ભારતના દક્ષિણ ભાગમાં આવેલું હૈદરાબાદ એક એવું શહેર છે, જ્યાં તમને ભૂતકાળની ભવ્યતા અને ભવિષ્યની આધુનિકતા એકસાથે જોવા મળે છે. નિઝામની શાહી સંસ્કૃતિ, તેની ઝડપી જીવનશૈલી, ધમધમતા કાફે અને તેની વધતી જતી વસ્તીને કારણે તેની લોકપ્રિયતા સાથે હૈદરાબાદ મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે.
ત્યાં પ્રવાસીઓ સારો સમય વિતાવી શકે છે. શહેરનો ઇતિહાસ લગભગ 400 વર્ષ જૂનો છે. મૂસી નદીના કિનારે વસેલું આ શહેર તેલંગણા રાજ્યની રાજધાની છે. એક તરફ વર્ષો જૂની ઈમારતો, મસ્જિદો અને સાંકડી ગલીઓ છે, તો બીજી તરફ ગગનચુંબી ઈમારતો, આઈટી પાર્ક અને મોટા મોલ્સ છે. જૂના શહેરથી વિપરીત હૈદરાબાદનો પશ્ચિમ ભાગ એટલે કે હાઈ ટેક સિટી અને ગચીબોવલી વિસ્તાર તમને વિદેશમાં હોવાનો અહેસાસ કરાવે છે. અહીંની મહેમાનગતિ અને તહેઝીબ દુનિયાભરમાં પ્રખ્યાત છે. હૈદરાબાદમાં ઉનાળામાં સખત ગરમી પડે છે, તેથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન અહીં મુલાકાત લેવી શ્રેષ્ઠ છે. આ સમયે વાતાવરણ ખુશનુમા હોય છે અને ફરવાની મજા આવે છે. અહીંની ઘણી રેસ્ટોરાં બિરયાની માટે પ્રખ્યાત છે. અહીં અસલી મોતીઓનાં ઘરેણાં વાજબી ભાવે મળે છે.
મુખ્ય પ્રવાસન સ્થળ અને આકર્ષણો
ચાર મિનાર : હૈદરાબાદની ઓળખ એટલે ચાર મિનાર. ઈ.સ. 1591માં મોહમ્મદ કુલી કુતુબ શાહે પ્લેગ રોગ નાબૂદ થયાની ખુશીમાં આ સ્મારક બનાવ્યું હતું. તેના ચારેય ખૂણે ચાર ભવ્ય મિનારાઓ છે, જેના પરથી શહેરનું નામ પડ્યું હોવાનું મનાય છે. જૂના હૈદરાબાદના હાર્દ સમાન આ વિસ્તારમાં ખૂબ જ ભીડભાડ હોય છે. ચાર મિનારની આસપાસ આવેલું લાડ બજાર ખાસ કરીને તેની રંગબેરંગી કાચની અને લાખની બંગડીઓ માટે પ્રખ્યાત છે.
ગોલકોન્ડા ફોર્ટ : શહેરથી થોડે દૂર આવેલો ગોલકોન્ડા કિલ્લો એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. આ કિલ્લો તેની `એકોસ્ટિક સિસ્ટમ' માટે જાણીતો છે. કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર પર તાળી પાડવામાં આવે તો તેનો અવાજ છેક ઉપરના મહેલ સુધી સ્પષ્ટ સંભળાય છે! આ પદ્ધતિનો ઉપયોગ દુશ્મનોના હુમલા સમયે સંદેશાવ્યવહાર માટે થતો હતો. કોહિનૂર હીરો પણ અહીંની ખાણોમાંથી જ મળ્યો હતો. સાંજના સમયે અહીં યોજાતો `લાઈટ એન્ડ સાઉન્ડ શો' જોવા જેવો હોય છે.
રામોજી ફિલ્મસિટી : જો તમે ફિલ્મોના શોખીન હોવ, તો રામોજી ફિલ્મસિટી તમારી યાદીમાં હોવું જ જોઈએ. 2000 એકરમાં ફેલાયેલો આ સ્ટુડિયો કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી મોટું ફિલ્મસિટી છે. અહીં બાહુબલી જેવા ભવ્ય સેટ્સ કાયમી ધોરણે રાખવામાં આવ્યા છે. અહીં ફરવા માટે આખો એક દિવસ જોઈએ. અહીંના બગીચા, લાઈવ શો અને સેટ્સ તમને મનોરંજનની દુનિયામાં લઈ જાય છે.
હુસેન સાગર અને બુદ્ધ પ્રતિમા : હૈદરાબાદ અને સિકંદરાબાદ ટ્વીન સિટીઝને જોડતું હુસેન સાગર તળાવ એ શહેરનું મુખ્ય લેન્ડમાર્ક છે. તળાવની મધ્યમાં `જિબ્રાલ્ટર રોક' પર ગૌતમ બુદ્ધની વિશાળ એકશિલા પ્રતિમા સ્થાપિત છે. સાંજના સમયે બોટિંગ કરીને આ પ્રતિમા સુધી જવાનો અનુભવ ખૂબ જ શાંતિપૂર્ણ હોય છે. તળાવની ફરતે આવેલો `નેકલેસ રોડ' પણ ફરવા માટે પ્રખ્યાત છે.
સાલારજંગ મ્યુઝિયમ : આ મ્યુઝિયમ કલાપ્રેમીઓ માટે ખજાનો છે. તે દુનિયાના સૌથી મોટા `વન-મેન કલેક્શન'માં સ્થાન ધરાવે છે. અહીંની સંગેમરમરમાંથી બનેલી `વેઈલ્ડ રેબેકા'ની મૂર્તિ તેની પારદર્શક કોતરણી માટે વિશ્વભરમાં વખણાય છે. ઉપરાંત અહીંની ઐતિહાસિક ઘડિયાળ પણ જોવાલાયક છે.