વિમાન સાથે પક્ષી અથડાય કે રનવે પર દોડતું હોય ત્યારે પ્રાણી અથડાય એવી ઘટના નવી નવાઈની નથી હોતી. ખુદ કૅપ્ટન ચેસ્લી સૉલનબર્ગરની કારકિર્દીમાં અગાઉ ત્રણ-ચાર વાર પક્ષીઓ એમના વિમાન સાથે અથડાયાં હતાં.

પણ એમાંના એકેય કિસ્સામાં પ્લેન પર નાનો સરખો ગોબો પણ નહોતો પડ્યો. ઍરસેફ્ટીના નિયમ મુજબ પક્ષી કે જમીન પર પ્રાણી અથડાય તો પાઈલટે મેઈન્ટેનન્સ લૉગબુકમાં એની નોંધ કરવાની હોય અને વિમાન પર ક્યાંય જરા સરખો ગોબો નથી લાગ્યો તેની ખાતરી કરાવી લેવાની હોય.

આત્મકથામાં ચેસ્લી સૉલનબર્ગરે ઈન્ટરેસ્ટિંગ આંકડાઓ આપ્યા છે. અમેરિકન ગવર્નમેન્ટના ફેડરલ એવિયેશન ઍડમિનિસ્ટ્રેશન (એફ.એ.એ.) વિભાગે 1990થી 2009ના બે દાયકા દરમ્યાન 82,000 કિસ્સાઓ નોંધ્યા છે, જેમાં પક્ષી કે પછી હરણ (કે મગર) વિમાન સાથે અથડાયાં હોય. ગીધ જેવાં મોટાં પક્ષીઓ પણ અથડાય. રિસર્ચર્સ કહે છે કે પાઈલટોની બેદરકારીને કારણે દર દસે માત્ર બે જ કિસ્સાઓ નોંધાતા હોય છે. એંશી ટકા કિસ્સાઓ વણનોંધ્યા જ રહેતા હોય છે. અભ્યાસનું તારણ એવું છે કે 4 ટકા કિસ્સાઓમાં પ્લેન ડૅમેજ થતું હોય છે. આ વીસ વર્ષના ગાળામાં આ કારણોસર 185 વિમાન નષ્ટ પામ્યાં અને કુલ 182 લોકોનાં મૃત્યુ થયાં.

ફ્લાઈટ ફિફ્ટીન ફોરનાઈન માંડ 2,900 ફૂટની ઊંચાઈએ હતું અને પંખીઓનું ધાડું અથડાયું ત્યારે કૅપ્ટન સલીને આમાંની કોઈ આંકડાબાજી યાદ નહોતી આવી, પણ આ વખતે પંખીઓ જે રીતે અથડાયાં હતાં તેને કારણે કટોકટીની પરિસ્થિતિ પેદા થવાની એવું એમને લાગ્યું હતું. હિમવર્ષામાં મોટા મોટા કરા પડતા હોય એ રીતે કે પથ્થરનો વરસાદ થતો હોય એમ આ પંખીઓ કૉકપીટના વિન્ડશિલ્ડના નીચેના હિસ્સામાં, વિમાનના નોઝ પર, પાંખો પર અને એન્જિનો સાથે અથડાતાં હોય એવો અવાજ અને એવી ધ્રુજારી કૅપ્ટન સલીએ અનુભવ્યાં. એન્જિનનાં પાંખિયાં તૂટીને છૂટાં પડી રહ્યાં હતાં અને કંઈક વિચિત્ર અવાજો નીકળતા હતા. એન્જિનમાં બળીને ભડથું થઈ ગયેલાં પંખીઓવાળી હવાએ કૉકપીટમાં ઘૂસીને દુર્ગંધ ફેલાવવાનું શરૂ કર્યું અને કૅપ્ટન સલીની ક્ષણભરમાં છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત થઈ ગઈ. કંઈક અમંગળ બનવાનું છે.

થોડી જ સેકન્ડમાં કૅપ્ટન અને કો-પાઈલટે અનુભવ્યું કે બેઉના કંટ્રોલ કામ કરતા બંધ થઈ ગયા છે. કૅપ્ટન સલીએ અગાઉ આવું ક્યારેય નહોતું અનુભવ્યું. એમના માટે આ અનુભવ એકદમ ચોંકાવનારો હતો, જબરજસ્ત શૉકિંગ હતો. એન્જિનોનો નૉર્મલ અવાજ સદંતર શાંત થઈ ગયો. મોતની ખામોશી સંભળાઈ રહી હતી. એન્જિનોમાંથી જે કંઈ અવાજ સંભળાતો હતો તે સાઈકલનાં પૈડાંના સળિયા તૂટી જાય ને જેવો ખખડાટ-કિચૂડાટ સંભળાય એવો હતો. 40,000 પાઉન્ડના ધક્કાથી દોઢ લાખ પાઉન્ડ વજનના વિમાનને તમે હવામાં ઊંચે ને ઊંચે લઈ જવા માગતા હો ને સડનલી તમે એ 40,000 પાઉન્ડના ધક્કાની શક્તિ ગુમાવી દો ત્યારે જેવો ધ્રાસકો પડે એવી જ લાગણી કૅપ્ટન સલીના હૃદયમાં હતી. વિમાનની ગતિ અચાનક ઘટવા માંડી હતી. બેમાંથી એક જ એન્જિન બંધ પડ્યું હોત તો વિમાને એક તરફ ઘસડાઈને પણ ઊડવાનું ચાલુ રાખ્યું હોત, પણ એવું નહોતું થતું. આનો મતલબ એ કે બેઉ એન્જિન બંધ પડી ગયાં છે અને હવે મસમોટી ક્રાઈસિસ સર્જાવાની છે. એક એન્જિન ચાલુ હોત તો પણ કૅપ્ટન સલી વિમાનને કંટ્રોલ કરી શક્યા હોત અને એમણે પ્રોસિજર મુજબ એનું લેન્ડિંગ કર્યું હોત, પણ અહીં પરિસ્થિતિ ભયજનક કરતાં પણ વધારે ગંભીર હતી. એક એન્જિન ચાલુ હોત તો કૅપ્ટને ઈમરજન્સી ડિક્લેર કરીને કંટ્રોલ ટાવરને પરિસ્થિતિની જાણ કરી હોત અને ટાવરે તાબડતોબ નજીકના ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની પરવાનગી આપી હોત. આ તરફ કૅપ્ટને ફ્લાઈટ અટેન્ડન્ટ્સ અને પેસેન્જરોને ઈમરજન્સી લેન્ડિંગ માટે તૈયાર રહેવાની સૂચના આપી દીધી હોત અને વિમાનને સહીસલામત નેવાર્ક ઍરપોર્ટ પર ઉતાર્યું હોત.

કૅપ્ટન સલીએ બેઉ તો શું એક એન્જિન પણ ખોટકાયું હોય એવી પરિસ્થિતિ પોતાની કારકિર્દીમાં જોઈ નહોતી, કારણ કે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે વિમાનનાં એન્જિનો પર તમે પૂરેપૂરો ભરોસો મૂકી શકો.

બર્ડ-હિટની 8 જ સેકન્ડમાં કૅપ્ટન સલી પામી ગયા કે જીવનમરણનો ખેલ શરૂ થઈ ગયો છે અને હવે વિમાનનો કંટ્રોલ એમણે એકલાએ જ લઈ લેવાનો છે, જેથી કો-પાઈલટ ફર્સ્ટ ઑફિસર જેફ ઈમરજન્સી ચેકલિસ્ટ પર ધ્યાન આપી શકે. કૅપ્ટન સલીએ બપોરે ત્રણ વાગ્યાને 27 મિનિટ પર 23 પોઈન્ટ 2 સેકન્ડ હતી ત્યારે કહ્યું:

`માય ઍરક્રાફ્ટ.'

`યૉર ઍરક્રાફ્ટ' કો-પાઈલટે જવાબ આપ્યો.

કૉકપીટ વોઈસ રેકોર્ડરમાં આ બધી વાતચીત રેકર્ડ થતી હતી. ઉપરના શબ્દોની આપ-લે અનિવાર્ય હતી, જેથી કૉકપીટમાં બેઠેલી બંને વ્યક્તિઓ સ્પષ્ટ થઈ જાય કે હવે કંટ્રોલ કોના હાથમાં છે.

નૉર્મલ ઈમરજન્સી હોય એટલે કે એક એન્જિન બંધ પડી ગયું હોય ત્યારે પાઈલટ્સ પાસે હવે શું કરવું છે તે વિચારવાનો સમય હોય. ચેકલિસ્ટ તપાસી જવા જેટલો વખત હોય એવા કિસ્સામાં સામાન્ય રીતે ફર્સ્ટ ઑફિસરને વિમાનનું સુકાન સોંપીને કૅપ્ટન થોડીક પળો માટે એ જવાબદારીમાંથી અળગો થઈ જાય જેથી પરિસ્થિતિનો ક્યાસ કાઢી શકે, હવે શું કરવું છે તેની સ્ટ્રેટેજી ગોઠવી શકે અને નિર્ણયો લઈને સૂચના

આપી શકે.

પણ અહીં શરૂઆતની જ સેકન્ડ્સમાં કેપ્ટન સલી પામી ગયા કે એમણે ટેક્સ્ટબુક પ્રમાણે નથી ચાલવાનું, કારણ કે સમજી વિચારીને નિર્ણયો કરવા જેટલી મિનિટો એમની પાસે નથી. પોતે જ ઝડપથી નિર્ણય લઈને એનો અમલ કરવો પડશે એટલે એમણે કંટ્રોલ પોતાની પાસે લઈ લીધા. બીજું, ફર્સ્ટ ઑફિસર જેફને ઍરબસનું એ-થ્રીટુઝીરો ઍરક્રાફ્ટ ઉડાવવાનો અનુભવ કૅપ્ટન સલીની સરખામણીએ ઘણો ઓછો હતો. પ્લસ, હવે ક્યાં જવાનું છે તે નક્કી કરવા માટેનાં જમીન પર દેખાતાં લૅન્ડમાર્ક્સ બધાં કૅપ્ટન સલીની સાઈડ હતાં. કૅપ્ટન સલી કૉકપીટમાં ડાબી સીટ પર હતા. કો-પાઈલટ જમણી સીટ પર. બીજું, કૅપ્ટન સલીને ખબર હતી કે જેફ હજુ નવો નવો એ-થ્રીટુઝીરો ચલાવતો થયો છે એટલે આ વિમાનની ઈમરજન્સી પ્રોસિજર્સ એના દિમાગમાં તાજી હોવાની અને ક્યુઆરએચના નામે ઓળખાતી કિ્વક રેફરન્સ હૅન્ડબુકમાં આપેલાં દોઢસો ચેકલિસ્ટ્સમાંથી જે શોધવાનું છે એ માટે જેફ રાઈટ પર્સન છે.

કૅપ્ટન સલીએ જેવા કંટ્રોલ પોતાના હાથમાં લીધા કે તરત જ એમના દિમાગમાં બે વિચારો તીરની જેમ આવ્યા: `ના, આવું બને એ શક્ય જ નથી' અને `આવું મારી સાથે તો બને જ કેવી રીતે.'

કૅપ્ટને પ્રયત્નપૂર્વક આ બેઉ મનહૂસ વિચારો તરત જ દિમાગમાંથી હટાવી દીધા. પરિસ્થિતિ જે રીતે સર્જાઈ હતી તે જોતાં એમને ખબર હતી કે નિર્ણય લેવા માટે એમની પાસે ગણતરીની સેકન્ડ છે અને એ નિર્ણયનો અમલ કરવા માટે ગણતરીની જ મિનિટો છે. કૅપ્ટને અનુભવ્યું કે એમના શરીરમાં ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે. આડ્રેનલિનનો સ્રાવ જોશભેર થઈ રહ્યો છે અને બ્લડપ્રેશર અને પલ્સ - બેઉ શૂટઅપ થઈ રહ્યા છે, પણ અનુભવી કૅપ્ટનને ખબર હતી કે અત્યારે શરીર કહે તે પ્રમાણે કરવાનું નથી. શરીરને શરણે જવાને બદલે એની તદ્દન અવગણના કરીને જે કામ કરવાનું નક્કી થશે તેના પર જ સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

