` પ્રેમમાં માણસ જે હદે જવા તૈયાર થાય છે તે જ હદે નફરતમાં પણ જવા તૈયાર હોય છે! અમેરિકામાં એક ડોક્ટરે પત્નીનો જીવ બચાવવા કિડની દાનમાં આપી દીધી હતી. ડોક્ટરની કિડનીથી પત્નીનો જીવ બચી ગયો, પરંતુ હવે લગ્નનાં થોડાં વર્ષો બાદ એ જ ડોક્ટરે પત્ની પાસેથી પોતાની કિડની પરત કરવાનો કેસ કર્યો છે અથવા તો કિડનીની રકમ અંદાજિત 15 લાખ ડોલર સુધીના વળતરની માગણી કરી છે. 1990માં આ કપલે લગ્ન કર્યાં હતાં. જે દરમિયાન ડોક્ટર પતિ રિચર્ડે પત્ની ડોનેલની બીમારીને ધ્યાનમાં લઇને વર્ષ 2001માં કિડની આપી હતી. આ બધા વચ્ચે વર્ષ 2005માં ડોનેલે કોઇ કારણસર છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જેમાં રિચર્ડ ખૂબ જ ગુસ્સે ભરાયો. વળી, કોર્ટની ધીમી કામગીરીથી પણ તે કંટાળેલો હોઈ હવે પત્નીને આપેલી કિડની પાછી માંગી રહ્યો છે. જોકે, હવે કિડની પ્રત્યારોપણ શક્ય ન હોઈ કોઇ વચ્ચેનો રસ્તો કાઢવાની વાત કોર્ટમાં ચાલી રહી છે, પરંતુ આ ઘટનાને લઇને મીડિયા જગતમાં આ કપલ ચર્ચાનો વિષય બન્યો છે કે, ડિવોર્સ થયે પોતપોતાની વસ્તુ લઇ લેવી વાજબી છે કે નહીં? 

હવે ડ્રોન મચ્છરોનો ખાત્મો પણ બોલાવશે   

ચોમાસાની સીઝન ચાલુ થતાં જ મચ્છરોનો અસહ્ય ત્રાસ ચાલુ થઇ જાય છે. મચ્છરોના ત્રાસથી બચવા લોકો સ્પ્રે, રેકેટ, કોઇલ કે અન્ય લિક્વિડ પ્રયોગ કરતા હોય છે. તેમ છતાં ક્યાંક ને ક્યાંક મચ્છર જીવી જતા હોય છે. જોકે, એન્જિનિયરોએ માત્ર 40 ગ્રામનું એવું ડ્રોન બનાવ્યું છે, જે તમારી આસપાસના ઊડતા તમામ મચ્છરોનો હવામાં જ ખાત્મો બોલાવી દેશે. આ ડ્રોન સ્માર્ટ ફોન જેવા માઇક્રોફોન, અલ્ટ્રાસોનિક સેન્સર અને વિશિષ્ટ સોફ્ટવેરથી સજ્જ છે. અલબત્ત, તેનાથી તે નજીકમાં ઊડતા મચ્છરોને શોધી કાઢે છે અને ટ્રેક કરે છે. નોંધનીય છે કે, દરેક જીવજંતુના પાંખ ફફડાવવાનો અવાજ અનોખો હોય છે. આ ડ્રોન અલ્ટ્રાસોનિક તરંગો ઉત્સર્જિત કરે છે અને પ્રતિબિંબિત અવાજનું વિશ્લેષણ કરે છે. જેનાથી તે નક્કી કરી શકે છે કે વસ્તુ મચ્છર છે કે અન્ય જીવજંતુ. વધુમાં નજીકના ભવિષ્યમાં જ આ ટેક્નોલોજી વિવિધ મચ્છરોની પ્રજાતિઓને ઓળખી શકશે અને નર અને માદા વચ્ચે તફાવત કરી શકશે. ટૂંકમાં, આ ડ્રોન ફક્ત તે મચ્છરોને જ નિશાન બનાવશે જે રોગ ફેલાવવાનું જોખમ વધારે છે. 10 ડ્રોન ભેગા મળીને એક ચોરસ કિલોમીટરમાં મચ્છરોને ખતમ કરી શકે છે.

રેશમનો કીડો નહીં, રેશમની મધમાખી!

વિજ્ઞાનની અદ્ભુત સિદ્ધિના કારણે હવે માત્ર રેશમના કીડા જ નહીં, પરંતુ મધમાખીઓ દ્વારા પણ રેશમનું ઉત્પાદન શક્ય બનની રહ્યું છે. આ અનોખો આવિષ્કાર બાયોટેક્નોલોજીની મદદથી સાકાર થયો છે. નોંધનીય છે કે, મધમાખીઓ પોતાના મધપૂડાની સુરક્ષા અને ઈંડાના રક્ષણ માટે કુદરતી રીતે એક ખાસ પ્રકારનું સિલ્ક બનાવે છે. અલબત્ત, વૈજ્ઞાનિકોએ મધમાખીના ડીએનએ(DNA)માંથી આ રેશમ બનાવવા માટે જવાબદાર જીનને અલગ કર્યો છે. ત્યારબાદ આ જીનને પ્રયોગશાળામાં બેક્ટેરિયા કે ઈસ્ટની અંદર દાખલ કરીને કૃત્રિમ રીતે મોટા પાયે આધુનિક રેશમ પ્રોટીનનું ઉત્પાદન કરવા સક્ષમ બનાવ્યું છે. મૂળ પરંપરાગત રેશમની સરખામણીમાં મધમાખીનું આ રેશમ ઘણું અલગ અને વધુ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. તે વજનમાં અત્યંત હલકું હોવા છતાં અદ્ભુત મજબૂતાઈ અને લવચીકતા ધરાવે છે. આ રેશમ માનવ શરીર માટે સંપૂર્ણપણે અનુકૂળ હોવાથી તેનો ઉપયોગ નજીકના ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રે ઓપરેશનના ટાંકા લેવા અને કૃત્રિમ ત્વચા બનાવવામાં થઇ શકે છે. આ સિવાય બુલેટપ્રૂફ જેકેટ અને વિમાનના હળવા પાર્ટ્સ બનાવવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે. આમ, કોઈ પણ કીડાને નુકસાન પહોંચાડ્યા વગર મધમાખીની તકનીકથી હવે ભવિષ્યનું સર્વશ્રેષ્ઠ અને મજબૂત રેશમ તૈયાર થઈ રહ્યું છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો