ ઓઇલ) કાઢવામાં આવે છે અને તેને રિફાઇનરીઓમાં સાફ કરીને પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવે છે, ત્યારે તે જ પ્રક્રિયા દરમિયાન આડપેદાશ તરીકે LPG પણ નીકળે છે.

નેચરલ ગેસમાંથી : આ ઉપરાંત, જ્યારે નેચરલ ગેસને પ્રોસેસ કરવામાં આવે છે, ત્યારે તેમાંથી પણ પ્રોપેન અને બ્યુટેનને અલગ કરી લેવામાં આવે છે.

બન્યા પછી આ ગેસને ભારે દબાણ હેઠળ લિક્વિડ બનાવીને મોટી પાઇપલાઇનો, ગેસ ટેન્કરો અથવા પાણીનાં ખાસ જહાજો દ્વારા અલગ-અલગ જગ્યાએ આવેલા બોટલિંગ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાંથી તે સિલિન્ડરોમાં ભરાઈને આપણા ઘર સુધી આવે છે..

સિલિન્ડરમાં કેવી રીતે આવે છે ગેસ?

આ ગેસની ખાસિયત એ છે કે થોડું દબાણ કરવાથી તે પાણી જેવું લિક્વિડ (પ્રવાહી) બની જાય છે, તેથી પ્રેશર આપવાથી ખૂબ જ મોટા જથ્થાના ગેસને એક નાના સિલિન્ડરમાં સરળતાથી સ્ટોર કરી શકાય છે.

રિફાઇનરી પ્રોસેસ (કાચા તેલમાંથી)

જ્યારે ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવે છે, ત્યારે `આડપેદાશ' (By-product) તરીકે LPG ઉત્પન્ન થાય છે.

પ્રેશર આપીને વાયુમાંથી પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરાય છે

ગેસ પર દબાણ લાવવાથી તે પાણી જેવું પ્રવાહી બની જાય છે, જેનાથી મોટા જથ્થાને નાના સિલિન્ડરમાં ભરી શકાય છે.

આ રીતે મળે LPG

LPG ગેસ મેળવવા માટે રિફાઇનરી પ્રોસેસ અને નેચરલ ગેસ પ્રોસેસિંગ કરવું પડે છે.

નેચરલ ગેસ

પ્રોસેસિંગ

કુદરતી ગેસમાંથી પ્રોપેન અને બ્યૂટનને અલગ કરીને પણ LPG મેળવવામાં આવે છે.

ટ્રાન્સપોર્ટેશનનાં માધ્યમો

પાઇપલાઇન, ગેસ ટેન્કરો અથવા સમુદ્રી જહાજો દ્વારા ગેસને બોટલિંગ પ્લાન્ટ સુધી પહોંચાડાય છે

પ્લાન્ટમાં સિલિન્ડરો ભરીને વિતરકો દ્વારા છેવટે આપણા ઘરના રસોડા સુધી ગેસ પહોંચાડવામાં આવે છે.

ગેસની દુર્ગંધ કેમ આવે છે?

તમે ઘણીવાર નોંધ્યું હશે કે સિલિન્ડરમાંથી થોડો ગેસ લીક થવા પર એક દુર્ગંધ આવે છે, જેને ઘણા લોકો LPGની ગંધ માને છે. વાસ્તવમાં તેના નેચરલ (કુદરતી) સ્વરૂપમાં LPGનો ન તો કોઈ રંગ હોય છે કે ન તો કોઈ ગંધ.

એવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે તેમાંથી આવતી ગંધ શેની છે. ખરેખર, સુરક્ષા માટે તેમાં `ઇથાઇલ મરકેપ્ટન' નામનું એક ખાસ કેમિકલ ભેળવવામાં આવે છે, જેથી ગેસ લીક થાય ત્યારે આપણને તરત જ તેની તીવ્ર દુર્ગંધ આવે અને લીકેજ વિશે જાણી શકાય.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો