નોબલ પુરસ્કારો દર વર્ષે 10 ડિસેમ્બરે, આલ્ફ્રેડ નોબલના મૃત્યુની વર્ષગાંઠના દિવસે આપવામાં આવે છે.
વિજેતાઓની જાહેરાત સામાન્ય રીતે ઓક્ટોબરની શરૂઆતમાં કરવામાં આવે છે. મોટાભાગના પુરસ્કારો માટે પુરસ્કાર સમારોહ સ્ટોકહોમ, સ્વીડનમાં યોજાય છે, જ્યારે નોબલ શાંતિ પુરસ્કાર સમારોહ ઓસ્લો, નોર્વેમાં યોજાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર માટે ઘણી વખત નામાંકિત કરવામાં આવ્યા છે. વિવિધ પ્રકારના લોકો આ સન્માન માટે કોઈને નોમિનેટ કરી શકે છે. ગયા વર્ષે ન્યૂયોર્કના રિપબ્લિકન કોંગ્રેસવુમન ક્લાઉડિયા ટેનીએ અબ્રાહમ કરારમાં મધ્યસ્થતા કરવા બદલ તેમનું નામાંકન કર્યું હતું. નોર્વેજિયન રાજકારણી ક્રિશ્ચિયન ટાયબ્રિંગ-જેડે અને સ્વીડિશ રાજકીય વ્યક્તિ, મેગ્નસ જેકોબ્સને ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન નામાંકિત કર્યા હતા, પરંતુ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર યુએસ રાષ્ટ્રપતિથી બચી ગયો હતો. ફેબ્રુઆરીમાં ફરી એકવાર નામાંકિત કરવામાં આવ્યા છે. કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોના ઇઝરાયેલી મૂળના પ્રોફેસર અનત એલોન-બેકે નોબલ સમિતિને એક પત્ર સુપરત કર્યો હતો. જેમાં દલીલ કરવામાં આવી હતી કે પશ્ચિમ એશિયામાં શાંતિ કરાર સુરક્ષિત કરવાના તેમના પ્રારંભિક કાર્ય માટે ટ્રમ્પને આ પુરસ્કાર મળવો જોઈએ.
ઓપરેશન સિંદૂરમાં બરાબરનો માર ખાધા પછી બચાવ માટે ભીખ માંગનાર પાકિસ્તાને પણ તેમને `તાજેતરના ભારત-પાકિસ્તાન કટોકટી દરમિયાન નિર્ણાયક રાજદ્વારી હસ્તક્ષેપ અને મહત્ત્વપૂર્ણ નેતૃત્વ' માટે આ સન્માન માટે નામાંકિત કર્યા છે. ટ્રમ્પે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 37 વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે એક કરાર કર્યો છે. વળી, બંનેએ કહ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિને નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. આર્મેનિયા અને અઝરબૈજાન ઉપરાંત ટ્રમ્પે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 6 વધુ યુદ્ધોનો અંત લાવવાનો દાવો કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે નોબલ શાંતિ પુરસ્કાર મેળવવાની લાલસામાં કોઈ કચાશ રાખી નથી. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવવાના પોતાના દાવાને વારંવાર રજૂ કરતાં આ પુરસ્કારનો ઉલ્લેખ કર્યો. જોકે, ટ્રમ્પના આ દાવાને નવી દિલ્હીએ નકારી કાઢ્યો છે. ટ્રમ્પે જાહેરમાં ડઝનેક વખત નોબલ શાંતિ પુરસ્કારનો ઉલ્લેખ કર્યો છે. પછી ભલે તે તેમનાં ભાષણોમાં હોય, ઇન્ટરવ્યૂમાં હોય કે પ્રચાર રેલીઓમાં. તેમના પ્રથમ કાર્યકાળમાં પુરસ્કાર મેળવવામાં નિષ્ફળ ગયા પછી, પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રત્યેનો તેમનો ઉત્સાહ ઠંડો નથી પડ્યો ઊલટાનો ગાંડપણની હદે વધ્યો છે.
રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2009માં કાર્યભાર સંભાળ્યાના નવ મહિનાથી ઓછા સમયમાં પુરસ્કાર જીત્યો હતો. આ નિર્ણયથી વિશ્વભરમાં વિવાદ થયો હતો. પુરસ્કાર સ્વીકારતી વખતે શ્રી ઓબામાએ જ કહ્યું હતું કે અન્ય વિજેતાઓની તુલનામાં તેમની `સિદ્ધિઓ ઓછી' છે. 2024ના તેમના પ્રચાર અભિયાનના અંતિમ મહિનાઓમાં ટ્રમ્પે વારંવાર શ્રી ઓબામાના નોબલ શાંતિ પુરસ્કારનો ઉલ્લેખ કર્યો અને ફરિયાદ કરી કે તેઓ આ પુરસ્કારને લાયક નથી. એટલું જ નહિ, તેમણે કહ્યું હતું, "જો મારું નામ ઓબામા હોત, તો મને 10 સેકન્ડમાં નોબલ પુરસ્કાર મળી ગયો હોત". પોતાની હતાશામાં ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને નોબેલ પુરસ્કાર આપવા બદલ નોબલ સમિતિની ટીકા કરી હતી.
ટ્રમ્પ નોબલ શાંતિ પુરસ્કાર માટે ઝંખના કરે છે, પરંતુ ટીકાકારો કહે છે કે તેઓ તેને લાયક નથી, કારણ કે તેની કોઈ ગેરંટી નથી કે રશિયા-યુક્રેન અથવા ભારત-પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિ પ્રાપ્ત થશે. ભારત જાહેર કરી ચૂક્યું છે કે ઓપરેશન સિંદૂર ખતમ નથી થયું. એ વાત જુદી છે કે વિશ્વના મોટાભાગનાં યુદ્ધોની શરૂઆત પાછળ અમેરિકાની શસ્ત્ર વેચાણ નીતિ જવાબદાર હોય છે. તાજેતરમાં આ જ મહાશયે નાટો દેશોને 2035 સુધીમાં સંરક્ષણ ખર્ચનો લક્ષ્યાંક કુલ સ્થાનિક ઉત્પાદનના 2% થી 5% સુધી વધારવા દબાણ કર્યું છે.
ટ્રમ્પને અભરખો એ વાતનો છે કે તેમને અમેરિકાના મહાનતમ રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવું છે અને તેમને લાગે છે કે જો ઓબામાને કંઈ ન કરવા છતાં નોબલ મળતો હોય, તો તેમને તે શા માટે ન મળવો જોઈએ?
