જીવન એ સુખ-દુઃખની ઘટમાળ છે અને અનિશ્વિતતાઓનો સરવાળો છે. એટલે જીવનનું પાસું ક્યારે પલટાય એ નક્કી નથી.

સ્વજનનું મૃત્યુ, માંદગી, અકસ્માત, ધંધામાં નુકસાન, બેવફાઇ, વિશ્વાસઘાત અને સંબંધોમાં બ્રેકઅપ જેવાં દુઃખો એવાં છે કે એને ડીલ કરવા તથા એમાંથી બહાર આવવું એ દરેકના વશની વાત નથી. વ્યક્તિ દુઃખનો સ્વીકાર ન કરી શકે તો મેન્ટલ-ફિઝિકલ હેલ્થ પ્રભાવિત થાય છે. એનાથી કાર્ટિસોલ અને એન્ડ્રેલાઇન જેવા સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થતાં ભૂખ અને ઊંઘનું ચક્ર બગડે છે. લાંબા સમય સુધી એની અસર પડે તો વ્યક્તિની રૂટિન જિંદગી અને કામકાજ બધું અસ્તવ્યસ્ત થઇ શકે. દુઃખની સ્થિતિમાં વ્યક્તિ એટલા બધા મનોભાવોમાંથી પસાર થાય છે કે એ ટ્રોમાનો ભોગ બની શકે. આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે અમેરિકન સાયકોલોજિસ્ટ કુબલર રોસે 5 સ્ટેપ બતાવ્યાં છે.

પહેલી વાત એ છે કે માણસ પર જ્યારે કોઇ આફત આવે ત્યારે એ સ્વીકારી જ નથી શકતો કે મારી સાથે આવું બની શકે. મારો સ્વજન તો સાજોસમો હતો તો એ મૃત્યુને કઇ રીતે ભેટી શકે? મારું ધંધાનું પ્લાનિંગ-મેનેજમેન્ટ અને વર્ક મેથડ બધું એકદમ પરફેક્ટ હતું. મને નુકસાન થઇ જ ન શકે? મેં તો દિલથી સંબંધ નિભાવ્યો હતો, સંબંધમાં 100 ટકા આપ્યું હતું, તો મારી સાથે કોઇ બેવફાઇ કે વિશ્વાસઘાત કરી શકે? મનમાં ઊઠતા આ પ્રશ્નો વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિને સ્વીકારવા નથી દેતા. સ્થિતિનો અસ્વીકાર એટલે ખુલ્લી આંખે કૂવામાં પડવું અને ખુદનાં અને સાથે જોડાયેલા લોકોનાં જીવનમાં બીજી સમસ્યાઓ ઊભી કરવી. આ સ્તર પર વ્યક્તિનું ભૂલી જવું, ભ્રમિત થવું, ધ્યાન ભટકવું કે શૂન્યમસ્ક બની જવું એ સહજ છે. ત્યારે જે દુઃખદ ઘટના બની છે એનો સ્વીકાર જ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી શકે. વ્યક્તિએ સ્વીકારવું પડે કે જે થયું એના માટે કોઇ જવાબદાર નથી. સંબંધોની અને જિંદગીની જેમ નફા-નુકસાનની પણ એક્સ્પાયરી ડેટ હોઈ શકે. દુઃખમાં આળોટવા કરતાં એમાંથી બહાર નીકળીને સુખનો રસ્તો શોધવો એ જ વિકલ્પ છે. વ્યક્તિએ પોતાની જાતને આશ્વાસન આપવું પડે કે હા, મારી સાથે ખરાબ થયું છે, પણ ભગવાન મને એમાંતી બહાર નીકળવાની તાકાત આપશે.

બીજું, જ્યારે માણસ પર દુઃખ આવે ત્યારે એના મનમાં એટલા બધા વિચારો-મૂંઝવણો, પ્રશ્નો અને ભયની લાગણી પરસ્પર અથડાય છે કે એ સમજી જ નથી શકતી કે મારે શું કરવું જોઇએ? એક તરફ સ્વભાવમાં આક્રમકતા, ગુસ્સો, ચીડિયાપણું આવે અને બીજી બાજુ અવસાદ, લાચારી અને અમુક સંજોગોમાં બદલાની ભાવના જન્મી શકે. આથી વ્યક્તિએ પોતાની લાગણીઓને ઓળખવી પડશે. ડર લાગે છે? તો એનાં કારણો તપાસવાં પડશે? કોઇ વાંકું બોલે છે એટલે ગુસ્સો આવે છે. જેમની પાસે મદદની અપેક્ષા રાખી હતી તેઓ સાથે નથી એટલે હતાશ છો. વારંવાર બદલાતા વિચારો પર બ્રેક મારી ભાવનાઓ ઓળખાશે તો એના મૂળ સુધી પહોંચાશે. ડર લાગતો હોય તો એ સ્વીકારવું પડે. એનું વિશ્લેષણ કરવું પડે તો જ આગળનો રસ્તો ક્લિયર દેખાશે. બાકી, ભાવનાઓને ઓળખ્યા વિના કોઇના પર ગુસ્સો કરવો વ્યર્થ છે.

