રાત્રિનો સમય હતો, છતાંય લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં દિવસ જેવો ઝગમગાટ હતો. પરિવારના સભ્યોની ભોજન લીધા પછીની ઘરેલુ બેઠક હતી. ખાસ તો મહારાજા સયાજીરાવ યુરોપના પ્રવાસેથી પાછા ફર્યા હતા.
તેમાં પરદેશના પ્રમાણમાં વડોદરા રાજ્યની પ્રગતિ એ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો. ત્યારે મહારાણી ચીમણાબાઇએ સખેદ જણાવ્યું હતું: `આપ ભલે કહો પણ ગામડાંઓમાં સ્ત્રીશિક્ષણનું પ્રમાણ સાવ ઓછું છે, બાળલગ્ન પ્રથા ચાલુ છે, જેના કારણે યુવાન વિધવાઓની સંખ્યા વધી રહી છે.' આવું સાંભળી મહારાજની ડોક ટટ્ટાર થઇ ગઈ હતી અને મહારાણીને વેધક નજરે ત્રોફ્યા હતા. એ સાથે જ મહારાણીએ સુઝાવ વહેતો કરી દીધો હતો: `કન્યાકેળવણી ફરજિયાત કરો, બાળલગ્નો આપોઆપ અટકશે!'
`અમો આપની વાત સાથે સહમત છીએ.' મહારાજાએ જણાવ્યું હતું: `જ્યાં સુધી માતા શિક્ષિત ન થાય ત્યાં સુધી આવનારી પેઢી ક્યારેય પ્રગતિ કરી શકે નહીં.' ઘડીભર ચૂપકીદી છવાઈ ગઈ હતી, પણ મહારાણીએ સમય પારખી ચૂપ રહેવું ઉચિત ન સમજી કહ્યું હતું: `આપણે માત્ર કાગળ પર કાયદો બનાવીશું કે પછી કોઈ ક્રાંતિકારી પગલું ભરીશું.' પછી ઉમેર્યું હતું: `પ્રજા વિરોધ કરશે, પણ પગલાં ભરવાં પડે.'
ઘરેલુ સભામાં પ્રજાકલ્યાણની ચર્ચા સમાપ્ત થયા પછી મહારાજાના મનમાં એ વૃક્ષની જેમ વૃદ્ધિ પામવા લાગી હતી. પછીથી મંત્રીમંડળમાં આ મુસદ્દો વહેતો મૂક્યો હતો. તેમાં વિરોધનો સૂર પેદા થયો હતો. તેમાં કહેવાનું હતું, ધર્મ અને સામાજિક પરંપરામાં રાજસત્તાએ દખલગીરી ન કરવી જોઈએ. મહારાજાએ જણાવ્યું હતું, જે પરંપરા માનવતા માટે હાનિકારક હોય તે તોડવામાં કોઈ ધર્મભંગ થતો ગણાય નહીં. માનવ કલ્યાણ એ જ સૌથી મોટો ધર્મ ગણાય.
મહારાજાનું કહેવું મને કમને પણ ગળે ઊતરી ગયું હતું. સૌએ પોતપોતાના પરિવારમાં પાછું વાળીને જોયું હતું તો કેટલીય પારેવડી જેવી ગભરું કન્યાઓ પરંપરાના પોલાણમાં ગુમ ને ગરક થઇ ગઈ હતી.
મહારાજાએ અંગત સચિવને બોલાવી સૂચના આપી હતી: `બાળલગ્ન પ્રતિબંધક કાયદો ઘડવાની કાર્યવાહી શરૂ કરો. આ કાયદા હેઠળ લગ્ન માટે લઘુતમ વયમર્યાદા નક્કી કરવામાં આવશે. જે લોકો આ કાયદાનો ભંગ કરશે તેને દંડ અને જેલની સજા થશે.' તેમાં આગળ ઉમેર્યું હતું: `કન્યાકેળવણીને પ્રોત્સાહન આપવા માટે નવી કન્યાશાળાઓ ખોલવામાં આવે અને ગરીબ વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ તેમજ મફત પુસ્તકો આપવાની યોજના ઘડવામાં આવે.'
