બલદેવ રાજ ચોપડાનું નામ ગંભીર સામાજિક મુદ્દાઓની છણાવટ કરતી ફિલ્મો સાથે જોડાયેલું છે. 1957માં `નયા દૌર'થી શરૂ કરીને 1982માં `નિકાહ' સુધીની ફિલ્મોમાં નિર્માતા-નિર્દેશક તરીકે ચોપડાએ હંમેશાં વ્યાવસાયિક હિતોની સાથે સાથે સામાજિક નિસ્બત પણ જાળવી રાખી હતી. એટલે તેઓ દર્શકોનું ખાલી મનોરંજન કરવાના ઈરાદે કોમેડી ફિલ્મ બનાવે તેવું મનમાં ઝટ ન બેસે.
તેમ છતાં 1978માં તેમણે `પતિ, પત્ની ઔર વો' બનાવીને લોકોને ચમકાવી દીધા. આ ફિલ્મ તેમની `લાઈન'ની નહોતી. એક તો તેમાં લગ્ન બાહ્ય સંબંધનો વિષય હતો અને તે પણ કોમેડી સ્વરૂપે. ચોપડા આવા ગંભીર અને વિવાદાસ્પદ મુદ્દાને `હાસ્યાસ્પદ' રીતે પેશ કરે ખરા? તેઓ આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક બંને હતા.
કદાચ તેનું કારણ 1976માં આવેલી `છોટી સી બાત' ફિલ્મ હોવી જોઈએ. બાસુ ચેટર્જીએ આ હળવીફૂલ કોમેડી ફિલ્મનું નિર્દેશન કર્યું હતું અને નિર્માણ હતું બી. આર. ફિલ્મ્સનું. આ ફિલ્મની સફળતાથી પ્રેરાઈને ચોપડાએ `પતિ, પત્ની ઔર વોહ'નું નિર્માણ કરવાનો વિચાર કર્યો હોવો જોઈએ, પણ તેમણે તેને કોમેડીના વાઘા કેમ પહેરાવ્યા?
એવું કહેવાય છે કે, `પતિ, પત્ની ઔર વો'નું નિર્દેશન પણ બાસુ ચેટર્જી પાસે જ કરાવવાનું હતું. આ ફિલ્મમાં પણ `છોટી સી બાત'ની તેમની હિરોઈન વિદ્યા સિંહા હતી, પરંતુ તેમની પાસે આ ફિલ્મ આવી ત્યારે તેઓ તારાચંદ બડજાત્યાની `ચિત્તચોર' ફિલ્મમાં વ્યસ્ત હતાં. બીજી બાજુ ચોપડાના નિર્દેશક પુત્ર રવિ ચોપડા `તુમ્હારી કસમ' નામની ફિલ્મમાં વ્યસ્ત હતા. નછૂટકે ચોપડા સાહેબે જાતે જ તેનું નિર્દેશન હાથમાં લીધું.
ફિલ્મનો વિષય, લગ્ન બાહ્ય સંબંધ ગંભીર તો હતો જ, કારણ કે આવું સદીઓથી ચાલતું આવ્યું છે, પરંતુ વર્જિત પણ ખરો, કારણ કે મોટાભાગે એમાં પુરુષો જ `દોષિત' હોય છે અને તેની ચર્ચા નીકળે તો પણ સ્ત્રીઓને અન્યાય થાય છે. એટલા માટે થઈને જ ચોપડા સાહેબે `નિકાહ'ના ત્રણ તલાકના મુદ્દાની જેમ ગંભીર રીતે તેને પેશ કરવાને બદલે હળવો કરી નાખ્યો હતો, જેથી વિષય હસવામાં ખપી જાય.
ચોપડા સાહેબે તેમાં પતિ-પત્નીના સંબંધને ઘણી વાસ્તવિકતા સાથે ચર્ચ્યો હતો, તેમ છતાં તેમાં ઘણું વાંધાજનક હતું. ફિલ્મનો નાયક તેમાં તેની પત્ની બીમાર છે તેનું દુઃખડુ રડીને ઓફિસની ખૂબસૂરત સેક્રેટરીને પટાવે છે એવી વાત સાચી હોવા છતાં સ્ત્રીઓ માટે અપમાનજનક તો હતી જ, અમુક સંવાદો પણ સ્ત્રીવિરોધી હતા. જેમ કે, નાયકનાં લગ્નની આગલી રાતે તેનો દોસ્ત સલાહ આપતો હોય છે, `એક બાત યાદ રખના, પહેલી રાત જો બિલ્લી માર લે, વોહી મૌજ કરતા હૈ. ઉસસે દબ મત જાના.'
છતાં ફિલ્મ બહુ મોટી હિટ સાબિત થઇ. જ્યાં સુધી એક્ટિંગનો સવાલ છે ત્યાં સુધી સંજીવ કુમારની કારકિર્દીમાં આ ફિલ્મ મોખરે આવે છે. હરિભાઈએ આ ફિલ્મમાં એક આધેડ ઉંમરના આશિક મિજાજી મેનેજરનો કિરદાર જે સફાઈથી નિભાવ્યો હતો તે જોતાં એવું લાગે કે બીજો કોઈ એક્ટર હોત તો ચોક્કસ હાસ્યાસ્પદ લાગ્યો હોત. હરિભાઈના કારણે જ દર્શકોને મેનેજર પ્રત્યે સહાનુભૂતિ થતી હતી, બાકી આવા માણસને જોઇને લોકો ઘૃણા કરે.
બી. આર. ચોપડાએ તે અગાઉની બે ફિલ્મો, અમિતાભ બચ્ચનની `ઝમીર' અને રાજેશ ખન્નાની `કર્મા'માં ખૂબ પૈસા ગુમાવ્યા હતા અને તે પછી તેઓ બિગ-બજેટવાળી `ધ બર્નિંગ ટ્રેન' પર કામ કરી રહ્યા હતા. તે વચ્ચે તેમણે ખોટ ભરપાઈ કરવા માટે `પતિ, પત્ની ઔર વો'નું નિર્માણ કર્યું હતું. ફિલ્મે તેમને કમાણી કરી આપી હતી.
આગળ કહ્યું તેમ, આ ફિલ્મ તેના સમય કરતાં વહેલી બની હતી. ચોપડા સાહેબે ફિલ્મના પ્રારંભે આદમ અને ઈવની કહાની મૂકીને સ્ત્રી-પુરુષના આકર્ષણને પૌરાણિક દુનિયામાં લઇ ગયા હતા. તેમાં એ મતલબનું કિશોર કુમારનું એક મધુર ગીત પણ હતું. (શબ્દો : આનંદ બક્ષી, સંગીત : રવીન્દ્ર જૈન)
ના આજ થા, ના કલ થા
કોઈ મુશ્કિલ થી ના હલ થા
તો ફિર ક્યા થા, બસ એક ફલ થા
યે ફલ ખાના મના હૈ સબ કહતે થે
આદમી ઔર હવ્વા જંગલ મેં રહેતે થે
ફિલ્મનું બીજું એક `ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે' બહુ લોકપ્રિય થયું હતું. તેમાં જાડિયા હરિભાઈએ ચટાપટાવાળી ચડ્ડીમાં આ ગીત બાથરૂમમાં શૂટ કર્યું હતું. બીજો કોઈ હીરો હોય તો આવા શરીરને કેમરા સામે ઉઘાડું ન કરે, પણ હરિભાઈને તેમની એક્ટિંગમાં એટલો વિશ્વાસ હતો કે આવાં જોખમો લેવામાંથી પાછા પડતા નહોતા.
ગુલઝાર માટે `આંધી', બાસુ ચેટર્જી માટે `રજનીગંધા' અને `છોટી સી બાત' જેવી ફિલ્મો લખનાર પ્રખ્યાત સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા લેખક કમલેશ્વરે `પતિ, પત્ની ઔર વો'ની વાર્તા લખી હતી. આ ફિલ્મ માટે તેમને પછીના વર્ષે ફિલ્મફેર શ્રેષ્ઠ પટકથા પુરસ્કાર પણ મળ્યો હતો. ફિલ્મના ત્રણ મુખ્ય કલાકરો સંજીવ કુમાર, વિદ્યા સિંહા અને રંજિતા કૌરે પૂરી નિષ્ઠાથી તેમના કિરદાર નિભાવ્યા હતા અને એટલે જ આમ સાધારણ અને સસ્તી કહી શકાય તેવી ફિલ્મ ક્લાસિક બની ગઈ હતી.
સંક્ષિપ્તમાં વાર્તા એવી હતી કે રણજિત (સંજીવ) એક ઓફિસમાં મેનેજર છે. શારદા (વિદ્યા સિંહા) સાથે પ્રેમ વિવાહથી તેને એક દીકરો છે. તેની ઓફિસમાં નિર્મલા (રંજિતા) નામની નવી સેક્રેટરી આવે છે. રણજિત તેના પર લટ્ટુ થઇ જાય છે અને તેની નજીક જવા માટે ઘરે પત્ની બીમાર છે અને થોડા દિવસની મહેમાન છે તેવું નાટક કરે છે. નિર્મલાને તેની દયા આવે છે અને દોસ્તી કરે છે, પણ અંતે જૂઠ પકડાઈ જાય છે અને નિર્મલા જ તેનો શારદાની હાજરીમાં પર્દાફાશ કરે છે.
શારદા એક તક આપીને રણજિતને માફ કરી દે છે, પણ પત્ની અને બાળક ગુમાવવામાંથી માંડ-માંડ બચેલો રણજિત છેલ્લા દૃશ્યમાં પૂરી ગંભીરતાથી તેના ઓફિસ દોસ્ત(અસરાની)ને તેનું મહાન જ્ઞાન આપે છે, `આદમી ઔર ઔરત યે એક બુનિયાદી ફર્ક હૈ; ઔરત એક વક્ત મેં એક હી કો પ્યાર કર શકતી હૈ, પર યે સાલા આદમી નામ કા જાનવર હૈ ના, ઉસકા દિલ ઇતના બડા હોતા હૈ કી વો અપને પ્યાર કો એક વક્ત મેં બાંટતા રહતા હૈ.'
તે જ વખતે ઓફિસનો દરવાજો ખૂલે છે અને નવી સેક્રેટરી (પરવીન બાબી) અંદર દાખલ થાય છે. રણજિત ફરીથી `આદમી' બની જાય છે અને ટેબલ પર દવાની શીશીઓ ગોઠવે છે. નવી સેક્રેટરી પૂછે છે, `સર, આપકી તબિયત ઠીક નહીં હૈ?' ત્યારે રણજિત માંદલું હસીને અડધું વાક્ય બોલે છે, `અબ ક્યા બતાઉ તુમકો! દરઅસલ, મેરી પત્ની.' ફિલ્મ જોઈને બહાર નીકળતી ઘણી સ્ત્રીઓ બોલતી હતી; કૂતરાની પૂંછડી ભોંયમાં ઘાલો તોય વાંકી ને વાંકી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
