`એ સાયેબ, મારી હાજરી નોંધી કે નંઈ.' શારદાએ ઊંચું ઉપાડીને જોયા વગર જ મજૂરોના ઘેરા વચ્ચેથી ઊંચા સાદે સંભળાવી દીધું હતું, પણ કંઈ જવાબ ન મળતાં તે સહેજ અકળાઇને ઊભી રહી હતી. પછી મનોમન બબડી હતી : `મારા રોયા' રોજ નવા નવા સાયેબો આવે છે, કેટલાકને કે'વાનું?' પણ પછી સાહેબ એટલે મસ્ટર કારકુન સામે નજર પડતાં જાણે આંખો ફાટી રહી હતી ને હૈયાના કબાટ ધડાધડ કરતાં ઊઘડી ગયાં હતાં.

આ દરમ્યાન મસ્ટરમાંથી માથું ઊંચકી, સામે જોઈ કારકુનને કહેવું હતું: `તમારું નામ બોલો બેન.'

પણ અન્ય આંખો સાથે આ ચાર આંખોનો સંધાડિયો જાણે વિસ્મયના પેલે પાર પહોંચી ગયો હતો.

મસ્ટર કારકૂન મહેશ પહેલી નજરે જ ઓળખની સરહદ પર આવીને ઊભો રહ્યો હતો, પણ શારદા પાસે નરવા ને ગરવા સાદ સિવાયની સઘળી ઓળખ અસ્ત થઇ ગઈ હતી. તેનું પાકી લીંબોળી જેવું ચીમળાયેલું મોં, અસ્તવ્યસ્ત વાળ, મેલા ઘાણ ને ચોળાયેલાં લૂગડાં શારદાની ઓળખ આડે આવીને ઊભાં રહ્યાં હતાં. મહેશ મોં વકાસી સામે જોઈ રહ્યો હતો, પણ શારદાથી સહ્યું જાય એવું નહોતું. તે એકદમ બોલી ગઈ હતી : `અરર માડી, હું તમારી બેન ક્યારથી થઇ ગઈ!' સામે મહેશે તડાક કરતો જવાબ આપી દીધો હતો : `જ્યારથી આપણા છૂટાછેડા થયા ત્યારથી.'

અને સાવ ટૂંકા સંવાદે જાણે સૌની વચ્ચે બેઉની કરમકથા ઉઘાડી પડી ગઈ હતી.

વનવિભાગ દ્વારા લોકસહયોગથી શરૂ થયેલા વૃક્ષારોપણ અભિયાનમાં મહેશ કારકૂન તરીકે અને શારદા એક મજૂર તરીકે આવી હતી. આમ બેઉનો જાણે અજાણ્યે બે વરસ બાદ ભેટો થઇ ગયો હતો.

શારદા અન્ય સ્ત્રીની જેમ જ ઈચ્છતી હતી, છૂટાછેડા લીધેલો પુરુષ ફરી ક્યારેય રસ્તામાં પણ આડો ન ઊતરે, મોત આવે ત્યાં સુધી તેનું ડાચું જોવા મળવું ન જોઈએ. તેના બદલે ઠામુકો સામે આવ્યો હતો.

શારદાને થયું હતું, કોઈ પણ જાતની લવારી કર્યા વગર મજૂરી છોડીને નીકળી જાય. જેની સાથે જીવનનો છેડો જ ફાડી નાખ્યો છે તે પુરુષ સામે હવે જોવા કે જીભાજોડી કરવાનો કોઈ મતલબ નથી.

`પણ મારો રોયો, બેન કહીને ઊભો રહ્યો છે, કંઈ લાજ-શરમ જેવું?' આ વાતે શારદાને બરાબરની અડી ગઈ હતી. સીધું ચોપડાવી દેવું હતું : `તું ભણ્યો પણ ગણ્યો નથી ને અક્કલનો છાંટોય તારામાં નથી!'