પણ આ ક્રાંતિકારી કાયદાનો અમલ ક્યાંથી કરવો? ત્યારે અમરેલી પ્રાંત ગાયકવાડ સરકારનો એક અગત્યનો હિસ્સો હતો, તેથી અમરેલી પાસેના ઈશ્વરિયા ગામથી સૌ પ્રથમ કન્યાકેળવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પણ રૂઢિચુસ્ત લોકો માનતા હતા, કન્યાઓને ભણાવવાના બદલે પરણાવીને પારકા ઘરે વળાવી દેવાની હોય. પછી કન્યાઓની સંખ્યા શૂન્ય રહી જતાં ફરજિયાત કેળવણીનો કાયદો અમલમાં મૂક્યો હતો. કાયદામાં જોગવાઈ કરવામાં આવી હતી: જે કન્યાને નિયમિત શાળાએ મોકલવામાં આવશે તેને રાજ્ય તરફથી ઇનામ આપવામાં આવશે અને ન મોકલે તેને દંડ ભરવો પડશે.
એકવાર મહારાજા કોઈ શાળાની મુલાકાતે ગયા હતા. ત્યાં શિક્ષકે દબાતા સ્વરે કહ્યું હતું: `સમાજમાં એટલી બધી રૂઢિચુસ્તતા છે કે ન પૂછો વાત.' પછી પેટછૂટી વાત કરી હતી: `દીકરીઓને શાળામાં ન મોકલવા માટે આપણું રાજ્ય છોડી ગયાના બનાવો પણ બન્યા છે.'
મહારાજા શાંત ચિત્તે સંભાળતા રહ્યા હતા. શિક્ષક અટક્યા તો આગળ પૂછ્યું હતું: `બીજું કંઈ કહેવું છે?' તો શિક્ષકે ઉત્સાહમાં આવીને કહી દીધું હતું: `આ અસ્પૃશ્યતા નિવારણ અને અત્યંજ બાળકોના લીધે પણ પ્રશ્નો થાય છે.' મહારાજા ઘડીભર ખિન્ન થઇ વિચારમાં પડી ગયા હતા, પણ પછી પ્રશ્નાર્થભરી નજરે શિક્ષકને ત્રોફ્યા હતા. તો શિક્ષક કહી ઊઠ્યા હતા: `તેના લીધે બીજા વિદ્યાર્થીઓની હાજરીમાં અસર થાય છે.' પછી આગળ કહ્યું હતું: `સમાજના અમુક લોકો તેમનાં બાળકોને શાળાએ મોકલતા ખચકાય છે.'
આ વેળા મહારાજાના હૈયે ને હોઠે આવી ગયું હતું: `શિક્ષકનું કામ માત્ર એકડા બગડા ઘૂંટાવવાનું જ છે.' પણ વાત વાળી લઇ કહ્યું હતું: `આપનું કહેવું સાચું જ હોય.' આટલું સાંભળી શિક્ષક પોરસાયા હતા. તે ક્ષણ પકડી લઇ મહારાજાએ કહી જ દીધું હતું: `એક શાસનકર્તા તરીકે મેં મારું કર્તવ્ય બજાવ્યું.' સહેજ અટકી ગયા હતા. પછીનું કહેવું પસાર થતો પવન પણ પામી ગયો હોય એમ એક કાને ને ધ્યાને થઇ ગયો હતો.
`એક શિક્ષક તરીકે આ બધું સારું ને સાચું તમો લોકોને સમજાવી ન શકો?'
શિક્ષક એક પળ અબોલ રહી પછી મરક મરક હસવા લાગ્યા હતા. પછી ખુમારીથી બોલ્યા હતા: `અન્નદાતા, અમારી ફરજમાં આવે તે કરી છૂટીએ છીએ, તેમાં જીભને દાંતની ભલામણ કરવાની ન હોય, પણ સારું કહેવા સાથે આપને સાચું પણ કહેવું પડેને.'
મહારાજા હસવા લાગ્યા હતા. પછી કહ્યું હતું: `મને વિશ્વાસ છે, કાયદો સફળ થશે.'
ભારતમાં સૌ પ્રથમવાર ફરજિયાત કન્યાકેળવણી, અસ્પૃશ્યતા નિવારણ અને અત્યંજ શાળા માટે કોઈ દેશી રજવાડાએ ક્રાંતિકારી કાયદો અમલમાં મૂક્યો હોય તો તે વડોદરા રાજ્ય હતું.