35 વર્ષની જીયા એક કોર્પોરેટ કંપનીમાં કામ કરે છે. ટાર્ગેટ અચીવ થાય કે પ્રોજેક્ટ સક્સેસ થાય ત્યારે કંપની કર્મચારીઓને ફોરેન ટૂર્સ પર લઇ જાય. જીયા કંપની દ્વારા સાત-આઠ દેશોમાં ફરી આવી. જીયા જ્યારે ટૂર પર જાય ત્યારે એની આજુબાજુના લોકો એને સંભળાવે કે છોકરાઓને અને પતિને મૂકીને એને એકલું જવું કેમ ગમે? આઠ-દસ વર્ષના છોકરાઓને એકલા મૂકીને જવાતું હશે? એમાંય એકાદ વખત બાળક પડે-આખડે કે બીમાર પડે તો જાત-જાતનાં મેણાં સાંભળવાનાં. માને તો કંઇ પડી જ નથી? પત્ની બહાર ફરે તો પતિ પણ હાથમાં થોડો રહેશે? વગેરે વગેરે. મા-પત્ની તરીકેની ફરજથી લઇ ચારિત્ર્ય અને નૈતિકતાની વાતો દ્વારા એના મનમાં ગીલ્ટ ઊભું કરાય કે એ સારી મા અને પત્ની નથી. હવે જીયાએ કંટાળીને ટૂરમાં જવાનું છોડી દીધું છે. પોતાની મહેનતથી સારી તક પ્રાપ્ત કરવી એ અપરાધ છે? વર્ષના 365 દિવસમાંથી 30 દિવસ મા-પત્ની મટીને એક વ્યક્તિ તરીકે જીવવામાં ખોટું શું છે? જ્યારે કોઇ વ્યક્તિ સ્ત્રી કે પુરુષને એની સફળતા અને માન-સન્માન માટે અપરાધ ફીલ કરાવે તો એ ગીલ્ટ ટ્રેપથી બચવું જોઈએ. મહેનત તમારી છે, બાળકો તમારાં છે, પરિવાર અને સમસ્યા તમારી છે. તો ગીલ્ટ ફીલ કરાવવાનો લોકોને શું અધિકાર?
બીજા એક 40 વર્ષના સૌજન્યનું ઉદાહરણ લઇએ. સરકારી અધિકારી, પરંતુ નખ-શિખ પ્રામાણિક એટલે પરિવારને વધુ પડતી સુખસુવિધા ન આપી શકે. એમના મોટા દીકરાને પેમેન્ટ સીટ પર મેડિકલમાં એડમિશન લેવું હતું. ઉચ્ચ અધિકારી હોવા છતાં પૈસા મેનેજ ન કરી શક્યા. હવે આખો પરિવાર અપરાધ-બોધ ફીલ કરાવે છે કે એવી ઓનેસ્ટીનો શું મતલબ કે બાળકનું સપનું પૂરું ન કરી શકે? શું સૌજન્યએ ગીલ્ટ ફીલ કરવું જોઇએ? મેડિકલમાં એડમિશન લેવું હતું તો દીકરાએ મહેનત કરવી જોઇતી હતી. એના માટે પિતાની પ્રામાણિકતાને કઠેડામાં ઊભી કરી શકાય ખરી? આ તો માત્ર 2 ઘટનાઓ છે, પરંતુ જીવનમાં નાની-નાની બાબતે આપણને અપરાધ ભાવના પિંજરમાં ઊભા રાખનારા લોકોની કમી નથી.
જેમ કે, પરફેક્ટ પેરેન્ટિંગ. આ એક કલ્પના છે. કોઇ પણ મા-બાપ પરફેક્ટ નથી હોતાં. એનાથી ભૂલો થઇ શકે, કોઇનો ગુસ્સો બાળક પર ઊતરી શકે કે બાળક માટે લીધેલો નિર્ણય ખોટો સાબિત થઇ શકે. કોઇ પણ પેરેન્ટ્સ બાળકના દુશ્મન નથી હોતાં. સારા ભાવથી અને પૂરા પ્રયત્નોથી લેવાયેલા નિર્ણયો પણ બિનઉપયોગી-નિરર્થક સાબિત થઇ શકે. જિંદગીમાં પ્રયત્નો જ આપણા હાથમાં હોય છે. બાકી અનિશ્ચિતતા અને સફળતા-નિષ્ફળતા એ જીવનનો નિયમ છે, એટલે પરફેક્ટ ન હોવાના ગીલ્ટને જીવનની અને માણસની મર્યાદાને સમજીને અવોઇડ કરો.
કેટલીક સ્થિતિ લાઇફમાં એવી હોય છે કે જેમાં આપણા પ્રયત્નો વધારે સારાં પરિણામો લાવી શકે, પરંતુ એ પ્રયત્નો આપણી જવાબદારી નથી હોતી. અગર મેં આમ કર્યું હોત તો કેટલું સારું હતું! એવા અફસોસ આખી જિંદગીની પીડા અનેક લોકો બનાવી લે છે. જેમ કે, તમારા કોઇ સગાએ મુશ્કેલીના સમયમાં આર્થિક મદદ માંગી. એ સમયે તમને પણ પૈસાની જરૂર હતી. એટલે તમે એમને સહાય ન કરો અને પેલા સગાની મુશ્કેલી ઓર વધી. એ જોઇને તમે આખી જિંદગી એવું ન વિચારી શકો કે મારે કારણે આવું થયું. આ બોજ લઇને ચાલવાની જરૂર નથી, કારણ કે તમે એ વ્યક્તિનું કશું બગાડ્યું નથી.
