મહાભારતના શાંતિપર્વમાં જ્યારે ભીષ્મ પિતામહ શરશય્યા પરથી યુધિષ્ઠિરને રાજધર્મનો ઉપદેશ આપે છે, ત્યારે તેમનો મુખ્ય ભાર લીડરના આંતરિક સંયમ પર હોય છે.
એક લીડર માટે સૌથી મોટો પડકાર બાહ્ય શત્રુઓ નથી હોતા, પરંતુ તેની અંદર ઊઠતા સારી કે માઠી લાગણીઓના વંટોળ હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ સંસ્થા કે પ્રોજેક્ટ નિર્ણય બાબતે ક્રાઈસિસમાંથી પસાર થતા હોય, ત્યારે તે સંસ્થા કે પ્રોજેક્ટના લીડરની માનસિક સ્થિતિ જ આખી ટીમનું ભવિષ્ય નક્કી કરતી હોય છે. આ બાબતે પિતામહ ભીષ્મ સ્પષ્ટપણે માને છે કે જે લીડર પોતાના શોક, ક્રોધ અને અતિશય લાગણીશીલતા પર વિજય મેળવી શકતો નથી, તે ગમે તેટલો કુશળ હોવા છતાં અંતે પરાજિત થાય છે. તેમના કહ્યા મુજબ તો ક્રાઈસિસ મેનેજમેન્ટમાં પ્રથમ પગથિયું જ `સેલ્ફ-માસ્ટરી' એટલે કે આત્મ-નિયંત્રણ છે.
ભીષ્મ પિતામહ સમજાવે છે કે શોક એ લીડરની વિચારવાની શક્તિને લકવો મારી દે છે. જ્યારે કોઈ મોટી નિષ્ફળતા મળે અથવા અણધારી આફત આવે, ત્યારે માનવીય સહજતા મુજબ લીડર શોકગ્રસ્ત થઈ જાય છે, પરંતુ શાંતિપર્વ મુજબ શોક એ એક એવું ઝેર છે, જે લીડરની નિર્ણય લેવાની ક્ષમતાને ધૂંધળી કરી નાખે છે. પિતામહ ભીષ્મ કહે છે કે જે વીતી ગયું છે તેના પર પશ્ચાત્તાપ કરવાને બદલે, જે બાકી છે તેને બચાવવા માટે તત્કાલ સક્રિય થવું એ જ સાચા મેનેજરનું લક્ષણ છે.
ક્રાઈસિસ દરમિયાન લીડરે પોતાની અંગત લાગણીઓને બાજુ પર મૂકીને એક સર્જનની જેમ નિર્મમ બનીને કામ કરવું પડે છે. જો સર્જન ઓપરેશન ટેબલ પર દર્દી પ્રત્યે વધુ પડતો લાગણીશીલ થઈ જાય તો તે યોગ્ય ચીરો મૂકી શકતો નથી, તેવી જ રીતે ક્રાઈસિસમાં જો મેનેજર લાગણીશીલ થઈ જાય તો તે કઠોર પણ જરૂરી એવા નિર્ણયો લઈ શકતો નથી.
ક્રોધ વિશે વાત કરતાં પિતામહ જણાવે છે કે ક્રોધ એ લીડરના વિવેકનો નાશ કરે છે. સંકટ સમયે જ્યારે પરિસ્થિતિ અંકુશ બહાર જતી હોય ત્યારે સ્વાભાવિક રીતે ક્રોધ આવવો સહજ છે, પરંતુ ભીષ્મ અનુસાર ક્રોધિત લીડર ક્યારેય રણનીતિ ઘડી શકતો નથી. ક્રોધમાં લેવાયેલો નિર્ણય ઘણીવાર સંકટને ઘટાડવાને બદલે તેને બમણું કરી દે છે.
શાંતિપર્વમાં ઉલ્લેખ છે કે જે લીડર પોતાના ક્રોધને પી જવાની ક્ષમતા ધરાવે છે, તે જ અન્યો પર શાસન કરવાને પાત્ર છે. મેનેજરે સમજવું જોઈએ કે ક્રોધ એ નબળાઈની નિશાની છે, જ્યારે શાંતિ એ શક્તિનું પ્રતીક છે. ખાસ કરીને ક્રાઈસિસમાં જ્યારે ટીમ મેમ્બર્સ ગભરાયેલા હોય, ત્યારે લીડરનો ક્રોધ તેમને વધુ હિંમતહીન બનાવી દે છે. તેના બદલે જો લીડર શાંત રહીને પરિસ્થિતિનું વિશ્લેષણ કરે, તો તે ટીમમાં આત્મવિશ્વાસનો સંચાર કરી શકે છે.
