હાર્વર્ડ યુનિર્વિસટીના દીક્ષાંત સમારંભમાં હેરી પોટરનાં લેખિકા જે. કે. રોલિંગે એક વખત કમેન્સમેન્ટ પ્રવચન આપ્યું હતું. લેક્ચરમાં બે મુખ્ય મુદ્દા હતા. એક, જીવનમાં નિષ્ફળતાનું મહત્ત્વ અને બે, ભણીને વાસ્તવિકતાની દુનિયામાં પ્રવેશ્યા પછી કલ્પનાનું, સપનાં જોવાનું મહત્ત્વ.

મહિના-બે મહિનામાં ગુજરાત અને આખા દેશમાં લાખો યુવાનો હાથમાં ડિગ્રી લઈને કમાવાનું શરૂ કરશે. સૌના મગજમાં એક જ ધૂન હોવાની. જીવનમાં સફળ થવું છે. સફળતા જેટલું જ મહત્ત્વ નિષ્ફળતાનું પણ છે એ વાત એમને કોઈએ શિખવાડી નથી. સફળતા તમને આત્મવિશ્વાસ આપે છે. નિષ્ફળતા તમને તમારી હેસિયત બતાવી આપે છે. તમારે હજુ તમારી જાતને કેટલી ધારદાર બનાવવાની છે એનું માપ નિષ્ફળતા નક્કી કરી આપે છે. નિષ્ફળતા તમારા ફોકસને વધારે શાર્પ બનાવી આપે છે. નિષ્ફળતાના આ ગુણ આપણને કોઈએ શીખવાડ્યા નથી, એટલે એ સમયે આપણે થાકી-હારીને બેસી પડીએ છીએ, જાતને કોસતા રહીએ છીએ.

 હકીકતની દુનિયામાં રિયાલિટીનો સામનો કરતાં રહીને પણ સપનાં જોવાનું છોડાય નહીં. સપનાં છે તો ભવિષ્ય છે. સપનાં છે તો પ્રગતિ છે. સપનાં છે તો અશક્યને શક્ય બનાવવાની મજા છે.

 `ઝેર તો પીધાં છે જાણી જાણી'ના સર્જક મનુભાઈ પંચોળી `દર્શક'ને એક વખત પૂછવામાં આવ્યું હતું, `તમે કોલેજમાં ન ગયા એનો ક્યારેય અફસોસ થાય છે? કે એમ.એ. સુધી ભણ્યા હોત કે વ્યવસ્થિત ભણવા મળ્યું હોત તો ઠીક થાત એમ લાગે છે?'

 દર્શકનો જવાબ વિચારવા જેવો હતો. `એવું મને નથી લાગતું. થતું હોય તો એવું થાય છે કે ન ભણ્યો તે સારું થયું. નહીં તો મારી આટલી બધી પ્રગતિ ન થઈ હોત. હું ચીલાચાલુ બની ગયો હોત. મારી મૌલિકતાનો નાશ થઈ ગયો હોત અને હું લોકો સાથે હળીભળી ન શક્યો હોત. આપણી વિદ્યા એ આપણું કેદખાનું બની ગયું છે. એની બહાર નીકળીને બહારની દુનિયા સાથે, સામાન્ય લોકો સાથે, આપણે વિદ્યાવાન લોકો હળતામળતા જ નથી કે કોઈ બિચારાને હળવામળવાની ઇચ્છા થાય તો તે માટેની જે આવડત જોઈએ તે તેનામાં હોતી નથી. એટલે હું ચીલાચાલુ શિક્ષણમાં ન ભણ્યો એને હું મારું સદ્ભાગ્ય ગણું છું.'

 વ્યક્તિની શૈક્ષણિક સફળતાને એના જીવનની સફળતા સાથે લેવાદેવા હોય જ એ જરૂરી નથી. સમાજમાં તમે એવા કેટલાય પીએચ.ડી.ની ડિગ્રીવાળાઓ જોયા હશે, જેમની પાસે બીજાં ક્ષેત્રોનું તો શું પોતાના સંશોધન ક્ષેત્રનું પણ પર્યાપ્ત જ્ઞાન ન હોય.

 એક વાત કબૂલ કરવી જોઈએ કે શિક્ષણ બધા માટે નિરુપયોગી નથી. સારી ડિગ્રી લઈને સારી રીતે જિંદગીમાં ગોઠવાઈ જતા લોકોની સંખ્યા લાખોમાં છે. બીજી વાત કબૂલ કરવી જોઈએ કે શિક્ષણ બધા માટે ઉપયોગી નથી. ડિગ્રી ન હોવા છતાં જીવનમાં સફળ થયેલા લાખો લોકો તમને જોવા મળશે અને અહીં માત્ર `દર્શક' ધીરુભાઈ અંબાણી, બિલ ગેટ્સ કે સ્ટીવ જોબ્સની જ વાત નથી. ઓછા જાણીતા કે અજાણ્યા પણ સફળ એવા લાખો લોકો છે જેમની પાસે ડિગ્રી નથી. આ બે વાત કબૂલ કર્યા પછી જ કહી શકીએ કે શિક્ષણ નકામું જ છે એવું નથી, શિક્ષણ કામનું જ છે એવું પણ નથી. ઘણો મોટો આધાર શિક્ષણ લેનાર

(કે ન લેનાર) વ્યક્તિ પર છે અને બીજો આધાર એ વ્યક્તિ કેવું શિક્ષણ લે છે તેના પર કે (જો શિક્ષણ ન લીધું હોય તો) શિક્ષણની અવેજીમાં કરેલી પ્રવૃત્તિઓ પર છે.

 પાયાનો સવાલ હવે ઊઠે છે. નક્કી કેવી રીતે કરવું કે કોણે શિક્ષણ લેવું અને કોણે ન લેવું. લેવું તો કયા પ્રકારનું લેવું અને ન લેવું તો એની અવેજીમાં કઈ પ્રવૃત્તિ કરવી.

 પોતાના ભાવિ માટે વ્યક્તિએ પોતે જ જવાબદારી સ્વીકારવાની હોય. એ માટે મા-બાપ, શિક્ષણ સંસ્થા કે સમાજ પર દોષ ઢોળવાનો ન હોય. જવાબદારી સ્વીકારતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે માણસની માનસિક સ્વતંત્રતાને એની આર્થિક સ્વતંત્રતા સાથે સીધો સંબંધ છે. શિક્ષણ હોય કે ન હોય, વ્યક્તિએ પોતે પોતાનું અને જો કુટુંબની જવાબદારી હોય તો કુટુંબનું, ગુજરાન ચાલે એટલું કમાયા વગર છૂટકો નથી. ભૂખે મરીશ પણ ઘાસ નહીં ખાઉં એવી શેરદિલ ખુદ્દારીનું પરિણામ ક્યારેક એવી લાચારીમાં આવતું હોય છે કે ભૂખના માર્યા ઘાસ ખાવાની પણ તૈયારી હોય ત્યારે તમને સૂકા ઘાસનું તણખલુંય ન મળે. આવી પરવશતા ભોગવીને કોઈ માણસ માનસિક સ્વાતંત્ર્ય મેળવી શકે નહીં. આર્થિક રીતે પરાવલંબી હોય એવી વ્યક્તિએ ડગલે ને પગલે પોતાના માનસિક સ્વાતંત્ર્યનો એક-એક ટુકડો જતો કરવો પડે છે.

 શિક્ષણ જો આર્થિક સ્વાતંત્ર્યની ગેરંટી આપતું હોય તો લઈ લેવું, જેથી કમ સે કમ જિંદગીનો એક મહત્ત્વનો પ્રશ્ન જિંદગીના બાકીના સંઘર્ષમાંથી બાકાત થઈ જાય. એવું શિક્ષણ તમને સારા માનવ બનાવવાની ખાતરી ન આપે તો પણ લઈ લેવું જોઈએ, કારણ કે જો આ શિક્ષણમાં આર્થિક સ્વાતંત્ર્ય આપવાની તાકાત હશે તો એ સ્વતંત્રતાનો ઉપયોગ તમે તમારી જાતને વધુ સારા માણસ બનાવવામાં કરી શકશો.

 પણ વધુ સારા માણસ બનવાની જીદમાં શિક્ષણ જ ન લીધું કે પછી પૂરતું આર્થિક વળતર મળે એવું શિક્ષણ ન લીધું તો શક્ય છે કે બાકીની આખી જિંદગી મોહતાજી ભોગવવી પડે. આ આખીય પરિસ્થિતિ કંઈક આના જેવી છે. ગામમાં પિતા અંતિમ શ્વાસ લઈ રહ્યા છે એવો સંદેશો મળે ત્યારે પુત્રની ફરજ જે પહેલી ટ્રેન મળી તેમાં બેસીને ગામભેગા થઈ જવાની છે. તે વખતે ઇન્ડિયન રેલવેની બિનકાર્યક્ષમતા, રેલવેનો ભ્રષ્ટાચાર કે રેલવેની જરીપુરાણી ટેક્નોલોજી વિશે ચર્ચા ક્ષેત્રો ભરવાનાં ન હોય.

 પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે ધરખમ ફેરફારો થવા જોઈએ કબૂલ, પણ આ ફેરફારો ન થાય ત્યાં સુધી શું કરવું? આર્થિક સલામતી આપે એવા શિક્ષણની મહત્તા સ્વીકાર્યા પછી, જીવનમાં શિક્ષણ કરતાં વધારે મહત્ત્વનું શું છે તે વિચારવું. પરીક્ષામાં સારા માર્ક્સ આવે એ જરૂરી છે પણ એટલું પૂરતું નથી. માણસ નોકરી લેવા જાય છે કે ધંધો કરવા બેસે છે કે પોતાની પ્રેક્ટિસ શરૂ કરે છે ત્યારે માત્ર એની ડિગ્રી કે એનો અનુભવ નથી જોવાતાં, એનો એટિટ્યૂડ જોવાય છે, બીજાઓ માટેનો એનો અભિગમ જોવાય છે, જિંદગીને જોવાની એની દૃષ્ટિ કેવી છે એની પરખ થાય છે.

 આવો એટિટ્યૂડ, આવો અભિગમ, આવી દૃષ્ટિ કેવી રીતે મળે? આનો જવાબ કદાચ જે. કૃષ્ણમૂર્તિ પાસે છે. એ કહે છે, `જીવનની કળા શીખવા ફુરસદનો સમય જોઈએ.' ફુરસદ શબ્દનો બહુ દુરુપયોગ થયો છે. આજીવિકા મેળવવા માટે જે કામ કરવાં પડે તે કામમાં માણસ રોકાયેલો ન હોય તે એનો ફુરસદનો સમય ગણાય એવું આપણે માનીએ છીએ.

ફુરસદનો અર્થ આજીવિકા મેળવવાના ભારમાંથી અભાવ એવો નથી થતો. ફુરસદનો અર્થ મન કશીય વસ્તુમાં રોકાયેલું ન હોય એવી અવસ્થા. આજીવિકા મેળવવામાં આપણે એટલા બધા રોકાયેલા રહીએ છીએ કે વિચારનું તંત્ર આપણો બધો સમય લઈ જાય છે, જેને કારણે દિવસના અંતે એટલા બધા થાકી જઈએ છીએ કે ઉત્તેજનોની જરૂર પડે છે. ધાર્મિક પ્રવૃત્તિથી અથવા આનંદપ્રમોદ વડે આપણે થાક ઉતારીએ છીએ. ફુરસદ એટલે આજીવિકા મેળવવાના સમય પછી ક્યાંય રોકાયેલું ન હોય એવું મનનું મોકળું મેદાન.

 મનના આવા મોકળા મેદાનમાં પ્રગટતા વિચારો તમને તમારો એટિટ્યૂડ, તમારો અભિગમ, તમારી દૃષ્ટિ બદલવામાં કામ લાગશે. આજીવિકા મેળવવા માટે થતી પ્રવૃત્તિને વૈતરું નહીં ગણીએ તો જ મનને આવું મોકળું મેદાન મળે, તો જ મન યાંત્રિકતાથી મુક્ત બને, તો જ આજીવિકા મેળવવી ત્રાસરૂપ નહીં બને, જીવન વેઠ નહીં બને.

 શિક્ષણની ચર્ચામાં ઇન્ટેલિજન્સ કે બુદ્ધિ શબ્દનો ઉપયોગ વારંવાર થતો હોય છે. વિદ્યાર્થીના આઈ. ક્યૂ. અથવા ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ કે બુદ્વિઆંકની વાત થતી હોય છે. જીવનમાં આઈ. ક્યૂ. કરતાં વધુ મહત્ત્વ ઈ. ક્યૂ.નું છે. ઇમોશનલ ક્વોશન્ટ ટર્મ બહુ જૂની નથી, થોડા દાયકા પહેલાં જ ચલણમાં આવી. ઈ. ક્યૂ.ની મારી સીધીસાદી વ્યાખ્યા કહું તો કોની સાથે, ક્યારે, કેવી રીતે વર્તવું અને કોની સાથે ક્યારે, કેવી રીતે ન વર્તવું અને આ કન્સેપ્ટ કંઈ નવી નથી. ટર્મ ભલે હમણાં કોઈન થઈ, બાકી માનવસમાજ રચાયો ત્યારથી આ સમજ વિકસતી આવી છે.

 શિક્ષણપ્રથાની સૌથી મોટી ખોડ એ છે કે એણે આઈ. ક્યૂ. સાથે જ નિસબત રાખી, ઈ.ક્યૂ. સાથે નહીં અને એટલે જ તમારી પાસે શિક્ષણ હોય કે ન હોય એનું ઝાઝું મહત્ત્વ નથી. તમારી પાસે બીજી વ્યક્તિને સમજવાની કેટલી સૂઝ છે એના પર તમારી જિંદગીની સફળતાનો આધાર છે.

સાયલન્સ પ્લીઝ

ખરું શિક્ષણ એ છે જે તમને બીજાઓની કોઈ પણ વાત સાંભળવાની ધીરજ રાખતાં શીખવાડે, તમારો પિત્તો ગુમાવ્યા વિના અને તમારો આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો