પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા. તેમણે જણાવ્યું કે વિદ્યાધરે હેમાને પોતાના વેરહાઉસમાં બોલાવી હતી.
જેમાં હેમાના છૂટાછેડાના કેસ સંબંધિત ચિંતન વિરુદ્ધના `મહત્ત્વપૂર્ણ' વીડિયો પુરાવા બતાવવાનું બહાનું હતું. હેમા પોતાના વકીલ હરેશ ભમ્ભાણી સાથે ત્યાં પહોંચી. વેરહાઉસમાં વિદ્યાધર અને તેના સહયોગીઓ આઝાદ, પ્રદીપ અને શિવકુમાર પહેલેથી જ હાજર હતા, એક ભયાનક યોજનાને અંજામ આપવા માટે.
આરોપીઓએ કબૂલ્યું કે તેમની યોજના હેમાને ફક્ત ડરાવવાની હતી, તેને મારી નાખવાની નહોતી. આ માટે તેમણે ક્લોરોફોર્મમાં બોળેલા રૂમાલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. વેરહાઉસમાં પ્રવેશતાં જ વિદ્યાધરે પાછળથી હેમાને પકડી, જ્યારે આઝાદે રૂમાલ તેના ચહેરા પર રાખ્યો. હેમાએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્લોરોફોર્મની અસર ઝડપી હતી. જ્યારે હરેશે આ દૃશ્ય જોયું અને દખલગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે શિવ અને પ્રદીપે તેને કાબૂમાં લીધો. શરૂઆતમાં તેમણે હરેશ ભમ્ભાણીને ફક્ત દોરડા અને ડક્ટ ટેપથી બાંધ્યા, જેથી તેઓ સાક્ષી ન બની શકે, પરંતુ જ્યારે તેમને સમજાયું કે ક્લોરોફોર્મના વધુ પડતા ઉપયોગને કારણે હેમાનું મૃત્યુ થઈ ગયું છે, ત્યારે તેઓ ગભરાઈ ગયા. હવે તેમની પાસે હરેશને જીવતા છોડવાનો કોઈ વિકલ્પ નહોતો, કારણ કે તે આ ભયાનક ગુનાનો એકમાત્ર સાક્ષી હતો, તેથી તેમણે હરેશને પણ ક્લોરોફોર્મથી મારી નાખ્યો. એક નિર્દોષ વકીલનું જીવન પણ છીનવી લીધું.
હત્યાઓ પછી આરોપીઓએ મૃતદેહોનો નિકાલ કરવાનું ભયાનક કાવતરું ઘડ્યું. તેમણે નિર્જીવ મૃતદેહોને મોટા કાર્ડબોર્ડ બોક્સમાં ભર્યા. મૃતદેહને પ્લાસ્ટિકની શીટ્સમાં ચુસ્તપણે વીંટાળવામાં આવ્યો હતો અને પછી ડક્ટ ટેપથી બાંધવામાં આવ્યો હતો, જેથી ઓળખ છુપાવી શકાય અને દુર્ગંધ બહાર ન આવે. આ બોક્સને એક ટેમ્પોમાં લોડ કરવામાં આવ્યા. ટેમ્પો ડ્રાઈવર વિજય રાજભર હતો, જે પણ આ ગુનામાં સામેલ હતો અને ગુનેગારોને મદદ કરી રહ્યો હતો.
11 ડિસેમ્બરની તે રાત્રે ટેમ્પો કાંદિવલીના દલિયા એસ્ટેટ નજીક એક ગટર પાસે પહોંચ્યો. આ એક નિર્જન વિસ્તાર હતો, જ્યાં ગુનેગારોને લાગ્યું કે તેઓ કોઈની નજરમાં આવ્યા વિના પોતાનું કામ પાર પાડી શકશે. ત્યાં આરોપીઓએ બોક્સને ગટરમાં ફેંકી દીધાં. તેમને લાગ્યું કે આમ કરવાથી પુરાવા નાશ પામશે અને કોઈ તેમને શોધી શકશે નહીં. તેમને વિશ્વાસ હતો કે મૃતદેહો ગટરમાં વહી જશે અથવા સડી જશે અને ગુનો ક્યારેય ઉકેલાશે નહીં, પરંતુ તેમની યોજના નિષ્ફળ ગઈ.
બીજા જ દિવસે સવારે કચરો વીણનાર દ્વારા મૃતદેહો મળી આવ્યા અને ગુનાનો પર્દાફાશ થયો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ટેમ્પોને પણ ચારકોપ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી શોધી કાઢ્યો, જે વિજયકુમારે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. આ ટેમ્પો ગુનામાં ઉપયોગમાં લેવાયેલું એક મહત્ત્વપૂર્ણ સાધન હતું, જેણે પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં મદદ કરી. પુરાવાનો નાશ કરવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને કાયદાનો હાથ તેમના સુધી પહોંચી ગયો.
આ ભયાનક કેસમાં હેમાના અલગ થયેલા પતિ ચિંતન ઉપાધ્યાયનું નામ પણ સામે આવ્યું, જેણે કેસને વધુ જટિલ બનાવ્યો. હેમા અને ચિંતન બંને પોતપોતાના ક્ષેત્રના પ્રખ્યાત કલાકારો હતા અને બંને વચ્ચે 2010થી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. આ કાનૂની લડાઈ ચાર વર્ષ સુધી ચાલી અને 2014માં તેમને સત્તાવાર રીતે છૂટાછેડા મળ્યા. હેમાએ ચિંતન પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેનો હેતુ તેને મારી નાખવાનો હતો. 2013માં હેમાએ ચિંતન વિરુદ્ધ તેમના મુંબઈના ફ્લેટની દીવાલો પર અશ્લીલ સ્કેચ બનાવવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ તે કેસમાં ચિંતનનો બેડરૂમ તેની અંગત જગ્યા હોવાનું કોર્ટે ઠરાવતાં હેમા કેસ હારી ગઈ હતી.
છૂટાછેડા પછી ચિંતન દિલ્હી રહેવા ગયો હતો, જ્યારે હેમા જુહૂ-તારા રોડ પરના તેમના સંયુક્ત માલિકીના ફ્લેટમાં રહેતી હતી. વકીલ હરેશ હેમાના ભરણપોષણના કેસમાં પણ તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. હેમા દર મહિને બે લાખ રૂપિયા ભરણપોષણની માંગ કરી રહી હતી, પરંતુ કોર્ટે તે રકમ ઘટાડીને ચાલીસ હજાર રૂપિયા પ્રતિ માસ કરી દીધી હતી. રસપ્રદ વાત એ છે કે, હત્યાના દિવસે ચિંતને ભરણપોષણના ભાગરૂપે હરેશ ભમ્ભાણીને બે લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિદ્યાધર રાજભરના પરિવારનો ચિંતનના પરિવાર સાથે ગાઢ સંબંધ હતો. વિદ્યાધરના પિતા અગાઉ ચિંતન માટે કામ કરતા હતા. તેમના પિતાના મૃત્યુ પછી વિદ્યાધર ચિંતન સાથે કામ કરતો હતો અને ચિંતને જ તેને જયપુરમાં આર્ટ ફેબ્રિકેશનમાં તાલીમ અપાવી હતી. ચિંતને વિદ્યાધરના પિતાના તબીબી ખર્ચ માટે પાંચ લાખ રૂપિયાથી વધુ ચૂકવ્યા હતા. આ સંબંધોએ ચિંતન અને વિદ્યાધર વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવ્યું. ચિંતનના ફોનના કોલ ડિટેલ રેકોર્ડમાં સાબિત થયું કે, હત્યાના પખવાડિયા પહેલાં તેમની વચ્ચે અનેક ફોન કોલ્સ થયા હતા. ચિંતન આ કોલ્સની કોઈ સ્પષ્ટતા કરી શક્યો નહોતો, જેણે પોલીસની શંકા વધુ ગાઢ બનાવી.
ઓક્ટોબર, 2023માં મુંબઈની સેશન્સ કોર્ટે ચિંતન ઉપાધ્યાયને તેની પત્ની હેમા અને તેના વકીલ હરેશ ભમ્ભાણીની હત્યાનું કાવતરું ઘડવા અને તેને પ્રોત્સાહન આપવા બદલ દોષિત ઠેરવ્યો. કોર્ટે ચિંતનને આજીવન કેદની સજા ફટકારી. કોર્ટે નોંધ્યું કે હેમા અને ચિંતનનો ફ્લેટ સંયુક્ત માલિકીનો હતો. હેમાના મૃત્યુના કિસ્સામાં સંપત્તિ ચિંતનને મળી હોત. આ સંજોગો ચિંતનનો હેમાની હત્યાનો હેતુ દર્શાવવા માટે પૂરતા હતા. જોકે, કોર્ટે આ કેસને `દુર્લભતમ' (જેમાં મૃત્યુદંડની સજા થાય) ગણાવ્યો નહોતો, કારણ કે ચિંતનનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો અને કોર્ટને તેના સુધારાની શક્યતા લાગતી હતી.
5 ઑક્ટોબર, 2023ના રોજ મુંબઈની સેશન્સ કોર્ટે ચિંતન ઉપાધ્યાયને હેમાની હત્યાનું કાવતરું ઘડવા અને તેને પ્રોત્સાહન આપવા બદલ દોષિત ઠેરવ્યો. ટેમ્પો ડ્રાઈવર વિજય રાજભર અને સહાયકો પ્રદીપ રાજભર અને શિવકુમાર રાજભરને પણ હેમા અને ભમ્ભાણીની હત્યા કરવા અને પુરાવા નષ્ટ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા. 10 ઑક્ટોબર, 2023ના રોજ કોર્ટે ચિંતન ઉપાધ્યાય અને અન્ય ત્રણ સહ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. કોર્ટે નોંધ્યું કે આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો અને તેમની આર્થિક સ્થિતિ નબળી હતી, જે ગુનો કરવા માટેનું એકમાત્ર કારણ હોઈ શકે છે.
આ કેસનો મુખ્ય આરોપી વિદ્યાધર રાજભર હજુ પણ ફરાર છે. પોલીસને શંકા છે કે તે ક્યાં તો માર્યો ગયો છે અથવા તેણે બાંગ્લાદેશ કે નેપાળ જેવા કોઈ અન્ય દેશમાં સરહદ પાર કરી લીધી છે. વિદ્યાધરની માતાએ કોર્ટમાં આપેલા નિવેદન મુજબ તેણે 13 ડિસેમ્બર, 2015ના રોજ ઇટારસી (મધ્યપ્રદેશ)થી ફોન કરીને કહ્યું હતું કે, `ચિંતનના કહેવા પર મારા હાથે હેમાનું મર્ડર થઈ ગયું છે અને ચિંતન ધમકાવી રહ્યો છે. હું ટ્રેનથી યુપી જઈ રહ્યો છું.' આ નિવેદન ચિંતનની સંડોવણી તરફ સ્પષ્ટ ઈશારો કરતું હતું અને કેસમાં એક મહત્ત્વપૂર્ણ કડી બની રહ્યું. પોલીસે વિદ્યાધરને ટ્રેક કરવા માટે ચેન્નઈ, ત્રિપુરા, કોલકાતા અને આસામ સહિત અનેક રાજ્યોમાં ટીમો મોકલી હતી, પરંતુ તે પકડાયો નહોતો.
