કોઈ કામણગારી બાઇએ હળવા હાથે લીંપણ કર્યું હોય એમ આથમણા આભમાં સોનેરી લીંપણ લીંપાઈ ગયું હતું. સીમ સુવાવડીની જેમ નીખરી ઊઠી હતી. .

નહીં તાપ, નહીં ટાઢ. નહીં અંધારું, નહીં અજવાળું. આવા નવલા ટાણે ગરવી ગીરના પ્રવેશદ્વાર સમા કાંગસા ગામની સીમમાં ગાયકવાડ સરકાર શ્રીમંત સયાજીરાવ શિકારે ચઢ્યા હતા. વખતને વાતું રાખવી હોય એમ બરાબર રુઝુ વેળાએ વનરાજે દેખા દીધી. ડાલામથ્થો કેસરિયો રાજા મદઝરતી હાલે હાલતા એના થાળી જેવા પંજા પગદંડીના રફોડામાં પાડ્યે આવતો હતો. સોનેરી કેશવાળી ઝુલાવતો વનનો વિકરાળ રાજવી પાણી પીવા વોંકળા બાજુ આવી રહ્યો હતો.

મહારાજાએ બરાબરનું નિશાન લઇ ઘોડો દબાવ્યો હતો ને ભડાકા સાથે ગોળી સનનન કરતી છૂટી હતી, પણ છેલ્લી પળે નિશાન ચુકાઈ ગયું હતું. પોતાના પર હુમલો થયાનું પામી જતાં સિંહ વીફર્યો હતો અને કાચાપોચા મનેખની છાતી બેસી જાય એવી ડણક દીધી હતી. ડુંગરા ગાજી ઊઠે એવી ગર્જના કરી હતી. પંખીડાં ફફડી ઊઠ્યાં હતાં. હરણાં ભાગ્યાં ને આંખના પલકારામાં આખું જંગલ ધણધણી ઊઠ્યું હતું. સિંહે ઘુરરાટી કરતા માંચડા કોર્ય છલાંગ ભરી હતી. એક ને બીજી છલાંગે મહારાજાને આંબતા વાર લાગે એમ નહોતી. પછી તો કાળો કેર વરતાઈ જાય એમ હતો. મહારાજા સાવધ થઇ ગયા હતા. સાથે આવેલી ગોરી મેડમ તો મોત ભાળી જાતાં માંચડા પર જ ઢગલો થઇ ગઇ હતી.

એક ઝાડની ઓથમાં માંચડો ઊભો કરવામાં આવ્યો હતો. શ્રીમંત સરકાર હાથમાં બંદૂક લઇ માંચડા પર ગોઠવાયા હતા. અડખેપડખે હજૂરિયા ઊભા હતા. રખેને કંઈક નો બનવાનું બને તો આડા પડવાનું થાય, પણ સિંહની ત્રાડ સાથેની છલાંગે સૌને ઢીલા કરી દીધા હતા. આ વખતે સુખપુર ગામના જુવાનિયા વીડીમાં કરમદાં ને ટીંબરુ વીણવા આવ્યા હતા. તે આઘા ઊભા આ તાસીરો જો'તા'તા. નજરે જોયું હતું કે સિંહ મહારાજા પર હુમલો કરવા ધસ્યો છે. પોતાના હાથમાં હથિયાર રૂપે દાતરડાં હતાં. બેઉ જુવાને સહેજેય ડર્યા કે ડગ્યા વગર આગળ વધી, આભ ચીરી નાખે એવા હાકોટા કર્યા હતા. કાન લગોલગના અવાજે સિંહનો આવેગ તૂટ્યો ને તેની દિશા બદલાઈ હતી. જોનારાઓને થયું હતું, મર્યા. વિફરેલો વનરાજ પળના પા ભાગમાં આ લવરમૂછિયાઓને ફાડી નાખશે. વિફરેલા વનરાજનું રૌદ્ર રૂપ જોઈ વનરાઇને પણ લખલખું આવી ગયું હતું. આથમતો સૂરજ પણ પળવાર થંભી ગયો હતો. જોનારાના જીવ પડીકે બંધાઈ ગયા હતા, પણ જુવાનિયા ડગ્યા વગર સામે ધસમસતા મોત સામે હાથમાં હતાં તે દાતરડાં ઉગામી ગળું ફાટી જાય એવા હાકોટા કર્યા હતા. વનરાજને થયું હતું કે આ ગર્ય-ગોતરના મનેખ પાછા નહીં પડે. વખતને વાતું રાખવી હોય એમ ડાલામથ્થો વનરાજ ડોકલાયો ને સથર્યો પડતો ઊભો રહ્યો હતો ને પછી ખુમારીની આહલેક જગાડતો હોય એમ નીજી સ્વભાવે ઘૂરકિયાં કરતો ગાઢ ઝાડીમાં ગરક થઇ ગયો હતો.

મહારાજા માંચડા પરથી નીચે ઊતર્યા હતા, પણ પળવારમાં પ્રતીતિ થઇ ગઇ હતી કે, પોતે જેમ ગાયકવાડ સલ્તનતના સર્વોપરી છે એમ સિંહ પણ ગીરનો રાજા છે. તેની સામે કોઈની હકૂમત ચાલે તેમ નથી.

શિકારનું માંડી વાળી ઉતાવળા પગલે આવી, જીવની ખેવના રાખ્યા વગર મોતના મોંમાંથી બચાવનાર બેઉ બહાદુર જુવાનોને ગદ્ગદ થાતા પૂછ્યું હતું: `જુવાન, શું નામ છે?'જુવાને મોંપાટ લેતા હોય એમ કહી દીધું હતું: `મારું નામ હરિભાઈ જીવાભાઈ જીંજરિયા.' ત્યાં પડખેના જુવાને પણ સંઘાડિયો કર્યો હતો: `અરજણભાઈ ભગવાનભાઈ કનેરિયા.'આ બેઉ માસિયાઇ ભાઈ માટે નવતર અવસર હતો. મહારાજાનાં દર્શન કરવા પણ દુર્લભ હતાં તેના બદલે સન્મુખ ઊભા રહી આમ પૃચ્છા કરે તે નાનીસૂની બીના નહોતી, પણ આ પ્રકૃતિના પોતરાઓએ રાજા અને મહારાજા વચાળે પોતાનો માનવ ધરમ બજાવ્યો હતો. ત્યાં મહારાજાએ આગળ પૂછ્યું હતું: `ગામ?'`અમારું ગામ તો બાપુ સુખપુર છે. આંયા તો ટીંબરુ-કરમદાં વીણવા આવ્યા'તા. બેઉએ ભોળા ભાવે ગામની સાથે પોતાનું કામ પણ કહી દીધું હતું, તેથી મહારાજા તેમની આર્થિક સ્થિતિને સમજી ગયા હતા. `તમે બંનેએ સિંહને રોક્યો ન હોત તો મારો જીવ જોખમમાં મુકાઇ જાત.' ત્યાં સામે કહે: `બાપુ ઇતો અમારો આપદ ધરમ ગણાયને.' એક જ વાક્યમાં ખુમારી ને ખાનદાની સાથે સમજદારીનો તાગ મળી ગયો હતો. પળભર પછી પૂછ્યું હતું: `તમે વડોદરા આવી શકો?' ઘડીભર માની ન શકાયું હતું. ધારી, ચલાળા કે અમરેલી જાવું અઘરું હોય ન્યાં વડોદરાનું કહેણ? અને એ પણ ખુદ મહારાજાના મુખેથી? જવાબમાં માત્ર મરકલું કર્યું હતું ને જાણે ભાગ્યનું પાંદડું ઊઘડી ગયું. કદરદાન મહારાજાએ બેઉને બહાદુરીના ઈલ્કાબથી નવાજી હાથીની અંબાડીએ બેસાડીને સન્માન કર્યું હતું. પછી રૂ. 18ના ઊંચા પગારથી પોલીસ બેડામાં નોકરીએ રાખી લીધા હતા. આ બનાવ તા. 15-11-1833ના રોજ કાંગસા ગામની સીમનો છે. આજે વડોદરાના કમાટીબાગમાં આ બંને યુવાનોનાં સ્ટેચ્યૂ તેમની બહાદુરીની યાદ અપાવતાં ઊભાં છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો