લોકોની લાઇફસ્ટાઇલ બહુ ટેન્શનવાળી થઇ ગઇ છે. કોઇને પણ પૂછો તો એના મોઢે એ જ વાત સાંભળવા મળશે કે મરવાનીયે ફુરસદ નથી. માણસ કોઇ કામ શાંતિથી કરતો નથી. જિંદગીમાં જે સૌથી મહત્ત્વનું કામ છે એ જમવામાં પણ લોકો ઉતાવળ કરતા હોય છે. બધું ભાગમભાગ જ ચાલતું રહે છે. સવારથી રાત સુધી માણસ ભાગતો રહે છે. આ દરમિયાનમાં હમણાં થયેલા એક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, માણસ શાંતિથી નહાતો પણ નથી. સ્નાનની ક્રિયા રિલેક્સ થવા માટે હોય છે. લોકો હવે નહાવાની ક્રિયા પણ કામ કરતા હોય એવી રીતે કરે છે. નહાવાનું છે એટલે નહાઈ લે છે. આ વિશે નિષ્ણાતો કહે છે કે, નહાવાનો એક માત્ર સમય એવો છે જ્યારે માણસ બાથરૂમમાં સાવ એકલો હોય છે. એક રીતે જોવા જઇએ તો એ સમય હન્ડ્રેડ પર્સન્ટ `મી ટાઇમ' હોય છે. નિર્વસ્ત્ર અવસ્થામાં માણસે પાણીના સ્પર્શ અને ટાઢકને અનુભવવાની હોય છે. શરીરને હળવું કરી દેવાનું હોય છે. જે લોકોને પરવડે છે એવા લોકો તો ઝાકુઝી સહિત જાતજાતની ફેસિલિટીવાળા બાથરૂમ બનાવે છે. બાથરૂમ નાનું હોય કે મોટું, સાદું હોય કે ભવ્ય, એનાથી કોઇ ફેર પડતો નથી. ફેર એનાથી પડે છે કે, તમે નહાવાને કેટલું એન્જોય કરો છો? મોટાભાગના લોકો માટે નહાવું એ એક કામ જેવું જ છે. જેમ બ્રશ કરીએ છીએ એમ નહાઈ લઇએ છીએ. નહાવાની ક્રિયા બીજા જેવી નથી. એ પોતાની જાત સાથે ઓતપ્રોત થવાની ઘડી છે. તમે ચેક કરજો, તમે નહાતી વખતે શું વિચાર કરો છો?
એક કન્ઝ્યુમર પ્રોડક્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એવી ચોંકાવનારી વાત બહાર આવી હતી કે, 68 ટકા લોકો નહાતી વખતે કોઇ ને કોઇ ટેન્શનમાં હોય છે. મોટાભાગના લોકો ઓફિસ કે ધંધાના કામની ચિંતા કરતા હોય છે. આખા દિવસ દરમિયાન શું કામ કરવાનું છે એના જ વિચારો ચાલતા હોય છે. 20 ટકા લોકો ભૂતકાળની વાતો અને વાદવિવાદમાં અટવાયેલા હોય છે. પોતાની સાથે જ થયું હોય છે એને વાગોળીને દુ:ખી થતા હોય છે. કેટલાક તો નહાતાં નહાતાં રડી પણ લે છે. માત્ર બાર ટકા લોકો જ એવા છે જે પાણીના સ્પર્શને માણે છે. મજા આવે એવા વિચારો કરે છે. પોતાની જાત સાથે સ્વસ્થ સંવાદ સાધે છે અને એ સમયને એન્જોય કરે છે. એને ખબર છે કે, જ્યાં સુધી નહાઉં છું ત્યાં સુધી મને કોઇ ડિસ્ટર્બ કરવાનું નથી. જોકે, હવે લોકોને કંઇ ડિસ્ટર્બ કરતું હોય તો એ મોબાઇલ છે. આ જ સરવેમાં એવું બહાર આવ્યું છે કે, પંચાવન ટકા લોકો નહાતી વખતે મોબાઇલ બાથરૂમમાં સાથે લઇ જાય છે. કોઇની રિંગ વાગે તો નહાતાં નહાતાં મોબાઇલ ઉપાડીને વાત પણ કરે છે. મેસેજનો ટોન વાગે તો જોઇ લે છે કે, કોનો મેસેજ છે. કંઇ જ ઇમ્પોર્ટન્ટ ન હોય તો પણ લોકો બાથરૂમમાં ફોન લે છે. નહાતી વખતે મોબાઇલમાં મેચ કે બીજું કંઇ ચાલતું હોય છે. નિષ્ણાતો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, મોબાઇલ બાથરૂમમાં ન લઇ જાવ. માત્ર નહાવામાં જ તમારો જીવ પરોવો.