પણ મહેશ શારદા સામે આવીને ઊભો રહ્યો હતો. તેની આંખો કહેતી હતી : `કાં, સારો વર ને ઘર મળી ગયાં?' પછી આંખોમાં ઊગી આવ્યું હતું : `મારી સાથે છૂટાછેડા લીધા પછી આવી મજૂરી કરવા કેમ નીકળી છે, તારે તો કોઈ...' પણ મહેશ મન મારીને ઊભો રહ્યો હતો. પસાર થતી પળોમાં ભૂતકાળ ભોરિંગની જેમ ફૂંફાડા મારવા લાગ્યો હતો. અન્ય મજૂર બાઈઓ બેઉને જુગુપ્સાથી જોઈ રહી હતી.

ત્યારે શારદાની મા એક જ રઢ લઈને બેઠી હતી : `મારી દીકરી ઘરના ઢસરડા કરવા તમારા ગામડામાં નહીં રહે, જ્યારે નોકરી મળે, શહેરમાં રહેવા જાવ ત્યારે આવજો, ત્યાં લગી ભૂલી જાજો!' ત્યાં સામે વળતો પ્રહાર થયો હતો: `અમે તો અત્યારથી જ ભૂલી જાવા તૈયાર છીએ!' આવી બોલાચાલીમાં રીતસરની મડા ગાંઠ પડી ગઈ હતી ને અંતે છૂટાછેડા થઇને જ ઊભા રહ્યા હતા.મહેશનું ઘર સુખી હતું અને ગામડું હતું, પણ સુવિધા તો શહેરથી સવાઇ હતી.

શારદાને નાક કપાયા પછી હોઠ સલામત રાખવા જેવું થઇ પડ્યું હતું. તે તણાઇને બોલી ગઈ હતી : `મને બેન કહેતાં તમારી જીભ જ કેમ ઊપડી?' સામે તદ્દન સહજતાથી મહેશે કહ્યું હતું: `તો બેનના બદલે શું કહું?' આ સધ્ધર સવાલ સામે શારદા પાસે કોઈ જવાબ નહોતો. મહેશે વ્યંગમાં કહ્યું હતું: `મારી અભૂતપૂર્વ એવી પ્યારી પત્ની કહું?' પણ શારદા સમસમીને અન્ય સ્ત્રીઓ સાથે કામે વળગી ગઈ હતી, પણ પ્યારી પત્ની શબ્દ હૈયાની હોડીમાં હાલકડોલક થવા લાગ્યો હતો અને થયું હતું, હું હજુ પણ તેના માટે પ્યારી પત્ની છું.

છૂટાછેડા લીધા પછી શારદાને નબળું પાત્ર ગમ્યું નહોતું ને એવું ધારણા મુજબનું સારું પાત્ર મળ્યું નહોતું. પરિણામે જીવનના દોરડા પર લટકતી રહી હતી. અંતે તો આવી મજૂરી કરવાના દા'ડા આવ્યા હતા.બપોર બળબળવા લાગ્યા હતા.

ઝાડના છાંયે સૌ બપોરા કરવા બેઠાં હતાં. તેમાં મહેશ પણ હતો. ત્યાં શારદાએ : `હવે તો નવી બાઇનું રાંધેલું હશેને!' મહેશે હેતુપૂર્વક જવાબ આપ્યો હતો: `એ નવી કે જૂની કોઈનું ટિફિન મારી પાસે નથી.' તેમાં શારદાને સઘળું સમજાઈ ગયું હતું. તેણીએ મહેશ સામે જોઈને જણાવ્યું હતું: `પણ હું છું ને, કાલથી ટિફિન લેતી આવીશ.' પછી ગુસ્સા સાથે બોલી ગઈ હતી: `બેન કેજ્યો બીજી કોઈને, હું તો તમારી અભૂતપૂર્વ પત્ની જ છું.' તેનું મોં કંકુવરણું થઇ ગયું હતું. પછી તો વહેતો સમય બેઉ વચ્ચે સંતલસ કરવા લાગ્યો હતો અને એક ટિફિનમાં જમવા લાગ્યાં હતાં.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો