વહેતિયાણ નદીના પહોળા પટમાં કલકલ નાદે ઝરણું રણઝણતું હતું. ઝરણાના મીઠા જળમાં ઘડુલો ડુબાડતા પહેલાં શારદાએ ઊંચે ઉપાડીને જોઈ લીધું. નદીકાંઠે ઊંચી ને વખુંભર ભેખડો.
ગાંડા બાવળની અડાઝૂડ રાંગ ને સાંજની અહૂરીવેળા. નદીનો નિર્જન પટ વિકરાળ લાગતો હતો. છતાંય કાળજા પર પથરાયેલા ફફડાટ પર સાંત્વનનો પાટો બાંધી શારદા સ્વગત બોલી: `મુને વળી ક્યો સાવઝ, દીપડો ખાય જવાનો છે.' પણ સામે થયું: `ઇ જંગલી જાનવરનો ડર ક્યાં છે, ડર તો જાનવર જેવા માણસનો છેને.'
શારદાએ નજર ફેરવી ત્યાં ધુખડિયા ઉજાસમાં એક ઓળો દેખાણો. આંખો ફાટી ગઈ. શ્વાસ થંભી ગયો. પંડ્યનું લોહી સ્થિર થઇ ગયું. `રોયો ઇ જ લાગે છે.' પાણી ભરવું કે નીકળી જાવું, તે નક્કી કરી શકી નહીં. ઘરે પાણીનો છાંટોય નો'તો. દી' આખો પારકી મજૂરી કરવામાં પાણી ભરાયું નહોતું.
`વાલામુંઇ પાણી વગર્ય મરી નંઈ જવાય, પણ આ કાળોતરો એરુ આભડી જાહે તો પછી જીવવું ઝેર થઇ જાહે.' નદીના નરાળવા પટ વચાળે ડરની મારી શારદા થાંભલો થઇ ગઈ.
જેનાથી લોકો ફફડતા હતા એ નરાધમ એભલ પગી જ હતો. રાતી આંખો, પૂળોપૂળો મૂછો. ખરબચડો ને કરરાટીભર્યો ચહેરો. હાથમાં કડીયાળી લાકડી. તેની સામે જોતાં ફફડી મરાય. વળી પાછો પગી. ભલભલાનું પગેરું ખોળી કાઢે. પાછો પોલીસનો મળતિયો એટલે મવાલીથી લઇ માલેતુજાર મનેખ એનાથી આઘા ભાગે.
શારદા પગ ઉપાડે એ પહેલાં તો એભલ ઉતાવળા પગે ઉરાઉર આવીને ઊભો રહ્યો. વનવગડાનાં ફૂલ સરીખી, વણબોટ્યું યૌવન લઈને ઊભેલી શારદાને પારેવડી માફક પીંખી નાખશે, એ કલ્પનાથી જાણે નદીનાં નીર થંભી ગયાં અને ઝરણાનો બાળક જેવો નિર્દોષ ખિલખિલાટ વીરમી ગયો.
`હે ભગવાન! અમે એવા કયા ગના કર્યા તે પારકી મજૂરી દીધી.' શારદા કકળી ઊઠી: `મજૂરી ભલે દીધી, પણ આવા રૂપ નો'તા દેવા. આ રૂપ જ નિરાંતે જીવવા નંઇ દે!' જે નરાધમનો ડર હતો એ જ માથે આવી ઊભો રહ્યો હતો. ભાગી શકાય એમ નહોતું. સાદ કે ચીસો પાડવા છતાંય કોઈ બચાવી શકે એમ નહોતું. કારણ કે આની ધાક જ એવી હતી કે, પારધીના હાથમાંથી પારેવડીને છોડાવવા કોઈ માડીજાયો આગળ ન આવે.
`શારદા દીકરી...' શારદાએ સાંભળ્યું ન સાભળ્યું કરી વાઘણના જેમ સામે નહોર ભરાવવા સાબદી થઇ ગઈ. જીવ જાય તો જાય, પણ આ ખોળિયાને અભડાવવા નથી દેવું. પળના પા ભાગમાં પ્રવાહ પલટાઈ ગયો. રૂપરૂપના અંબાર સમી શારદા રણચંડી થઇને ઊભી રહી. ત્યાં ફરી કાને અથડાયું: `દીકરી...' બળબળતા ઉનાળે ગરમ પાણીની છાલક માથે ઊડે ને થથરી જવાય એવું થયું. તેણીએ વિસ્ફારિત નજરે પગી સામે જોયું.
`તારે જે કે'વું હોય ઇ કે', બાકી હું ભોળવાવાની નથી.' શારદા દાંત ભીંસીને બોલી: `આઘો રે'જે મારા જેવી ભૂંડી કોઈ ભટકાણી નંઈ હોય હમજ્યો.' સામે એભલ તો જરાય થડક્યા કે ભડક્યા વિના અડગ ઊભો રહ્યો.
`અલી મૂઇ, તને તારા રૂપનું બોવ અભિમાન છેને?' આંતરસંવાદ શરૂ થયો: `કોઈને કોઠું દેતી નથી, પણ હવે જો તારી વલે થાય ઇ.' પછી સ્વગત કહે: `પળવારમાં પંખીડા જેમ પીંખી નાખશે, સમજી.'
`દીકરી બેટા, તને મારો ડર લાગે છેને?' એભલ દુભાતા સ્વરે બોલ્યો: `મારી મથરાવટી મેલી એટલે. બાકી બાપ પાંહે દીકરીને ડર શેનો લાગે?' આવું સાંભળતાં શારદાને કાન પર વિશ્વાસ ન બેઠો. પોતાનો બાપ સાંભરી આવ્યો. બાપ હયાત હોત તો પાણી ભરવાનું શું, મજૂરીએ જાવાનો જ વખત ન આવ્યો હોત.
`તારો ડર હાચો છે. મારાથી ભલભલા મનેખ ડરે છે. મેં કેટલાય કે'વાતા ઊજળા મનેખનાં કાળાં કામનાં પગેરાં ખોળી કાઢ્યાં છે.' કાળમીંઢ પથ્થર જેવો મનેખ નદીના નિર્મળ જેમ ખળખળવા લાગ્યો હતો.
`બેટા, મારેય તારા જેવી દેખાવડી દીકરી હતી, પણ... ઊજળા ઘરનો એરુ આભડી ગયો એટલે.' એભલ આગળ બોલી શક્યો નહી. તેની ઉંદરડાના ભોણ જેવી આંખો વીરડા જેમ ઊભરાવા લાગી. શારદા સ્તબ્ધ થઇ ગઈ. તેને નક્કી નહોતું થાતું કે પાસે ઊભેલો ગામનો ઉતાર ને અડાભીડ આદમી બાપનું આવું કૂણું કાળજું લઈને ફરે છે!
`મારી દીકરીની ભૂંડી દશા કરનારના સગડ ગોત્યા, પગેરું લીધું. પકડાણો ને મેં ઇ નરાધમના એવા ભૂંડા હાલ કર્યા કે જોનારું લોક મારાથી ફફડી ગયું.' પછી કહે: `ત્યારથી નદીના બેય કાંઠે મારી ધાક બેસી ગઈ.' એભલના અંતરની ખરી વાત સાંભળી જાણે નદીના પાણી ને પવન બેઉ થંભી ગયાં હતાં.
`મું વેળા-કવેળા કે સીમ-શેઢે કોઈ એકલદોકલ બાઇમા'ણાને જોઉં એટલે એની વાંહે વાંહે હાલતો ઠેઠ ગામના પાદર લગી જાઉં. મારી દીકરીનું થયું એવું કોયનું નો થાય એટલે.' પછી પારાવાર પીડા સાથે કહે: `મારું આ રખોપું કોઈને હમજાતું નથી.'
આખીય વાત શારદાને શીરાના કોળિયા જેમ ગળે ઊતરી ગઈ. તેના ઉરમાંથી નાદ પ્રગટ્યો: `બાપુ!'
`લ્યે દીકરી, પાણી ભરી લ્યે, હવે મોડું કર્યમાં.' ત્યાં સામે શારદા મોં ભરીને કહે: `બાપ હારે હોય પછી દીકરીને ડર શેનો.' નદીનાં ખળખળતાં નીર જેવું નવલું હેત શારદાના કાળજે ફરી વળ્યું.