પતિ-પત્નીના સંબંધની વાત કરીએ તો હક અને તક બંને બાબતમાં આપણે ત્યાં સમાનતા નથી. આજે સ્ત્રીઓ બંને મોરચા સંભાળે છે. એટલે પતિને તમે તો માત્ર કમાવ છો, બીજી હેલ્પ ક્યાં કરો છો? એવું કહીને ગીલ્ટ ફીલ કરાવે છે. આ ગીલ્ટ 50 ટકા સાચી અને 50 ટકા ખોટી હોય છે. અગર તમે જેન્યુઇન કારણસર હેલ્પ નથી કરી શકતા તો ગીલ્ટ ટ્રેપમાં ફસાવાને બદલે સપોર્ટ સિસ્ટમ ઊભી કરો અને તમારા સામાજિક-આર્થિક અને માનસિક મહત્ત્વને ઉજાગર કરો. ઘણી વખત પતિ-પત્નીમાંથી કોઇ એક કામ ભૂલી જાય એટલે બીજી વ્યક્તિ તરત સંભળાવશે કે રહેવા દો, તારાથી કંઇ નહીં થાય હું મારી રીતે કરી લઇશ અને તમે ખુદને નાકામ ફીલ કરો છો, પણ એક વાત હંમેશાં યાદ રાખો કે દરેક વ્યક્તિની ક્ષમતા એકસરખી હોતી નથી. ભાગદોડમાં કોઇ વાત ભૂલી જવી એ સહજ ઘટના છે અને ક્યારેક અમુક કામ ન કરવાની ઇચ્છા કે અણગમો પણ સ્વાભાવિક છે. સોરી કહીને વાત પતાવો અને બીજી વાર સજાગ બનો. મહિના સુધી અરે! હું આટલું ન કરી શક્યો એવો ભાર માનસિક બીમારીને નિમંત્રણ આપે છે.
સામાન્ય સંબંધોમાં એક વ્યક્તિ બીજા માટે કશુંક કરે અને સમય આવ્યે બીજી વ્યક્તિ એના માટે કશું ન કરો તો પહેલી વ્યક્તિ પોતાનાં અહેસાન ગણાવી ગીલ્ટ ટ્રેપમાં ફસાવશે. આવા લોકોને સ્પષ્ટ કહી દો કે આ વખતે મારી સ્થિતિ નથી, પણ સમય આવ્યે તમારું અહેસાન ચૂકવી દઇશ. કોઇનું અહેસાન ચૂકવવા માટે સજાગતા રાખો, પરંતુ ખુદને નિઃસહાય ન સમજો, કારણ કે સમયનું ચક્ર ફરતું જ હોય છે. વારા પછી વારો મારો પછી તારો એ જીવનનો નિયમ છે.
ગીલ્ટ ફીલ કરતાં પહેલાં
જાતને સવાલ પૂછો કે તમે ખરેખર કંઇ ખરાબ કર્યું છે? કર્યું છે તો એને સુધારો. નહીંતર બીજાની વાતમાં આવીને ખુદને બ્લેમ ન કરો.
શું સામી વ્યક્તિનાં સુખ-દુઃખ માટે તમે જવાબદાર છો? સામાન્યત: સુખ-દુઃખ વ્યક્તિની પોતાની જવાબદારી છે. અમુક આર્થિક સામાજિક બાબતોને બાદ કરતાં પરિવારની દરેક વ્યક્તિની ખુશીની જવાબદારી તમારી નથી. તમે બીજા માટે દયાળુ બની શકો, પરંતુ એમની દરેક ઇચ્છા પૂરી કરવા તમે બંધાયેલા નથી.
જ્યારે કોઇ વ્યક્તિ ગીલ્ટ ફીલ કરાવે ત્યારે શાંતિથી સફાઇ આપો. દાખલા તરીકે પત્ની કહે કે મેં આખો દિવસ મહેનત કરીને રસોઇ બનાવી અને તમે બહાર જમવા જાઓ છો. તો પ્રેમથી કહો કે તારી મહેનતની હું કદર કરું છું, પરંતુ મારો મિત્ર બહારથી આવ્યો છે એટલે મારે જવું જ પડશે.
સામી વ્યક્તિ જ્યારે ઇમોશનલી બર્ડન નાખીને વ્યથિત કરે ત્યારે પ્રેમથી કહો કે, `મને ખબર છે કે તમે મારાથી નારાજ છો, પરંતુ તમે જે વિચારો છો એ રીતે હું નહીં વર્તી શકું. મારી પોતાની મર્યાદા છે. તમારી ભાવનાઓ અંગે સ્પષ્ટ હશો તો ગીલ્ટના બોજથી વ્યથિત નહીં થવું પડે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો