ચોકલેટ નાના-મોટા સૌને ભાવે છે. વળી, ચોકલેટ ખાસ કરીને ડાર્ક ચોકલેટ ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. જેમ કે, તે મૂડ બૂસ્ટર છે અને તે એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે.

ક્રિસમસ હોય કે દિવાળી લોકો ચોકલેટથી મોં મીઠું કરે છે. દર વર્ષે 7 જુલાઈના રોજ વર્લ્ડ ચોકલેટ ડે મનાવવામાં આવે છે ત્યારે જાણીએ ચોકલેટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો.

ચોકલેટના ઇતિહાસ વિશે

ચોકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જૂનો છે. માયા સંસ્કૃતિના લોકો ચોકલેટનો ઉપયોગ કરતા હતા.

12મી શતાબ્દીમાં માયા સભ્યતા પર એજ્ટેક સમુદાયના લોકોએ હુમલો કર્યો અને જીતી ગયા પછી 15મી શતાબ્દી સુધી તેઓએ ત્યાં શાસન કર્યું. જોકે, તેમણે પણ માયન લોકોની ચોકલેટની પરંપરાને જાળવી રાખી. તેઓ ક્યારેક ચોકલેટને ગરમ તો ક્યારેક ઠંડી કરીને પીતા.

થોડા નજીકના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે 2000 વર્ષ પહેલાં અમેરિકાના વર્ષાવનોમાં કોકોનાં વૃક્ષો શોધવામાં આવ્યાં હતાં. કેકો અથવા તો કોકોનાં વૃક્ષોમાંથી મળતા બીજમાંથી ચોકલેટ બનાવવામાં આવતી હતી. વિશેષજ્ઞોનું માનવું છે કે સૌથી પહેલાં ચોકલેટ મેક્સિકો અને મધ્ય અમેરિકામાં બનાવવામાં આવી હતી.

ઈ.સ. 1528માં સ્પેને જ્યારે મેક્સિકો પર કબજો કર્યો ત્યારે ત્યાંના શાસક વિપુલ પ્રમાણમાં કોકોનાં બીજ અને ચોકલેટ બનાવવાના યંત્રો પોતાની સાથે સ્પેન લઈ ગયા અને ખૂબ જ ઝડપથી સ્પેનમાં ચોકલેટ અમીરોનું મનપસંદ ડ્રિંક બની ગઈ.

ઈ.સ. 1606 સુધી ઈટલીમાં પણ ચોકલેટ પ્રસિદ્ધ થઈ ગઈ. એવું માનવામાં આવે છે કે ઇટલીના એક યાત્રી ફ્રેન્સિસ્કો કારલેટીએ ચોકલેટ પર સ્પેનના એકાધિકારને ખતમ કરી દીધો અને ચોકલેટને ઇટલી લઈ ગયા. ફ્રેન્સિસ્કોએ મધ્ય અમેરિકાના લોકોને ચોકલેટ બનાવતા જોયા અને પોતાના દેશ ઇટલીમાં પણ ચોકલેટનો પ્રચાર-પ્રસાર કર્યો.

ઈ.સ. 1615માં ફ્રાન્સે ડ્રિંકિંગ ચોકલેટનો સ્વાદ ચાખ્યો. ફ્રાંસના લોકોનું માનવું હતું કે ચોકલેટ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ લાભકારક છે.

ઈ.સ. 1650માં ઇંગ્લેન્ડમાં ચોકલેટ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી. શરૂઆતમાં લોકો ચોકલેટ પીતા જ હતા, પણ એક અંગ્રેજ ડોક્ટર સર હેન્સ સ્લોનેએ દક્ષિણ અમેરિકાનો પ્રવાસ કર્યો અને ખાવાવાળી ચોકલેટની રેસિપી તૈયાર કરી. મિલ્ક ચોકલેટની રેસિપી તેમણે જ તૈયાર કરી હતી.

તીખાથી મીઠા સુધીની સફર

પહેલાં ચોકલેટનો સ્વાદ તીખો હતો અને તેને પીવામાં આવતી હતી. અમેરિકાના લોકો કોકોનાં બીજ પીસીને તેમાં વિવિધ પ્રકારના મસાલા જેમ કે, મરચું, વેનિલા વગેરે નાખીને ડ્રિંક બનાવી પીતા હતા. ચોકલેટને આજના જેવો એટલે કે મીઠો સ્વાદ મળવાનું શ્રેય યુરોપને જાય છે જ્યાં ચોકલેટમાં મરચાં કે મસાલાને બદલે દૂધ અને ખાંડ નાંખવામાં આવી. આ રીતે તીખી ચોકલેટને મીઠાશ મળી.

ચોકલેટ નામ કેવી રીતે પડ્યું?

`ચોકલેટ' નામ કેવી રીતે તે વિશે અનેક મત જોવા મળે છે. ઘણા લોકો માને છે કે આ શબ્દ મૂળ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. જ્યારે સૌથી વધારે પ્રચલિત માન્યતા એ છે કે `ચોકલેટ' શબ્દ માયા અને એજ્ટેક સભ્યતાઓમાંથી જ મળ્યો છે, જે મધ્ય અમેરિકા સાથે સંબંધ ધરાવે છે. એજ્ટેકની ભાષા નેહુટલમાં `ચોકલેટ' શબ્દનો અર્થ ખાટો અથવા કડવો થાય છે. ચોકલેટનો સ્વાદ મૂળ તો કડવો જ હોય છે.

ચૉકલેટના વિવિધ પ્રકારો

ચૉકલેટ ફક્ત એક જ પ્રકારની નથી હોતી, પણ તેના ઘણા પ્રકારો છે. જેમાં સ્વાદ અને સામગ્રીનું અલગ-અલગ સંતુલન હોય છે. જેમ કે,

ડાર્ક ચૉકલેટ : આમાં સૌથી વધુ કોકો સોલિડ્સ (50%થી 90% કે તેથી વધુ) હોય છે અને ખાંડની માત્રા ઓછી હોય છે. તેનો સ્વાદ કડવો અને તીખો હોય છે અને આરોગ્ય લાભો માટે આને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

મિલ્ક ચૉકલેટ : આ સૌથી લોકપ્રિય પ્રકાર છે. આમાં કોકો સોલિડ્સની સાથે દૂધ પાઉડર અને વધુ ખાંડ હોય છે, જેનાથી તેનો સ્વાદ મીઠો અને ક્રીમી હોય છે.

રુબી ચૉકલેટ : વર્ષ 2017માં શોધાયેલો આ એક નવો પ્રકાર છે. આ ચોકલેટ રુબી કોકો બીન્સમાંથી બનેલી હોય છે અને તેનો કુદરતી રીતે ગુલાબી રંગ અને એક અનોખો બેરી જેવો ખાટો સ્વાદ હોય છે.

બેકિંગ ચૉકલેટ (અનસ્વીટન્ડ ચૉકલેટ) : આમાં 100 % કોકો સોલિડ્સ હોય છે અને કોઈ ખાંડ નથી હોતી. તે બેકિંગ માટે ઉપયોગમાં લેવાય છે અને ખૂબ કડવી હોય છે.