ત્રીજા ક્રમે આવે છે બાર્ગેનિંગ. પોતાની ભાવનાઓને છુપાવવા ગુસ્સો કર્યા બાદ વ્યક્તિ બાર્ગેનિંગ કરે છે. બાર્ગેનિંગ યાનિ સોદાબાજી. એ પોતાની જાતને સમજાવે છે કે અગર હું સારો થઇ જઇશ, મારી આ સમસ્યા દૂર થઇ જશે તો હું મારી જાતને સાચવી લઇશ. ઘણીવાર એ ઇશ્વર પાસે માંગણી કરે છે અથવા બાધા-માનતા રાખે છે. બાર્ગેનિંગમાં એ પોતાના ભૂતકાળની કોઇ ઘટના આગળ ધરીને પરિવારજન સાથે સોદો કરે છે. જેમ કે, વ્યક્તિએ ભૂતકાળમાં પોતાના ભાઇને પૈસાનો સપોર્ટ કર્યો હોય તો અત્યારે એ ભાઇ એના માટે કોઇ સ્ટેપ લે એવું ઇચ્છશે. બીજા સાથે તુલના કરીને પોતાની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરશે, પણ પોતાની સમસ્યાને સમજશે નહીં. બસ, એને તો જે કંઇ મેળવવું છે તે બીજાની દૃષ્ટિએ મેળવવું છે. આવી વ્યક્તિ વારંવાર જજમેન્ટલ બનશે. ઓવર થિંકિંગ કરશે, અપરાધબોધ, ભય, બેચેની અનુભવશે અને બીજા પર અકારણ દોષારોપણ કરશે.

હવે ચોથું સ્ટેજ ડિપ્રેશનનું આવશે. દુઃખનો અસ્વીકાર, ભાવનાને ઓળખ્યા વિના ગુસ્સો કરવો અને જાત સાથે કે અન્ય સાથે સોદાબાજી કર્યા બાદ એ ડિપ્રેશ થઇ જાય છે. આ પ્રયાસોમાં કોઇ પરિણામ મળે તો પણ એને દેખાતાં નથી. એની ભૂખ મરી જાય છે, ઊંઘ નથી આવતી, વારંવાર રડે છે. સુસ્ત અને ઊર્જાહીન દેખાય છે, એકલતા ફીલ કરે છે અને ઘણીવાર એ નશાની આદતે ચડી શકે છે. એને એવું લાગે છે કે હવે મારા જીવનમાં કશું બચ્યું નથી.

અને આ ચાર ચક્રમાંથી પસાર થયા પછી વ્યક્તિ પોતાના દુઃખનો સ્વીકાર કરે છે. મતલબ કે એનામાં એ સમજણ આવી જાય છે કે હું કઇ પરિસ્થિતિમાં ઘેરાયેલો છું, મારી સમસ્યા શું છે? અને મારે હવે કયા પ્રકારનો સંઘર્ષ કરવાનો છે? એ પોતાના શરીર પર ધ્યાન આપે છે, લોકોની વાત સાંભળે છે, વિના કારણ ગુસ્સો નથી કરતો, દુઃખના આ સ્ટેજમાંથી બહાર નીકળવા માટે.

 દુઃખને શેર કરતા શીખો. શેર કરવાથી મન હળવું બને છે અને દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે છે.

ભાવનાઓને ઓળખીને એની સાથે ડીલ કરતા શીખો.

ગમે તેવા દુઃખમાં પણ પોતાની જાતને ન ભૂલવી જોઇએ. દુઃખમાં ઘણી વ્યક્તિ ઊંઘતી નથી, ખાતી નથી તો કેટલીક વ્યક્તિ વધારે પડતું મીઠું ખાય છે. આખો દિવસ પડી રહે છે તેથી બીમારી નામનું ઔર એક દુઃખ વધે છે. સેલ્ફ કેર દ્વારા માણસ થોડા સમય માટે દુઃખને પણ ભૂલી શકે.

જ્યારે મનની સ્થિતિ ખરાબ હોય ત્યારે ટીવી-ન્યૂઝ પેપર્સ વગેરેમાંથી દુઃખદ અને નેગેટિવ ન્યૂઝ અને કાર્યક્રમ જોવાનું ટાળો. એને બદલે સંગીત, વાંચન અને મેડિટેશનનો સહારો લો.

કોઇ પણ સ્થિતિનું સોલ્યુશન તરત નથી આવતું એટલે અંતિમવાદી બનવાને બદલે ખુદને થોડો સમય આપો. સમય સબ રોગ કી દવા હૈ.