મહાભારતના યુદ્ધે માત્ર કુરુ વંશનો જ નહીં, પણ ધર્મ અને નીતિના તમામ સ્તંભોનો વિનાશ કર્યો. આ ઘોર વિનાશ પછી શોકગ્રસ્ત અને વિરક્ત બનેલા યુધિષ્ઠિરને બાણશય્યા પર સૂતેલા પિતામહ ભીષ્મે જે રાજધર્મનો ઉપદેશ આપ્યો, તે `શાંતિપર્વ' તરીકે ઓળખાય છે.
જોકે, આ પર્વ મોટાભાગે શાસન અને રાજનીતિ પર કેન્દ્રિત છે, છતાં તેમાં સંકટના સમયમાં એક લીડરે પોતાની વ્યક્તિગત અખંડિતતા અને મનોબળને કેવી રીતે સાચવવું, તેનું અમૂલ્ય માર્ગદર્શન છુપાયેલું છે. આફ્ટરઓલ પતન અને પરાજયના વાવાઝોડામાં પણ લીડરે તો ટકી જ રહેવાનું હોય. જો તે ટકી નથી રહેતો આજની ભાષામાં જેને કમબેક કહે છે એવું કમબેક લીડર ક્યારેય કરી નથી શકતો, પરંતુ ઝંઝાવાતના સમયમાં પોતાને સ્થિર રાખવા કે ટકી રહેવું કંઈ સહેલી વાત નથી. એટલે જ આ સંદર્ભે પિતામહ ભીષ્મની સલાહો પર એક નજર કરવા જેવી છે.
ભીષ્મ પિતામહ ભારપૂર્વક જણાવે છે કે પડતીનો સમય એ નેતાની સાચી કસોટી છે. જ્યારે બધું જ અનુકૂળ હોય, ત્યારે નેતૃત્વ સરળ હોય છે, પરંતુ જ્યારે શક્તિ, સંપત્તિ અને સમર્થન ક્ષીણ થવા લાગે, ત્યારે નેતાએ અનુભૂતિ અને આત્મસંયમની ઢાલ ધારણ કરવી પડે છે. એટલે આ સંદર્ભે લીડરે સૌપ્રથમ તો એ સ્વીકારવું જોઈએ કે સંકટ અસ્થાયી છે, પરંતુ તેના પ્રત્યેની પ્રતિક્રિયા એટલે કે રિએક્શન તેના ભવિષ્યને કાયમી રીતે અસર કરી શકે છે. પડતીના સમયે આવેલો શોક, ક્રોધ અથવા હતાશા નેતાની નિર્ણયશક્તિને સૌથી મોટો ફટકો મારે છે. આથી લીડરે પોતાના અંતરંગ આવેગો પર સંપૂર્ણ સંયમ રાખવો અનિવાર્ય છે. પિતામહ ભારપૂર્વક કહે છે કે જે લીડર સંકટમાં પણ પોતાના મન પર વિજય પ્રાપ્ત કરે છે, તે બાહ્ય દુશ્મનો પર આપોઆપ વિજય મેળવે છે. સાથે જ તે તેની ભવિષ્યની જીતોને પણ સુનિશ્ચિત કરે છે.
પડતીના સમયમાં લીડરે પોતાની નૈતિક અખંડિતાને સર્વોચ્ચ સ્થાન આપવું જોઈએ. ભીષ્મ કહે છે કે, સંપત્તિ અને સત્તા કદાચ જતી રહે, પરંતુ લીડરનું ચારિત્ર્ય (કેરેક્ટર) અને સન્માન હંમેશાં અકબંધ રહેવું જોઈએ. સંકટમાંથી બહાર આવવા માટે અનૈતિક કે અયોગ્ય માર્ગો અપનાવવા એ લાંબા ગાળે નેતૃત્વનો સંપૂર્ણ વિનાશ નોતરે છે. બલ્કે સાચો લીડર એ છે જે મુશ્કેલીના સમયમાં પણ સત્ય અને ધર્મના માર્ગે અડગ રહે છે. આ નૈતિક દૃઢતા જ નેતાને આંતરિક શાંતિ અને આત્મગૌરવ પ્રદાન કરે છે, જે બાહ્ય પતન છતાં તેને ઊભા રહેવાની શક્તિ આપે છે. આથી નેતાએ પોતાના સિદ્ધાંતોનું જતન કરવું એ આત્મરક્ષણનો પ્રથમ પાઠ છે.
વળી, આ સમય નેતા માટે સેલ્ફ-એનાલિસિસ માટેનો છે. ઝંઝાવાતના સમયમાં લીડરે શાંતિપૂર્વક વિચાર કરવો જોઈએ કે ક્યાં ભૂલ થઈ, કયા નિર્ણયો ખોટા પડ્યા અને કઈ નબળાઈઓને કારણે સંકટ આવ્યું. આ નિષ્પક્ષ આત્મમંથન લીડરને ભવિષ્યમાં વધુ મજબૂત વ્યૂહરચના બનાવવામાં મદદ કરે છે. જો નેતા આત્મઅવલોકન કરવાને બદલે બીજા પર દોષારોપણ કરે, તો તે ક્યારેય સંકટમાંથી શીખી શકતો નથી. લીડર તરીકે પડતીના કાળમાં પણ વ્યક્તિગત જવાબદારી સ્વીકારવી અને સુધારા માટેની તત્પરતા દર્શાવવી એ જ નેતૃત્વની નિશાની છે.
ભીષ્મ એ પણ સમજાવે છે કે લીડરે પડતીના સમયમાં નકામાં પ્રદર્શનો અને વિલાસિતા એટલે કે તાયફાનો ત્યાગ કરવો જોઈએ. જ્યારે સંસ્થા કે રાજ્ય સંકટમાં હોય, ત્યારે નેતાનું સાદગીભર્યું જીવન તેના અનુયાયીઓમાં વિશ્વાસ અને આશા જગાડે છે. નેતાની વ્યક્તિગત જીવનશૈલી તેની સંસ્થાનાં મૂલ્યોનું પ્રતિબિંબ હોવી જોઈએ. આ સંયમિત જીવનશૈલી માત્ર નાણાકીય બોજ ઘટાડતી નથી, પણ નેતાને ભૌતિક આસક્તિઓમાંથી મુક્ત કરીને તેના લક્ષ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરે છે.
તો આ સંદર્ભે ભીષ્મ એમ પણ કહે છે કે આપત્તિના સમયમાં લીડરે આશાવાદ અને ધૈર્યનો સંગ્રહ કરવો. તેણે ક્યારેય નાસીપાસ ન થવું અથવા બધું જ સમાપ્ત થઈ ગયું એવી ભાવના મનમાં ન આણવી. ભીષ્મ પિતામહનું જીવન પોતે જ તેનું ઉદાહરણ છે. અનેક સંકટો સહન કર્યા પછી પણ તે ધર્મ માટે અંત સુધી લડતા રહ્યા. લીડરે યાદ રાખવું જોઈએ કે કાળચક્ર હંમેશાં ફરતું રહે છે. આજની પડતી આવતી કાલના ઉદયની પૂર્વભૂમિકા હોઈ શકે છે. સતત પ્રયત્નો, ધૈર્ય અને આત્મવિશ્વાસ જ નેતાને પાતાળમાંથી બહાર કાઢે છે. આ આંતરિક મનોબળ નેતાની સૌથી મોટી સંપત્તિ છે, જે સંકટના સમયમાં પણ તેને પોતાનું સન્માન જાળવી રાખીને, નવો માર્ગ કંડારવાની પ્રેરણા આપે છે. આમ, શાંતિપર્વ નેતાને શીખવે છે કે પડતી એ કાયમી નિયતિ નથી, પણ એક એવી કસોટી છે જેને પાર કરવા માટે આત્મસંયમ અને નૈતિકતા જ સૌથી મોટાં શસ્ત્રો છે.