બીજી વાર જેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા છે એ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશનની બાબતમાં ફક્ત અમેરિકામાં જ નહીં, બલ્કે સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાવી દીધો છે.

19મી ઓક્ટોબર, 2025ના દિવસે લગભગ સિત્તેર લાખ લોકોએ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. એમણે એવા ઉચ્ચારો કર્યા હતા કે `અમને રાજા નથી જોઈતો.' એ લોકોનું એવું કહેવું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની મરજી મુજબ વર્તે છે. એક રાજા જેમ મન ફાવે એમ પ્રજાની ઉપર હકૂમત ચલાવે એમ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા દેશને ચલાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના જે `એચ-1બી' વિઝા છે એ માટે તો ખૂબ જ ઊહાપોહ મચાવ્યો છે. અમેરિકામાં જો ભણેલા-ગણેલા સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરોની જરૂર હોય અને એવા વર્કરો અમેરિકામાં મળતા ન હોય અથવા મળતા હોય પણ જે જગ્યાએ, જે કંપનીમાં એમને કામ કરવાનું હોય ત્યાં તેઓ કામ કરવા ઈચ્છતા ન હોય તો અમેરિકન માલિકો પરદેશી વર્કરો માટે જે ચાર જુદી જુદી `ફેમિલી પ્રેફરન્સ કેટેગરીઓ' છે એની હેઠળ પિટિશન દાખલ કરીને ઈમિગ્રન્ટ વિઝા મેળવી શકે છે.

આ જે ચાર `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી' હેઠળ દર વર્ષે ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે એની સંખ્યા 1,40,000ની છે અને એ વિશ્વના બધા દેશો વચ્ચે એ સરખે ભાગે વહેંચી દેવામાં આવે છે. આથી ભારતના ભાગે આમાંથી ફક્ત સાત ટકા આવે છે. આ `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી' હેઠળ જો અમેરિકન માલિકોને કોઈ પરદેશી સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરોને પોતાને ત્યાં કામ કરાવવું હોય તો એમણે પિટિશન દાખલ કરવી પડે છે અને એ પ્રોસેસ થઈને એપ્રૂવ છ-બાર મહિનામાં થઈ જાય, પણ ત્યારબાદ કોટાનાં બંધનોના કારણે એ પિટિશન કરન્ટ થતાં એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મળતાં વર્ષોની વાટ જોવી પડે છે.

હવે અમેરિકન માલિકોને તો તાત્કાલિક પોતાને ત્યાં કામ કરવા માટે સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરોની જરૂર હોય છે. તેઓ વર્ષો સુધી તે માટે વાટ જોઈ ન શકે. જો એવું કરે તો એમનો કામધંધો બંધ થઈ જાય. આનો નિવેડો અમેરિકાની સરકારે `એચ-1બી' વિઝા ઘડીને કર્યો.

`એચ-1બી' વિઝા નોન ઈમિગ્રન્ટ ક્ષેણીના છે અને એ ગ્રેજ્યુએટોને અથવા તો ગ્રેજ્યુએટ બનતા જેટલો સમય લાગે એનાથી ત્રણ ગણો સમય પ્રેક્ટિકલ એક્સપિરિઅન્સ હોય એવા પરદેશીઓ માટે છે. અમેરિકન માલિકોએ લેબર ડિપાર્ટમેન્ટમાં ફક્ત જાણ કરવાની કે અમને આવી આવી વ્યક્તિ જોઈએ છે જે અમેરિકામાં ઉપલબ્ધ નથી. આથી અમે આવી વ્યક્તિને પરદેશથી બોલાવી છીએ. અમે એમને અમેરિકામાં જે પગારનું ધોરણ છે એ જ પગાર આપશું. બધા ફાયદાઓ પણ એકસરખા જ આપશું. અમારે ત્યાં જે વર્કરો કામ કરે છે એમને નોકરીમાંથી કાઢીને એ લોકોને અમારે ત્યાં નોકરીમાં નહીં રાખીએ.

શરૂઆતમાં આ `એચ-1બી' વિઝાની ખાસ માંગ નહોતી, પણ વર્ષ 2000માં કમ્પ્યૂટરનો હાઉ ઊભો થયો અને અમેરિકાની કંપનીઓને કમ્પ્યૂટરના જાણકાર પ્રોફેશનલોની જરૂરિયાત ઊભી થઈ. આથી એમણે નજર દોડાવી એવા દેશો પ્રત્યે જ્યાં કમ્પ્યૂટરના જાણકાર સ્પેશિયાલિટી ઓક્યુપેશનો વર્કરો અવેલેબલ હોય અને એવો આગળ પડતો મુખ્ય દેશ ભારત છે. આથી અમેરિકન માલિકોએ ભારતીયો માટે `એચ-1બી' વિઝાની પિટિશનો દાખલ કરીને એમને પોતાને ત્યાં કામ કરવા આમંત્રવા માંડ્યા. શરૂઆતમાં `એચ-1બી' વિઝાના વાર્ષિક કોટા 60,000ના હતા, એ વધાર્યા અને છેવટે 65,000 ઉપર અટક્યા. ત્યારબાદ વધુ જરૂર જણાતાં બીજા 20,000 એવા પરદેશીઓ જેમણે અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના વિષયમાં અભ્યાસ કર્યો હોય, માસ્ટર્સની ડિગ્રી મેળવી હોય એમના માટે ખાસ રાખવામાં આવ્યા. આમ, એક વર્ષમાં 85,000 પરદેશીઓ અમેરિકામાં `એચ-1બી' વિઝા ઉપર કામ કરવા જવા લાગ્યા.

`એચ-1બી' વિઝા ઉપર પરદેશીઓ કુલ છ વર્ષ કામ કરી શકે છે. શરૂઆતમાં એમને ત્રણ વર્ષના વિઝા આપવામાં આવે છે. જરૂર જણાતાં ફરીથી અરજી કરતાં એમનો સમય બીજા ત્રણ વર્ષ લંબાવી આપવામાં આવે છે. `એચ-1બી' વિઝાધારકોની સાથે સાથે એમની પત્ની અને 21 વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને પણ ડિપેન્ડન્ડ

`એચ-4' વિઝા આપવામાં આવે છે. જે `એચ-1બી' વિઝાધારકો માટે એમની કંપનીઓએ `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી' હેઠળ ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરી હોય અને એપ્રૂવ થયું હોય પણ એની હેઠળ વિઝા મેળવવા માટે વાટ જોવાની રહેતી હોય, તો એવા `એચ-1બી' વિઝાધારકોની પત્ની યા 21 વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનો જેઓ અમેરિકામાં `એચ-4' વિઝા ઉપર હોય એમને અમેરિકાની સરકારે કામ કરવાની છૂટ આપી.

આ `એચ-1બી' વિઝાધારકોની અમેરિકામાં એટલી બધી માંગ છે કે 85,000 વાર્ષિક વિઝા માટે ચાર-પાંચ લાખ અરજીઓ થાય છે. એટલે પહેલો તે વહેલો એવું કરવામાં આવતું હતું, પણ પછી `વિઝા લોટરી' કાઢી અને લોટરીમાં જે લોકો નસીબવંતા નીવડે એમને `એચ-1બી' વિઝા આપવા માંડ્યા.