માણસ જેવો બાથરૂમમાં જાય એ સાથે એનો ફ્યૂચર પ્લાનિંગ મોડ ઓન થઇ જાય છે. લેડીઝ હોય કે જેન્ટ્સ એ વિચાર કરવા લાગે છે કે, હવે શું કરવાનું છે? શરીર ભીનું કરવું, સાબુ લગાડવો, પાણી રેડવાથી માંડીને શરીરને ટુવાલથી લૂછવાનું કામ પણ રોબોટિક ક્રિયાની જેમ જ થાય છે. કેટલાક તો સરખી રીતે શરીર લૂછતા પણ નથી. નહાઈને બહાર નીકળે ત્યારે રિલેક્સ થવાની વાત તો દૂર રહી, થાકી ગયા હોય એવું લાગે છે. નહાવાની બાબતમાં એક ચોંકાવનારી વાત પણ બહાર આવી છે. દુનિયામાં એવા લોકો વધી રહ્યા છે જેને નહાવા માટે એકલા જતા ડર લાગી રહ્યો છે. એકલા હોવાનો ડર અને અજંપો માણસને સતાવવા લાગ્યો છે. બાથરૂમમાં એકલા પડવાની સાથે એનું મન બેચેન થઇ જાય છે.
સ્નાન આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. અગાઉના સમયમાં માણસ નદીમાં સ્નાન કરતા હતા. સ્નાન કરતી વખતે શ્લોક બોલતા હતા. હજુયે કેટલાક લોકો નહાતી વખતે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી શ્લોક બોલે છે. કેટલાક લોકો બાથરૂમ સિંગર હોય છે. એ નહાવાનું શરૂ કરવાની સાથે ગીત લલકારે છે. એ રીતે પણ લોકો નહાવાને એન્જોય કરે છે. જે લોકો નહાતી વખતે મજામાં હોય છે, એના શરીરમાં ડોપામાઇન અને ઓક્સિટોસિન નામના હેપિનેસ હોર્મોન્સનો સ્રાવ થાય છે. એ માણસને પ્રફુલ્લિત રાખે છે. મૂડ સારો રહે છે. જે લોકો ક્રિએટિવ છે એ લોકો માટે ટોઇલેટ બેસ્ટ પ્લેસ સાબિત થાય છે. નહાતી વખતે તેને અદ્ભુત વિચારો આવે છે. કેટલાય સર્જકોએ કબૂલ્યું છે કે, તેમને બાથરૂમમાં ઉત્તમ વિચારો આવે છે. ક્રિએટિવિટી ખીલવાની આ પ્રક્રિયાને `ધ શાવર ઇફેક્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. નહાતી વખતે મન આરામની સ્થિતિમાં હોય છે એટલે સબકોન્સિયસ માઇન્ડ એક્ટિવ થાય છે અને સારા વિચારો આવે છે. એમાં પણ શરત એ તો છે જ કે, બીજા નક્કામા વિચારો કરવાના નહીં. મન જો ખોટા વિચારે ચડી ગયું તો ક્યારેય ક્રિએટિવ થોટ્સ આવવાના નથી.
દુનિયામાં આજકાલ માઇન્ડફુલ બાથિંગનો કન્સેપ્ટ પણ ઇનથિંગ છે. નહાતી વખતે ધ્યાન ધરતા હોવ એટલા હળવા રહો. પોતાની જાત સાથે તાદાત્મ્ય સ્થાપો. આ ક્ષણ મારી છે. મને કોઇ ફિકર નથી. મનને ધીરજ ધરવાનું આહ્વાન કરો અને રિલેક્સ થઇને નહાવ. ગુસ્સો, ચિંતા, થાકથી મુક્ત થઇ જાવ. નહાવામાં ઉતાવળ ન કરો. થોડોક સમય લો. ઉપરથી પડતા શાવરના પાણીને માણો. માઇન્ડફુલ બાથ તમારામાં નવી ઊર્જા ભરશે અને તમે આખો દિવસ રિલેક્સ રહી શકશો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નહાતી વખતે તમને કેવા વિચારો આવે છે. ચેક કરતા રહેજો કે નહાતી વખતે તમે કેવા વિચાર કરો છો? જો ખોટા, નક્કામા અને ટેન્શન પેદા કરે એવા વિચારો કરતા હોવ તો ટાળજો. એવા વિચાર કરજો કે, કંઇ આભ ફાટી પડવાનું નથી. બહાર નીકળીને કામ કરવાનું જ છે. ચૂલામાં ગયું બધું, અત્યારે મસ્તીથી નહાઈ લો.
સ્નાન વિશે એવું પણ કહેવામાં આવે છે કે, બાથરૂમને ટેન્શનમુક્ત ઝોન બનાવો. બાથરૂમમાં કોઇ ગેઝેટ્સ ન લઇ જાવ. એ પંદર મિનિટ દુનિયાને તમારા વગર ચાલવા દો. તમે એ સમય પૂરતા બધામાંથી તમારી જાતની બાદબાકી કરી નાખો. બાથરૂમ સુગંધિત હોવું જોઇએ. સાબુ અને શેમ્પૂ તમને ગમે એ સુગંધનું રાખો અને એ સુગંધને પણ માણો. બાથરૂમમાં કોઇ વાસ ન આવવી જોઇએ. જો વાસ આવતી હશે તો ભવાં તંગ થઇ જશે અને રિલેક્સ થવાનું સાઇડમાં રહી જશે.
સ્નાન એ જિંદગીને જીવવાની એક કળા છે. બાથરૂમમાં જઇને અંદરથી દરવાજો બંધ કરો એની સાથે ચિંતા અને ઉપાધિઓના દરવાજાને પણ બંધ કરી દો અને મનના દરવાજાને ઉઘાડો. નહાતી વખતે જો કોઇ કામ મગજમાં હશે તો શારીરિક રીતે તમે ભલે નહાતા હોવ, પણ માનસિક રીતે તમે કામ જ કરતા હોવ છો. નહાવાને કામ ન સમજો, પણ આરામનો જ એક હિસ્સો સમજો. આ એવો સમય છે જ્યારે તમને કોઇ જોવાનું નથી અને જજ પણ કરવાનું નથી. સારા વિચારો કરશો તો ક્રિએટિવિટી ખીલશે. બાય ધ વે, તમને ખબર છે, આર્કિમિડિઝની યુરેકા મોમેન્ટ નહાતી વખતે જ આવી હતી. સિરાક્યૂઝના રાજાએ બનાવેલા સોનાના મુગટમાં ચાંદીની ભેળસેળની તેમને શંકા હતી. રાજાએ આર્કિમિડિઝને મુગટ તોડ્યા વગર ભેળસેળની તપાસ કરવાનું કહ્યું હતું. આ સમસ્યાના ઉકેલનો વિચાર કરતાં કરતાં આર્કિમિડિઝ પાણી ભરેલા ટબમાં નહાવા બેઠા. પાણીમાં પડતાં જ થોડું પાણી ટબની બહાર ઢોળાયું. તેમણે નોંધ્યું કે, ડૂબેલા શરીર જેટલું જ પાણી બહાર ઢોળાયું છે. તેને સમજાઇ ગયું કે, સોના અને ચાંદીની ઘનતા અલગ અલગ હોવાથી ભેળસેળની ખબર પડી જશે. આ ઘટના પરથી જ આર્કિમિડિઝનો સિદ્ધાંત શોધાયો હતો. આર્કિમિડિઝ નહાતાં નહાતાં જ બહાર આવી ગયા હતા અને યુરેકા, યુરેકા એટલે કે મેં શોધી લીધું છે, શોધી લીધું છે એવું કહી નાચવા લાગ્યા હતા. કહેવાનો મતલબ એ છે કે, એ વિચાર તેમને નહાતી વખતે જ આવ્યો હતો. નહાતી વખતે રિલેક્સ રહો, એ ક્ષણો તમારી અને માત્ર ને માત્ર તમારી છે. એ ક્ષણે પણ બીજા કશાને હાવી થવા ન દો. મજાથી નહાશો તો આખો દિવસ પણ મજાનો જશે. હેપી બાથિંગ!
પેશ-એ-ખિદમત
મૈં કહાં હૂં કુછ બતા દે જિંદગી એ જિંદગી,
ફિર સદા અપની સુના દે જિંદગી એ જિંદગી,
અબ તો યાદ આતા નહીં કૈસા થા અપના રંગ-રૂપ,
ફિર મેરી સૂરત દિખા દે જિંદગી એ જિંદગી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો