મારા કેટલા ટકા?
આ એક પાયાનો અને વાજબી સવાલ છે. આપણે કોઈ કામ કરીએ, કશુંક વાંચીએ-જોઈએ-સાંભળીએ-સંવેદીએ તો એમાંથી આપણને કશુંક મળવું તો જોઈએને.
તો શરીરવિજ્ઞાન વિશેની આ શ્રેણીમાં ઊંડાં ઊતરતા પહેલાં એવો સવાલ જાગવો સ્વાભાવિક છે કે શરીર વિશે જાણવામાં મારા કેટલા ટકા?
મિશન હાથ ધરતાં પહેલાં `કમિશન'ની સ્પષ્ટતા સારી. ઓકે, તો આપણે કોઈ પણ પ્રવૃત્તિ શા માટે કરીએ છીએ? યા તો એમાંથી પૈસા મળે કે આનંદ મળે. કશુંક મળે તો આપણને મજા પડે. બીજું કશું ન મળે અને કેવળ કુતૂહલ સંતોષાય તો પણ આપણે કોઈ વાતમાં રસ લઈએ.
આપણે કૂથલી શા માટે કરીએ છીએ? કૂથલી કરવાથી આપણું કુતૂહલ સંતોષાતું હોય છે. લોકો વિશેની સારી-ખરાબ વાતો જાણવા-કહેવાથી આપણે આપણી જાતના મર્યાદિત દાયરામાંથી નીકળીને બીજાઓમાં રસ લેતા થઈએ એ બાબત આમ તો હેલ્ધી-ઇચ્છનીય ગણાય. એ આપણને અતિ સ્વકેન્દ્રી થતા બચાવે છે. જોકે, એમાં લોચો એ છે કે આપણને લોકોની સારી બાબતો કરતાં ટુચ્ચી બાબતો વિશે, લફરાં વિશે, પાપ-ચોરી વિશે, દુર્ગુણો અને મર્યાદાઓ વિશે જાણવામાં વધુ રસ પડતો હોય છે અને એનાથી આપણી હીન વૃત્તિ સંતોષાતી હોય છે. ઇવન સોશિયલ મીડિયા પર થતી ખૂંખાર રાજકીય ચર્ચાઓ પણ મોટાભાગે ઓળખ અને અભિપ્રાયોના અહંકારી ફૂંફાડા હોય છે અને એ પણ હીન વૃત્તિને ખાતર-પાણી પૂરાં પાડે છે.
પરંતુ શરીરની જાણકારી આપણી હીન વૃત્તિને પોષનારી નથી.
આ થયો પહેલો લાભ. શરીરનું જ્ઞાન આપણી હીન નહીં, બલ્કે તંદુરસ્ત કુતૂહલ વૃત્તિને પોષે છે.
વળી, આપણા જ શરીર વિશે આપણે જાણીએ તો જાત સાથેનો આપણો પરિચય વધુ ગાઢ બને. જગતના મોટા મોટા જ્ઞાનીઓ ભારપૂર્વક કહી ગયા છે કે જાતને જાણો. અલબત્ત, એમનો ઇશારો આપણી અસલી ઓળખ, જીવ, ચેતના, આત્મા તરફ હોય છે, પણ મુદ્દો એ છે કે આખી જિંદગી આપણો જીવ-આત્મા જે ઘરમાં એટલે કે શરીરમાં રહે છે એ પણ આપણી જાતનો જ હિસ્સો છે. એટલે માત્ર આત્માને જ નહીં, દેહને જાણવો પણ જરૂરી છે.
જેમાં આપણે રહેતા હોઈએ તે ગામ કે શહેર વિશેની માહિતીમાં આપણને વધુ રસ પડતો હોય છે. અમેરિકાના કોઈ ગામમાં ખૂન થાય એના કરતાં આપણા ગામમાં થતા ખૂનના સમાચારમાં આપણને વધુ રસ પડવાનો જ. એમ કપાસના છોડ કરતાં માણસના શરીરમાં આપણને વધુ રસ પડે તે સ્વાભાવિક છે. એનાથી આપણી આપણા શરીર સાથેની ઓળખાણ ગાઢ બને અને કહે છેને કે ઓળખાણ તો ખાણ છે. માટે શરીર વિશે જાણવું સારું. આ જાણકારી મેળવવાથી આપણે થોડે અંશે એ વાત સમજી શકીએ કે શું કરવાથી આપણા શરીરને લાભ થાય છે અને શું કરવાથી આપણે આપણા જ શરીરને નુકસાન કરીએ છીએ. અર્થાત્, કેવી જીવનશૈલી સારી કે ખરાબ ગણાય એની થોડી સમજ વિકસી શકે, શરીર વિશે જાણવાથી.
સામા પક્ષે શરીર વિશેની જાણકારીમાં એક જોખમ પણ છે, જેના વિશે પહેલેથી જ ચેતતા રહેવું સારું. શરીરવિજ્ઞાન વિશે આવી રીતે છાપાની શ્રેણીમાંથી કે ઇન્ટરનેટ પરથી મળેલી માહિતીના આધારે જો આપણે પોતાની જાતને જાણકાર સમજતાં થઈ જઈએ એમાં બે મુશ્કેલી ઊભી થાય.
પહેલી, આપણે જાણકારીના જોરે ઝઘડવા પ્રેરાઈએ.
લોકો શરીરને લગતી કેવી કેવી બાબતે કેવા કેવા અભિપ્રાયોના આધારે કઈ હદે ઉત્તેજિત થતાં હોય છે એ તમે જોયું જ હશે. ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાથી કેટલો બધો ગેરલાભ થાય છે એ સમજાવતી વખતે (સામેનો માણસ જો વાત માનવા તૈયાર ન હોય તો) સમજાવનાર રોષે ભરાઈ શકે.
આ ખોટું. ઉત્તરમાં માથું રાખવાથી ગેરલાભ થાય કે લાભ થાય કે કશું ન થાય એ અભ્યાસનો વિષય છે અને અભ્યાસ માટેની પૂર્વશરત છે માનસિક સ્વસ્થતા. માટે, શરીરવિજ્ઞાન વિશે અહીં જે વાતો થાય એને શાંતિથી સમજવી. એને દૃઢ માન્યતાનું રૂપ આપીને કોઈની સાથે લડવા બેસવું નહીં.
બીજી વાત, શરીરવિજ્ઞાનની અહીં વાંચેલી માહિતીના જોરે ડોક્ટરો પાસે ડહાપણ ડહોળવું નહીં. છેલ્લા એક-બે દાયકાથી ડોક્ટરોને જે એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે એ છે કે લોકો ડોક્ટરને મળતાં પહેલાં નેટ ફેંદી લે છે અને પછી ડોક્ટર જે નિદાન-ઇલાજ કરે એમાં પોતાના તરફથી
સુધારાવધારા સૂચવે છે.
એક જોક તમે કદાચ વાંચી હશે. એક ડોક્ટર પાંચ વર્ષ પહેલાં કન્સલ્ટેશનના 100 રૂપિયા લેતા હતા, પણ પછી એમણે કન્સલ્ટેશન ફી વધારીને 600 કરી નાખી. એક પેશન્ટે કટાક્ષમાં પૂછ્યું, 100થી સીધા 600? ફુગાવો બહુ વધી ગયો નહીં? ડોક્ટરે કહ્યું, ફુગાવાને લીધે તો મેં સો જ રૂપિયા વધાર્યા છે. બાકીના 400 રૂપિયાનો વધારો હું પેશન્ટના મગજની સાફસૂફીના વસૂલું છું. પેશન્ટના મગજમાં ઇન્ટરનેટ અને વોટ્સેપ થકી ખોટી માહિતીના જે ખટારા ઠલવાયા હોય છે એ બધું દૂર કરવામાં ઘણી મહેનત કરવી પડતી હોવાથી મારે ફી વધારવી પડી.
ટૂંકમાં, શરીરવિજ્ઞાન વિશેની પ્રાથમિક જાણકારી પરથી એવો વહેમ ક્યારેય ન સેવવો કે હવે હું ઓલમોસ્ટ ડોક્ટર બની ગયો છું.
છેલ્લી સ્પષ્ટતા. વાત વિજ્ઞાનની છે અને વિજ્ઞાન થોડું અઘરું તો ખરું. વિજ્ઞાનમાં કોઈને રસ પડે, કોઈને ન પડે. ફાઈન, પરંતુ વિજ્ઞાન ભારેખમ હોવાનો ડર લાગતો હોય તો એ ડર ખંખેરી નાખો અને આ લખનારની સાથે બિન્ધાસ્ત શરીરની દુનિયામાં પ્રવેશો, કારણ કે અહીં એવો પૂરો પ્રયત્ન કરવામાં આવશે કે વાંચનારને લખાણ ભારે ન લાગે; એને એવું લાગે જાણે કોઈની સાથે હળવી-નિરાંતવી વાતો થઈ રહી છે.
તમે જ કહો. આ લેખનું અહીં સુધીનું લખાણ વાંચતી વખતે તમને કંઈ પણ ભારે કે અઘરું લાગ્યું? નહીં ને! બસ, તો એ જ રીતે શરીર વિશે વાત કરીશું.
શરૂઆત કરીએ કોષથી. આપણું શરીર કોષોનું બનેલું છે.
એક રીતે જોતાં પ્રત્યેક કોષ કોઈ એક આખા શહેર જેવો હોય છે. એમાં પાવરસ્ટેશન-વીજમથક હોય. એની અંદર ટ્રાન્સ્પોર્ટેશનનું -સામગ્રીની હેરફેરનું માળખું હોય. એમાં સંદેશાવ્યવહારનું એક તંત્ર હોય. એમાં શહેરનો કારોબાર જોતી, સાચું પૂછો તો સરમુખત્યાર જેવી વડી કચેરી હોય. એમાં બહારથી (શરીરના અન્ય ભાગોમાંથી) ઉપયોગી ચીજોની આયાત કરવાની અને નકામા કચરાના નિકાલની ગોઠવણ હોય. નકામા ઘૂસણખોરો કોષની અંદર પ્રવેશી ન જાય તેનું ધ્યાન રાખતો ચુસ્ત ચોકીપહેરો પણ દિવસ-રાત ખડેપગે હાજર હોય. ટૂંકમાં એક કોષ એટલે એક નગરી.
હવે જઈએ આ નગરીની અંદર.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