લાગણીશીલતા અથવા `મોહ' વિશે ભીષ્મ ખૂબ જ ઊંડી વાત કરે છે. તેઓ કહે છે કે સંબંધો કે સ્નેહના કારણે જ્યારે લીડર પક્ષપાત કરવા લાગે છે, ત્યારે ક્રાઈસિસ વધુ ઘેરું બને છે. લીડરે હંમેશાં `ન્યુટ્રલ' એટલે કે તટસ્થ રહેવું જોઈએ. શાંતિપર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરને શીખવે છે કે રાજા કે લીડરનો કોઈ અંગત મિત્ર કે શત્રુ હોવો જોઈએ નહીં, તેનું એકમાત્ર લક્ષ્ય `કર્તવ્ય' હોવું જોઈએ. જો કોઈ મેનેજર પોતાની ટીમમાં કોઈ વ્યક્તિ પ્રત્યે વધુ પડતો લાગણીશીલ હોય, તો તે વ્યક્તિની ભૂલોને નજરઅંદાજ કરશે અને પરિણામે આખી સંસ્થાએ ભોગવવું પડશે. ક્રાઈસિસ મેનેજમેન્ટમાં મેરીટોક્રસી એટલે કે ગુણવત્તા જ સર્વોપરી હોવી જોઈએ. લાગણીના પ્રવાહમાં વહીને લીધેલા નિર્ણયો ટૂંકા ગાળા માટે સારા લાગી શકે, પણ લાંબા ગાળે તે વિનાશક સાબિત થાય છે.
આ ત્રણેય ભાવો શોક, ક્રોધ અને લાગણીશીલતા પર કાબૂ મેળવવાની પ્રેક્ટિકલ ટીપ આપતાં ભીષ્મ `સ્થિતપ્રજ્ઞતા' પર ભાર મૂકે છે. લીડરે દરરોજ પોતાની જાત સાથે સંવાદ કરવો જોઈએ અને પોતાની માનસિક સ્થિતિનું અવલોકન કરવું જોઈએ. ભીષ્મના મતે જે લીડર પોતે સંયમિત નથી, તે ક્યારેય વ્યવસ્થાને સંયમિત રાખી શકતો નથી. ક્રાઈસિસ વખતે લીડરની આસપાસ ઘણા એવા લોકો હશે જે તેને ઉશ્કેરશે અથવા તેને વધુ ગભરાવશે, પરંતુ પિતામહ કહે છે કે લીડરે `કાચબા'ની જેમ પોતાની ઈન્દ્રિયોને અંદર ખેંચી લેવી જોઈએ અને માત્ર ને માત્ર લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ધીરજ એ લીડરનું સૌથી મોટું શસ્ત્ર છે. ઘણીવાર ક્રાઈસિસનો ઉકેલ માત્ર શાંત રહીને સમયને પસાર થવા દેવામાં પણ હોય છે, જે અતિશય લાગણીશીલ વ્યક્તિ કરી શકતી નથી.
આ ઉપરાંત ભીષ્મ કહે છે કે લીડરે પોતાના હૃદયને વજ્ર જેવું કઠોર અને ફૂલ જેવું કોમળ રાખતા શીખવું જોઈએ. કઠોરતા નિર્ણયો લેવા માટે અને કોમળતા ટીમની પીડા સમજવા માટે, પરંતુ આ બંને વચ્ચેનું સંતુલન
જ મેનેજરને સફળ બનાવે છે. જો કોઈ મેનેજર ક્રાઈસિસમાં સતત પોતાની પીડા કે પોતાના તણાવનું પ્રદર્શન કર્યા કરે, તો તે નેતૃત્વ ગુમાવી બેસે છે. લીડર એ છે જે પોતે અંદરથી સળગતો હોય તો પણ બહાર શીતળતા આપે. શાંતિપર્વનો આ સંદેશ આધુનિક કોર્પોરેટ વર્લ્ડમાં `ઇમોશનલ ઇન્ટેલિજન્સ' તરીકે ઓળખાય છે. જે લીડર પોતાની લાગણીઓને મેનેજ કરી શકે છે, તે જ મોટા ક્રાઈસિસને મેનેજ કરી શકે છે.
આપણે એ તો જોયું જ છે કે પિતામહ ભીષ્મ સતત એ વાત પર તો ભાર મૂકે જ છે કે સત્તા કે જવાબદારી એ કોઈ ભોગવવાની વસ્તુ નથી, પણ એક તપસ્યા છે. આ તપસ્યામાં સૌથી મોટી આહુતિ લીડરે પોતાની અહંકાર અને અસ્થિર લાગણીઓની આપવી પડે છે. જ્યારે કોઈ પ્રોજેક્ટ નિષ્ફળ જાય કે આર્થિક સંકટ આવે, ત્યારે હાર સ્વીકારીને બેસી જવાને બદલે અથવા કોઈના પર ગુસ્સો ઠાલવવાને બદલે, ફરીથી શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ એ જ લીડરને મહાન બનાવે છે. ભીષ્મની આ બધી ટિપ્સ આજના સમયના દરેક મેનેજર કે લીડર માટે ગાઈડિંગ લાઈટ સમાન છે, જે શીખવે છે કે વિજય હંમેશાં મેદાન જીતતા પહેલાં મન જીતવાથી શરૂ થાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો