આટોલ્સ્ટોયની આત્મકથા : `કબૂલાત'
પ્રકરણ - 36
એક ગજબની કથા છે.
એ કથા છે દુનિયાના ટોચના લેખકોમાંના એક એવા ટોલ્સ્ટોય તથા એમનાં પત્ની સોફિયાની.
સાહિત્યજગતની હસ્તિઓમાં સૌથી સુખી તેમજ સૌથી દુઃખી દાંપત્યજીવનનો દાવો કરી શકે એવું હતું આ બંનેનું ઝંઝાવાતી લગ્નજીવન. શરૂઆતના દાયકાઓમાં અત્યંત સુખી અને છેલ્લા દાયકાઓમાં અત્યંત દુઃખી.
અત્યંત પ્રેમભર્યું એમનું લગ્નજીવન કથળીને અત્યંત કડવાશપૂર્ણ બન્યું એ આખી વાતમાં ટોલ્સ્ટોયની ધાર્મિકતાની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી.
પતિ, પત્ની અને ધાર્મિકતાનો આ કિસ્સો સમજવા જેવો છે. માત્ર કુથલીરસ સંતોષવા માટે નહીં, પરંતુ માનવ સ્વભાવને, ઉપભોગકેન્દ્રી સંસ્કૃતિને તથા સંબંધોનાં ગહન સમીકરણોને સમજવા માટે આ લગ્નજીવનનું અધ્યયન ઉપયોગી બની શકે તેવું છે.
શરૂઆત ત્યાંથી કરીએ, જ્યાં આપણે અટક્યા હતા.
રશિયાના સૌથી સફળ અને વધુ વંચાતા લેખક હોવા છતાં ટોલ્સ્ટોયની આત્મકથા કબૂલાત તાત્કાલિક છપાઈને ધડાધડ વેચાઈ નહોતી. એમણે આત્મકથા લખવાનું કામ તો ઇ.સ. 1879માં પૂરું કરી લીધેલું, પરંતુ એ પહેલી વાર એ છપાઈ છેક પાંચ વર્ષ પછી 1884માં અને એ પણ રશિયામાં નહીં, જીનિવા (સ્વિટ્ઝર્લેન્ડ)માં. એ અગાઉ આત્મકથા લખાયાનાં ત્રણ વર્ષ બાદ 1882માં ટોલ્સ્ટોયે રશિયાના એક સામયિકમાં આત્મકથા છાપવા મોકલેલી ખરી, પરંતુ રશિયન ચર્ચની સેન્સરશિપને કારણે એ છપાઈ નહોતી. ટોલ્સ્ટોયે આત્મકથામાં ધર્મક્ષેત્રની કેટલીક મર્યાદાઓ સામે આંગળી ચીંધી હોવાને કારણે રશિયાની રૂઢિચુસ્ત ધર્મસત્તા અને રાજાની રાજ્યસત્તાને એના પ્રકાશન સામે વાંધો હતો. પરિણામે આ રશિયન લેખકની આત્મકથા લખાયા બાદ રશિયામાં છેક 27 વર્ષે 1906માં પ્રકાશિત થયેલી.
ખૈર, ધર્મગુરુઓને અને રશિયાના ઝાર(રાજા)ને તો ટોલ્સ્ટોયના વિચારો સામે કેવળ તાત્ત્વિક વાંધો હતો, પરંતુ ટોલ્સ્ટોયનાં પત્ની સોફિયાને પતિની રોજિંદી વાસ્તવિક ધાર્મિક જીવનશૈલી સામે
વાંધો પડ્યો.
બાકી એ બેય વર-વહુ અતિ સંપીલા અને સુખી હતાં. ટોલ્સ્ટોયે પોતે આત્મકથામાં નોંધ્યું છે તેમ, લગ્નજીવનને લીધે એ પંદરેક વર્ષ સુધી હતાશાની ખીણથી બચેલા રહ્યા. 34ની ઉંમરે સોફિયા સાથે લગ્ન થયું એ પહેલાં જ ટોલ્સ્ટોય લેખન-સમૃદ્ધિ-ખ્યાતિ અને સામાજિક પ્રવૃત્તિથી ભારે કંટાળી ચૂક્યા હતા. પછી એમના કાળા ડિબાંગ જીવનમાં પ્રકાશના કિરણની જેમ પત્ની સોફિયાનો પ્રવેશ થયો.
એ વખતે ટોલ્સ્ટોય હતા 34 વર્ષના અને સોફિયાની ઉંમર હતી ફક્ત 18 વર્ષ. સોફિયાના પિતા ડોક્ટર હતા. ટોલ્સ્ટોય-સોફિયા વચ્ચે ઓળખાણ અને દોસ્તી થયા બાદ એક દિવસ ટોલ્સ્ટોયે પોતાની અંગત ડાયરીઓ સોફિયાને વાંચવા આપી. એ ડાયરીઓમાં ટોલ્સ્ટોયનાં જુવાનીનાં પરાક્રમોની અને જાતીય સંબંધોની ચકચારી નોંધો હતી. એમાં એવી પણ કબૂલાત હતી કે પોતાની જાગીર પર કામ કરતી એક મજૂરણ સાથેના સંબંધથી ટોલ્સ્ટોય એક સંતાનના પિતા બની ચૂક્યા હતા.
ટોલ્સ્ટોયે અસલમાં લગ્નની દરખાસ્તના એક ભાગરૂપે સોફિયાને એ ડાયરીઓ વાંચવા આપેલી. ટોલ્સ્ટોયે સોફિયાને એવું કહેલું કે તું આ ડાયરીઓ પહેલાં વાંચી લે, પછી તને યોગ્ય લાગે તો આપણે પરણી જઈએ.
સોફિયાએ ડાયરીઓઓ વાંચી. એમને ભારે અકળામણ પણ થઈ, પરંતુ ડાયરીઓ વાંચતા પહેલાં જ એ ટોલ્સ્ટોયના પ્રેમમાં પડી ચૂક્યાં હતાં. વળી, છોકરાએ સામે ચાલીને પોતાની જુવાનીની ભૂલો કબૂલી લીધી, કશું છુપાવ્યું નહીં એ વાત પણ સોફિયાને ભારે પ્રભાવિત કરી ગઈ. સોફિયાએ લગ્ન માટે હા પાડી દીધી.
બેય પરણ્યાં.
પછી શરૂ થયો એ પતિ-પત્નીનો અત્યંત ફળદ્રુપ તબક્કો. એ તબક્કાના ફળસ્વરૂપે એમને તેર સંતાનો તો પ્રાપ્ત થયાં જ, સાથોસાથ સંસારને પ્રાપ્ત થઈ ટોલ્સ્ટોયની બે મહાન નવલકથાઓ વોર એન્ડ પીસ તથા અન્ના કેરેનિના.
અલબત્ત, એ નવલકથાઓ ટોલ્સ્ટોયે જ લખેલી, પરંતુ એના લેખનથી માંડીને પ્રકાશન તેમજ રોયલ્ટીના હિસાબ સુધીની અનેક બાબતોમાં સોફિયાની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી.
ટોલ્સ્ટોયના અક્ષર અત્યંત ઝીણા અને ગરબડિયા હતા. એ આખો દિવસ જે કંઈ લખે એની સુવાચ્ય નકલ બનાવવાનું કામ રાતે સોફિયા કરતાં. એ જમાનામાં ગ્રામીણ વિસ્તારમાં આવેલી ટોલ્સ્ટોયની જાગીરમાં ઇલેક્ટ્રિસિટી આવી નહોતી. સોફિયા રાતે મીણબત્તીના પ્રકાશમાં ટોલ્સ્ટોયનાં લખાણોને સારા અક્ષરોમાં ફરી લખતાં. ટોલ્સ્ટોયના માંગાટાંગા અક્ષરો ઉકેલવા માટે સોફિયાએ વારંવાર બિલોરી કાચની મદદ લેવી પડતી. સોફિયા ખંત, ધીરજ અને ઉત્સાહથી આ બધું કામ કરતાં.
ટોલ્સ્ટોયને પોતાનું લખાણ વારંવાર મઠારવાની ટેવ હતી. એમણે પોતાની પ્રલંબ નવલકથા વોર એન્ડ પીસ સાત વાર મઠારીને ફરી-ફરી લખેલી. સોફિયાએ સાતેસાત વાર એ નવલકથા ફરી-ફરી પોતાના હાથે કાગળ પર સુંદર અક્ષરોમાં ઉતારી.
ટોલ્સ્ટોયનાં લગ્ન થયાં બાદ એમણે પોતાના હાથે લખેલી નકલો પ્રકાશન માટે મોકલવાનું બંધ કરી દીધેલું. પ્રકાશન માટે મોકલાતી બધી જ નકલો સોફિયાના હાથે લખાયેલી રહેતી.
વોર એન્ડ પીસ છપાયેલાં બારસો પાનાંની 5.87 લાખ શબ્દોની નવલકથા છે (એ કથામાં 580 પાત્રો છે). એ બારસો પાનાં ટોલ્સ્ટોયની જેમ સોફિયાએ પણ સાત વાર લખ્યાં. મતલબ કે માત્ર એક જ નવલકથા વોર એન્ડ પીસ પ્રકાશિત કરતાં પહેલાં પતિએ તેમજ પત્નીએ 1200 ગુણ્યા સાત એટલે કે 8400 પાનાં લખ્યાં. જરા કલ્પના કરો. છપાયેલાં 8400 પાનાં કેટલાં વજનદાર-દળદાર લાગે.
લખાણ બાબતે ટોલ્સ્ટોયની ચીવટની વાત નીકળી જ છે ત્યારે એક આડવાત પણ જાણવા જેવી ખરી. થયું એવું કે તારકનાથ દાસ નામના એક ભારતીયે અમેરિકાથી ટોલ્સ્ટોયને પત્ર લખીને એવી સલાહ માગી કે અંગ્રેજોથી ભારતને આઝાદ કરવા માટે શું-શું થઈ શકે? ટોલ્સ્ટોયે એ પત્રલેખકને 413 પાનાંનો જવાબ લખ્યો. એ જવાબ એક વાર લખીને ફટાફટ મોકલી દેવાને બદલે ટોલ્સ્ટોયે એ પત્રના પણ કુલ 29 વાર ડ્રાફ્ટ બદલ્યા પછી છેવટે ફાઈનલ ડ્રાફ્ટ તારકનાથ દાસને મોકલેલો. આવી હતી ટોલ્સ્ટોયની ચીવટ.
અને હા, ટોલ્સ્ટોયનો આ પત્ર-જવાબ પછી `અ લેટર ટુ અ હિન્દુ' (એક હિન્દુને પત્ર) શીર્ષક સાથે પ્રકાશિત થયેલો. ગાંધીએ આ પત્ર પછી પોતાની પત્રિકા `ઇન્ડિયન ઓપિનિયન'માં છાપેલો. ગાંધીજીની અહિંસા અને સત્યાગ્રહની ફિલોસોફી ઘડાઈ રહી હતી એ તબક્કે આ પત્ર તથા ટોલ્સ્ટોય સાથેના વૈચારિક આદાન-પ્રદાનની ગાંધી પર ઘણી અસર પડી હતી.
આડવાત પૂરી.
એક પત્રના પણ 29 ડ્રાફ્ટ બનાવવા જેટલી ચીવટ ધરાવનાર ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસ પછીની બીજી મોટી નવલકથા અન્ના કેરેનિના પણ એવી જ દળદાર હજારેક પાનાંની હતી.
એનાં પ્રકરણો પણ ટોલ્સ્ટોય અનેક વાર ફરી-ફરી મઠારીને હપ્તાવાર છપાવા માટે મોકલતા. એ બધું જ જેટલી વાર ટોલ્સ્ટોયે લખ્યું એટલી વાર પત્ની સોફિયાએ ફરી લખ્યું, પ્રેમથી, ઉત્સાહથી, મજબૂત જીવનસંગિની તરીકે.
ટૂંકમાં, ટોલ્સ્ટોય-સોફિયાના લગ્નજીવનનો આરંભ તો અત્યંત સુંદર હતો, પણ પછી મામલો કથળ્યો, મુખ્યત્વે ટોલ્સ્ટોયની ધાર્મિકતાને કારણે.