કૅપ્ટને જોયું કે જેફ પણ સ્વસ્થતાપૂર્વક એને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવી રહ્યો હતો. પાછળથી જેફે કૅપ્ટન સલીને કહ્યું હતું કે, `તે વખતે મારું દિમાગ જાણે સૂજી ગયું હોય એ રીતે હું એકદમ સુન્ન થઈ ગયો હતો. સખત ઠંડીમાં દિમાગ કેવી રીતે થીજી જાય, એવું જ કંઈક લાગતું હતું.'

પણ સારી વાત એ હતી કે કટોકટીની એ ક્ષણો દરમ્યાન બેમાંથી એક જણે `મને આવું લાગે છે, તમને કેવું લાગે છે; એવી લાગણીઓની આપ-લે કરવામાં કે પછી એકબીજાને સધિયારો આપવામાં એક પણ સેકન્ડ બગાડી નહોતી.

કૅપ્ટન સલીએ જિંદગીમાં એક વાત ગાંઠે બાંધી રાખેલી. એસ્ટ્રોનૉટ જ્હૉન યંગ સ્પેસ મિશન પર જઈ રહ્યો હતો ત્યારે એને પૂછવામાં આવેલું કે આમાં જે જોખમ છે, અકસ્માત થવાની જે શક્યતા છે, તેને લીધે તમે ચિંતિત છો?

જ્હૉન યંગે સરસ જવાબ આપ્યો હતો: `દુનિયાની સૌથી મોટી હાઈડ્રોજન-ઑક્સિજનની ટાંકી પર તમે બેઠેલા હો અને તમને ખબર હોય કે તમારી છેક નીચે પલીતો ચંપાવાનો છે ત્યારે જો તમને જરાય ચિંતા ના થાય તો એનો અર્થ એ કે પરિસ્થિતિની ગંભીરતા તમે સમજતા નથી.'

જ્હૉન યંગની આ વાત કૅપ્ટન સલીએ જીવનમાં બરાબર ઉતારી દીધેલી. એ અને જેફ બંને પરિસ્થિતિની ગંભીરતાને પૂરેપૂરી સમજતા હતા. જો આવનારી દરેક સેકન્ડ દરમ્યાન સર્જાનારી પરિસ્થિતિને ઉકેલતા જઈશું, તો જ આમાંથી પાર ઊતરીશું, કદાચ એની એમને પૂરેપૂરી જાણ હતી. વિમાનનાં એન્જિનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો છતાં પોતાના શરીરમાં અનુભવાતાં તીવ્ર સંવેદનો છતાં અને હાથ પર અમુક જ સેકન્ડનો સમય છે એની પણ જાણ હોવા છતાં, કૅપ્ટન સલીને અંદરથી ખાતરી હતી કે આ સમય પણ જશે.

જેણે જિંદગીનાં બેઉ એન્જિનો ડાઉન થઈ ગયેલાં હોય ત્યારે સહીસલામત ઉતરાણ કરવાનાં ફાંફાં માર્યાં હોય એને જ સમજાશે કે કૅપ્ટન સલીનાં દિલ, દિમાગ અને પેટમાં અત્યારે કેવાં ગૂંચળાં વળી રહ્યાં હશે. બસ, આવતા બુધવારે ફેંસલો.

સાયલન્સ પ્લીઝ!

જિંદગીની સામે લડીને હીરો બનવાનું છે, હથિયાર હેઠાં મૂકી દઈને વિક્ટિમ બનીને સહાનુભૂતિઓ નથી ઉઘરાવવાની.

- નોરા એફ્રોન (અમેરિકન સ્ક્રીનપ્લે રાઈટર, પત્રકાર, નાટ્યલેખક. `વ્હેન હૅરિ મેટ સૅલી' ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લેનો બાફટા એવૉર્ડ મળ્યો હતો. જન્મ: 1941, અવસાન: 2012).